Chhappar Pagi - 17 in Gujarati Women Focused by Rajesh Kariya books and stories PDF | છપ્પર પગી - 17

Featured Books
Categories
Share

છપ્પર પગી - 17



પ્રવિણના મા બાપુ પોતાનાં વતન પહોંચી જાય છે.. અહીં મુંબઈ પણ બધા પોતાનાં રુટીન કામોમાં પુનઃ વ્યસ્ત થઈ ગયા છે. લક્ષ્મીનુ રેગ્યુલર ચેકઅપ થઈ રહ્યું હોય, કોઈજ કોમ્પિલીકેશન નથી..બધુ જ બરોબર છે. પ્રવિણ અને તેજલબેન સરસ રીતે લક્ષ્મીનું ધ્યાન રાખે છે. લક્ષ્મીની ઈચ્છા મુજબ દર અઠવાડીએ મંદીરે દર્શન કરવા અને થોડું આઉટીંગ કરી એને ગમતુ કરે છે, ભાવતું ખાવાનું આ બધુ નિયમિત ચાલે છે. ચાલમાં રહેતા અન્ય પરીવારો પણ હવે થોડા પરીચયમાં આવતા જાય છે..બધાને એવું જ લાગે છે કે પ્રવિણ અને લક્ષ્મી પોતાનાં બાળકને એક્પેક્ટ કરે છે એટલે બીજા પણ બે ત્રણ ઘરેથી કંઈ નવું બનાવ્યું હોય તો લક્ષ્મીને અચૂક યાદ કરે અને ચાખવા માટે લક્ષ્મીને મોકલતા રહે છે.

આ પરિસ્થિતિમાં બીજા ચારેક મહિનાઓ સરસ રીતે પસાર થાય છે…લક્ષ્મીને હવે છ મહિનાઓ પુરા થઈ ગયા છે.બન્નેના હવે આતુરતા વધતી જાય છે, જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ બન્ને નવા મહેમાનના આગમનની અન્ય તૈયારીઓ પણ કરી જ રહ્યા છે. બીજી તરફ તેજલબેન લક્ષ્મીની ગોદભરાઈનુ આયોજન કરી રહ્યા છે એટલે એ એક દિવસ સાંજે હિતેનભાઈ અને પ્રવિણ નોકરી પરથી પરત આવ્યા પછી ભેગા થાય છે અને આ અંગે વિગતવાર વાત કરે છે પણ બાકીનાં ત્રણેયને તો આ બાબતે કોઈ ગતાગમ ન હોવાથી તેજલબેન જે કહે છે એમ ફોલોઅપ કરવા તૈયારી બતાવી, શુભ દિવસનાં શુભ ચોઘડીયે આયોજન કરી દે છે.

ગોદભરાઈનુ નક્કી થયુ એનાં બીજા દિવસે પ્રવિણ ઓફિસ પર જાય છે, તે દિવસે શેઠ પણ આવ્યા હોય છે. શેઠે પિયુન જોડે સંદેશો મોકલી પ્રવિણને પોતાની ચેમ્બરમાં બોલાવે છે.. પ્રવિણ સાથે લક્ષ્મીની તબીયત અંગે અને બીજુ શું ચાલે છે તે અંગે વાતચીત કરી પછી પ્રવિણને કહે છે,

‘પ્રવિણ તારાં શેઠાણીની તબીયત છેલ્લા દસેક દિવસથી બરોબર રહેતી નથી..ડો.રચિતને બતાવ્યું છે.. ઉંમર સંબંધિત તકલીફો બધી શરુ થઈ ગઈ છે.. દવાઓ સાથે જ જીવન જીવવાનું… મારે પણ નિયમિત અમુક દવાઓ લેવી પડે છે, પણ મારે ધંધો, બહાર આવવું જવું થાય એટલે કામમાં મન પરોવાયેલુ રહે એટલે બહુ મન પર નથી આવતુ… પણ તારા શેઠાણીને મન ક્યાંય લાગતું નથી. મે દિકરા અને ડો. રચિત સાથે કોન્ફરન્સ કોલથી પણ બે ત્રણ વખત વાત કરી છે.. બધાનુ અને પછી મારુ પણ એવું કહેવુ છે કે અમે આ વ્યવસાય તને સોંપી, જરુરી વ્યવસાયિક આયોજન અને પાર્ટનરશીપ શેરિંગ વિગરે બાબતો નક્કી કરી ને અમેરિકા દિકરાનાં ઘરે જતા રહીએ.. મને તો ત્યાં ગમતુ નથી તેમ છતાં, હવે જવા તૈયાર છુ …પણ શેઠાણીનું મન માનતું નથી. અગાઉ ઘણી વખત જઈ આવ્યા ત્યારે પણ દિવસો ગણીને જ કાઢતા.. હવે ફરીથી કાયમી માટે જવાનું સમજાવ્યું તો કહે છે કે હવે મારે જીવવું કેટલું ? કોને ખબર ક્યારે જવાનું થાય ? મારો દેહ ગમે ત્યારે પડે તો દેશમાં જ પડે.. મારે ત્યાં જવુ નથી..આવુ જ રટણ કરે છે..’

પ્રવિણે કહ્યું, ‘ શેઠ..તમે અભિષેકભાઈને અહીં બોલાવી લો.. તમારે પૈસાની ક્યાં ખોટ છે..! અહીં એક સરસ હોસ્પીટલ બનાવીને એ હવે અહીંયા સેટલ્ડ થઈ જાય.. રચિત સર તો સપોર્ટ કરે જ.. બધુ જ સરસ ગોઠવાઈ જશે. રહી વાત આપણાં ધંધાની.. તો એ માટે અભિષેકભાઈને કોઈ જ બીજી જવાબદારીઓ નહીં આવવાં દઉં… હું બધુ સંભાળી લઈશ’

શેઠે કહ્યું, ‘પ્રવિણ તુ કહે છે તે બધી જ વાત કરી ચૂક્યો છું… તારી, તારા સ્વભાવની, તારી વફાદારી અને ધંધા પરત્વે કમીટમેન્ટની બધી જ બાબતો એને ખબર જ છે..એટલે તો ત્યાંથી કહેવડાવ્યું કે પ્રવિણ સાથે બેસીને બધુ ગોઠવીને અમેરિકા આવી જવાનું કહે છે..પણ તારા શેઠાણી તૈયાર જ નથી.. બીજા વિકલ્પ રુપે એ લોકો અહીં શિફ્ટ થઈ જાય એ વિચાર પણ કર્યો જ હતો.. પણ એ લોકો હવે અહીં સેટ થઈ શકે તેમ નથી.. બહુ ફોર્સ કરીએ તો આવી પણ જાય પણ હવે અમારી જાતી જિંદગીએ એ લોકોનું પણ બગાડવું નથી.’

પ્રવિણ અને શેઠ થોડી વાર શાંત બેસી રહે છે.. પછી પ્રવિણ બોલ્યો,
‘ શેઠ.. હું કંઈ તમને અને શેઠાણીને મદદરુપ થઈ શકું એમ હોય તો..!’

‘ હા… મારે અને શેઠાણીને લગભગ નિયમિત રીતે તારી અને લક્ષ્મી બાબતે વાત થતી રહેતી હોય છે..ત્રીજા વિકલ્પરુપે મારે વાત થઈ.. અભિષેક લોકોનું પણ આ બાબતે પુરુ મન માને છે… બધાનુ કહેવું એવું થાય છે કે જો પ્રવિણને વાત કરી જોવ.. જો એને અનુકૂળ હોય તો..’
આવુ જ્યારે શેઠ કહે છે, તો વચ્ચેજ અટકાવીને પ્રવિણે કહ્યુ..
‘શેઠ.. તમે મને મારી અનુકૂળતા એવુ કહીને પરાયો ન ગણશો..! તમારે મને આદેશ કરવાનો હોય.. બોલો મારે શું કરવાનું છે.. તમે કહો તો હવેથી દરરોજ તમારે ઘરે આવવા જવાનું રાખું.. પછી જ મારાં ઘરે જઈશ.. જ્યાં પણ અમારી જરુર હશે ત્યાં ખડેપગે હાજર રહીશ.. ધંધાનું ટેન્શન તમે બિલકુલ ન લેશો.. તમે જ્યારે મન થાય ત્યારે આવજો… તમારે ઘરે આવી જે કંઈ ધંધાની બાબત હશે તે રુબરુ જ કહેવા આવીને કલાક દરરોજ બેસીને જ જઈશ એટલે તમારાં બન્ને નુ મન પણ રહે અને ધંધાની બાબતો પણ થતી રહે..’
શેઠે કહ્યું,

‘પ્રવિણ મને તારાં પર પુરો ભરોસો છે જ.. આ બાબતે હું સાવ નિશ્ચિંત છું.. કે તુ ધંધાને સંભાળે જ છે…અને જરુર પડે તો અમારી જોડે પણ ઉભો જ રહીશ….પણ ત્રીજો વિકલ્પ એ નથી કે જે તુ વિચારે છે..! મારી વાત બરાબર એક વાર સાંભળી લે..’

પછી… શેઠે પોતાના મનની જે વાત હતી તે બધી પ્રવિણને કહી દીધી..અને કહ્યું કે, ‘તુ ઘરે જઈને લક્ષ્મી જોડે વાત કરી લે..પછી કાલે તારો જે જવાબ હોય તે તું અને લક્ષ્મી જોડે જ અહી ઘરે આવી ને કહેજો …હુ કાલે ડ્રાઈવરને મોકલીશ… લક્ષ્મીને આવા દિવસોમાં રીક્ષામાં બેસાડીને અહી સુધી લાવવી નથી..’

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા