સુર્યાસ્ત ૬
બે હજાર આઠ.ડિસેમ્બર મહિના ની છ તારીખે રાતના સૂર્યકાંત ની આંખમાંથી જાણે નિંદ્રા રિસાઈ ગઈ હોય એમ.એમની આંખ માથી નિંદ્રા અદ્રશ્ય થઈ ગઈ હતી.સૂર્યકાંત પથારીમાં પડ્યા પડ્યા પડખા ફેરવી રહ્યા હતા.ઘણી કોશિષ કરવા છતાં ઉંઘ આવતી ન હતી.એમણે પોતાના કાંડામાં પહેરેલા બ્રેસલેટ ઉપર નજર નાખી.
"કેવુ સરસ મારા ધનસુખે અમારા બંનેનું નામ કોતરાયું છે.સૂર્ય-કિરણ."
એ સ્વગત બોલ્યા.એમની નજરની સમક્ષ પોતાની કિરણ નો ચહેરો તરવરી ઉઠ્યો.છ વર્ષના ધનસુખ નો ભોળો અને શાંત ચહેરો દેખાવા લાગ્યો.બાર વર્ષની મેનકા.અને છ વર્ષની અલકા જાણે એમની નજર સમક્ષ આવીને ઊભી રહી ગઈ.
અલકા એની બાને કહી રહી હતી.
"બા.બા.કુસુમા.રમીલા.લીલા.રંભા.આ બધી મોત માઉલી ના ઉરુષમાં જઈ પણ આવ્યા.આપણે ક્યારે જઈશુ?"
(વાંદરામાં આવેલા માઉન્ટ મેરી ના ચર્ચ ખાતે દર વર્ષે સપ્ટેમ્બરમાં ભરાતા મેળા ને મોત માઉલી નુ ઉરુષ શા માટે કહેવામાં આવતું હતુ.આ હું નથી જાણતો વાચકો મિત્રો માંથી કોઈને આ વાતની ખબર હોય તો કૃપા કરીને જણાવશો.)
"તારા બાપુજીને પૂછીને કહીશ હો બેબી."
અલકા ને ઘરમાં બેબી કહીને બોલાવતા
સાંજે સૂર્યકાંત ઘરે આવ્યા એટલે શાંતા બહેને એમને કહ્યુ.
"આજે બેબી મોત માઉલી જવાનું કહેતી હતી.એની બધી બહેનપણીઓ જઈ આવી છે."
"એમ?તો આપણે પણ કાલે જઈ આવીએ.પણ?"
"પણ શુ?"
પોતાના ધણીના કપાળ ઉપર ચિંતા ની રેખાઓ જોતા શાંતા બહેને પૂછ્યું.
"તને તો ખબર છે કિરણ.કે હમણા હાથ કેટલો ખેંચ માં રહે છે.ખાલી મેળા માં ફરીને આવવું હોય તો ઠીક છે. પણ છોકરાઓ વેન કરશે તો?"
"નહીં કરે.હું સમજાવી દઈશ છોકરા ઓને.પણ એકાદું રમકડું તો લઈ દેવું પડશે હો,"
"એ ઠીક છે."
સૂર્યકાંતે મંજૂરી આપી.એટલે શાંતા બહેને ત્રણેય છોકરાઓને પાસે બોલાવ્યા અને કહ્યુ.
"તમારા બાપુજીએ કાલે ઉરુષ માં જવા માટે હા પાડી છે."
"વાહ.વાહ.મજા પડી ગઈ."
ત્રણે જણા ચિચયારી પાડી ઉઠ્યા.
"પણ મારી વાત ધ્યાનથી સાંભળો."
બા ના ચહેરાને ત્રણે જણા ધ્યાનપૂર્વક જોઈ રહ્યા.કે બા હમણાં શું કહેશે? બા એ સૌથી પહેલા મેનકાને ઉદ્દેશી ને કહ્યુ.
"મેનકા.તુ સૌથી મોટી છો.અને આ બેવ કરતાં વધુ સમજદાર પણ છો.એટલે પહેલા તને કહું છું.કે તારે ઉરૂષ માંથી કોઈ પણ વસ્તુ લેવાની હઠ નથી કરવાની.મંજૂર છે?"
"હા બા.મંજૂર છે."
મેનકાએ કહ્યુ.અને પછી ઉમેર્યું.
"હું ક્યારેય જીદ કરું છુ બા?"
"ના બેટા.તું તો મારી ડાય દીકરી છો."
પછી શાંતા બહેને બંને નાના બાળકોને સંબોધતા કહ્યુ.
"અલકા અને ધનસુખ હવે તમે ધ્યાનથી સાંભળો તમને બેમાંથી કોઈ એકને જ રમકડું લઈ દઈશું એટલે તમે બંને ભાઈ-બહેન નક્કી કરી લો કે કોના માટે લેવાનું છે."
બાના શબ્દો પુરા થતા જ અલકા તરત બોલી.
"બા આ ધન્યો જે માંગે એ લઈ દેજો."
"ના હો બા.નાની બેનને જે પસંદ આવે ને એ એને લઈ દેજો.હું યે એનાથી રમીશ.બેન મને રમવા દઈશ ને?"
"તને કીધું ને ધન્યા.તારે જ લેવાનું છે."
અલકાએ ધનસુખ ને તતડાવતા કહ્યું. તો જવાબ માં ધનસુખ હજી કંઈ કહેવા જતો હતો.ત્યાં શાંતા બેન એને અટકાવતા બોલ્યા.
"આપણે પહેલા ઉર્ષ માં જઈએ.પછી જેને જે પહેલા ગમે એ લઈ લેવું.બસ પછી બીજું બીજા કોઈએ કાંઈ માંગવું નહીં."
બીજા દિવસે સાંજે સૂર્યકાંત અને શાંતા બહેન ત્રણેય છોકરાઓને લઈને માઉન્ટ મેરી ના ઉર્ષ માં ગયા.સહુ થી પહેલા મીણબત્તીનું એક પાકીટ લઈને ચર્ચમાં મુક્યુ.અને પછી છોકરાઓને ચગડોળ માં બેસાડ્યા.થોડોક નાસ્તો પાણી પણ કર્યા.અને પછી બજારમાં ફર્યા.બજારમાં ફરતા ફરતા અલકા ની નજર એક રમકડાની દુકાનમાં લટકતી ઢીંગલી ઉપર પડી.અને બોલી ઊઠી.
"બા.બા.ઢીંગલી."
શાંતાબેન અને સૂર્યકાંત ત્રણેયને લઈને રમકડા વાળાની દુકાને ગયા.સૂર્યકાંતે દુકાનવાળાને કહ્યું.
"મારી આ દીકરીને.એને ગમે એવી ઢીંગલી આપો."
દુકાનવાળાએ એક ઢીંગલી અલકા ને દેખાડતા કહ્યુ.
"આ ઢીંગલી આપુ બેટા?"
"ના ઓલી નવી ઢીંગલી આવી છે ને? સુવડાવો તો આંખ બંધ કરે.અને બેસાડો તો આંખ ખોલે."
"ઓહો મારી બેટી એ પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે કે તેને કેવી ઢીંગલી લેવી છે."
સૂર્યકાંત બોલ્યા ત્યાં દુકાનવાળાએ અલકાએ કહી હતી એવી ઢીંગલી અલકા ના હાથ મા આપી.