BHOOT, BHEMO NE BHAMARAJI - 5 in Gujarati Moral Stories by NISARG books and stories PDF | ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 5

The Author
Featured Books
Categories
Share

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 5

(અગાઉના ભાગમાં ભમરાજીના ચારિત્ર્ય વિશે તથા ચંદુના ઘરની કહાની વિશે જાણ્યું. પથુનું મન પણ બદલાયું. હવે ભમરાજીને પાઠ કેવી રીતે ભણાવવો એની ચર્ચા ચાલતી હતી ત્યાં અંધારામાં કોઈક આવતું દેખાયું.. હવે આગળ... )
. ******************
હું, ચંદુ અને પથુ રાત્રે વડલા નીચે બેઠા ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં દૂરથી કોઈક આકાર ડોલતો, લથડીયાં ખાતો અમારી તરફ ચાલ્યો આવતો હતો.
અમે સતર્ક થઈ ગયા. પથુને ફાળ પડી હતી. કારણ કે ગામમાં એવી પણ વાતો ફેલાયેલી હતી કે રાત્રે કોઈકવાર પીપળાવાળું પ્રેત વડલા પાસે આંટા મારતું ઘણાંને જોવા મળે છે. આજે વાતોમાં સમય ક્યાં વીતી ગયો એની અમને ખબર રહી નહોતી. ઘણું મોડું થઈ ગયું હતું. વળી ચોમાસાની રાત હતી.
"કુણ હસે લ્યા માસ્તર.? પેપળાવાળું તો નઈ હોય ને..? " પથુ ખરેખર ખોફ ખાઈ ગયો હતો.
"જો લ્યા માસ્તર, ઓની તો ફાટી.. " કહીને ચંદુ હસવા લાગ્યો.
"અલ્યા ચૂપ મરો ને બેય જણા.. હમણોં ખબર.. જે હોય એ.. લગતુ તો આબ્બા દો.." મેં બન્ને ને ચૂપ રહેવા કહ્યું.
આકાર ધીમેધીમે અમારી તરફ આવતો હતો. અમે બેઠા હતા ત્યાં ગાઢ અંધારૂં હતું. વળી અમે વડવાઈઓની પાછળ એક લાકડા પર બેઠા હતા. એટલે રસ્તા પરથી કોઈ અમને જોઈ શકે તેમ નહોતું..
આકાર સાવ નજીક આવી ગયો. મેં દૂરથી જેનો અંદાજ લગાવ્યો હતો એ જ થયું.
"ભેમા..?? તું...?" તે ભેમો જ છે એવું નક્કી થઈ જતાં મેં એને પૂછ્યું.
"હે..? કુણ..? " ભેમો પણ ચમક્યો હોય એમ હાંફળોફાંફળો થઈ ગયો.
"અલ્યા મું સું..મું માસ્તર.." વડવાઈ પાછળથી બહાર આવતાં મેં કહ્યું.
"હાહરા ભેમલા.. તુંયે ચીયાકને બિવરાઈને મારી નોંખે એવો સે લ્યા.." પથુ પણ પાછળ પાછળ આવતાં ગુસ્સાથી બોલ્યો. તેને હવે 'હાશ' થઈ હતી.
"ઓહ ભેમલા.. તારું ભલુ થાય તારું.. અતારે ઓંય ચ્યોંથી આયો લ્યા..? " કહેતો ચંદુ પણ બહાર આવ્યો.
અમે ત્રણેય જણાએ રસ્તા પર આવીને ભેમાને ઘેરી લીધો. ભેમો ઊભો ઊભોયે ડોલતો હતો.
"ઓહ કાળિયા, તું તો પી જ્યો લાગે સે.. નખ્ખોદિયા.." ચંદુએ મોં બગાડતાં કહ્યું.
ભેમો કંઈ જ બોલ્યા વિના અમને જોતો હાથ જોડવા લાગ્યો. મને એ ના ગમ્યું એટલે એને તતડાવતાં કહ્યું, "અલ્યા ડફોળ, અમોને સું કોમ હાથ જોડે સે..? આ તારા ડોળ તો જો.. હાળા નફ્ફટ.. તું તો 'નહીં પીતો' ઈમ કે'તો'તો ને.. તો આ સું. .?? "
"ભ..ભ..ભૂલ થઈ જી માસ્તર, તમોને હાથ જોડું.. ચંદુભઈ.. પથુભઈ..મ..મ.. માફ કરો.. " ભેમો થોથવાતો બોલ્યો.
"અલ્યા અમે તને સું કોમ માફ કરીએ ભેમલા.. તીંયે અમારું કોય બગાડ્યું નહી હોં ભઈ.. પીવો.. હજુ વધારે પીવો.. તું તો હાહરા આખ્ખું પીપડું ભરીને પી જઈં તોયે અમારા બાપનું સું જવાનું સે..? " પથુ બિવાણો હતો તેથી ભેમા પર ગુસ્સે ભરાઈને બળાપો કાઢવા લાગ્યો.
"અલ્યા શોંતિ રાખને પથલા.." મને પથુ પર ચીડ ચડી. એટલે એને ટોકીને ચૂપ કર્યો. ચંદુ પથુને જોઈને હસવા લાગ્યો.
ભેમો ત્યાં નીચે બેસવાનો પ્રયત્ન કરવા લાગ્યો એટલે એને પકડતાં મેં કહ્યું, "અલ્યા.. અલ્યા.. ઊભો રે'.. હાળા મૂરખા ઓંય ગારામોં ચ્યોં બેહે..? હેંડ ઓમના.." હું ભેમાને હાથ પકડીને બાજુમાં પડેલા પથ્થર પર બેસાડવા લાગ્યો.
"જો જે ઈંની દશ્યા કરી સે..? હાળા બોઘાને બોલવાનું કે બેહવાનુંયે પૂરું ભોન નહીં.." ચંદુ પણ ભેમા પર ચીડાયો હતો.
"તું ઓંય ચ્યોંથી આયો લ્યા..? અતારે આટલી રાતે..? " મેં ભેમાને પથ્થર પર બેસાડતાં કહ્યું.
"મ...મ.. મું..? " ભેમાએ સામો પ્રશ્ન કર્યો. પછી ચકળવકળ નજરે અમારી સામે જોતાં બોલ્યો, "મું એક વાઈણામોં જ્યો'તો માસ્તર.. ચ.. ચ.. ચેહરાભા હંગાથે.."
"હંમ્મ્મ્મ્..." મને બધી જ વાત સમજાઈ ગઈ.. ચંદુ અને પથુને પણ ખબર પડી ગઈ કે ભેમાના આવા હાલ કેવી રીતે થયા હતા.
********************
ભેમો એક ભીલ હતો. કોણ જાણે ક્યાંથી આવીને મા-દીકરો ગામમાં આવીને વસ્યા હતા. પચીસેક વરસનો ભેમો એની પ્રૌઢ માતા સાથે ગામના છેવાડે રહેતો હતો. છૂટક જે મજૂરી મળે એનાથી પેટીયું રળીને તે ગૂજરાન ચલાવતો હતો.
ભેમો દેખાવે ડરામણો લાગતો. કાળો ડામર જેવો એનો વાન. ઊંચો એટલો કે અમે એના ખભે આવીએ. પાતળું શરીર, જડબાં બહાર ધસી આવેલાં, ઉપરની દંતાવલિ હોઠને હડસેલીને ડોકિયાં કરતી હોય એવું લાગે. ખભા સુધી અટવાતા માથાના ગૂંચો ભરેલા વાળ, અડધાએક ફૂટની ડોક, ઢીંચણ સુધી લંબાયેલા પાતળા હાથ, ને એવા જ લાંબા પગ. ડગલાં ભરતો ઉતાવળો ચાલે તો અમારે એની સાથે રીતસરનું દોડવું પડે. અમારું દોઢ ડગલું એટલે એનું એક. અવાજ થોડો પાતળો. હસે તો બીક લાગે.
ભેમાની એક ખરાબ લત હતી. તે દારૂના રવાડે ચડી ગયો હતો. દિવસે મજૂરી કરીને થાક્યો પાક્યો રાત્રે પી ને સૂઈ જાય. અમારા જેવા કોઈક શિખામણ આપે તો ગમે તેના સોગંદ ખાઈને નહીં પીવાનું નક્કી કરી દે. અને ઘડીકમાં જ ભૂલી પણ જાય. માત્ર દારૂના બદલામાં પણ ક્યારેક કાળી મજૂરી કરે.
ગામમાં ભૂત, વળગાડની માયાજાળ તો હતી જ. એટલે એને દૂર કરનારા ભૂવાઓ પણ હતા. કાળીચૌદસે સાધવાવાળા અને ભૂતને કાબૂમાં કરવાવાળા પણ ગામમાં અનેક હતા. એમાં ભમરાજીની તોલે કોઈ જ આવી શકે તેમ નહોતું.
ગામમાં કોઈને ભૂત કે વળગાડ વળગ્યો હોય તો એને કાઢવા માટેની વિધિઓ, વસ્તુઓ અલગ અલગ હોતી. કોઈ વળગાડ મરચું-રોટલાથી જ ચલવી લે તો કોઈ પેંડા, જલેબી, બંગડીઓ, અત્તર, ચવાણું, કપડાં વગેરે મળે એટલે વ્યકિતનો કોઠો છોડીને જતાં રહેતાં.
કોઈ મેલું ભૂત હોય તો દારૂ પણ માંગે. આવું "વાઈણું" ક્યાંય હોય તો ભેમો ત્યાં અચૂક પહોંચી જતો. પછી જે જગ્યાએથી વળગાડ વળગ્યો હોય ત્યાં માંગેલી વસ્તુઓ સાથે ઉતાર કાઢવામાં આવતો. ભૂવા સાથે જનારા નિડર(?) લોકો ખાવાની ચીજો ખાઈ જતા. તો વળી ભેમા જેવા ને તો દારૂમાં જ રસ હોવાથી બીજી વસ્તુઓને અડતા પણ નહીં.
અને આમ ગામલોકોના મનમાં સાચી-ખોટી ભૂતાવળ ભમ્યા કરતી.
*********************
ભેમો આજે આવા જ એક વાઈણામાં ચેહરાભૂવા સાથે જઈ આવ્યો હતો. ત્યાં દારૂ મળ્યો હશે એટલે આજે પીવામાં કંઈ જ બાકી નહીં રાખ્યું હોય.
"ઓહ ભેમલા.. ભેમલા.. તું હાળા કદીયે સુધરવાનો જ નહીં હોં લ્યા.. ઓંમોં ને ઓંમોં કોક દાડો જયે હોળના ભાવમોં.. " મેં ઠપકો આપતાં કહ્યું.
"અલ્યા કાળિયા.. તું એક વાતનો જવાબ આલજે લ્યા.." ચંદુ ક્યારનો કંઈક વિચારતો ઊભો હતો. નજીક આવીને પૂછવા લાગ્યો, "તમે ચઈ બાજુ વાઈણું લઈને જ્યા'તા લ્યા.?"
ભેમો ચંદુ સામે જોઈ રહ્યો. પછી બોલ્યો, "ચ.. ચ.. ચંદુભઈ, એ તો પેલું ગોચર સે ને, ઈંના વખડેથી વળગાડ આયો તો. તે ઈંકણ જ્યા'તા."
ગામના સ્મશાનથી સીમ બાજુ થોડે દૂર એક ગૌચર હતું. ત્યાં થોડાં નાનાંમોટાં વૃક્ષો પણ હતાં. એમાં એક ભયંકર બિહામણો લાગતો જૂનો વખડો પણ હતો. ત્યાં પણ ભૂતની વાતો જોડાયેલી હતી.
ભેમાએ કહેલી વાત પરથી મેં અંદાજ લગાવ્યો કે સાંજે સ્મશાનમાં કેરડો ધૂણતો હતો એને અને ભેમાને કંઈ લેવાદેવા તો નથી ને..!
તરત જ મેં ભેમાના હાથપગ, કપડાં તપાસ્યાં. કપડાંમાં નાનાનાના કાંટા મળી આવ્યા. ભેમાના હાથે પણ ઉઝરડા જણાયા. તરત જ પૂછ્યું, "તું મોંહણીયોં બાજુ જ્યો'તો લ્યા.? "
"મોંહણીયોં મોં..?" ભેમો મારી સામે જોતાં ખચકાતો બોલ્યો. "એ તો માસ્તર, શીશો હંતાડવા જ્યો'તો..?"
"હેંએંએં..???" ચંદુ ભડક્યો. "તો તો કેઈડામોં તું જ પડ્યો'તો ને લ્યા કાળિયા..?"
"હોવે ચંદુભઈ, કોંટા પણ વાજ્યા સે ભઈ.." ભેમો ચંદુને હાથ બતાવતાં બોલ્યો.
"ઓહ ત્તારું નખ્ખોદ જાય કાળિયા.. તારા લીધે તો અમે આજ લે-મેલ થઈ જ્યા'તા.. હોં વાજ્યું તને તો.. હાથ-પગ ભાગી ચ્યમ ના જ્યો તારો..?" સાંજ વાળી વાત યાદ આવતાં ચંદુ ભેમા પર બરાબરનો વિફર્યો.
પૂરી વાત સમજાઈ જતાં હું પણ ખડખડાટ હસી પડ્યો. પથુએ પણ ચંદુની ખૂબ ઉડાવી.
ત્યારબાદ થોડીવાર વિગતે વાતો કરી. ભેમો થોડો વધારે હોંશમાં આવ્યો એટલે સમજાવીને એને ઘરે રવાના કર્યો. અને અમે પણ ઘર તરફ વળ્યા.
. ****************
પથારીમાં પડતાં પહેલાં મેં ઘડિયાળમાં જોયું તો સવા એક થયો હતો. બહાર થોડો થોડો વરસાદ પણ ચાલુ થયો હતો.
દિવસભરની વાતોથી મારું મન વિચારે ચડ્યું હતું. ચંદુની બીના યાદ આવવાથી ભમરાજી પર ગુસ્સો આવ્યો. એને પાઠ ભણાવવા શું કરવું એની મથામણ ચાલુ થઈ.
ત્યાં તો ભેમો નજર આગળ ખડો થયો. બસ.. એટલી જ વાર..
"વાહ..વાહ...ભેમલા વાહ.. " એમ બોલતો હું પથારીમાં બેઠો થઈ ગયો. મારી પત્ની ચમકીને જાગી ગઈ. "સું થ્યું..? સું થ્યું..?" કરતી તે પણ બેઠી થઈ ગઈ..
. "શસ્સ્સ્સ્...." મેં મોંઢા પર આંગળી રાખીને એને સમજાવતાં કહ્યું, "કોય નહીં થ્યું લ્યા.. અડધી રાતે ઓમ રાડ્યો ના પાડ નકર આખો મેલ્લો ભેગો થાસે.. હૂઈ જા હેંડ શોંતિથી.. "
થોડીવારમાં પાછું બધું શાંત થઈ ગયું. પત્ની તો સૂઈ ગઈ, પરંતુ મારી ઊંઘ ઉડી ગઈ. કારણ કે ભમરાજીને પાઠ ભણાવવાનો રામાબાણ ઉપાય હવે મળી ગયો હતો.
"ચ્ચાણે દાડો ઊગે ને ચ્યાણે ચંદુને આ વાત કઉં..?" એમ વિચાર કરતાં કરતાં આખરે મને પણ નિંદર આવી ગઈ.
************(ક્રમશઃ)
- "નિસર્ગ" 🍁🍁🍁