Chhappar Pagi - 13 in Gujarati Women Focused by Rajesh Kariya books and stories PDF | છપ્પર પગી - 13

Featured Books
Categories
Share

છપ્પર પગી - 13


લક્ષ્મી જેવી ચાલીમાંથી નીચે ઉતરે છે અને આસપાસ જુવે છે તો ક્યાંય રીક્ષા કે પ્રવિણ દેખાતા નથી. લક્ષ્મી આજુબાજુ નજર ફેરવે છે… એને ચિંતા પણ થઈ કે મને જલ્દી નીચે ઉતરવાનુ કહ્યુ હતુ, પણ મારે બે પાંચ મિનિટ મોડું થયું…એમને ઓફિસ પહોંચવામાં મોડું થયું હશે અને નિકળી તો નહી ગયા હોય ને..! પછી એને વિચાર આવ્યો કે મારે મોડું થયુ તો ફરી મને બોલાવવા કે શોધવા ઉપર ગયા હોય..? એટલે એ ફરી પોતાની ચાલ તરફ જવા પાછળ ફરી પાંચેક ડગ માંડ્યાં હશે… તો પાછળથી અવાજ સંભળાયો… ‘લક્ષ્મી…. આવી જા..અહીં જ છું ઓટોરીક્ષામાં’
લક્ષ્મી ઉતાવળે પગલે પાછળ ફરી ઝડપથી રીક્ષામાં બેસી ગઈ અને તરત પુછ્યું, 'રીક્ષા લેવા આગળ જવું પડ્યુ ?'
'ના રે… રીક્ષા તો અહી નાકે જ ઉભી હતી પણ તારે બેચાર મિનીટ થવાની હતી જ તો હુ રીક્ષા લઈને થોડુ આગળ જઈ આવ્યો… લે આ વેણી નાંખી દે..! તારા માટે જ લેવા ગયો હતો.'
'તમે પણ શું…! શું છે આજે તમને.. પહેલા લાલ ડ્રેસ પહેરાવ્યો, હવે વેણી..! ઓફિસમાં કોઈ પાર્ટી જેવું છે..કે પછી મને તમારાં માટે કોઈ છોકરી જોવા લઈ જાવ છો..?'
લક્ષ્મીએ થોડા મજાકીયા અંદાજમાં કહ્યુ.
પ્રવિણ કંઈ રિસ્પોન્સ આપે એ પહેલા તો ઓટો ડ્રાઈવર મીરરમાં પાછળ સ્હેજ નજર કરીને બોલે છે,
‘અરે.. સાહબ… કયા આપ ભી… વહાં તો બોલ રહે થે કી મેમસાહબ કે લીએ.. બઢીયાંસા એક ગજરા દેદો.. તો અભી કહાં મેમ કો પકડા રહે હો..? અપને હાથોં સે લગાદો બાલોં મેં…ખુશ હો જાયંગી.’
એકદમ જ રીક્ષા ડ્રાઈવરે આવી વણમાંગી સલાહ આપી તો પ્રવિણતો થોડો છોભીલો પડી ગયો અને એને ફરીથી શુ રિએક્ટ કરવું એ ખબર જ પડી, પણ એક સેકન્ડની પણ વાર ન લગાડતાં લક્ષ્મી સહેજ આડી થઈ પોતાનાં વાળ પ્રવિણ તરફ ધર્યા અને હવે લક્ષ્મી આ મહેકતાં ગજરા સાથે વધારે મોહક લાગતી હતી. પ્રવિણે થોડીવાર પછી એક વાર લક્ષ્મી સામે ચુપકેથી જોવાનો પ્રયત્ન કર્યો એ લક્ષ્મીને ખબર પડી ગઈ.. એટલે એણે પ્રવિણ સામે પુરો ચહેરો ફેરવીને કહ્યુ,
‘જુવો તો જરાં.. મારી આંખ સોજેલી લાગે છે..?’
‘ ના ના એવુ તો જરાય નથી લાગતું.’
લક્ષ્મીએ થોડું સ્મિત આપી પરત સરખી બેસી, સાઈડમાં જોવા લાગી.
થોડીવારમાં તો ઓટોરીક્ષા ઓફિસ પહોંચી, ભાડું ચૂકવી બન્ને ઓફિસમાં અંદર ગયા. પ્રવિણે અંદર જઈ પહેલાંજ લક્ષ્મીનો પરીચય ઓફિસમાં રિસેપ્શનિસ્ટ બહેન સાથે કરાવ્યો અને કહ્યુ કે,
‘લક્ષ્મીને આપણી ઓફિસ અને આપણાં બિઝનેસ બાબતે માહિતી આપજો.. અને કંપની પણ આપજો. મારે થોડું કામ છે એ જરા પતાવી, પછી એક મિટીંગ છે એ પુરી થાય એટલે અમે પછી બહાર જવાના છીએ… તો જરા જોજો.’
‘ ડોન્ટ વરી સર… બેસ્ટ વિશીસ ફોર યોર મિટીંગ.’
ઓફિસમાં બધા પોતાનાં કામ પર વ્યસ્ત થઈ જાય છે. આજે તો શેઠ પણ હતા જ ઓફિસમાં એમણે પ્રવિણને જ મિટીંગમાં મોટેભાગે વાતચીત કરવા તક આપી હતી…લગભગ એક કલાક પછી પ્રવિણ મિટીંગ પતાવીને બહાર આવ્યો અને લક્ષ્મીને લઈને જવા નીકળતો હતો ત્યારે પિયુને બુમ પાડી અને કહ્યું, ‘ પ્રવિણ સર.. સાહબ અંદર બુલા રહે હૈ..ઔર લક્ષ્મીબહન કો ભી !’
બન્ને તરત અંદર જાય છે… લક્ષ્મીનો તરત અંદર પ્રવેશતા સાથેજ શેઠને વંદન કર્યા..શેઠે આશીર્વાદ આપતાં કહ્યું, ‘ દિકરી ચિંતા ન કરીશ.. બધુ જ સરસ થઈ જશે.. પ્રવિણ બહુ પરિપક્વ છોકરો છે, મારા અનુભવોથી કહુ છુ… તને ઈશ્વરે યોગ્ય વ્યક્તિનો ભેટો કરાવ્યો છે.’ પછી તરત પ્રવિણ સામે જોઈને કહે છે કે,
‘હવે રીક્ષામાં પરત ન જઈશ… હું આજે સાંજ સુધી ઓફિસમાંજ છું અને ક્યાંય બહાર નથી જવાનો.. એટલે તું લક્ષ્મીને લઈ પહેલાં ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા લઈ જજે, પછી તારું લંચનુ ટેબલ મે બુક કરાવ્યુ છે… ખબર છે ને ક્યાં ? પછી કારમાં જ ઘરે તમને છોડી દેશે અને ડ્રાઈવર કાર લઈને અહીં પરત આવશે પછી હુ નિકળીશ.’
પ્રવિણે હકારમાં અહોભાવ સાથે માથુ હલાવી લક્ષ્મી સાથે બહાર નિકળી કારમાં બેસી જાય છે.
લક્ષ્મી પહેલી જ વાર કારમાં બેસી હતી.. બેસતાં જ તરત પુછ્યુ કે કેમ ડોક્ટર પાસે જવાનું છે ? શેઠે પણ કેમ કહ્યુ મને ચેકઅપ કરાવીને જ…! તમને ? એમને ? કોણે ..! તેજલબેને તમને કંઈ કહ્યુ… તમે તો કાલે આવીને એમને મળ્યા પણ નથી..તો…! લક્ષ્મી એકસામટા કેટકેટલાંય સવાલો પૂછી લે છે..! એને કંઈ જ સમજાતું નથી કે આ શું અને કેમ થઈ રહ્યું છે… !
પ્રવિણ એને સરસ મજાનું સ્મિત આપીને કહે છે કે, ‘તને સારું નથી એ તુ મને ન કહે તો… મને ખબર પણ ન પડે એટલો અબુધ પણ નથી..! હું થોડા દિવસોથી જોવ છું કે તને કંઈ તકલીફ છે જ… એટલે મેં શેઠને વાત કરી હતી અને શેઠે શેઠાણીને જણાવ્યું તો એમણે કાલે જ કહેવડાવ્યુ હતુ કે તરત ચેકઅપ કરાવવાનુ છે અને શેઠે પણ મને આદેશ કર્યો હતો કે મારે તને લઈને ડો. રચિત સરની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પીટલ પર પહોંચી જવાનું છે.. પણ આજે એક ઈમ્પોર્ટન્ટ મિટીંગ હતી તો મેં મનાવ્યાં અને કહ્યું કે એક દિવસ પછી જઈશ… એટલે શેઠે આ મિટીંગ પતાવીને તરત જવાનું કહ્યું હતુ… પણ કાર અને ડ્રાઈવર પણ જોડે આપશે એતો મને પણ ખબર ન હતી.
લક્ષ્મીએ કહ્યુ કે,
‘ મને કંઈજ નથી થયું, બતાવવાની કોઈ જ જરુર નથી… ચાલો ઘરે જતા રહીએ.. હું ઘરે જ રસોઈ બનાવી દઈશ.. અને પછી મારે પણ તમને કંઈ….’
પ્રવિણે લક્ષ્મીને ઇરાદાપૂર્વક આગળ કંઈ કહેવા ન દીધું અને એને વાતમાં વચ્ચે જ રોકી ને કહ્યું,
‘એ બધુ પછી કહેજે.. પહેલા તો શેઠ- શેઠાણીનો આદેશ મુજબ જઈ આવીએ… હું મારા શેઠની આજ્ઞા નહીં ઉથાપું.’
લક્ષ્મીએ અનિચ્છાએ વાત અટકાવી અને પ્રવિણ પણ એ જ ઈચ્છતો હતો. બન્ને થોડી વાર શાંત બેસે છે.. અને પછી જે કારમાં બેસીને જતી હતી તે નિહાળવા લાગી.. એ જોઈને પ્રવિણે કહ્યું કે કેવી સરસ કાર છે..! ગમ્યુ તમે બેસવાનુ ..?
લક્ષ્મીને તો ગમે જ ને.. જિંદગીમાં પહેલીવાર કારમાં બેઠી એ પણ મર્સિડીઝમાં..પણ એને કાર વિશે કોઈ જ જ્ઞાન જ ન હતુ.. એટલે કહે છે, ‘ તમેય પછી પગાર વધે તો આવી ગાડી લઈ લેજો.. અને મને ભૂલી ન ગયા હોવ તો ફરી બેસાડજો..!
પ્રવિણે કહ્યું, ‘ આ ભવમાં તો આવી કાર તો શું કોઈ બીજી કાર પણ નશીબમાં નથી… આ ગાડી તો હશે એક કરોડ રુપિયાની…! એટલે આજે તો બેસવા મલ્યું એય તારા લીધે..બાકી તો હું બેસવાનું પણ ન વિચારુ, લેવાની વાતનું તો સપનુંયે ન આવે’ એમ કહીને હસ્યો..

હવે ડો. રચિત સરની મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પીટલે બન્ને પહોંચી ગયા.. કાર પાર્ક કરી, શેઠનાં આદેશ મુજબ ડ્રાઈવર પણ જોડે જ અંદર જાય છે.હોસ્પીટલમાં પહોંચે કે તરત રિસેપ્શનિસ્ટ શેઠનાં ડ્રાઈવરને ઓળખી જાય છે એટલે કોઈ જ ફોર્માલિટી પહેલાં કર્યા વગર લક્ષ્મીને ગાયનેક ડોક્ટરની ચેંબરમાં અંદર લઈ જાય છે. પ્રવિણ અને ડ્રાઈવર બન્ને બહાર વેઈટીંગ લોંજમાં બેસી રહે છે..થોડી વાર પછી લક્ષ્મીનું ચેકઅપ થઈ જાય છે, સોનોગ્રાફી કરે છે અને ડોક્ટરે કહ્યું કે,
‘ સબ ઠીક હૈ , ચિંતા કી કોઈ બાત નહી હૈ.. આપ બહાર વેઈટ કીજીએ.. મે પ્રવિણ સર સે જરુરી સારી બાતેં બતા દૂંગી.’

લક્ષ્મીને હવે એક ન સમજાય તેવી અકળ અનુભૂતિ થાય છે.. પ્રવિણ ને હવે ખબર પડશે જ .. શું થશે ? કેવું વિચારશે..? એ કેવુ અનુભવશે ? એના પછીનાં રિએક્શન શું હશે.. ? પણ હવે એ વિચારવા અસહાય જ હતી.. એ વિચારે ચડેલી હતી.. પ્રવિણ ડોક્ટર મેડમ પાસે જઈ ને બધી વાત કરે છે. જ્યારે ચેંબરની બહાર નિકળતો હોય છે ત્યારે ડોક્ટર કહે છે, ‘ પ્રવિણ સર.. આપ કાઉંટર પર લક્ષ્મી કી ફાઈલ બનવા લીજીએ..અબ તો રેગ્યુલર આના પડેગા.. આપ સિર્ફ ડિટેઈલ્સ લિખવા દેના.. બાકી રિપોર્ટ્સ વિગેરા ફાઈલ કર કે આપકો ફાઈલ વહીં સે મિલ જાયેગી… ઔર સર આપકો કોઈ ફીસ વિગેરા નહી દેની હૈ.. રચિત સરને બોલા હૈ.’

પ્રવિણ ડોક્ટરની ચેંબરની બહાર નિકળી તરત રિસેપ્શન કાઉંટર પર જાય છે.. રિસેપ્શનિસ્ટે પૂછ્યું, ‘લક્ષ્મીજી કા કેસ..!’ પ્રવિણે હકારમાં માથું હલાવ્યું તો ફરી પુછ્યુ, ‘ સર… પુરા પત્તા ઔર નામ લિખવાયે પ્લિઝ..’
પ્રવિણે એક નજર ઊંડા વિચારે દૂર વેઈટીંગ ચેર પર બેસેલી લક્ષ્મીનાં ચહેરા પર નજર કરી, થોડી વાર જોઈ જ રહ્યો અને પછી કહ્યું,
‘મેમ… લિખિયે…લક્ષ્મી પ્રવિણકુમાર ભારતીય’

લેખકઃ રાજેશ કારિયા