સૂરજના મેસેજ વાંચીને સંધ્યા ખુબ જ દુવિધામાં મુકાઈ ગઈ હતી. એને ક્ષણિક તો એમ જ થઈ ગયું કે, મેં જીવનસાથી પસંદ કરવામાં ખોટી ઉતાવળ તો નથી કરીને! એ આવું વિચારીને સાવ ચૂપ જ થઈ ગઈ હતી.
આ તરફ સંધ્યાના જવાબની રાહમાં સૂરજ વિચારોના ચકરાવમાં ઘુમેરાઈ રહ્યો હતો. એને એટલી બધી તકલીફ થઈ રહી હતી કે જેની સંધ્યાને કલ્પના જ નહોતી. સૂરજ આટલું જલ્દી એમની વાતને વડીલો સામે રજુ કરશે એની સંધ્યાને કલ્પના નહોતી. બંને પોતાની જગ્યાએ બરાબર જ હતા. પણ એકબીજાને સમજવામાં સહેજ ખોટા પડ્યા એ બંનેથી સહન થઈ રહ્યું નહોતું.
સંધ્યાએ ખુબ વિચારીને સૂરજને મેસેજ કર્યો, "હું આપણા સબંધ માટે તૈયાર જ છું. પણ આટલા જલ્દી વડીલોની સામે વાત કરવી એ મારુ મન સ્વીકારી શકતું નહોતું. હું મારી વાત રજુ કરવામાં સક્ષમ ન રહી શકી, સોરી સૂરજ. મને માફ કરી દો ને!"
સૂરજે જેવો સંધ્યાનો મેસેજ જોયો કે તરત એણે મેસેજ વાંચ્યો. સૂરજનું મન એ વાંચી એટલું શાંત થઈ ગયું કે એક ચહેરા પર હાસ્ય છવાઈ ગયું હતું. એ હાસ્ય રશ્મિકાબેન જોઈ ગયા. એમણે નિખાલસભાવે પૂછ્યું, "કેમ હશે છે બેટા?"
"અરે કંઈ ખાસ નહીં મમ્મી. એમ જ કાલનું પ્લાનિંગ કરું છું."
સૂરજે મમ્મીને જવાબ તો આપી જ દીધો પણ સંધ્યાને હજુ રીપ્લાય કર્યો નહોતો. સંધ્યા એના જવાબની રાહ જ જોઈ રહી હતી. સંધ્યાની અધીરાઈ વધી રહી હોવાથી એણે ફરી મેસેજ કર્યો, "મને માફ નહીં કરો?"
સંધ્યાનો મેસેજ જોઈને સૂરજની તંદ્રા તૂટી હતી. એણે પોતાના ઘરની બહાર જઈને સંધ્યાને સીધો ફોન જ કરી દીધો હતો.
સંધ્યાએ કોઈ જ વિલંબ વગર ફોન ઉપાડ્યો, અને કહ્યું, "સોરી. મને માફ કરી દો ને!"
"તું માફી ન માંગીશ! ભૂલ મારી જ હતી. મેં જ તારી સાથે વાત કર્યા પહેલા મારા પેરેન્ટ્સને કહી દીધું. બધું એટલી ઝડપથી થયું કે, હું તને જણાવી ન શક્યો!"
"મને તારી પ્રેયસી થઈ ને એમની સામે આવતા સંકોચ થાય! આથી હું તને કંઈ જ કહી શકતી નહોતી. પણ તું એમને લઈને મારે ત્યાં આવે તો કદાચ હું વધુ નોર્મલ રહી શકીશ."
"હા, સારું હું જ એમને લઈને તારે ત્યાં આવીશ."
"તે મારુ મોટું ટેંશન દૂર કર્યું. મને એમને એમ મળવું ખુબ અઘરું લાગતું હતું."
"સારું કાલ રાત્રે ૯ પછી એમને લઈને તારે ઘરે આવીશ. મળીએ કાલ રૂબરૂ. હું અત્યારે ફોન મુકું છું. કારણકે, અત્યારે મમ્મીનું ધ્યાન મારી ઉપર જ છે."
"ઓકે. મળીયે કાલે."
સંધ્યાને મનમાં ખુબ ચિંતા થવા લાગી હતી. એનું મન બહુ જ વ્યાકુળ થઈ રહ્યું હતું. એ કેમ કાલના દિવસનો સામનો કરશે એ ચિંતા એના મનમાં પેસી ગઈ હતી. એ આ ચિંતામાં જ હતી ત્યાં જ સુનીલ એના રૂમમાં આવ્યો હતો. સુનીલ એને ચિંતામાં ડૂબેલી જોઈને પૂછવા લાગ્યો, "તને શું થયું? કેમ મોઢું લટકાવીને બેઠી છે?"
"કાલ સૂરજ એના પેરેન્ટ્સને લઈને આપણા ઘરે આવશે! બસ, આજ ચિંતા થઈ રહી છે. મને એમનો કેમ સામનો કરવો એ સમજાતું નથી."
"એમ ખરેખર! આ તો સારી વાત છે ને! સૂરજ નિખાલસ છે આથી એના પેરેન્ટ્સને લાવે છે. બાકી આજના સમયમાં બધા ફક્ત સમય જ પસાર કરે છે. તું બહુ ભોળી છે સંધ્યા! તે આ વાત કરી મારી ચિંતા દૂર કરી દીધી. મને સૂરજ ગમે જ છે, પણ એક ડર હતો મનમાં એ હવે દૂર થઈ ગયો છે. તું ચિંતા ન કર અને શાંતિથી સુઈ જા. બધું સમય પર છોડી દે!"
"ભાઈના શબ્દ સાંભળીને સંધ્યા મનથી અને આંખથી હળવી થઈ જ ગઈ હતી."
સુનીલે સંધ્યાના આંખના આંસુ લૂછ્યાં અને એને પોતાની નજીક આલિંગનમાં લીધી અને કહ્યું, "તું જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી હવે હસતા ચહેરે રહેજે! મારાથી તારા આંખના વહેતા આંસુ જોઈ શકતા નથી. મને એમ શંકા થાય કે તું સૂરજ સાથે સુખેથી રહી શકીશ કે નહીં?"
સુનીલ અને સંધ્યા અચાનક ગંભીર વાત તરફ વળી ગયા હતા. સંધ્યા સુનીલની વાત સાંભળીને વધુ રોવા લાગી. સુનીલ એને બોલ્યો, "અરે તને હું રોવાની ના કહું છું, અને તું વધુ કેમ રડવા લાગી?"
"શું લગ્ન થઈ જશે તો તારો મારે માટે હક ન રહે? આ ઘર મારુ ન રહે? હું જ્યાં સુધી..." આટલું તો એ માંડ બોલી શકી હતી. અને એકદમ ચોધાર આંસુ સાથે રડવા જ લાગી હતી.
આજ સુનીલની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા. એ પણ થોડીવાર એમ જ ચૂપ રહ્યો, એણે થોડીવાર સંધ્યાને હળવી થવા જ દીધી પછી બોલ્યો, આ ઘર તારું જ છે અને રહેશે. તું આવું ન વિચાર મારો તને એવું કહેવાનો મતલબ નહોતો! તું સાવ ગાંડી જ છે! સુનીલે સંધ્યાના માથામાં ટપલી મારતાં બોલ્યું હતું.
"હું તો ઠીક પણ તું ડબલ ગાંડો એમ કહી સંધ્યાએ બે ટપલી મારી. બેનને મારે એને હાથમાં કાંટા ઉગે. ભૂલી ગયો? એમ કહી બીજી બે ફરી ટપલી મારી."
"આ સારું હો ભાઈ બધું ધ્યાન રાખે અને માર પણ ખાય! બહુ જબરા નિયમ એમ કહી સંધ્યાના માથામાં વાળને બાંધેલી પીન કાઢી સંધ્યાના વાળ વેરવિખેર કરીને સુનીલ રૂમની બહાર એમ બોલતો નીકળી ગયો કે, આવું કરવાથી કાંટા ન ઉગે એ પણ તને યાદ હશે ને!"
સંધ્યા ત્યાં જ ઉભી રહી હસતા ચહેરે ફરી પીન વડે વાળને બાંધવા લાગી અને મનમાં જ બોલી સાચે જ ગાંડો છે.
સંધ્યા પોતાના રૂમમાં આવી હતી. સુનીલ સાથે વાત કરી એટલે પોતાને હળવી અનુભવી રહી હતી.
આ તરફ સૂરજ પણ એજ વિચારમાં રહ્યો કે કેવી રીતે કાલનું બધું પ્લાનિંગ ૯ પહેલા પતાવવું. એણે તરત જ પોતાના પેરેન્ટ્સ ને કીધું કે, આપણે આવતી કાલે સંધ્યાના ઘરે જ જાશું, આથી એમનો પરિવાર પણ તમને મળી શકે અને રૂબરૂ થોડી બધા સાથે ઓળખાણ પણ થાય! સૂરજના પેરેન્ટ્સે તરત જ એની વાતને સહમતી આપી દીધી હતી.
સૂરજ અને સંધ્યાનો આખો દિવસ રાત્રે ૯ ક્યારે વાગશે એ વિચારમાં જ પસાર થયો હતો. આજ બંનેનો સમય જ જાણે થંભી ગયો હતો. બંને આ બાબત માટે ખુબ જ ઉત્સાહી હતા. સૂરજના પેરેન્ટ્સ તો જાણતા હતા પણ સંધ્યાએ હજુ કોઈ જ વાત પોતાના પેરેન્ટ્સને કરી નહોતી, આથી આ વાત ભૂલમાં સૂરજના પેરેન્ટ્સ જાહેરમાં રજુ કરે તો એ ડર થી સંધ્યા થોડી ચિંતિત હતી.
આખરે ખુબ રાહ જોયા બાદ એ સમય પણ આવી જ ગયો. સૂરજ એના પેરેન્ટ્સ સાથે સંધ્યાના ઘરે આવ્યો હતો. સુનીલે દરવાજો ખોલી આવકાર્યા હતા. બધા અંદર આવ્યા બાદ સોફા પર ગોઠવાય ગયા હતા. સૂરજે વાતની શરૂઆત કરી હતી. પંકજભાઈ અને દક્ષાબેન સાથે સૂરજે પોતાના પપ્પા ચંદ્રકાન્તભાઈ અને મમ્મી રશ્મિકાબેનની ઓળખાણ કરાવી હતી. બધા એકબીજાને મળીને આનંદ વ્યક્ત કરતા હતા. બધાએ પોતાના પરિચયથી વાત શરૂ કરી અને ત્યારબાદ એટલી વાતો કરી કે જાણે વર્ષોથી ઓળખતા જ હોય. સૂરજના પેરેન્ટ્સ સંધ્યાનું નખશીશ અવલોકન કરી ચુક્યા હતા. એમને સંધ્યા ખુબ ગમી ગઈ હતી. ચંદ્રકાન્તભાઈ થોડા વહેવારમાં હોશિયાર આ પહેલી મુલાકાતમાં જ સગપણની વાત કરવી એમને મન યોગ્ય નહોતી જ આથી એ બાબતે એમણે મૌન રહેવું ઉચિત લાગ્યું હતું.
સંધ્યા પણ ડરતી હતી એટલું એને અઘરું લાગ્યું નહોતું. એ સરળતાથી એ બધા સાથે ઉપસ્થિત રહી શકી હતી. દક્ષાબહેને સંધ્યાને બધા માટે કોલ્ડ્રિક્સ લાવવાનું કહ્યું હતું. સંધ્યા બધા માટે કોલ્ડ્રિંક્સ બનાવીને લાવી હતી. બધાએ કોલ્ડ્રિંક્સ પીધું એ પછી ચંદ્રકાન્ત ભાઈએ કહ્યું, "પંકજભાઈ હવે અમે રજા લઈએ? વાતોમાં ખુબ સમય પસાર થઈ ગયો, તમારે પણ કાલે કોલેજ માટે વહેલું ઉઠવાનું હશે ને?"
"હા, કાલથી ફરી કોલેજ રાબેતા મુજબ જઈશ! તમારી સાથેની આ પહેલી મુલાકાત હતી, પણ ખુબ મજા આવી. ફરી અનુકુળતા હોય ત્યારે આવતા રહેજો." પંકજભાઈએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું.
"હા, ચોક્કસ આવશું. અહીં તમારા સિવાય કોઈ જાણીતું નથી.અમે તો અવશ્ય આવશું જ અને તમે પણ અહીંના અમારા ઘરે પધારજો."
એક સરસ મુલાકાત બાદ બધા જુદા પડ્યા હતા.
સૂરજના પેરેન્ટ્સ ઘરે ગયા બાદ શું આપશે સંધ્યાના માટેના પ્રતિભાવ?
શું સંધ્યાના પેરેન્ટ્સ તૈયાર થઈ જશે સૂરજ સાથેના સગપણ માટે?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻