સૂરજ જેવો બહાર નીકળ્યો કે, તરત સંધ્યાએ સૂરજનું વિઝિટિંગ કાર્ડ જોયું, નંબર જોઈને એને તરત જ પોતાના મોબાઈલમાં એ નંબર સેવ કરવાનું મન થયું હતું. એ નંબર સેવ કરવા જતી જ હતી ત્યાં જ એને સુનીલનો ચહેરો નજર સમક્ષ દેખાયો હતો. સંધ્યાના હાથ અચાનક નંબર સેવ કરતા અટકી ગયા હતા. સંધ્યાને પહેલા સુનીલ સાથે વાત કરવાનું યોગ્ય લાગ્યું હતું.
સંધ્યાના હાથમાં હજુ મોબાઈલ હતો. સંધ્યાનું ધ્યાન પોતાના ગ્રુપના મેસેજના નોટીફીકેશન પર ગયું હતું. એને ગ્રુપ ખોલ્યું, એના અચરજનો પાર નહતો. ગ્રુપમાં બધાએ એટલી બધી મસ્તી મજાક કરતા મેસેજ કર્યા હતા કે સંધ્યા વાંચતા રીતસર ખડખડાટ હસી રહી હતી. એને અડધી કલાક તો એમના બધાના મેસેજ વાંચતા થઈ હતી, હજુ મેસેજ તો ચાલુ જ હતા. સંધ્યાએ બધા જ મેસેજ વાંચીને ડાયરેક ગ્રુપ કોલ જ કર્યો હતો. સંધ્યાએ બધાની સાથે સૂરજ સાથે જે પણ વાત થઈ એ બધું જ કીધું હતું. એકદમ પારદર્શક મિત્રતા એ લોકો વચ્ચે બંધાઈ ગઈ હતી. કોઈ જ વાત ગ્રુપમાં ગુપ્ત રહેતી નહોતી. બધા જ દરેકની લાઈફ વિશે જાણતા જ હતા. કદાચ એટલે જ સંધ્યાની ખુશીમાં આખું ગ્રુપ ખુશ હતું. વળી, વફાદાર પણ એટલા જ કે, અન્ય બહારના કોઈને ગ્રુપની નાની અમથી વાત પણ કરતા નહોતા. બધાએ થોડીવાર ગ્રુપ કોલમાં વાત કર્યાં પછી વાત પૂર્ણ કરી હતી.
સંધ્યાએ સાંજે જયારે સુનીલ આવ્યો ત્યારે જેવો સુનીલ ફ્રેશ થઈ ગયો કે, તરત મોકો જોઈને પોતાના રૂમમાં હાથ ખેંચીને એને લઈ ગઈ હતી. બધી જ વાત સુનીલને કર્યા બાદ એ બોલી, "હું સૂરજનો નંબર સેવ કરું?"
"અરે શું તું પણ.. હું ના પાડું તો શું સેવ નહીં કરે?" મજાક કરતા સુનીલે કહ્યું હતું.
"હા, નહીં કરું. પૂછવા ખાતર નથી પૂછતી ખરેખર તને પૂછું છું." સંધ્યા સહેજ ગમગીન અવાજમાં જે મનમાં હતું એ બોલી ગઈ હતી.
સુનીલ તો સંધ્યાની વાત સાંભળીને એકદમ ગળગળો જ થઈ ગયો હતો. એને સંધ્યાના માથા પર હાથ મૂકીને કહ્યું, "તું ક્યારેક એટલી બધી ભોળી લાગે ને કે મને ખરેખર તારી ખુબ ચિંતા થતી હોય છે. તું નંબર સેવ કરી લે."
સંધ્યા એટલી બધી ખુશ થઈ ગઈ કે, એ ભાઈને ભેટીને થેંક્યુ કહેવા લાગી હતી. કુદરતે જાણે દુનિયાની બધી જ ખુશી એને આપી દીધી હોય એટલી એ હરખાય રહી હતી. સુનીલ પણ સંધ્યાની ખુશીમાં ખુબ ખુશ હતો.
સંધ્યાએ બધું જ કામ ફટાફટ પતાવ્યું હતું. એ જલ્દી ફ્રી થઈને સૂરજને મેસેજ કરવા થનગની રહી હતી.
આ તરફ ઘરે જઈને સૂરજ એ રાહમાં જ હતો કે ચાર વાગ્યા પહેલા તો સંધ્યા કોન્ટેક્ટ કરશે જ! પણ સંધ્યાના કોઈ જ સમાચાર નહોતા. સાંજે જોગિંગમાં નીકળ્યો ત્યારે એને હતું કે, આજ સંધ્યા જો દેખાય તો એને ઈશારામાં કોલ કરવાનું કહીશ. સંધ્યા આજે મિત્રો જોડે ગ્રુપકોલમાં વ્યસ્ત હતી તો એની પ્રિય જગ્યા એને યાદ જ નહોતી આવી. સંધ્યાનું આમ ત્યાં ગેરહાજર રહેવું સૂરજને ખુબ અકળાવી રહ્યું હતું. એને થયું કે, હું ઉતાવળમાં સંધ્યાનો વિશ્વાસ ન જીતી શક્યો કે શું? એ ખુબ જ નિરાશ થઈ ગયો હતો. એનું મન કોઈ પણ પ્રવુતિમાં ચોંટતું નહોતું. બહાર જમીને રૂમમાં આવ્યો હતો. આજે સૂરજને પહેલીવાર પોતાના કોઈ સ્ટેપ પર ગુસ્સો આવ્યો હતો. એ ખુબ હતાશ થઈ ગયો હતો. હંમેશા સંધ્યાની નજરમાં ભારોભાર પ્રેમ છલકતો જ એણે જોયો હતો. એ સંધ્યાની પહેલી ઝલકને યાદ કરતો હતો અને અચાનક એને અમુક શબ્દો સ્પર્શવા લાગ્યા. એ વાંચનનો શોખીન હતો. એ શબ્દો એણે ક્યાંક વાંચ્યા હતા જે અત્યારે એને જ અનુરૂપ લખાયા હોય એવું એ અનુભવી રહ્યો હતો.
રંગીલા પતંગિયાને છે પાનખરનું જોખમ,
આ પાંદડે નીતરતી ઓસને સૂરજનું જોખમ,
વસંતની ખીલેલી સપ્તરંગી સાંજે
દોસ્ત! તારું અપલક નજરે સ્મિત કરી જવું મારા દિલ માટે જોખમ.
સૂરજ આ શબ્દોના રોમાંચને અનુભવતો જ હતો ત્યાં જ એના મોબાઈલમાં એક મેસેજની નોટિફિકેશન આવી. અજાણ્યા નંબર પરથી હેલ્લો નો મેસેજ જોયો. એ ખુબ જ ખુશ થઈ ગયો કે, આ સંધ્યા જ છે. એણે તરત જ એ મેસેજ ઓપન કરી જ લીધો.
અધીરાઈ એટલી હતી કે, એક પળ પણ નહોતી વીતતી, અને ધીરજ એટલી હતી કે, આખું આયખું રાહ જોવી હતી.
"હેલ્લો. આપ સંધ્યા?" સૂરજે પૂછી જ લીધું હતું.
"હા. હું સંધ્યા. તમે અત્યારે ફ્રી છો ને? મેં તમને હેરાન તો નથી કર્યા ને?"
"ના, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. આજે અનેકવાર મોબાઈલ લઈને ચેક પણ કર્યો કે તમારો મેસેજ તો નથી ને! તમે બહુ રાહ જોવડાવી!"
"સોરી, મેં આમ ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત નથી કરી. હું વાત કરું કે નહીં એ વિચારમાં જ મને ખુબ ટાઈમ લાગી ગયો."
"અરે પ્લીઝ માફી નહીં માંગો. કોઈ વાંધો નહીં હવે તો મારી રાહનો અંત આવ્યો એમ હું સમજુ ને?" આડકતરી રીતે સૂરજે પોતાની વાતનો ખુલાસો માંગી લીધો હતો.
સંધ્યા ફરી શું જવાબ આપે એ વિચારમાં પડી ગઈ હતી. એ મેસેજ વાંચીને એમ જ ચૂપ બેસી રહી હતી. સંધ્યા એ શબ્દોમાં એટલી ગુંચવાઈ કે એને જવાબ શું આપવો એ સમજાઈ રહ્યું નહોતું. એ કોઈ જ જવાબ આપ્યા વગર ઓફલાઈન થઈ ગઈ હતી.
સૂરજે જોયું કે, સંધ્યા ઓફલાઈન થઈ ગઈ આથી એ મનમાં જ હસી પડ્યો હતો. એણે ફરી મેસેજ કર્યો, "આપ જવાબ આપતા નહીં તો હું આપની ના સમજુ ને? કદાચ મારી જ કોઈક ભૂલ હશે કે હું આપની આંખમાંથી છલકતો સ્નેહ જીલી ન શક્યો. તમે નિશ્ચિંન્ત રહો હું ક્યારેય તમને મેસેજ નહીં કરું.
સંધ્યાએ જેવો મેસેજ જોયો કે એ ફરી તરત ઓનલાઇન થઈ અને મેસેજ રીડ કરી એમ જ એ મેસેજ જોતી રહી હતી. મનમાં એકદમ થઈ આવ્યું કે તરત ફોન કરીને કહું કે, હા હું તમને ખુબ પસંદ કરું છું. હું પણ તમારા સિવાય કોઈને મારા જીવનમાં લાવી શકું એમ નથી. પણ ન સંધ્યાથી મેસેજ થયો કે ન ફોન કરી શકી! બન્ને ઓનલાઇન રહ્યા અને એકબીજાને ઓનલાઇન જોઈને ખુશ થતા રહ્યા. લગભગ દસ મિનિટ પછી સૂરજે ફરી મેસેજ કર્યો, "તમે શાંતિથી વિચારીને કહેજો. આપનો જે પણ જવાબ હશે એ મને મંજુર છે."
"હું કહું તો જ તમે સમજી શકો?" મહા મહેનતે આટલું માંડ સંધ્યા લખી શકી.
સૂરજને માટે આટલા શબ્દો પણ પૂરતા જ હતા. એ એટલો બધો ખુશ થઈ ગયો કે જો સંધ્યા સામે હોત તો એને પોતાની બાહોમાં જ સમાવી લેત. સૂરજથી હવે ધીરજ રહે એમ બિલકુલ નહોતું જ એણે ચોખ્ખુ જ કહી જ દીધું, "આઈ લવ યુ સંધ્યા!"
સૂરજ સાથેની અમુક સંવાદોની વાતમાં સંધ્યા એટલી તો અનુકૂળ જ ગઈ હતી કે થોડો સંકોચ એનો દૂર થઈ ગયો હતો. અને દરેક સ્ત્રીના જીવનમાં પોતાના પ્રેમીના મુખેથી નીકળેલ આ શબ્દો એને ખુબ જ પ્રિય હોય છે. સૂરજના આ અંતિમ શબ્દોએ સંધ્યામાં એટલો વિશ્વાસ લાવી જ દીધો કે, સંધ્યાએ પણ પોતાના પ્રેમનો એકરાળ કરી જ દીધો હતો. સંધ્યાએ વોઇસ મેસેજથી કહ્યું કે, "હું પણ તમને ખુબ પસંદ કરું છું. આઈ લવ યુ સૂરજ." સંધ્યાનો વોઈસ મેસેજ સાંભળીને સૂરજ ખુબ જ ખુશ થઈ ગયો. સૂરજે વારંવાર એ મેસેજ મન ભરીને સાંભળ્યો હતો, અને એ મેસેજ વારંવાર સાંભળીને એટલો બધો એક્સાઈટેડ થઈ ગયો કે, કઈ જ વિચાર્યા વિના એણે તરત ફોન સંધ્યાને લગાડી જ દીધો હતો.
શું સંધ્યા ફોન પર વાત કરી શકશે?
કેવો હશે એમનો આવનાર સમય?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻