ધારાવાહિક :- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.
ભાગ 3
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
આમ, અચાનક આટલી સરસ જગ્યાનો પ્લાન બનાવ્યો હોવાથી ત્યાં જવાની સૌને જબરદસ્ત ઉત્સુકતા હતો. હજુ તો અંદર જવાનું પણ બાકી હતું ને મન તો ત્યાં હિલોળે ચઢ્યું હતું ચારેયનું!
અંદર ગયા પછી ટિકિટ લેવાની હતી, કારણ કે એ લોકોએ તો ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. અંદર જઈને જોયું તો તેઓ ચોંકી ગયા. સ્થળ પર જ લેવાની ટિકિટની માત્ર પાંચ જ બારી હતી અને એડવાન્સ ઓનલાઈન બુકિંગવાળાઓ માટે વીસ બારીઓ હતી! તેઓ થોડા જલદી પહોંચ્યા હોવાથી રાજ એકલો જ ટિકિટની લાઈનમાં જઈને ચારેયની ટિકિટ લઈ આવ્યો. ભીડ વધારે હોવાની આશંકાથી રાજે પહેલેથી જ એક્સપ્રેસ ટિકિટ બુક કરાવી હતી.
ત્યાં બે પ્રકારની ટિકિટ મળે છે - સાદી અને એક્સપ્રેસ. દરેક જગ્યાએ આ બંનેની લાઇન અલગ હોય! આપણે ઘણાં સ્થળોએ જોઈએ છીએ ને વી આઈ પી એન્ટ્રી, એ પ્રકારનું. એક્સપ્રેસ ટિકિટવાળાએ કોઈ પણ જગ્યાએ બહુ વધારે સમય લાઈનમાં ઉભા રહેવું પડતું નથી. એમનો નંબર જલદી આવી જાય અને એમનાં હાથ પર એક પટ્ટી બાંધી આપે જેથી અંદરનાં દરેક સ્થળે ફરજ પરનાં કર્મચારીઓને ખબર પડે કે આમની પાસે એક્સપ્રેસની ટિકિટ છે. ઉપરાંત ત્યાં દરરોજ ડ્રો થાય છે. ટિકિટની સાથે સાથે દરેક જણાને એક લકી ડ્રો કૂપન આપવામાં આવે છે, જે ત્યાંના મુખ્ય દરવાજાની ડાબી બાજુ આવેલા મુખ્ય સુપર સ્ટોરમાં એક બોક્સમાં વિગતો ભર્યા બાદ નાંખી દેવાની હોય છે. સાંજે સાડા છ વાગ્યા પછી ત્યાં જઈને જોઈ લેવાનું કે આપણો નંબર લાગ્યો કે નહીં😁 ત્રણ ઇનામો આપવામાં આવે છે. વિશ્વ જઈને એમની ફૂપન એમાં નાંખી આવ્યો.
બધી રાઇડ્સ ચાલુ થાય એની રાહ જોઈને એઓ ઉભા હતાં અને ગપ્પાં મારી રહ્યાં હતાં. દસેક મિનીટ થઈ હશે ત્યાં તો બધી રાઇડ્સ માટેનો ટ્રાયલ રન શરુ થયો. દાખલ થતાંની સાથે જ સૌથી પહેલી જે રાઈડ આવે છે એનું નામ છે 'નાઈટ્રો'. ત્યાંની સૌથી લાંબી અને સૌથી ઊંચી અને રોમાંચિત કરતી રાઈડ. એની ટ્રાયલ જોઈને જ સ્નેહા અને વિશ્વા તો રોમાંચિત થઈ ગઈ. એક બાજુ એમાં બેસવાનો ઉત્સાહ અને બીજી બાજુ એને જોઈને લાગેલા ડરથી બંને મુંઝાઈ ગઈ કે શું કરવું? બેસવું કે ન બેસવું?
આખરે સૌથી પહેલી રાઈડ નાઈટ્રો જ હોવાથી ત્યાં એ ચારેય જણાં પહોંચ્યાં. વિશ્વાને થોડો ડર લાગ્યો પણ રાજ અને સ્નેહા તેમજ વિશ્વએ તેને હિંમત આપી. એક લાઈનમાં ચાર ખુરશીઓ હોય છે. આથી એઓ ચારેય જણાં ત્રીજી લાઈનમાં બેસી ગયાં. આ રોલર કોસ્ટરની ઝડપ ઘણી જ વધારે હોવાથી કોઈ અકસ્માત ન થાય એ માટે સાથે લાવેલ તમામ વસ્તુઓ ત્યાં મૂકેલા બાસ્કેટમાં મૂકી દેવાની હોય છે. ચશ્મા પણ પહેરી શકાતા નથી. એ પણ બાજુ પર મૂકી દેવાનાં હોય છે.
બધી સીટ ભરાઈ ગયાં બાદ ત્યાં હાજર કર્મચારીઓએ દરેકની સીટ લોક કરી દીધી. અહીંની દરેક રાઈડમાં લોક કરવું ફરજીયાત છે. રાઈડમાં બેઠેલ તમામના લોક બરાબર થઈ જાય એટલે કર્મચારીઓ ત્યાંની એક કેબિનમાં બેઠેલા કર્મચારીને ઈશારો કરે છે અને એ કર્મચારી સેન્ટ્રલ લોક કરે છે. પછી કોઈ જ એ લોકને ખોલી શકતું નથી.
હવે નાઈટ્રો શરુ થઈ. પહેલાં ધીમે ધીમે આગળ વધી. પછી થોડી ઝડપ વધી. પછી થોડી વધારે અને એકદમ વધારે થઈ અને બધાં એટલાં ઉપર પહોંચી ગયા કે આખુંય ઈમેજીકા ત્યાંથી દેખાતું હતું અને બે જ સેકન્ડમાં એકદમ સીધા તેઓ નીચે અને કોઈ કશું સમજે એ પહેલાં જ નાઈટ્રો ઊંઘી, ત્રાંસી, આડી થઈને ફરીથી પોતાની જગ્યા પર આવી ગઈ. માત્ર દોઢ મિનિટની રાઈડ, પણ બધાંએ ચીસાચીસ કરી મૂકી હતી. ડર, રોમાંચ, સાહસ, મજા બધાંનો એકસાથે અનુભવ થયો બધાંને.
તો મિત્રો, કેવી લાગી નાઈટ્રોની સફર? મજા આવી ને? આવી જ બીજી ઘણી બધી રાઈડ ફરવા મળશે. બસ, હવે પછીનાં ભાગની રાહ જુઓ.
આભાર.
સ્નેહલ જાની