હે…આપણે લક્ષ્મીને દત્તક લઈ લઈએ તો..! મને આ વિચાર આવ્યો પછી જ થોડી શાંતી થઈ… લક્ષ્મીને પણ હું કહી આવી કે આવતીકાલે સુખનો સૂરજ ઉગશે… ચિંતા ન કરતી… તમે શું ક્યો છો.. મને ક્યો ને જલ્દી…!
તેજલબેનના પતિ હિતેનભાઈએ એક નિસાસા સાથે અને પછી થોડું વિચારીને કહ્યુ, ‘લક્ષ્મીની મને પણ બહુ જ ચિંતા થાય છે, એનું આ દુનિયામાં પ્રવિણ અને આપણાં સિવાય કોણ છે..! ભગવાને પણ આટલી નાની ઉંમરમાં આખા આયખાંની કસોટી આપી દિધી...આપણે પણ એ વખતે આવું ન બન્યું હોત તો આજે લક્ષ્મીની ઉંમરનું સંતાન હોત જ ને..! મને સંપૂર્ણ હમદર્દી છે જ… પણ તેજલ… આપણી એક નાની ખોલી..અને પછી લક્ષ્મી અને તેનું બાળક.. પાંચ પંદર દિવસની વાત હોય તો ઠીક છે પણ સવાલ આખી જિંદગીનો છે..!’
તેજલબેન બોલ્યા… ‘ હા… તમારી વાત સાચી પણ સવાલ લક્ષ્મીની જિંદગીનો પણ છે.. અને વિચાર કરો કે લક્ષ્મીને આ સમયે સૌથી વધુ જરુર એક “મા” ની છે. એના નશીબે એની મા તો પહેલેથી જ છીનવી લીધી, પછી પતિ અને હવે ઘરબાર બધુ… આવતીકાલે પ્રવિણને આ વાતની ખબર પડે અને લોકલાજે એ પણ પોતાની પ્રતિષ્ઠા કે સલામતી માટે વિચારે અને આ સ્થિતીમાં લક્ષ્મીને ક્યાંય આશ્રમ જેવી જગ્યાએ મૂકવાનું વિચારે તો એ પણ એની જગ્યાએ ખોટો તો નથી જ પણ લક્ષ્મીને અત્યારે જરૂર છે એક ઘર, એક સલામત આશરો અને એથીયે વિશેષ એક “ મા “ ની… મારુ મરી પરવારેલું માતૃત્વ ફરી આજે જાગ્યું છે.. પ્લીઝ મને માતૃત્વની ઝંખના પુરી કરી લેવા દો.. એક વાર એની ડિલીવરી થઈ જાય અને એનું સંતાન પાંચ સાત મહિનાનું થઈ જાય પછી એને માટે એનાં જેવું કોઈ પાત્ર શોધી આપણે પછી…’
હિતેનભાઈએ એને અટકાવી ને કહ્યું, ‘ અરે…સવાલ આપણી અગવડતાનો છે જ નહી..એને આપણે કેમ સાચવીશું.. આપણી પાસે નથી કોઈ પુરતી સવલત કે..’
તેજલબેને એમને અટકાવી વચ્ચે બોલ્યા, ‘સવાલ અત્યારે સવલતનો નથી સહારાનો છે.. ડૂબતા માણસને તણખલાનો સહારો પણ આશા જન્માવે અને બચાવી પણ લે.. તમે એ ચિંતા ન કરો.. બાકી બધુ મારા પર છોડી દો. તમને કે લક્ષ્મીને કે આવનારા બાળકને કોઈને પણ ઓછુ નહી આવવા દઉં…’
હિતેનભાઈએ પછી કહ્યુ, ‘આશરો આપનાર આપણે કોણ ? આશરો તો ઉપરવાળાનો..! સૌ પોતાનું નશીબ સાથે જ લઈને આવે છે.. આપણે તો બસ નિમિત્ત માત્ર છીએ… ચાલ આજે હવે જલ્દીથી સુઈ જઈએ.. કાલથી તો પછી તારા હાથનો તકિયો બનાવીને સુવા નહીં મળે..! દિકરી કાલે ઘરે આવશે તો હવે પછી એનુ જ વિચારવાનું. કાલે આવીને સાંજે આપણે પ્રવિણને મળી બધી વાત એને જણાવીશું એને બધી હકીકતથી વાકેફ કરી.. એને સમજાવીને લક્ષ્મીને આપણાં ઘરે વધાવીશું. પ્રવિણ સમજું અને ઘડાયેલ માણસ છે, મને વિશ્વાસ છે કે બધુ સરસ ગોઠવાઈ જશે.’
પતિ-પત્નિ બન્ને… ખાસ તો તેજલબેન એક ઉંડી રાહતનો શ્વાસ ભરી, નિંદ્રાદેવીનાં આગોસમાં લિન થઈ જાય છે.
તેજલબેન સવારે નિયત સમયે જાગી એક અનોખા ઉમળકાથી બધુ નિત્યકર્મ પતાવી ભગવાનને આજે વિશેષ આભાર વ્યક્ત કરવાના ભાવથી સેવાપૂજા કરવા બેસી જાય છે અને મનોમન પ્રાર્થના કરે છે કે ‘હે..દેવ સઘળું પાર પાડજે…! અમારા કરતા અમે તારા ભરોસે બેઠા છીએ. તુ જ બધુ જોજે..’
પૂજાપાઠથી પરવારી બન્નેએ ચા નાસ્તો કર્યો. હિતેનભાઈ તૈયાર થઈ નોકરી પર જવા તૈયાર થાય છે એટલી વારમાં તેજલબેને ટીફીન બનાવી, તૈયાર કરી હિતેનભાઈનાં હાથમાં મુકી કહ્યુ,
‘વહેલું અવાય તો ટ્રાય કરજો અને વળતા તમારા ભાઈબંધની દુકાનેથી ચાર પાંચ સાડીઓ લઈ આવજો.. એમાંથી મને ગમશે તે એક લક્ષ્મી માટે રાખીશું અને બાકીની કાલે પાછી મોકલી આપીશુ… આજે સાંજે લક્ષ્મી ઘરે આવશે તો મારે કંઈ તો આપવું ને..!’
હિતેનભાઈ નોકરી પર જવા નિકળે છે અને તેજલબેન પોતાનાં ઘરને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવા લાગી જાય છે.. ઘરમાં કેમ કરીને થોડી જગ્યા ખૂલી થાય, લક્ષ્મીને સુવા માટે ફોલ્ડીંગ પલંગ પથરાય તેવી રીતે જગ્યા કરી વધારાનો સામાન એ પલંગ નીચે ગોઠવી, સરસ વ્યવસ્થા કરી દીધી અને પછી એક મોટા હાશકારા સાથે શર્ટના ગાજ બટન ટાકવા બેસી જાય છે.. આજે તો એને ડબલ કામ કરવાનું હતું… લક્ષ્મીનું ગાજ બટનનું કામ પણ લીધેલ પુરુ કરવાનુ હતુ..પણ આજે તો એની સ્પીડ પણ ડબલ જ હતી.
આ તરફ લક્ષ્મીએ પણ બધુ જ રોજિંદા ક્રમ મુજબ સવારે પુજાપાઠથી પરવારી ચા નાસ્તો કરાવી… પ્રવિણનાં ટીફીન માટે રસોઈ કરવા જઈ જ રહી હતી.. પણ પ્રવિણે એને અટકાવી અને કહ્યું કે આજે ટીફીન નથી બનાવવાનું..
લક્ષ્મીએ પુછ્યુ કે, ‘ કેમ આજે ઓફિસમાં કંઈ..’
‘ના’ … ‘પણ આજે કંઈ જ ન પુછીશ.. બસ તુ મને કહે કે આજે જે હુ કહીશ તે બધુ જ તુ માનીશ.’
‘ પણ છે શું આજે એ તો કહો..?’
‘તું આજે પેલો લાલ પંજાબી ડ્રેસ પહેરીશ ?’
‘ મેં તો એ લાલ કલર પસંદ જ નહતો કર્યો.. એક જ ડ્રેસ લેવાનો હતો ને તમે ત્રણેય લઈ આવ્યા.. પણ ક્યાં જવું છે? કેમ ? કંઈ તો કહો..? અને તમારે ઓફિસ નથી જવાનું ? કાલ તો એવું બોલીને સુતા હતા કે કોઈ પાર્ટી આવવાની.. મિટીંગ છે..તો ..? સવારે અચાનક આ શું ?
પ્રવિણે કહ્યુ કે ઓફિસ પણ જવાનું છે.. પાર્ટી સાથે ત્યાં મિટીંગ પણ કરવાની છે.. પણ એ બધુ એક કલાકમાં મારે પતી જશે.. ત્યાં સુધી તું ઓફિસમાં રહેજે.. તારે ઓફિસ પણ જોવાય જશે, મારું કામ પણ પતી જશે.’
‘ હા… ઓફિસ તો જોવાનું મનેય બહુ જ મન છે.. પણ લાલ કલરનો ડ્રેસ નહી.. મારે એ કલર તો બિલકુલ..’
પ્રવિણ એને તરત અટકાવીને કહે છે, ‘આજે મારું માન રાખ પ્લિઝ..’ પ્રવિણે એટલુ સરસ લાગણીથી કહ્યુ કે લક્ષ્મી અનિચ્છા હોવા છતાં પણ એ લાલ કલરનો પંજાબી ડ્રેસ પહેરવાની સ્પષ્ટ ના પાડી શકી.. પછી બોલી, ‘હું જરા તેજલબેનને જણાવી દઉને કે હું તમારી ઓફિસ પર આવુ છું તો મારી અત્યારે રાહ ન જુવે… તમે જાવ નીચે ત્યાં સુધીમાં હું તૈયાર થઈ નીચે આવું છું.
પ્રવિણે કહ્યું કે , ‘હું તેજલબેનને જણાવી દઉં છું… તુ તરત નીચે જ આવી જા..હું રીક્ષા રોકી રાખુ છું.. આજે ટ્રેનમાં નથી જવું .. રીક્ષા સીધી જ ઓફિસ સુધીની જ કરીશ… તને ટ્રેનની ભીડમાં નથી લઈ જવી..!’
આટલુ કહીને પ્રવિણ ઝડપભેર બહાર જાય છે અને તેજલબેનને જણાવવા એના ઘરે પહોંચે છે. પ્રવિણ પોતે ઈચ્છતો ન હતો કે લક્ષ્મી પોતાની સાથે બહાર જતાં પહેલા તેજલબેનને મળે… કેમ એવું વિચારે છે એનાં માટે હાલ પૂરતું તો ચોક્કસ કારણ છે, એટલે જ તો એવું કહીને જાય છે પોતે નીચે રીક્ષા ઉભી રખાવે છે અને લક્ષ્મી સીધી જ નીચે રોડ પાસે આવી જાય.
લક્ષ્મી પણ ચપળ તો હતી જ… એટલે એ પણ તૈયાર થવામાં ઉતાવળ કરી તેજલબેનને બે મિનીટ માટે મળી શકે એવી ગોઠવણ કરીને તરત તેજલબેનને મળવા પહોંચી જાય છે. તેજલબેને તરત પુછ્યુ કે કેમ અચાનક જવાનું? કયાં ? પણ લક્ષ્મીએ જણાવ્યુ કે ઓફિસ જોવા લઈ જાય છે, પછી શું એના મનમાં હશે ખબર નથી. તેજલ બહેને કહ્યુ કે, ‘ સારુ બેટા જઈ આવ, રસોઈ ન બનાવવા દિધી એટલે બહાર જ જમવાનુ થશે.. અને ક્યાંય બીજે જશો તો સાંજ પણ થઈ જ જશે..પણ પેલી વાત હમણાં તુ ના કરીશ.. અમે બન્નેએ તારા માટે બધુ જ વિચારી રાખ્યું છે અને બધુ જ સરસ ગોઠવાઈ ગયુ છે.. તમે બન્ને જઈ આવો પછી સાંજે એ આવે એટલે અમે બન્ને તને અને પ્રવિણને મળીએ છીએ.. પછી પ્રવિણને અમે જ બધી વાત કરીશું… અને સાંભળ દિકરી તુ લાલ કલરમાં બહુ જ સરસ દેખાય છે..’ એવું કહીને તેજલબેને ઝડપથી કોમ્પેક્ટની ડબ્બી લાવી લક્ષ્મીને લગાવી આપ્યુ અને કહ્યું કે જા બેટા તારે મોડું થશે, પ્રવિણને રીક્ષા પણ મળી ગઈ હશે અને રાહ જોતો હશે…
( ક્રમશ: )
લેખક: રાજેશ કારિયા