ધારાવાહિક :- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.
ભાગ 2
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
લો! ફરીથી આવી ગઈ આપ સૌની સમક્ષ પ્રવાસે લઈ જવા માટે. ચારેય જણા કાર લઈને ઈમેજીકા જવાનાં હતાં. બધો પ્લાન નક્કી કરી તેઓ છૂટા પડ્યા. ફટાફટ બંને યુગલે પોતાનાં સામાન પેક કરવાની તૈયારી કરવા માંડી. એકબીજાની સાથે ફોન પર સામાન પેક થઈ ગયાનું કન્ફર્મ કર્યું અને બીજા દિવસે સાથે મળીને મજા કરવાનાં અને એક સુંદર સ્થળની મુલાકાત લેવાનાં વિચારો સાથે સુઈ ગયા.
બીજા દિવસે સવારે નક્કી કરેલા સમય મુજબ બધાં રાજનાં ઘરે ભેગા થયાં. થોડી વાર એને ત્યાં બેઠા અને પછી ચારેય જણાં સાથે નીકળી ગયાં. રાજની કાર લઈને તેઓ નીકળ્યાં. રાજ અને વિશ્વ વારાફરતી કાર ચલાવી રહ્યા હતા. તેઓ સુરતથી જઈ રહ્યાં હતાં અને રસ્તો લાંબો કાપવાનો હતો. આથી બે ત્રણ સ્થળોએ તેઓ રોકાયા હતાં. એક સ્થળ દહાણુ ખાતે આવેલું મહાલક્ષ્મી માતાનું મંદિર પણ હતું. ત્યાંથી દર્શન કરી અડધો કલાક આરામ કરી ફરીથી પોતાનો પ્રવાસ શરુ કર્યો.
રસ્તામાં ગુગલ મેપ ચેક કરતાં ગયાં તો જાણ્યું કે વિશ્વવિખ્યાત પર્યટન સ્થળો ખંડાલા અને લોનાવાલા ત્યાંથી માત્ર વીસ કિલોમીટરનાં અંતરે જ હતાં. આથી હવે તેઓ ત્યાં પણ જવાનાં હતાં. ચારેય જણાં ખુશ હતાં આ અચાનક બનેલાં પ્લાનથી. વિશ્વા અને સ્નેહા તો પાછળ બેઠાં બેઠાં જ બંને સ્થળની મુલાકાતે પણ જઈ આવી, પોતાની કલ્પનામાં!
ત્યારબાદ વિશ્વા અને સ્નેહાએ ઈન્ટરનેટ પર ત્યાંના જોવાલાયક સ્થળોની માહિતી ભેગી કરવા માંડી. સાથે લીધેલી ડાયરીમાં બધું નોંધી લીધું. તમામ સ્થળોના નામ, એ ક્યાં આવેલાં છે અને એની આસપાસ ક્યાંક રોકાણ કરવું પડે તો રહેવાલાયક જગ્યાઓની પણ યાદી એ બંનેએ બનાવી દીધી. એક સ્થળે તેઓ ફરીથી રોકાયા થોડો આરામ કરવા. બંને સ્ત્રીઓએ પોતે કરેલ સર્ચ અને બનાવેલ યાદીની વાત રાજ અને વિશ્વને કરી. એ બંને હસી પડ્યા. "બહુ ઝડપી શોધ છે તમારાં બંનેની તો?!" રાજ બોલ્યો અને ચારેય જણાં હસી પડ્યાં.
ફરીથી એમની મુસાફરી શરુ થઈ એમની ફરવાના સ્થળ તરફની. દોઢેક કલાક થયો હશે ને એઓ ઇમેજીકાથી માત્ર એકાદ કિલોમીટર દૂર હશે ને એક હોટેલમાં બે રુમ લઈ લીધાં, બે દિવસ માટે. એક આવ્યાં તે દિવસ માટે અને બીજું ઈમેજીકા જાય એ દિવસે થાક ઉતારવા માટે. આટલું બધું ઇમેજીકામાં ફર્યા બાદ થાક્યા શરીર સાથે કાર ડ્રાઇવિંગ કરવાની તેઓ વિરુદ્ધમાં હતાં. વાત પણ યોગ્ય હતી. ન કરે નારાયણ ને કંઈક થઈ જાય તો!એનાં કરતાં રોકાઈ ગયેલાં સારાં.
બીજા દિવસે સવારે સાડા આઠ વાગ્યે ચારેય જણાએ જે હોટેલમાં રોકાયા હતાં ત્યાં જ થોડો ગરમ ગરમ નાસ્તો કરી લીધો અને જેમ બને તેમ જલદી ઈમેજીકા પહોંચવાનું નક્કી કર્યું. સવા નવ વાગ્યે તો તેઓ ત્યાં પહોંચી પણ ગયાં. એનું વિશાળ પાર્કિંગ જોઈને જ કોઈને પણ અંદાજો આવી જાય કે ત્યાં કેટલી મોટી સંખ્યામાં લોકો આવતાં હશે!
કાર પાર્ક કરી તેઓ એનાં મુખ્ય દરવાજા તરફ પહોંચ્યાં. ત્યાંથી થોડા આગળ ગયાં તો અંગ્રેજીમાં ઈમેજીકા લખેલું એક સ્થળ આવ્યું, જ્યાં બધાં ફોટો પડાવતાં હતાં. (લેખ માટેનો જે પ્રોફાઈલ ફોટો છે એ) એ ચારેય જણાએ પણ લગભગ આઠ દસ ફોટા લીધાં. ડિજિટલ કેમેરો હતો એટલે ફોટાની સંખ્યાની ચિંતા ન્હોતી. વહેલા પહોંચી ગયા હોવાથી થોડો સમય ત્યાં જ રાહ જોવી પડી. પછી સ્ત્રીઓ અને પુરુષોની અલગ લાઈનમાં એમને અંદર લીધાં. તમામ સામાન સ્કેનરમાં ચેક કર્યો. બહારથી કોઈ પણ પ્રકારનાં હથિયાર કે ખાવાનું કે પીણાં લઈ જવાની સખ્ત મનાઈ હતી.
હવે અંદર દાખલ થયા પછી એમણે શેની શેની મુલાકાત લીધી અને કેવી મજા કરી એ આવનારા અંકોમાં જોઈશું. તો રાહ જુઓ નવા ભાગની અને મજા લો ઘરમાં બેઠા બેઠા આ સ્થળની મુલાકાતની...
આભાર.
સ્નેહલ જાની