BHOOT, BHEMO NE BHAMARAJI - 3 in Gujarati Moral Stories by NISARG books and stories PDF | ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 3

The Author
Featured Books
Categories
Share

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 3

(અગાઉના બે ભાગમાં આપણે ભમરાજી વિશે વધારે જાણ્યું. ચંદુને પણ એમની સાથે કોઈક તો દુશ્મની હતી જ. ગામલોકોમાં ભૂત અને ભમરાજીનો ખતરનાક ડર હતો. એ ડરને દૂર કરવા માટે હું અને ચંદુ કંઈક ઉપાય શોધી રહ્યા હતા. હવે આગળ... )
***********
ખેતરમાં સ્થિત એક મંદિરે માનતા કરીને અમે ઘર તરફ પાછા વળ્યા. દિવસ આથમવાની થોડી જ વાર હતી. ભયંકર કહાનીઓવાળા સ્મશાનના રસ્તે આવા સમયે નિકળવાનું લોકો ટાળતા. અત્યારે પણ વગડામાંથી લગભગ બધાં જ લોકો ગામ તરફ નીકળી ચૂક્યા હતા.
થાડી જ વારમાં અમે સ્મશાન નજીક આવી પહોંચ્યા. વાતાવરણ એટલું શાંત અને ભયંકર લાગતું હતું કે નિડર હોવા છતાં આછી બીક અમારા શરીરમાં પ્રસરવા લાગી હતી.
"અલ્યા ચંદુ, ચ્યમ ચૂપ થઈ જ્યો લ્યા..?" મેં વાતાવરણની ગંભીરતામાંથી છૂટવા માટે અમસ્તું જ પૂછ્યું.
"હેં... ??? " ચંદુ ચમક્યો હોય એમ હોંકારો આપતાં બોલ્યો.
"સું હેં.??? અલ્યા કઉં સું ચૂપ ચ્યમ બેઠો સે..? સેના વિચારમોં ખોવોણો લ્યા..? ભમરાજીના..? " મેં મજાક કરી.
"ના લ્યા માસ્તર, એ ભમરાને મેલજે એકબાજુ.. મને તો આજ જોખમ લાગે સે લ્યા." ચંદુ થોડો ગભરાયો હોય એમ લાગતું હતું.
"ચ્યમ લ્યા, સેનું જોખમ સે તને..? " મેં બાઈક ઊભું રાખતાં પૂછ્યું.
"માસ્તર.. માસ્તર.. શસ્સ્સ્સ્સ્.." ચંદુએ નાક પર આંગળી રાખતાં મને ચૂપ રહેવાનો ઈશારો કરતાં ધીમા અવાજે કહ્યું, "પેલ્લા કણ કોક સે લ્યા.. "
"ચોંકણીયોં..? " કહેતાં મેં એના ઈશારા તરફ જોવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મને તો કોઈ જ દેખાયું નહીં.
"અબી હાલ્લ જ પેલ્લા કેઈડાના જાળા ચેડ્યે કોક જ્યું લ્યા.. " ચંદુએ ફરીથી ઈશારો કરીને મને જગ્યા બતાવી.
ત્યાં થોડાં ગાંડા બાવળ, વખડીઓ અને કેરડાનાં વૃક્ષો હતાં. થોડે જ દૂર ભૂતવાળો ખિજડો હતો. મેં ધારી ધારીને બધે જોવાનો પ્રયત્ન કર્યો. અચાનક મને પણ લાગ્યું કે કેરડા પાછળ કોઈક તો છે જ.
"હોવે લ્યા ચંદુ, કોક તો સે જ હોં ઈંકણીયોં.." મેં પણ ધીમા અવાજે કહ્યું.
"તને સું લાગે સે માસ્તર..? કુણ હસે ઈંકણ.. ? "
"હાળું અતારે કુણ હસે ચંદુ.. ? ભૂત તો નઈ હોય..? " મને વળી પાછી મજાક સૂઝી.
"ચોંય તૂંબલામોંયે ભૂત નોં હોય લ્યા.." ચંદુ છણકો કરતાં બોલ્યો. પરંતુ એના અવાજમાં આછો ડર હોય એવું લાગ્યું.
"લેં હેંડજે, તો નક્કી કરીએ. જે હોય એ હમણોં ખબેર પડી જસે.. લેં હેંડ ઈંકણીયોં." બાઈક ઉપરથી ઉતરતાં મેં ચંદુને હાથ પકડીને ખેંચ્યો.
"અલ્યા પણ ઊભો તો રે.." ચંદુએ હાથ છોડાવતાં કહ્યું. "અતારે એ બધું કોય નક્કી નહીં કરવું લ્યા. મારે ભેંસ્યો દોવરાબ્બાનું મોડું થસે તો પાસી ઉપાદી થસે.. જવા દે ને તેલ લેવા.. જે હોય એ.. આપડે સું..?"
"સીધી રીતે કઈ દે ને કે બિવાય સે તું.. " એટલું બોલું ત્યાં તો કેરડાના જાળામાં કોઈક 'ધબ્બાક્' કરતું પડ્યું હોય એવો અવાજ આવ્યો..
હું અને ચંદુ ચમક્યા. એ તરફ જોયું તો આખો કેરડો ધૂણતો હોય એમ હલવા લાગ્યો. આજુબાજુના વૃક્ષો પરથી પક્ષીઓ ચમકીને ઉડ્યાં. ખિજડા પર જોરશોરથી ચિબરીઓ બોલવા લાગી.
"માસ્તર.." કહેતો ચંદુ થોડો પાછળ હટવા લાગ્યો. એ સાચ્ચે જ ગભરાઈ ગયો હતો. અને એને જોઈને મને પણ થોડી બીક લાગી. અમે બન્ને બાઈક પાસે આવી ગયા.
"નહીં જઉં માસ્તર ઈંકણ.. રે'વા દે ને મરવા દે. "
"હારું હેંડ નઈ જઉં. પણ ચંદુ, નક્કી કર્યું હોત તો હારું હતું. નકર આખી જીંદગી આ બીક ઘર કરી જસે.." મેં ત્યાં જવાની તત્પરતા બતાવતાં કહ્યું.
ચંદુ સ્તબ્ધ થઈને ઊભો હતો. અચાનક કેરડો ધૂણતો બંધ થઈ ગયો. અમને થોડા ડર સાથે આશ્ચર્ય પણ થયું. મને ત્યાં જઈને તપાસ કરવાની તાલાવેલી હતી. પણ ચંદુની ઈચ્છા નહોતી.
"તું બીવાતો નો હોય તો હેંડ જતા આઈએ ચંદુ. નઈ વાર થાય લ્યા.." મેં ફરીથી ચંદુને સમજાવ્યો.
"મું ચોય બીવાતો નહીં લ્યા માસ્તર, પણ દાડો આથમ્બાનો ટેમ સે એટલે ખોટું જોખમ નહીં લેવું લ્યા.. હેંડજે ઘેર ઓંયથી.. કાલ આવસું.. " કહેતો ચંદુ બાઈક પર બેસી ગયો.
"હત્ત તેરી કી.. ઓમ તો તું વાઘના કૂલા ઝઈડતો'તો, પણ તુંયે પથુડાનો ભઈ જ નેકળ્યો હોં લ્યા..." મેં બાઈકમાં ચાવી ફેરવતાં કહ્યું.
"અલ્યા મને ઈની હંગાથ ચ્યોં હરખાવીં સીં માસ્તર..? આ તો મોડું થાય સે નકર બધું નક્કી કરીને જ ઘેર જોત.. "
"હાળા પાદોડ જ સીં તુંયે.." કહેતાં મેં કીક મારીને બાઈક હંકાર્યું.
સૂરજ સાવ ડૂબી ગયો હતો. ખિલેલી સંધ્યાએ આકાશને લાલ રંગનું બનાવી દીધું હતું. પક્ષીઓ પાછાં આવીને પોતાની જગ્યાએ પાછાં સ્થિર થઈ ગયાં હતાં. કેરડામાં હજુ પણ થોડો સરસરાટ થઈ રહ્યો હતો. ભૂતવાળો ખિજડો તો અમારા ઉપર જાણે અટ્ટહાસ્ય ન કરતો હોય એવો ભયંકર લાગતો હતો.
"જે હોય તે, કાલ તો નક્કી કરવા આબ્બુ જ સે હોં લ્યા ચંદુ.." આજે ચંદુ પાછો પડ્યો એટલે મને તેના પર ચીડ ચડી.
. "હારું.. હારું.." એટલું બોલીને ચંદુ સીટી વગાડતો કંઇક ગીત ગાવા લાગ્યો.
"આ બધોં બીક હંતાડવાનોં બોંનોં સીં બેટમજી. " મેં મનોમન બબડતાં બાઈકની સ્પીડ વધારી.
સ્મશાનને પાર કરી, તળાવની પાળવાળા રસ્તે થઈને અમે ગામના પાદરે આવી પહોંચ્યા.
"ઓંય ઊભું રાખજે માસ્તર, મું સીધ્ધો વાડે જ જઉં.. ઘેરથી પાસું ઓંયકણ જ આબ્બું પડસે.." ચંદુએ મને ખભા પર ટપલી મારતાં કહ્યું.
"હા શેઠ, તમે ક્યો એટલે અમારે ઊભું જ રાખવું પડે હોં.." કહેતાં મેં બ્રેક મારી.
"લેં હેંડ તાણે, હોંજે ખઈબઈને મળીએ.." કહેતો ચંદુ ત્યાંથી નીકળી ગયો.
"હાળું કુણ હસે એ કેઈડામોં..? " મારા વિચારો થંભતા નહોતા. "આ ચંદુડીએ આજ બાજી બગાડી.. નકર.. " મને ચંદુ પર ખીજ ચડી. અને રાતે બધી ચર્ચા કરવાનું મનોમન નક્કી કરીને હું પણ ઘર તરફ રવાના થયો.
*********
સાંજે જમ્યા પછી હું આંગણામાં બેઠો હતો. ત્યાં જ પથુ આવી પહોંચ્યો.
"ઓહો.. પથુકાકા..! આવો આવો.. બેહો.." મેં મજાક કરતાં બેસવાનો ઈશારો કર્યો.
"અલ્યા... આ માસ્તરને સું કે'વું હવે..? મું તને ચઈ બાજુથી કાકો લાગું સું લ્યા..?" પથુ થોડો ભોંઠો પડતાં બોલ્યો.
"હારું હેંડ, ખોટું નોં લગાડ ઈંમોં. કોકનો તો કાકો તુ થતો જ હસીં ને..? " મેં પથુને વારતાં હળવાશથી કહ્યું.
"હા ભઈ.. લેં હેંડ બા'ર નહીં જઉં..? " પથુએ ઊભાં ઊભાં જ કહ્યું.
"હમ્બો.. આ હેંડ્યા લ્યો તાણે..." મેં ઊભા થતાં કહ્યું અને અમે બન્ને જણા મહોલ્લાની બહાર નીકળ્યા. ચંદુ સામે જ મળ્યો. અમે ત્રણેય જણા અમારી મનપસંદ જગ્યાએ વડ નીચે આવીને બેઠા.
મને સ્મશાનવાળી વાત મનમાં જ ઘૂમ્યા કરતી હતી. મેં ચંદુ સામે જોયું. એ પણ વિચારમાં હોય એમ લાગ્યું. મને હસવું આવ્યું.
"ચ્યમ સું થ્યું માસ્તર.? ચ્યમ દોંત કાઢીં સીં લ્યા..? " પથુએ નવાઈ પામતાં પૂછ્યું.
"અલ્યા પથુ, સું વાત કરું..? આજ તો એક ભઈની જબરી ફાટી.." કહીને હું જોરશોરથી હસવા લાગ્યો.
"પણ વાત સું સે એ તો કે ઈયાર.." પથુને જાણવાની તાલાવેલી લાગી હતી.
"ચંદુને પૂસ તું.. આજ તો જબરી થઈ લ્યા.." મને ચંદુનો ડરેલો ચહેરો યાદ આવતો હતો. વળી અત્યારે ચંદુ સમજી ગયો હતો કે 'મારી જ વાત થાય છે' એટલે એ થોડો ઝંખવાણો પડી ગયો હતો. એટલે મને વધારે હસવું આવતું હતું..
"સું હતું લ્યા..? તુ કે'જે ચંદુ..." પથુએ ચંદુને પૂછ્યું .
"કોય ન'તું લ્યા.." ચંદુ છણકો કરીને ચૂપ થઈ ગયો. પછી મનમાં કંઈક બબડવા લાગ્યો.
"ચ્યમ કોય ન'તું લ્યા.? હાચ્ચે હાચ્ચું કહી દે ને.. ઈંમોં આબરૂ નઈ જાય કોઈની.." મેં ચંદુને ચીડવતાં કહ્યું.
આ બધી મજાકમાં પથુ ગૂંચવાડે ચડ્યો. ઘડીકમાં ચંદુ તરફ તો ઘડીકમાં મારી તરફ જોતો તે ધૂંધવાઈને ઊભો રહ્યો.
"હેંડ, મું જ ફોડ પાડું તાણ.." એમ કહેતાં મેં સ્મશાનવાળી બીના 'મરીમસાલા' સાથે કહી સંભળાવી.
આ સાંભળીને પથુ ગેલમાં આવી ગયો. ચંદુ પર વાર કરવાનો એને મોકો મળી ગયો. સીધો જ ઘા કરતાં બોલ્યો, "ચ્યમ બેટમજી, બઉ બોસ બકતા'તા ને.. નેકળી જઈને બધી હવા ચેડેથી..?"
પથુના વારથી ચંદુ ખિજાણો. મારા પરનો ગુસ્સો પણ પથુ પર ઠાલવતાં બોલ્યો, "હવે જાને હવાવાળી.. તારા જેવા બીક્કણ બિલાડી નહીં હાવ.. એ તો ભેંસ્યોનું મોડું થતું'તું એટલે ઈંકણ નોં જ્યા.."
"જ્યા હોત તો ખબેર પડી જોત તાણ આજ. મું કેતો'તો ને કે લ્યા ભૂતની મસ્કરી હારી નઈં.. હવે તો પરચો મળી જ્યો ને..? " પથુ ઉછળી ઉછળીને વાર કરતો હતો.
"અલ્યા, આ પથુડીનું સું કરવું.. ? કોક કે'જે લ્યા માસ્તર, નકર હમણોં હોંભળસે મારા મુંઢાની.." ચંદુ બરાબરનો ખિજાયો હતો.
"કોંય નહીં હંભળાબ્બુ ભૈ.. હવે શોંતિ રાખ.. " મેં ચંદુને શાંત પાડતાં કહ્યું. "અને તુંયે હવે બસ કર લ્યા પથલા.."
"હારું બસ, .. પણ હેં માસ્તર, ખરેખર કેઈડો ધૂણતો'તો..? " પથુને જાણવાની ઉત્સુકતા વધી.
"કેઈડો હલતો તો હતો જ પથુ, પણ ભૂત જ હોય એવું મને નહીં લાગતું.. "
"મુ યે ઈમ જ કઉં સું માસ્તર, કે ભૂત હમણોં કઉં ઈમુંયે ન'તું.. અને આ પથલી ના મનમોં આજ આપડોને પરચો મળી જ્યો.." ચંદુ વચમાં કૂદી પડ્યો.
"ન'તું તો ચ્યમ નકકી કરવા જતોં ફાટી..? એવો બા'દુરનો સીયો હોય તો જઉં'તું ને." વળી પાછો પથુ ઉકળ્યો.
"તારી વાત હો ટકા હાચી હોં લ્યા પથુ.. હેંડો અતારે જ જઈએ. તુંયે ભેગો હેંડ આજ.." મેં પથુને તપાસવા મમરો મૂક્યો.
"અતારે..? મોંહણીયોંમોં..? ના ભઈ ના.. આપડે ખોટો બોસ બકતા જ નહીં.. તમારે જઉં હોય તો જો.. " પથુ છટક્યો.
મેં ચંદુ સામે જોયું. તરત જ એ બોલ્યો, "હવે મેલને એ બધું ઈયાર.. તુંયે સું ચોળી ચોળીને ચીકણું કરીં સીં માસ્તર.."
"આ તો ખાલી પૂસું સું લ્યા.. તમારા બે જેવા બા'દુરો હંગાથે જઈને સું લેવાનું..? ચોંય જઉં નહીં લે બસ..? " મેં બંને પર કટાક્ષ કરતાં કહ્યું.
થોડીવાર બધા શાંત રહ્યા. સાંજવાળી વાત વિશે હું તર્ક દોડાવતો હતો, ત્યાં જ ભમરાજીનો વિચાર આવ્યો. તરત જ ચંદુને પૂછ્યું, "હારું હેંડ તાણ ચંદુ, તું પેલી ભમરાજીવાળી વાત તો કર.. તારે ઈની હારે સેની દુશ્મની સે..? "
"આ ભમરોયે હાહરો..." એટલું બોલીને ચંદુ દાંત કચકચાવતો ચૂપ થઈ ગયો.
મને હસવું આવ્યું.
ચંદુએ મારી સામે જોયું, પછી પથુ સામે જોતાં બોલ્યો, "માસ્તર, મારી વાત તો મું કઉં સું. પણ આ ભમરાનો કોક ઉપાય વિચાર્યો કે નઈ તીંયે..? "
ભમરાજીની દુશ્મની અને ભમરાજીનો ઉપાય, આ બધું સાંભળીને પથુ ચકરાવે ચડ્યો. પરંતુ કંઈ જ ના સૂઝતાં કે ચૂપ રહ્યો.
"ઈમનો ઉપાય તો મું વિચારું જ સું. પણ તારી વાત તો કર પે'લાં.." મેં ચંદુને ફરીથી મૂળ વાત પર લાવવા કહ્યું.
ચંદુના કપાળની રેખાઓ થોડી તંગ થઈ. 'આ માસ્તર હવે બધું જોણ્યા વગર ઝપસે નઈં' અેવું ચંદુ સમજી ગયો હતો. વળી પથુને ભમરાજી તરફ થોડો અહોભાવ રહેતો. એટલે એનેય અવગત થાય એ હેતુથી ચંદુ પોતાની ભમરાજી સાથેની દુશ્મની જણાવવા રાજી થયો.
"આ ભમરો તો મારા બાપ જોડેથી બધ્ધું ફોલીને ખઈ જ્યો માસ્તર.... " એમ કહીને ચંદુએ ભૂતકાળ ઉલેચવાનું ચાલુ કર્યું..
*************(ક્રમશઃ)

(શું હતી ભમરાજી અને ચંદુની દુશ્મની.? શું હતી કેરડો ધૂણવાની હકીકત..? ભમરાજીને પાઠ ભણાવવાનો ઉપાય જડશે ખરો..? આ બધું જાણવા આગળના ભાગ વાંચવા જ રહ્યા..)
*********

- "નિસર્ગ" 🍁🍁🍁