હવે લગભગ રાતનાં અગિયાર થવા આવ્યા હતા, એટલે કહ્યું કે તું સૂઈ જા અને હું પણ દરવાજા પાસે આડો પડીને સૂઈ જાઉં…પણ સૂતાં પહેલાં એણે લક્ષ્મીને કહ્યુ કે,
‘તને તારી સાસરીમા બધા છપ્પરપગી કહેતા હતા ને… તને ઘરથી બહાર કાઢી મૂકી…કદાચ તને પણ મનમાં એવું જ ભમ્યા કરતુ હઈશે ને… તું જ તારી મેળે તને જ અપશુકનિયાળ માનતી થય ગય હોવ પણ … આ બધી વાતું મગજમાંથી કાઢી નાખજે.. જોઈલે તારા પગલાં આ ખોલીમાં પડ્યા ને એક જ દિ’મા કેવો અણધાઈરો પલટો થ્યો… મારું તો એક દહાડામાં નશીબ બદલી ગ્યુ ને..! હવે કે જોઈ તુ… તારી હારે જે બઈનુ ઈ એ ભગવાની મરજી હતી ને હવે જી થાય ઈ એ ઈની જ મરજી સે ને..!
લક્ષ્મી સુઈ જતાં પહેલાં એટલું જ બોલી,
‘ઈ તમી હમજદાર સુવો તો હવળુ વિસારો સવ ને.. લોક તો કીવુ વિસારે ઈ ય તમી જોયું ને..!
બન્ને આજે એક સરસ મજાનાં સંતોષ સાથે ઉંઘી જાય છે. પછી તો દરરોજ…વહેલી સવારે લક્ષ્મી જાગે.. સ્નાનાદિ ઈત્યાદી બધુ પતાવે, પૂજા પાઠ, વહેલું ટીફીન બનાવી પ્રવિણને જોડે આપી દે, પોતે દરરોજ ગાજ બટન ટાંકવાનું કામ કરી વધારાની આવક ઉભી કરે… તેજલબેન જોડે રોજ કંઈ નવું શીખે.. મુંબઈની રહેણી કરણી શીખે.. ઘરને સ્વચ્છ અને સુઘડ રાખે, પોતાની ભાષા સુધારવા તેજલબેન જોડે પરામર્શ કર્યા કરે… બીજી બાજુ પ્રવિણ ઈમાનદારીથી તનતોડ મહેનત કરે, શેઠની અપેક્ષાએ પાર પડવા એનો પડ્યો બોલ ઉપાડે. ઓફિસનું અને ધંધાની આંટીધૂંટી સમજવા સતત મથામણ કર્યે રાખે, બે ચાર દિવસે લક્ષ્મી માટે કંઈ નાની મોટી ચીજ વસ્તુ કે ખાવાનું લઈ આવે…હવે એનો પગાર ડબલ થયો હતો… લક્ષ્મી પણ દરરોજ પાંચસો સાતસો રુપિયાનું કામ ઘરે કરી લેતી.. આમ પૈસાની પુરી છૂટ થઈ જાય છે…બચત પણ સારી એવી થાય છે… આમને આમ લગભગ દોઢ બે મહિના જેવો સમય વિતી જાય છે.
લક્ષ્મીએ ક્યારેય પ્રવિણને કહ્યુ જ નહીં કે હવે કોઈ આશ્રમમાં કે બીજે ક્યાંય જવું છે. બીજી બાજુ તેજલબેન દરરોજ લક્ષ્મીને પુરતું પીઠબળ આપી જીવનની વાસ્તવિકતાઓનો પરીચય પણ કરાવતા જતાં અને એને શહેરી વિવેક અને શિષ્ટાચાર પણ શિખવાડતા રહેતા.
આમને આમ સમય વિતતો જાય છે….બન્ને એકબીજાનાં પૂરક મિત્રો જ હોય તેમ સંપૂર્ણ મર્યાદાથી એક છત નીચે રહે છે. પણ છેલ્લા એક મહિનાથી લક્ષ્મી સતત બેચેન રહે, બહું કામ કરવુ કે રસોઈ કરવી પણ ન ગમે..રસોઈ બનાવવામાં અણગમો થાય, બનાવે તો સરખું ખાઈ પણ ન શકે…એને સમજાતુ ન હતુ કે મને શું થાય છે..! એ પ્રવિણને પણ કંઈ જાણ જ ન કરતી કે મને આવું થાય..રાત્રે જોડે જમે ત્યારે પણ ક્યારેક એવુ પણ બનતું કે લક્ષ્મી કોઈ બહાનું બતાવીને ન ખાય અને કહેતી કે કંઈ ખાસ નથી.. મને આવું તો પહેલેથી જ થાય છે…!
તેજલબેન બપોરે એકલાં જ હોય અને આ બધુ એકસ્ટ્રા વર્ક ટીવી જોતાં કરતા રહેતા હોય છે.. આ સમયે લક્ષ્મી એનાં ઘરે લગભગ ન જાય.. બપોરે ચાર વાગ્યા પછી લક્ષ્મી એનાં ઘરે જ હોય.આજે તો એને થોડી ગભરામણ પણ થઈ અને બપોરે જમવા બેસી તો એ રીતસર ઉબકાં કરવા લાગી…અને બહાર જ નિકળી જવાનું મન થઈ ગયુ તો એ તેજલબેનના ઘરે જઈ રડવા લાગી અને કહ્યું કે મને કોઈ રોગ પેસી ગયો લાગે છે. તેજલબેને એને પોતાનાં ખોળામાં માથુ રખાવી માથે હાથ ફેરવતા પૂછ્યું કે શું થાય છે તને …? લક્ષ્મીએ આ બધી વાત કરી તો થોડું મલકાતાં બોલ્યાં, ‘ ખાટું ખાવાનું મન થાય તને..!’
‘ હા.. બહુ જ..’
પછી તરત બોલ્યા, ‘તું ને પ્રવિણ જોડે સુવો છો..! કંઈ તમારી વચ્ચે…!’
લક્ષ્મી હવે થોડી સોફિસ્ટીકેટેડ થઈ ગઈ હતી.. એની ભાષા અને વાતચીતમાં આમૂલ પરિવર્તન આવી ગયુ હતુ.. એ કોઈ ની વાત પણ વચ્ચેથી ન અટકાવે એવો શિષ્ટાચાર એ શીખી જ ગઈ હતી, તેમ છતાં એણે તેજલબેનની આ વાત વચ્ચે જ અટકાવી લક્ષ્મી બોલી,
‘અરે… ના રે ના… એણે તો કોઈ દિવસ મારી સામે એવી નજરથી પણ નથી જોયું… મને તો શરૂઆતમાં બે ચાર દિવસ સતત મનમાં આ ડર ઘૂમરાયા કરતો… પણ એ તો ભગવાનનાં ઘરના માણસ જેવા જ છે…. હવે તો મને સહેજ પણ એવી ચિંતા નથી થતી… અરે.. ક્યારેક તો હું નવા અરીસા સામે જોઈને માથું ઓળતી હોવ તોય એ બહાર નિકળી જાય એટલી મર્યાદા જાળવે.’
‘ તો પછી લક્ષ્મી …આપણે ડોક્ટર પાસે જઈ આવીએ.. તારે ચેકઅપ કરાવવુ પડશે..! મને તો લાગે છે કે કાં તો તુ પેટ થી છો, કાં તો પછી કંઈ બીજી ગરબડ..!
તેજલબેને સહેજ પણ રાહ ન જોઈ, હાથમાં પર્સ લઈ અને બાજુનાં વિસ્તારમાં આવેલ એક લેડી ગાયનેક ડોક્ટર પાસે ચેક અપ માટે લઈ ગયા. ડોક્ટરે ચેક કર્યું અને તેજલબેનને બોલાવીને કહ્યુ, ‘ શી ઈઝ પ્રેગ્નન્ટ એન્ડ એપ્રોક્ઝીમેટલી થર્ડ મન્થ… અબ ઉનકો રેગ્યુલર ચેકઅપ કે લીએ આના પડેગા…’ બાકી બધી જરૂરી સૂચના મેળવી અને ફોલોઅપ પતાવીને બન્ને ક્લિનીક પરથી ઘરે જવા નિકળ્યા. બન્ને એ ઝડપથી ઓટો રીક્ષા લીધી. રીક્ષામાં બેઠાં કે તરત લક્ષ્મીની આંખોમાંથી દડ દડ આંસુઓ નિકળે જ જતાં હતા… એકવાર તો આ સમાચાર સાંભળીને ખૂશ થઈ ગઈ હતી…કે મનુ તો ગયો પણ એની કાયમી યાદગીરી આપતો ગયો. એને હવે બીજા વિચારો પણ આવવા લાગ્યા…કોણ માનશે કે આ મનુ નુ સંતાન છે..? છેલ્લા કેટલાક વખતથી તો પ્રવિણની જોડે એક છત નીચે રહે છે..! પ્રવિણને ખબર પડશે તો, કેવુ રીએક્ટ કરશે..! એને આવનાર સંતાનનુ ભાવિ ડામાડોળ દેખાવા લાગ્યું … તેણે તેજલબેનનાં ખભે માથું નાંખી ને રડમસ અવાજે કહ્યુ ,
‘દીદી.. શું કરું ? આ સમાચારથી તો રાજી થાવ કે ભવિષ્યનું વિચારી ચિંતા કરુ? મને કંઈ નથી સમજાતું …!
તેજલબેને એને સમજાવી કે અત્યારે શાંત થઈ જા.. ઘરે જઈને નિરાંતે વિચારીએ. રસ્તામાં તેજલબેને ફ્રુટ જ્યુસ વાળાની દુકાને રીક્ષા ઉભી રખાવી અને લક્ષ્મીને જ્યુસનો એક ગ્લાસ પીવડાવી દે છે..અને પરત બન્ને એનાં ઘરે જ જાય છે. થોડી વાર વિચારીને તેજલબેને લક્ષ્મીને સમજાવતા કહ્યુ,
‘ જો લક્ષ્મી… મારું માન તો તું આ બાળકને ભૂલી જા… તારી ઉંમર હજી ઘણી નાની છે અને સામે આભ જેવડી મોટી જિંદગી… આ બાળકને આવતા રોકી શકાય તેમ છે… મનુને તુ ભૂલવાનો પ્રયત્ન કર.. તું આ બાળકને જન્મ ન આપ.. આ બાળક તારા પેટમાં ઉછેરતું રહેશે તો પછી પુરી જિંદગી એ બીજા સ્વરુપે મનુની હાજરી સતત તારી જોડે જિંદગીભર રહેશે અને તુ ક્યારેય મનુને નહીં ભૂલી શકે..હુ પણ એક સ્ત્રી જ છું.. મેં પણ જીવનમાં ઘણો તડકો છાયો જોયો છે.. પુરુષની પ્રકૃતિ જુદી હોય ને આપણી પણ સાવ જુદી… બન્નેને ઈશ્વરે સાવ અલગ જ પ્રકૃતિ આપી છે અને બન્ને એ પરસ્પર આ ભિન્ન પ્રકૃતિ સાથે જીવવું અને એ પણ તાલમેલથી આ જ જીવનની ખરી કસોટી છે… તું આ બાબત બહુ જ ગંભીરતાથી વિચાર કર.. એક બે દિવસ હજી વિચાર કરી લે.. મારું માન તો મનુને અને આ બાળક બન્ને ને ભૂલી.. તારી હવે પછીની જિંદગી પ્રવિણ સાથે…’
લક્ષ્મી સતત રડતી જતી અને સાંભળતી હતી પણ જ્યારે આ બધુ સાંભળ્યું તો પછી કહ્યું,
‘પણ દીદી… મનુ તો હવે નથી.. એને તો મારે આજ નહીં તો કાલ, ભૂલ્યે જ છૂટકો છે પણ એની આ છેલ્લી યાદગીરી પણ…! મારુ મન નથી માનતુ..!’
‘જો લક્ષ્મી… જીવનની વાસ્તવિકતાઓ સ્વિકાર… આ બાળકની ખબર પડશે તો પ્રવિણ શું વિચારશે.? હજી તો એનાં મનમાં તારા માટે શુ ભાવ છે..? કંઈ એ વિચારે છે કે નહી એ પણ ખબર નથી.. ! ભવિષ્યમાં કંઈ વિચારે તો તારા આ બાળકને લઈને શું વિચારે ? એનો વિચાર તારા માટે હાલ પુરતો તને મદદ કરવાનો જ હોય તો તારું ભવિષ્ય પછી શું ..? કોને કોને સમજાવીશ કે આ બાળક તારું ને પ્રવિણનું નથી…! તું માને એટલું તારા માટે આગળનું જીવન સહેલુ નથી રહેવાનુ…! આ વાત આખી જીંદગી આપણા બે વચ્ચે જ રહેશે.. ત્રીજો આપણો ભગવાન જાણે… હું બધુ જ સાચવી લઈશ. કાલે ડોક્ટર પાસે ફરી જઈશું અને એક અઠવાડિયામાં તો બધુ જ બરોબર થઈ જશે….પ્રવિણને એક પુરુષ તરીકે આ રીતે તને સ્વીકારે એ અઘરુ થશે અને સ્વીકારે તો પણ પછીથી તમારું બીજુ બાળક થાય ત્યારે બન્ને બાળકો વચ્ચે એક મા ભેદભાવ ન રાખે પણ બાપના મનમાં ભેદભાવ રહેશે તો તારી સ્થિતી શું થશે..! જિંદગી બહુ પેચિદી હોય છે એને વધારે ન બનાવાય..’
થોડું રોકાઈને તેજલબેન આગળ બોલે છે… ‘ તું હવે પ્રવિણ વગર તારી જિંદગી બીજી કોઈ રીતે વિચારી શકે છે..? એકલાં તારાથી આ લાંબો ભવ પાર પડશે..?’
‘દીદી… પ્રવિણ સાથે તો રહીશ કે નહીં એ તો મને ખબર નથી , પણ પ્રવિણ વગર જીવવું એ વિચારીને અત્યારે મને ફરીથી એક મોટો ડર લાગવા લાગ્યો છે... એની સાથે જિંદગી જીવવા મળે તો મને ભગવાનનો પાડ લાગે.. પણ કેમ ? કેવી રીતે એ નથી વિચારતી હજી…પણ મને એ ગમે છે..!’
‘ તો પછી… દીલ પર પથ્થર મુકી ને તારી પોતાની જીંદગીનો વિચાર કર…’
લક્ષ્મીએ કહ્યું, ‘ એ સ્ત્રી.. કેમ કહેવાય કે પોતાનો જ વિચાર કરે.. પોતાનાં બાળકનો નહી..! પોતાનું સ્વહિત નહીં પણ…કોઈપણ કાળે , કોઈપણ સ્થિતિમાં પોતાના બાળકનું હિત વિચારે એજ સાચું માતૃત્વ કહેવાય ને..!’
ઓછું ભણેલી લક્ષ્મીની આ વાત સાંભળી તેજલબેન રીતસર આંખમાં આસું સાથે લક્ષ્મીને ભેટી પડે છે અને કહે છે,
‘લક્ષ્મી તું તો જન્મ આપતા પહેલાં જ મા બની ગઈ… પણ તેમ છતાં મેં જે કહ્યું તેનો પણ વિચાર કરજે… આગળ પાછળનું બધુ વિચારજે … હમણાં બે ત્રણ દિવસ કોઈને કાંઈ જ ન કહેતી..ઘરમાં નવરી પડે કે તરત અહીં જ આવી જજે… તારાં આજનાં શર્ટનું ગાજ બટનનું કામ મને આપી દે … હું બધું પતાવી દઈશ અને હમણાં બે દિવસ નવું કામ પણ નથી લેવું… ઘરે જા અને સુઈ જા થોડી વાર… તમારા બન્નેનું રાતનું જમવાનુ હું બનાવીને આપી જઈશ.’
લક્ષ્મી પોતાની ખોલીમાં જાય છે, પણ એક મોટી દ્વિધા લઈને કે શું કરવું હવે …?
( ક્રમશ: )
લેખક: રાજેશ કારિયા