શીર્ષક : તેરી મેરી કહાની હૈ..
©લેખક : કમલેશ જોષી
“જિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ...” આ ફિલ્મી ગીતમાં તેરી મેરી એટલે કોની કોની? હસબંડ અને વાઇફની? માતા અને બાળકની? જય-વીરુ જેવા બે દોસ્તોની? બે જુવાન પ્રેમી પંખીડાની? કે ભગવાન અને ભક્તની? જિંદગી કોની કહાની છે?
એક મિત્રે મસ્ત વિશ્લેષણ કર્યું. તેરી મેરી કહાનીમાં મેરી એટલે તો હું કે તમે પણ તેરી એટલે કેટલાંક બદલાતાં પાત્રો. જેમકે બાળપણમાં તેરી મેરી કહાની એટલે પોતાની અને મમ્મી-પપ્પા, રમકડાં અને ખાવા-પીવાની વાર્તાઓ. અમારા શૌનકભાઈ જ જોઈ લો. સવારે ઉઠે ત્યારથી ત્રણ પૈડાં વાળી સાયકલ શોધે, એના નાનકડાં કબાટમાં પડેલાં ઢગલો એક રમકડાં કાઢી કાઢી આખા ઘરમાં પથારા કરે, દૂધું પીવું છે, ચોકલેટ ખાવી છે ના ગાણાં આખો દિવસ ગાય અને છેલ્લે થાકી-પાકીને ઊંઘી જાય.
જુવાનીમાં આપણી એનર્જીનું ફોકસ બદલાય એટલે તેરી મેરી કહાનીમાં મમ્મી-પપ્પાને સ્થાને શેરી, સોસાયટી કે કોલેજમાં ગમી ગયેલું પાત્ર ગોઠવાય જાય. તમારી જુવાની યાદ કરો અથવા તમારી આસપાસના સોળથી વીસેક વર્ષના જુવાનીયાઓ પર એક નજર ફેરવો. અગાસીની પાળીએ કે ગામના તળાવે કે કોલેજની કેન્ટીનમાં કે હોન્ડા પર ડબલ સવારીમાં બેઠા બેઠા બે મિત્રો કોની વાર્તા કે કહાની કરતા હશે એ કહેવાની જરૂર છે ખરી? સનમ ને વાલમ ને ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ ને ફલાણા ડે ને ‘આજ એના મસ્ત દર્શન થયા’ ને ‘યાર આજ આખો દિ' કોરો ગયો’ ને એવી એવી રોમાંચક વાર્તાઓ કદાચ તમારા જેવા ‘ડાહ્યા’ (અને ખોટાડા) વ્યક્તિએ ન પણ માણી હોય, પરંતુ મોટાભાગના લોકોએ જુવાનીના એ કાળની કહાનીઓને જિંદગીની બહેતરીન વાર્તાઓ ગણાવી છે બોલો !
એ પછી વાર્તાનું ફોકસ ફરી બદલાય અને તેરી મેરી કહાનીમાં સામે વાળું પાત્ર ફરી એકવાર બદલાય અને મીઠી, મધુરી, કામણગારી, ગમતીલી વ્યક્તિના સ્થાને કડક, ખીજાયેલા, રુક્ષ ચહેરા વાળા બોસ, પ્રિન્સીપાલ, મેનેજર કે ઉપરી અધિકારીની કહાની શરુ થાય. સ્ટાફ રૂમમાં કે ઓફિસની બહાર કોઈ અંગત આગળ ‘અમારો બોસ રાક્ષસ છે રાક્ષસ’થી શરુ કરી ‘બોસે બધાની વચ્ચે મને તતડાવી નાખ્યો’ કે ‘સાહેબમાં અક્કલનો છાંટો નથી અને આપણની ભૂલો કાઢ્યા કરે છે', 'બે માથાડો', 'બેવકૂફ’ કે ‘આજ તો સાહેબે મારા વખાણ કર્યા’ વગેરે જેવી કડવી કહાનીઓ સાથે ચાના મીઠા ઘૂંટડા લગભગ આપણે બધાએ પીધા જ છે ને? સેલેરી, ઇન્ક્રીમેન્ટ, કપાત અને પ્રમોશનના મોજાઓથી નોકરીનો દરિયો સતત ઘૂઘવતો રહે અને આપણે એમાં હિલોળા લેતા રહીએ એનું નામ એ સમયની જિંદગી.
એ પછી ફરી જિંદગીનું ફોકસ બદલાય અને સામે વાળું પાત્ર આપણું સંતાન, એના શિક્ષકો, એની પરીક્ષાઓ, પરિણામો અને પ્રશ્નો બની જાય. વાર્તાની શરૂઆત ઈંગ્લીશ મીડીયમમાં બેસાડવું છે કે ગુજરાતી મીડીયમમાં એ સૌથી અઘરા પ્રશ્નથી થાય. ‘મારે સ્કૂલે નથી જવું’, ‘આજે પેરેન્ટ્સ મીટીંગ છે’, ‘ટીચરે ફી ભરી જવા કહ્યું છે’, ‘સ્કુલ ડ્રેસ નવો લેવાનો છે’, ‘ચોપડા ફાટી ગયા છે’, ‘પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે’, ‘ગણિત અઘરું લાગે છે’, ‘ફર્સ્ટ ક્લાસ આવ્યો’, ‘પહેલો નંબર આવ્યો’ કે ‘ફેલ થયો’ જેવા વિવિધ તોફાનો વચ્ચે બાળકની કશ્તી ગોથા માર્યા રાખે અને મમ્મી-પપ્પા હલેસા મારી-મારી માંડ-માંડ કિનારે પહોંચે ત્યાં જિંદગીનો એક આખો દશકો પસાર થઈ ગયો હોય.
અને ફરી ‘તેરી મેરી કહાની’ નું સામે વાળું પાત્ર બદલાય અને એ સ્થાન ડાયાબીટીસ, બીપી, ડોક્ટર, ઓપરેશન, મૃત્યુ અને ઈશ્વર લઈ લે. હવે આપણી કહાનીનું મેઇન પાત્ર આપણા દીકરા-વહુ, દીકરી-જમાઈ અને પૌત્રો બની ગયા હોય, આપણે કેવળ એક જ મથામણ કરવાની હોય અને એ એટલે ‘શ્વાસ ટકાવી રાખવાની મથામણ’. ઉંહકારા અને ઉધરસના બેક ગ્રાઉન્ડ મ્યુઝીક સાથે આપણે ‘રોગની, બીમારીની, દર્દની, પીડાની’ સુપર ફ્લોપ કહાનીઓ સંભળાવવા આતુર હોઈએ પણ પ્રેક્ષકોને એ કહાનીમાં બહુ રસ ન પડતો હોય એટલે જિંદગીનો ‘ધી એન્ડ’ જલ્દી આવી જાય તો સારું એવી પ્રાર્થના કરતાં આપણે છત સામે, આકાશ સામે તાકતા બેસી રહીએ. છેલ્લે તો જયારે ડોક્ટર્સ પણ હાથ ઊંચા કરી દે, તેરી-મેરી કહાનીમાં તેરીનું પાત્ર ભજવવાનો ઇનકાર કરી દે ત્યારે સાવ છેલ્લે.. કેવળ કાનુડો અને આપણે જ બાકી રહીએ.
મિત્રો, સાવ છેલ્લે ભીતરે બેઠેલો રામ, જોરદાર મહેનત કરી, હવામાંથી ઓક્સિજન ખેંચી આપણા ફેફસામાં ભરવા મથતો હોય એ દૃશ્ય આપણને આખી જિંદગી રીવાઇન્ડ કરી જોવા મજબૂર કરી દેશે એમાં બે મત નથી. એ ક્ષણોમાં આપણને ચોક્કસ અહેસાસ થશે કે જે ભીતરી શક્તિ છેલ્લા શ્વાસ સુધી આપણને જીવાડવા મથી રહી છે એ જ કૃષ્ણશક્તિ, એ જ રામશક્તિ છેક પહેલા શ્વાસથી આપણી ભીતરે બેઠી-બેઠી આપણી પ્રતીક્ષા કરી રહી હતી. બસ, ત્યારે આખી જિંદગી ઔર કુછ ભી નહિ, તેરી મેરી કહાનીમાં તેરી એટલે ‘કાનુડો’ એ સમજતા આપણને વાર નહિ લાગે. મિત્રો, આજનો રવિવાર આપણા સાચા લાઈફ પાર્ટનર, રામ કે કૃષ્ણ માટે ફાળવીએ તો કેવું? સાવ છેલ્લે લોકો આપણને ‘રામ નામ સત્ય છે’ એ સમજાવવાના જ છે પણ એ સમયે આપણે ‘રામ’ને થેંક્યું કે આઈ લવ યુ થોડા કહી શકીશું?
મળીએ નજીકના રામ મંદિરે...?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)