Chhappar Pagi - 9 in Gujarati Women Focused by Rajesh Kariya books and stories PDF | છપ્પર પગી - 9

Featured Books
Categories
Share

છપ્પર પગી - 9


લક્ષ્મીનું ધ્યાન હજીએ સામે જોઈને ચાલવાને બદલે આજુબાજુમાં રહેતુ હતુ.
એટલામાં તો લક્ષ્મીની એક ચીસ નિકળી ગઈ… એણે પ્રવિણનો હાથ એકદમ જ પકડીને ઉભી રહી ગઈ અને લગભગ ધ્રુજવા જ લાગી હતી. પ્રવિણે પણ એકદમ સતર્ક થઈને એનો હાથ મજબૂત રીતે થામ્યો અને પુછ્યુ કે ‘શું થયુ..?’
લક્ષ્મીએ કહ્યું, ‘ એક મોટો ઉંદરડો.. મારાં પગ પરથી નિકર્યો.. જોવ જોવ કેવડો મોટો ..,જો તાં જાય સે.. આવડો મોટો ઉંદરડો.. બાપ રે..! મેં તો કોઈ’દિ દીઠોય નથ’. હજી એનો હાથ પ્રવિણને બાવડે પકડીને ઉભી જ રહી ગઈ હતી. પ્રવિણે પછી લક્ષ્મીને કહ્યુ કે, ‘ અરે આ તો ગણપતિ બાપ્પાનુ વાહન… કંઈ ના કરે પગલી.. બીવાનું નઈ… આયંતો બધાય શુકન માને.’
થોડે આગળ નિકળતા પ્રવિણને એની ઓફિસમાં કામ કરતો એક સહકર્મી મળી જાય છે. બન્ને બે ચાર મિનીટ્સ વાત કરે છે… લક્ષ્મીએ બન્નેની વાત ધ્યાનથી સાંભળતી હોય છે. એ પરીચિતના ગયા પછી લક્ષ્મી બોલી, ‘ તમી તો કેવુ શેર ના લોક જેવું સરસ બોલો સો.. તો મારી હાઈરે કેમ માર જેવું વાત કરો સો..તમી તો હાવ આઈના જ થઈ ગ્યા હોય ઈમ સુધરી ગ્યા..’
પ્રવિણ બોલ્યો, ‘ જેવો દેહ ઈવો વેહ’ … શીખવું તો પડેને નકર નોકરીમાં નો હાલ્યે… પણ આપણા કોય મલે તો આપણા બોલતા હોય ઈમ જ બોલીયે તો મજાય આવે ને કોય આપણુ હોય ઈવું લાગે..’ લક્ષ્મીને એક જ દિવસમાં પ્રવિણ સાથે પોતિકાપણું લાગતુ હતુ..અસલામતિનો ભાવ તો ક્યાંય દૂર ભાગી ગયો હતો. એણે કહ્યું કે, ‘ મારી હાઈરે ય હવે આવુજ બોલજો તો મનેય શીખાયને …! બન્ને હસ્યાં સ્હેજ અને ચાલતાં રહ્યા.
બન્ને હવે ઘરે પહોંચી જાય છે. લક્ષ્મી શોપિંગ બેગ ખોલી ને જોવે છે તો એક ના બદલે ત્રણ ત્રણ પંજાબી ડ્રેસ થેલીમાંથી નીકળે છે. બેગમાંથી કેસરી, આછો લીલો અને રેડ કલરનાં ડ્રેસ નીકળે છે… રેડ કલર તો એણે પસંદ જ નહોતો કર્યો, પણ કેમ આવ્યો એ વિચારવા લાગી હતી. એ બધા ડ્રેસ જોઈને ખુશી તો થઈ પણ તરત કહ્યું કે ‘ આવા નકામા પૈસા કેમ વેડફો.. મા બાપુને પસી સું મોકલસો.. માથે બે જણની જવાબદારી સે ઈ ના ભૂલાય…મને તઈણ ડરેસ તો તેજલબેને આઈપા જ સે ને.. આમાંથી કાઈલે બે પાસા દય આવો.. પસી હુ થોડું કમાઉ પસી જોયે તો લઈ દેજો ને..!’
પ્રવિણ બોલ્યો, ‘ આય મારી હામે બેહ… હાંભર્ય… તારા પગલા કેવા શૂકનિયાળ સે મારા માટે તને ઈ ખબર સે..!
લક્ષ્મી બોલી, ‘આઈના લોક બોલે ઈવુ બોલો ને મને ગમે ઈવુ હાંભરવાનુ.’
પ્રવિણે પછી માંડીને પોતાનાં શેઠની અને એણે આજે જે કહ્યું તે બધી વાત માંડી…
પ્રવિણનાં શેઠ એક મોટાં ગજાનાં વેપારી, કરોડોપતિ હતા.. મુંબઈમાં બે બંગલા, ઘરે બે મોંઘી મોટરકાર, ઘરમાં ગુણિયલ શેઠાણી અને અમેરિકામાં એકનો એક દિકરો અને એ પણ લબ્ધપ્રતિષ્ઠિત ડોક્ટર, એની પાસે પણ અમેરિકામાં પોતાનો ભવ્ય વિલા… પણ એને હવે ભારતમાં રહેવાનું ન ફાવે અને શેઠ અને શેઠાણીને અમેરિકા દિઠું ન ગમે. દિકરો અને વહુ તો બહુ લાગણીશીલ પરંતુ બધાને જોડે રહેવાનું નશીબમાં ન હતુ.
શેઠને છેલ્લાં કેટલાંક મહિનાઓથી તબિયત નરમ ગરમ રહેવાની ચાલુ થઈ ગઈ હતી. એમનાં દિકરા ડો. અભિષેકે બહુ સમજાવ્યા હતા કે રહેવા નહીં તો સારવાર માટે આવી જાઓ પણ શેઠે તેને કહી જ દીધું હતુ કે અભિષેકનો મિત્ર ડો. રચિત… એ અહીં જ છે એ પુરતુ્ ધ્યાન આપે છે અને તેનાંજ ગાયડન્સથી જ કંઈ પણ મેડીકલ ઈસ્યુ આવે તો સોલ્વ થઈ જ જતા. બન્ને મિત્રોએ એમ.બી.બી.એસ. જોડે જ કર્યું હતુ. પછીથી રચિતે મુંબઈથી જ એમ.ડી. કર્યુ હતુ અને અભિષેક માસ્ટર્સ કરવા યુએસએ જતો રહ્યો હતો. એણે તેની જોડે જ ભણતી ડોક્ટર છોકરી સાથે લગ્ન કર્યુ હતુ અને એ બન્ને ત્યાં જ સ્થાઈ થઈ ગયા હતા.
એ બન્ને એ શેઠને બહુ સમજાવ્યા કે બહુ વેપાર કર્યો , બહુ રુપિયા પણ કમાયા .. હવે વેપાર છોડો કે ઓછો કરો અને તબીયત સારી હોય ત્યારે હરો ફરો અને નિરાંતની જિંદગી જીવો. આ વાત શેઠ અને શેઠાણીનાં ગળે ઉતરી હતી એટલે એ બન્ને છેલ્લા એક મહિનાથી ઘરે સમય મળે ચર્ચા કરતાં કે ઓફિસમાં કોના ભરોસે ધંધો સોંપવો ? શેઠ બહુ જ પરિપક્વ અને માણસપરખું હતા. એમણે વિચાર્યું કે માણસ ઓછો હોશિયાર હશે તો ચાલશે, એ એને બે ચાર મહિનામાં ટ્રેઈન્ડ કરી દેશે પરંતુ લાલચુ , આળસું કે અપ્રમાણિક તો ન જ હોવો જોઈએ.
પ્રવિણ જ્યારથી જોડાયો ત્યારથી પુરી લગન, ઈમાનદારી અને નિષ્ઠાથી પુરેપુરો સમય ઓફિસ અને ધંધામાં ધ્યાન આપીને નોકરી કરતો હતો. જે પણ કામ સોંપે તેનો પુરો ન્યાય આપવાનો સતત પ્રયત્ન પણ કરતો જ. શેઠનાં મનમાં તો પ્રવિણ ઠસી જ ગયો હતો તેમ છતાં શેઠે એક અઠવાડીયા પહેલા એનું છેલ્લું પારખું પણ કરી જ લીધું હતું. કાંદીવલીમાં શેઠના એક મિત્ર હતા એ પણ મોટા વહેપારી…શેઠે એકવાર પ્રવિણને ત્યાં કામથી મોકલ્યો હતો, એ દરમ્યાન એમણે પ્રવિણને વધારે પગાર આપી પોતાને ત્યાં નોકરી કરવા જણાવ્યું અથવા પોતાનાં શેઠ જોડે જ રહી દર અઠવાડીએ પોતાની પાસે અડધો કલાક આવી એમનાં ધંધાની , લેતી દેતી કે અન્ય કંઈ માહિતી પુછે તો આપવા આવી જવું… આવી બન્ને પ્રકારની ઓફર આપી હતી. પ્રવિણના શેઠે તો એમની જોડે ફોન પર કંઈક વાત કરી જ લીધી હતી અને એ રીતે પ્રવિણને પારખવાનો નુસખો અજમાવ્યો હતો. પણ પ્રવિણે વિવેકપૂર્વક બન્ને ઓફરની ના પાડી અને પરત ઓફિસ જઈને આ બધી જ વાત પોતાનાં શેઠને કહી અને બીજા કોઈને પણ આપણી ઓફિસમાંથી કાંદીવલી વાળા શેઠ પાસે કંઈ કામથી મોકલો તો હવે એમનાંથી સાચવવું પડે તેમ છે…એને તો કાંદિવલી જઈને પછી પોતાને ઘરે જ જવાનું હતું તેમ છતાં, આ બધુ બન્યું એટલે એ પોતાના શેઠ પાસે જઈને બધી વાત કહીને જ પરત ઘરે ગયો હતો.
આ બનાવ પછી પ્રવિણે શેઠનાં દિલમાં ઘર કરી લીધું હતુ…. એટલે આજે ઓફિસમા એનુ થોડું કામ પતાવીને શેઠે બોલાવ્યો એટલે થોડા ડર સાથે એ શેઠની મેઈન ઓફિસમાં અંદર ગયો, એને હજી કાંદીવલી વાળો બનાવ જ મગજમાં હતો.. પણ શેઠે તો ઉમળકાથી મીઠો આવકાર આપીને પ્રવિણને અંદર બોલાવ્યો અને પોતાની દિકરા સાથે થયેલ વાત, શેઠ અને શેઠાણીનો નિર્ણય, કામકાજ ઓછુ કરવુ, તબિયત સારી હોય તો ક્યાંય પાંચ પંદર દિવસે ફરવા જવું…એમને અમેરિકા જવું નથી, દિકરાને અહી રહેવા નથી આવવું વિગરે વિગેર બધી જ વાત શેઠે માંડીને પ્રવિણને કરી રહ્યા હતા. પ્રવિણ ધ્યાનથી બધુ જ સાંભળતો રહ્યો પણ એને એ જ ન સમજાયુ કે શેઠ મને બોલાવીને કેમ આ બધી અંગત વાતો કરે છે..!
શેઠ પ્રવિણનાં મનોભાવ જાણી જ ગયા હતા… એટલે એણે તરત જ કહ્યું, ‘ મારે હવે આ બધુ ઓછુ કરવું છે.. દિકરાની તો ના જ છે અને કહે છે કે ધંધો બંધ કરી દો.. પણ પચીસ ઘરની રોજીરોટી આપણાં ધંધાથી ચાલે છે… ધંધો સરસ છે, કોઈ તકલીફ પણ નથી…. હુ તો ફોન થી પણ ઘરે બેસીને ધ્યાન આપી શકુ એટલે બહુ વાંધો પણ નહીં આવે પણ મારે હવે આ સતત ચિંતા કરવી નથી, હવે અમારા બન્ને માટે જીવવું છે… મારા ભરોસા પર તુ બરોબર બંધ બેસે છે… બોલ… તું જવાબદારી માથે લઈશ કે હુ ધંધો આટોપવાની તૈયારી કરું ..’
પ્રવિણ તો પૂતળાની માફક સાંભળતો અને શેઠ સામે તાકતો રહ્યો… શેઠે ફરી પુછ્યુ કે શું વિચારે ત્યારે પ્રવિણ બોલ્યો, ‘ શેઠ મે ગયા ભવે કોઈ ચોક્કસ પૂણ્ય કર્યા હશે તો તમે મારા પર ભરોસો કરી ધંધો સંભાળવાની તક આપો છો… પણ શેઠ હું રહ્યો ગામડાનો માણસ… અંગ્રેજી પુરતુ આવડે નહી, મોટા વેપારી સાથે વાત કરવાની કોઈ એટલી ગતાગમ નથી.. ધંધાની પુરી સૂઝ નથી… કેમ આટલી મોટી જવાબદારી માટે હા કહુ… કોઈ બીજા ને સોંપો … હુ પુરી ઈમાનદારી થી મારી નોકરી કરીશ અને શેઠ…’
પણ શેઠે એને વચ્ચે જ અટકાવ્યો અને કહ્યુ, ‘ એ બધા જ વિચાર મેં કરી લીધા છે… એ બધુ થઈ પડશે. હુ કહુ એમ છ બાર મહીના પુરી નિષ્ઠાથી શીખજે અને કામ કરજે બાકીનું બધુ મારા પર છોડી દે..હુ હજી બધુ તારા પર નથી નાંખતો.. મારી સતત દેખરેખ ફોન દ્વારા રહેશે, અઠવાડિયે એક વાર ઓફિસ આવતો રહીશ… પણ તારે ના નથી પાડવાની, નહીતર મારે ધીમે ધીમે ધંધો આટોપવો પડશે પણ બીજા કોઈને નથી સોંપવો… મારે નજીકનાં સગાં પણ કોઈ નથી કે તેમને સોંપાય અને થોડા દૂરનાં સગાં માટે વિચારુ તો કોઈ મગજમાં બેસે તેવુ નથી..’
થોડું અટકીને શેઠ ફરી બોલ્યા, ‘ હા હોય તો કહે… આજથી તારો પગાર ડબલ અને નફામાં પણ તારો ૧૦% ભાગ.. નહીતર કાલથી ધંધો ધીમે ધીમે ઓછો કરી આટોપવાની તૈયારી કરુ..!
પ્રવિણે કહ્યુ, ‘ શેઠ કામથી કે જવાબદારીથી તો ક્યારેય પાછો ન પડું પણ આ જવાબદારી બહુ જ મોટી છે… ધંધો બંધ કરીએ તો પચીસ પરીવારની રોજી છીનવાય જશે… તમને વિશ્વાસ હોય કે હું કરી શકીશ તો આશીર્વાદ આપો.. હું તૈયાર છું ‘ આટલું કહી પુરા અહોભાવથી એ શેઠનાં પગે પડી ગયો… પણ શેઠે એને ઉભો કરી, ઉઠાવીને ભેટ્યા અને કહ્યું, ‘ દિકરા.. આજથી તુ માત્ર મારો કર્મચારી જ નથી.. પણ હવેથી તુ નફામાં ૧૦% નો ભાગીદાર છે… અને તે આજે કેશિયરને અરજી આપી હતી ને કે તારે પગાર પેટે થોડી રકમ એડવાન્સ પેટે જોઈએ છે..? કાંઈ ઘરે તકલીફ છે ? વતનમાં મોકલવાનાં કે ?
પ્રવિણે શેઠને ટ્રેનમાં જે બન્યું તે બાબતે લક્ષ્મીની બધી જ વાત કરી… અને એનાં માટે કપડાં વિગેરે ખરીદવા પૈસાની અચાનક જરુર પડી એ વાત કરી. આ આખોય કિસ્સો સાંભળીને શેઠે કહ્યું,
‘મને તારાં પર પુરો ભરોસો હતો જ … આ વાત સાંભળી ને તારા પર વિશેષ માન થયું છે… તે જે માનવતાનું કામ કર્યુ છે, એનો જ બદલો તને ચોક્કસ ઈશ્વર આપશે જ… લક્ષ્મીનુ પૂરતું ધ્યાન રાખજે… જરુર પડે તો એક બે દિવસની રજા લઈ લે.. અને આ અગિયાર હજાર રુપિયા લઈ જા.. એ મારા તરફથી આજની ડિલ ના શુકન રુપે તારા છે. હવે વધારે જરુર હોય તો ઉપાડ માટે જે જોઈએ તે લઈને જ જજે.’
આમ જે કંઈ બન્યું હતું તે સઘળી વાત પ્રવિણે માંડીને લક્ષ્મીને કરી…હવે લગભગ રાતનાં અગિયાર થવા આવ્યા હતા, એટલે કહ્યું કે તું સૂઈ જા અને હું પણ દરવાજા પાસે આડો પડીને સૂઈ જાઉં…પણ સૂતાં સૂતા એણે લક્ષ્મીને કહ્યુ કે, ‘લક્ષ્મી… એક વાત તને….’
( ક્રમશ: )
- લેખક: રાજેશ કારિયા