Sapnana Vavetar - 15 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 15

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

સપનાનાં વાવેતર - 15

સપનાનાં વાવેતર પ્રકરણ 15

દસ લાખનો ચેક હાથમાં આવતાં શ્રુતિ એટલી બધી ઉત્તેજિત થઈ ગઈ કે ચેક બાજુમાં મૂકીને એ બેડ ઉપર બેઠેલા અનિકેતને વળગી પડી. એના ધક્કાથી અનિકેત બેડ ઉપર આડો પડી ગયો. શ્રુતિએ એને વહાલથી બે ત્રણ કિસ કરી દીધી.

શ્રુતિના અચાનક હુમલાથી એ ડઘાઈ ગયો. શ્રુતિના આખા શરીરનું વજન એના ઉપર આવી ગયું હતું અને એના શ્વાસોશ્વાસ અનિકેતના ચહેરા ઉપર અથડાતા હતા. અનિકેત માટે સંયમ રાખવો ખૂબ જ અઘરું કામ હતું !!

છતાં એણે સંયમ રાખ્યો. રોજ એ હનુમાન ચાલીસાની ત્રણ માળા કરતો હતો એની એને મદદ મળી. એણે પોતાના બંને હાથથી શ્રુતિને ઉભી કરી અને પોતે પણ બેઠો થઈ ગયો.

" શ્રુતિ આ તેં શું કર્યું ? તારી પાસેથી આવી અપેક્ષા તો ન હતી !" અનિકેત બોલ્યો.

"રિલેક્સ જીજુ. મેં તો કંઈ જ કર્યું નથી. તમે મને આટલી મોટી રકમ આપી એનો બસ આભાર માન્યો છે. અડધી ઘરવાળી છું તો એટલો તો હક બને જ છે તમારો. તમારી બીજી કોઈ ઈચ્છા હોય તો પણ પૂરી કરી શકો છો" શ્રુતિ બોલી અને એને શું સૂઝ્યું કે પગ લટકાવીને બેડ ઉપર બેઠેલા અનિકેતના ખોળામાં જ એ બેસી ગઈ.

૨૨ ૨૩ વર્ષની ભરયુવાન શ્રુતિને આટલી બધી નજીક પોતાના ખોળામાં જોઈને અનિકેત ખૂબ જ વિહવળ થઈ ગયો. એ પોતે પણ ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો હતો પરંતુ અંદરથી કોઈ શક્તિ એને રોકતી હતી.

" શ્રુતિ તું ઊભી થઈ જા પ્લીઝ. " કહીને અનિકેતે એને હળવો ધક્કો માર્યો અને ઉભો થઈ સીધો વોશરૂમમાં ગયો અને પાણીની છાલકો મારીને મ્હોં ધોઈ નાખ્યું.

બહાર આવ્યો ત્યારે શ્રુતિ પાછી ખુરશી ઉપર બેસી ગઈ હતી.

"સોરી જીજુ. મારા આજના વર્તનથી તમને નવાઈ લાગી હશે. પરંતુ મારી પરીક્ષામાં તમે ૧૦૦ ટકા માર્ક સાથે પાસ થઈ ગયા છો. એક નાનકડી ભૂલ માટે મારી દીદીથી દૂર રહેનારા મારા જીજુ પોતે કેટલા ચારિત્ર્યવાન છે એ મારે જોવું હતું. " શ્રુતિ બોલી રહી હતી.

" જો કે મેં તમને વળગીને જે કિસ કરી તે તમે મને આટલી મોટી મદદ કરી એનો આભાર વ્યક્ત કરવા વહાલથી કરી હતી. એ પછી ખોળામાં બેઠી એ તમારી પરીક્ષા લેવા. હકીકતમાં એક મર્યાદાથી હું આગળ વધવાની હતી જ નહીં. બસ તમને ઉત્તેજિત કરવા પૂરતું જ મેં આ બધું કર્યું પરંતુ તમે મક્કમ મનથી જબરદસ્ત સંયમ બતાવ્યો. હેટ્સ ઓફ ટુ યુ ! " શ્રુતિ બોલી.

" અરે પણ આવી પરીક્ષા તે હોય શ્રુતિ !! આવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિ સંયમ ના રાખી શકે. હું પણ એક પુરુષ છું. " અનિકેત બોલ્યો.

" છતાં તમે સંયમ રાખ્યો જીજુ. અને દરેકની પરીક્ષા લેવાની પોતપોતાની રીત હોય છે. મેં દીદીને પણ કહેલું કે હું મારી રીતે જીજુનો ટેસ્ટ લઈશ. જો કે એણે બિચારીએ ના પાડી હતી. એ તમારો ખૂબ જ આદર કરે છે. " શ્રુતિ બોલી.

" હું જાણું છું શ્રુતિ. હું પણ એને એટલો જ પ્રેમ કરું છું. અને એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે અમે બંને ભેગાં થઈ જઈશું. હવે મને એ તો કહે કે આ દસ લાખનું તું કરીશ શું ? " અનિકેત બોલ્યો.

" બિઝનેસ. મારી એક ખાસ ફ્રેન્ડ ફેશન બૂટિક ખોલવા માંગે છે. અહીંના જાણીતા રેસકોર્સ એરિયામાં સરસ લોકેશન એણે શોધી કાઢ્યું છે. દસ લાખ આપીને હું એની પાર્ટનર અને માલિક બની જઈશ. ઘરે એમ જ કહીશ કે હું ત્યાં જોબ કરું છું. મારું સર્કલ પણ મોટું છે એટલે ડિઝાઇનર ડ્રેસનો બિઝનેસ જામી જશે. " શ્રુતિ બોલી.

" તારામાં ફેશન ડિઝાઇનની આટલી ટેલેન્ટ છે તો તારા પપ્પાને કે દાદાને તેં આ વાત કરી હોત તો શું તારો બિઝનેસ કરવા માટે એ મદદ ના કરે ?" અનિકેતે પૂછ્યું.

" એ જ તો તકલીફ છે ને ! પપ્પાને પોતાને કોઈ જરૂર હોય તો પણ દાદા પાસેથી પૈસા માગવા પડે છે. એટલે એમને કહેવાનો કોઈ મતલબ નથી. દાદાના વિચારો થોડાક જૂનવાણી છે. પોતાની દીકરીઓ બિઝનેસ કરે, બહાર જાય એ એમને પસંદ નથી. એમના મત પ્રમાણે પૈસાની કોઈ જરૂર જ નથી પછી શા માટે બિઝનેસ કરવાનો ? " શ્રુતિ બોલી રહી હતી..

" અને સાચી વાત એ છે કે મને કે કૃતિ દીદીને ઘરે બેસી રહેવાનું ગમતું જ નથી. પ્રવૃત્તિ વગર મજા જ ના આવે. દાદાની આવી વધુ પડતી કરકસરની વૃત્તિને કારણે દીદી ધવલના પ્રેમમાં પડી હતી જેથી એ પોતાના મોજશોખ પૂરા કરી શકે. મારે આ બૂટિક કરીને મારી પોતાની ઓળખ ઉભી કરવી છે જીજુ. " શ્રુતિ બોલી.

" બૂટિકનો આઈડિયા ઘણો સારો છે. ભવિષ્યમાં બીજી કોઈ મદદની જરૂર હોય તો પણ કહેજે. ઓલ ધ બેસ્ટ ઈન એડવાન્સ ! " અનિકેત બોલ્યો.

" થેન્ક્સ જીજુ. તમારો આ અહેસાન હું ક્યારેય પણ નહીં ભૂલું. " શ્રુતિ બોલી.

" અહેસાન માનવાની કોઈ જરૂર નથી શ્રુતિ. એક સાચી વાત કહું ?" અનિકેત બોલ્યો.

" બોલો ને..." શ્રુતિ બોલી.

" યુ આર રિયલી બ્યુટીફુલ ! તું મારા ખોળામાં બેઠી એ પછી હું કઈ રીતે સંયમ રાખી શક્યો એનું મને હજુ પણ આશ્ચર્ય છે ! મારી લાઇફમાં પહેલી વાર હું આજે આટલો ઉત્તેજિત થયો છું. " અનિકેત બોલ્યો.

"બસ આ જ ઉત્તેજના મારી દીદી માટે પણ પેદા કરો. એ મારા કરતાં પણ વધારે બ્યુટીફુલ છે. કોલેજમાં કેટલાય છોકરાઓ એની પાછળ લાઈન મારતા હતા જીજુ. " શ્રુતિ બોલી.

" તારી વાત સાથે હું પૂરેપૂરો સંમત છું. બસ થોડો સમય ઇન્તજાર કર. મેં તને કહ્યું એમ એક દિવસ એવો જરૂર આવશે કે અમે બંને એકબીજા માટે પાગલ બનીશું. " અનિકેત બોલ્યો.

"તથાસ્તુ " શ્રુતિ હસીને બોલી.

" ચાલો હવે નીચે જઈશું ? આપણો પિરિયડ તો ૪૦ મિનિટમાં જ પૂરો થઈ ગયો." અનિકેત હસીને બોલ્યો.

"હા ચાલો. આજે તો ગ્રાન્ડ ઠાકરમાં જમવા જવાનું છે ને ? કેટલા સમય પછી અમારો પરિવાર તમારા કારણે આજે હોટલમાં જમશે. લગભગ દોઢ વર્ષનો સમય થયો. " શ્રુતિ બોલી.

" બહુ કહેવાય. એ બાબતમાં મારા દાદા અને પપ્પા ઘણા એડવાન્સ છે. હોટલમાં જમવાની અમારે તો કોઈ નવાઈ જ નથી. " અનિકેત બોલ્યો અને ઉભો થયો.

" થઈ ગઈ તમારા લોકોની વાત પૂરી ? અનિકેતકુમાર શ્રુતિએ તમને હેરાન તો નથી કર્યા ને ? અમારી શ્રુતિ બહુ બોલકી છે. " બંને જણાં નીચે આવ્યાં એટલે આશાબેન બોલ્યાં.

" મને તો એની સાથે વાતો કરવાની બહુ મજા આવી. " અનિકેત બોલ્યો.

બરાબર ૮:૩૦ વાગે હરસુખભાઈની બંને ગાડીઓ સ્વિફ્ટ અને વેગનઆર ગ્રાન્ડ ઠાકર હોટલ જવા માટે નીકળી ગઈ.

પુરણપોળી એ ગ્રાન્ડ ઠાકર હોટલની સિગ્નેચર આઈટમ છે. પીરસવાની શરૂઆત આ હોટલમાં મોટેભાગે તો પુરણપોળીથી જ થતી હોય છે. હરસુખભાઈનો પરિવાર એક સાથે ઘણા લાંબા સમય પછી હોટલના ભોજનનો આનંદ લઈ રહ્યો હતો. કૃતિ અને શ્રુતિ તો પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે ઘણીવાર હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા માટે જતાં હતાં પરંતુ મનોજભાઈ અને આશાબેન ઈચ્છા થાય ત્યારે જઈ શકતાં ન હતાં. આજે જમાઈના કારણે એમને ચાન્સ મળ્યો હતો.

રાત્રે પોણા દસ વાગે એ લોકો જમીને હોટલની બહાર નીકળ્યાં. જમીને ઉપર પાન ખાવાની ટેવ આમ તો કોઈને પણ ન હતી છતાં આજે એનો પણ બધાએ આનંદ લીધો.

ઘરે પહોંચ્યા ત્યારે સવા દસ વાગી ગયા હતા. આવતી કાલ વહેલી સવારે ૬:૪૫ નું એક ફ્લાઈટ હતું પરંતુ કૃતિએ આગ્રહ કરીને એટલા વહેલા જવાની ના પાડી હતી. બીજું ફ્લાઇટ બપોરે ૧૨:૩૦ વાગ્યાના હતું. જેની ટિકિટ અનિકેતે બુક કરાવી.

"ચાલો જીજુ ગુડ નાઈટ. કાલે સવારે ચા ના ટેબલ ઉપર મળીશું. " શ્રુતિ બોલી. એ આજે જીજુના કારણે ખૂબ જ આનંદમાં હતી.

"શું વાત કરી આજે શ્રુતિએ તમને ?" બેડરૂમમાં આડા પડ્યા પછી કૃતિએ અનિકેતને પૂછ્યું.

" અરે શ્રુતિએ તો મારો ક્લાસ લઈ લીધો. આપણા સંબંધો વિશે તારે અને શ્રુતિ વચ્ચે વાતચીત થઈ ગઈ હશે એટલે એણે તો મને ઘણા સવાલો કર્યા. જો કે મેં એને સંતોષ થાય એ રીતે જ જવાબો આપ્યા છે. મેં કહ્યું કે સીતાજીની જેમ કાયમ માટે તારી દીદીનો મેં ત્યાગ કર્યો નથી. " અનિકેત બોલ્યો.

"સોરી હાં... મારે શ્રુતિને વાત કરવા જેવી ન હતી પરંતુ હું પણ શું કરું ? શિમલાથી આવ્યા પછી એણે મને એવા બધા પ્રશ્નો પૂછ્યા કે મારાથી રડી પડાયું. એણે બહુ જ આગ્રહ કર્યો એટલે મારે વિગતવાર વાત કરવી પડી. મારા કારણે તમારે એનું સાંભળવું પડ્યું ." કૃતિ બોલી.

"અરે રિલેક્સ ડાર્લિંગ. મને તારા ઉપર જરા પણ ખોટું નથી લાગ્યું અને શ્રુતિએ મને પરેશાન પણ નથી કર્યો. અમારી વચ્ચે નોર્મલ વાતો જ થઈ છે." અનિકેતે કૃતિનો હાથ હાથમાં લઈને કહ્યું.

" મારે તમારો બીજો પણ આભાર માનવાનો છે અનિકેત. તમે એટલા બધા સારા છો કે મને તમારા માટે અભિમાન થાય છે. તમે શ્રુતિને દસ લાખ રૂપિયાનો ચેક આપ્યો એ એણે મને કહ્યું. અમે બંને બહેનો વચ્ચે કોઈપણ વાત ખાનગી હોતી નથી." કૃતિ બોલી રહી હતી.

" એણે મને દસ લાખ માટે તમારી સાથે વાત કરવાનું કહ્યું હતું. પરંતુ મેં જ ના પાડી હતી કે - આ વાત તું પોતે જ જીજુ સાથે કર. હું એમને કોઈ જ ભલામણ નહીં કરું. દસ લાખ કોઈ નાની રકમ નથી. હજુ મારા નવા નવા લગન છે એટલે પૈસાની માગણી હું ના કરી શકું. " કૃતિ બોલી.

" એમાં તારે મારો આભાર માનવાની કોઈ જ જરૂર નથી. અને મેં એને કહી દીધું છે કે આ પૈસા મારે પાછા જોઈતા નથી. આપેલા પૈસા હું કદી પણ પાછા લેતો નથી. તું પણ કદી હવે આ પૈસાનો કોઈ ઉલ્લેખ એની આગળ કરતી નહીં. એકની એક સાળી છે એટલે એટલો અધિકાર તો છે એનો." અનિકેત બોલ્યો.

" તમારું દિલ કેટલું બધું વિશાળ છે અનિકેત !! એને બિચારીને એની ફ્રેન્ડ સાથે ભાગીદારીમાં બૂટિક ખોલવું છે પણ ઘરેથી પચાસ હજારની મદદ પણ મળી શકે તેમ નથી. દાદાનો સ્વભાવ ખૂબ જ કડક છે. અમને છોકરીઓને બહુ આઝાદી નથી. શ્રુતિ એક સારી ડ્રેસ ડિઝાઇનર છે. એને પોતાની એક ઓળખ ઉભી કરવી છે. તમે એને સાથ આપ્યો એટલે એ બિચારી બહુ જ ખુશ છે." શ્રુતિ બોલી અને એણે અનિકેતનો હાથ ચૂમી લીધો.

આ રીતે વાતો કરતાં કરતાં બંનેની આંખ મળી ગઈ. સવારે સૌથી પહેલાં કૃતિ જાગી ગઈ. અનિકેત હજુ ઘસઘસાટ ઊંઘતો હતો. કૃતિ ઉઠીને સીધી વોશરૂમમાં ગઈ. બ્રશ વગેરે પતાવી નાહી ધોઈને જ એ બહાર આવી. અનિકેતને ડિસ્ટર્બ કર્યા વગર એ નીચે સીધી કિચનમાં ગઈ.

" ગુડ મોર્નિંગ દીદી. હજુ આરામ કરવો હતો ને ? આટલા વહેલા નીચે આવી જવાની ક્યાં જરૂર હતી ? " શ્રુતિ બોલી.

" ઉઠી ગયા પછી મને પડી રહેવું ના ગમે એ તો તું જાણે જ છે. છ વાગે ઉઠી જવાનો મારો વર્ષોથી નિત્યક્રમ છે. હું ચા બનાવવા આવી પણ જોયું કે તેં ચા ગેસ ઉપર મૂકી દીધી છે અને થેપલાંની સુગંધ પણ આવે છે." કૃતિ હસીને બોલી.

" હા દીદી. હું તો સાડા ચાર વાગ્યાની ઉઠી ગઈ છું. જીજુ આવેલા છે એટલે ખાસ ગરમ થેપલાં બનાવ્યાં. ચા તો હમણાં જ મૂકી. કેમ તારા ઘરે તું ચા નાસ્તો નથી બનાવતી ?" શ્રુતિ બોલી.

" અરે ના રે ના. ત્યાં તો રસોડામાં જવાની સ્ત્રીઓને જાણે કે પરમિશન જ નથી ! બધું જ કામ મહારાજ કરે છે. મેં એક બે વાર કિચનમાં જઈને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મહારાજે ચોખ્ખી ના પાડી. એકવાર હું ચા બનાવવા માટે જતી હતી તો દાદીએ મને રોકી લીધી. બસ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. મોટા ઘરની વહુની આ જ તો મજા છે." કૃતિ હસીને બોલી.

" વાહ ગયા જનમમાં શિવજીને પાંચે આંગળીએ પૂજ્યા હોય ત્યારે આવું સાસરીયુ મળે ! દીદી તું ખરેખર નસીબદાર છે. જીજુનો સ્વભાવ પણ ઘણો સારો છે. " શ્રુતિ બોલી.

" હા એ તો હું પણ સ્વીકારું છું. " કૃતિ બોલી.

ચા તૈયાર થઈ ગઈ એટલે કૃતિ અનિકેતને ઉઠાડવા માટે ઉપર ગઈ.

" અરે તમને તો જબરી ઊંઘ આવી ગઈ સાસરિયામાં. ઉઠો હવે ચા તૈયાર થઈ ગઈ છે બ્રશ કરી લો. " કૃતિ અનિકેતને ઢંઢોળીને બોલી.

અનિકેત આળસ મરડીને બેઠો થયો અને સીધો વોશરૂમમાં ગયો. બ્રશ પતાવીને નીચે કિચન પાસેના ડાઇનિંગ ટેબલ ઉપર ગયો. કૃતિ એની રાહ જોતી ત્યાં જ બેઠી હતી.

" તમારા માટે નાસ્તામાં શ્રુતિએ ખાસ ગરમ ગરમ થેપલાં બનાવ્યાં છે. " અનિકેત ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો એટલે શ્રુતિ બોલી અને ચાની સાથે એની પ્લેટમાં બે થેપલાં પીરસ્યાં.

" દરેક ઘરના થેપલાનો સ્વાદ અલગ જ હોય છે. અહીં સૌરાષ્ટ્રમાં પાતળાં થેપલાં બને છે જ્યારે ગુજરાત સાઇડ અને મુંબઈમાં ભાખરીની જેમ થોડાં જાડાં થેપલાં બને છે. " અનિકેતે થેપલું ચાખ્યા પછી કહ્યું.

" તમારા ઘરે હજુ મને થેપલાં ખાવાનો ચાન્સ મળ્યો નથી. " કૃતિ બોલી.

"આ વખતે તું આવે એટલે મહારાજને થેપલાંની ફરમાઈશ કરીશું. બટેટાની સૂકી ભાજી અને દહીં સાથે થેપલાં સરસ લાગે છે." અનિકેત હસીને બોલ્યો.

મુંબઈનું ફ્લાઇટ ૧૨:૩૦ નું હતું એટલે અગિયાર વાગે ઘરેથી નીકળી જવાનું હતું. કૃતિ અને શ્રુતિએ ભેગાં થઈને વહેલી વહેલી રસોઈ બનાવી દીધી અને ૧૦:૩૦ વાગે અનિકેતને જમવા માટે બેસાડી દીધો. અત્યારે જમવામાં દાળ-ભાત શાક અને રોટલી જ હતાં.

" અમારી આગતા સ્વાગતામાં કંઈ ખામી રહી ગઈ હોય તો માફ કરી દેજો. તમે આવ્યા એ બહુ સારું લાગ્યું. ઘરે પહોંચીને તરત જ ફોન કરી દેજો. " અનિકેત એરપોર્ટ જવા માટે નીકળતો હતો ત્યારે આશાબેન બોલ્યાં.

"તમારી કોઈ જ ભૂલ થઈ નથી મમ્મી. મને ખરેખર અહીં મજા આવી છે. " અનિકેત બોલ્યો.

"ધીરુભાઈને મારી યાદ આપજો. કૃતિ ૧૦ ૧૫ દિવસ અહીં રહેશે પછી મનોજ આવીને મૂકી જશે. " દાદા હરસુખભાઈ બોલ્યા.

અનિકેત વડીલોના ચરણસ્પર્શ કરીને ડ્રાઇવરની બાજુની સીટ ઉપર ગાડીમાં બેઠો. કૃતિ અને શ્રુતિ પાછળ બેઠાં. એ બંને પણ એરપોર્ટ સુધી મૂકવા આવતાં હતાં.

એરપોર્ટ ઉપર ઉતર્યા પછી અંદર જતાં પહેલાં ટ્રોલીમાં બેગ મૂકીને બંને બહેનોને વિદાય આપવા માટે અનિકેત થોડી વાર એમની સાથે ઉભો રહ્યો.

" જીજુ ઘરે વાત થઈ શકતી નથી એટલા માટે હું ખાસ દીદીની સાથે એરપોર્ટ સુધી આવી છું. બાકી તમારી બંનેની પ્રાઇવસીમાં હું વચ્ચે આવવા માગતી નથી. થઈ શકે તો દીદીને માફ કરી દેજો. એ બિચારી તમને ખૂબ જ પ્રેમ કરે છે. અને તમે મને જે મદદ કરી છે એના માટે દિલથી શુક્રિયા ! ગઈકાલે તમારી સાથે જે વર્તન કર્યું એના માટે પણ માફી માગું છું. " શ્રુતિ બોલી. બોલતાં બોલતાં એની આંખો ભીની થઈ ગઈ. એ વખતે કૃતિ જાણી જોઈને થોડીક દૂર ઊભી હતી.

" તું તારી દીદીની ચિંતા ના કર. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અને વારંવાર મારો આભાર માનવાની પણ કોઈ જરૂર નથી. તારે વધુ રકમની જરૂર હોય તો પણ ગમે ત્યારે તારી દીદીને કહી દેજે. હું તને મોકલી આપીશ." અનિકેત બોલ્યો.

અનિકેત અને શ્રુતિ વાતો કરતાં હતાં ત્યારે સહેજ દૂર ઊભેલી કૃતિની નજર અચાનક ધવલ જાડેજા ઉપર પડી. એ પણ એરપોર્ટની અંદર જઈ રહ્યો હતો. એણે પણ કૃતિને જોઈ. અનિકેતને પણ એણે જોઈ લીધો. ધવલ જાડેજા ! જેણે સુહાગરાતે બાર વાગે અનિકેતને ફોન કર્યો હતો એ એક સમયનો કૃતિનો પ્રેમી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)