Chhappar Pagi - 8 in Gujarati Women Focused by Rajesh Kariya books and stories PDF | છપ્પર પગી - 8

Featured Books
Categories
Share

છપ્પર પગી - 8


એક નવાં જ રૂપે એ લક્ષ્મીને નિહાળી રહ્યો હતો એટલે એકવાર તો એકીટશે જોઈ જ રહે છે પણ પછી તરત સજાગપણે નજર હટાવીને અને ફરીથી એને જાંબલી રંગનાં ડ્રેસમાં જોઈને તરત એટલું તો એનાથી બોલાઈ જ ગયુ, ‘લક્ષ્મી તું તો આ જાંબુડી રંગના કપડામાં તો બહુ જ રુપાડી લાગે સે ને…!’
લક્ષ્મી તરત જ શરમાઈ ગઈ. શું જવાબ આપવો એ ખબર જ પડી પણ એટલું બોલી, ‘ એ પણ આવુ જ બોલતા તા આ રંગના લૂગડાં પેરુ તો… મે બવ ના પાડી કે હવી મારથી આવા નો પેરાય…પણ તેજલબેન ધરાર ના માન્યા ને પેરાવી જ દીધા… મારી પાહે બીજા ધોરા લૂગડા સે ય નઈ પસી હું…’
લક્ષ્મી આ બોલી રહી હતી તો વચ્ચે જ પ્રવિણ અટકાવે છે ને કહે છે કે, ‘ ઈ બધીય વાતું જૂની થઈ ગઈ… હવે કોય આવુ વિચારતુંય નથ.. હવે તો ગામડામાંય કોય નથ રાખતું તો આંય તો શેર સે… અને તુ હાચે જ બવ રુપાડી લાગશ…આવા જ પેરવાના… આઈજ એટલે તો વેલો આવી ગ્યો.. હાઈલ જડપ કરજે તાર હારુ નવા લૂગડા લેવાના સે ને બીજુય કાંઈ તારે જોયે ઈ લઈ આવીયે’
લક્ષ્મી બોલી, ‘ આ સે જ ને તેજલબેને બીજા ય બે આઈપા સે… ખોટો ખરચ કેમ કરવો, મારે ક્યાં ઘરબારું જાવાનું સે ક્યાંય’
પ્રવિણે કહ્યું, ‘ ના.. હો.. લેવા તો જાવું જ સે… જલદી જાયે ને બારે તને આંયનાં પ્રખ્યાત વડાપાંઉ ચખાડીશ.. પેટ ભરીને ખાહુ ને પસી તરત પાસા ઘેર આવી જાહુ… માર તને આજ એક શકનના હમાચાર કેવા સે.’
પ્રવિણને તાલાવેલી લાગી હતી કે પછા ઘેર આવીને પોતાનાં શેઠે જે કહ્યું તે જલ્દીથી લક્ષ્મી જોડે વાત કરશે.
પ્રવિણ અને લક્ષ્મી બજારમાં જાય છે. રસ્તામાં સતત લક્ષ્મીનું ધ્યાન મોટા રસ્તાઓ, રોડ પરનાં મોટા હોલ્ડીંગ્સ, સ્ટ્રીટ પરની મોટી મોટી લાઈટ્સ, પબ્લિક અને વાહનોથી ભરપૂર ટ્રાફિક, ટૂંકા વસ્ત્રો પહેરેલ તો કેટલીક મરાઠી પરિધાનમાં સુસજજ સ્ત્રીઓ , બરમૂડા પહેરેલ યુવાનો તો કેટલાક માથે સફેદ ટોપી પહેરેલ મરાઠી પુરુષો… મોટી દૂકાનો, શો-રૂમ્સ, મોલ્સ, ફૂટપાથ વેચવા માટે બેસેલ ફેરિયાઓ અને સાઈટ પર ડિસ્પ્લે કરેલ કપડાઓની લાંબી કતાર….આ બધુ જ ચકળવકળ લક્ષ્મી જોઈને એકદમ અચંબિત થઈ જાય છે.ફૂટપાથ પર બન્ને આગળ આગળ ચાલતા જતાં હોય છે. થોડું આગળ જઈને પ્રવિણ એને એક રેડમેઈડ લેડીઝ ગાર્મેંટની દૂકાનમાં લઈ જાય છે અને ડ્રેસ પસંદ કરવાનું કહે છે. લક્ષ્મી તો આવું બધુ જોઈને આભો જ બની જાય છે અને કહે છે કે, ‘ મને નઈ ખબર પડે કાંઈ તમી જ કયો ને.. આમા તો મને કાંઈ દઈશ જ નથ હૂજતી..રસ્તામાં ટીંગાડેલ હતા ઈમાંથી જ લઈ લેશુ તો નો હાલે.. આ તો બવ મુંઘા હઈશે’
પ્રવિણે કહ્યું કે, ‘ આઈજ તો બવ દિ હારો સે.. હુ ય પેલી વાર જ આવી મોટી દૂકાને આઈવો.. આજ તો આયથી જ લેવા સે… તું ચન્તા ના કર.. જેટલાં ગમે એટલાં નોખાં કાઢી લે પસી બધાય વારાફરતી પેરી લેજે ને પસી જે ગમે ઈ જ લેવાના’
લક્ષ્મી તો પ્રવિણના મોઢા સામે તાકી જ રહી અને થોડા અણગમા સાથે કહ્યુ, ‘ આંય પેરવાનાં… જરાય લજાતાય નથ તમે તો… નઈ નઈ હુ આંય નો પેરુ’
પ્રવિણ તરત જ લક્ષ્મીની દ્વિધા સમજી ગયો અને કહ્યું , ‘ અરે ગાંડી આંય એટલે આયાં જ નઈ… તુ ગમે ઈ સ્યાર પાંસ ભેગા લઈલે… જો વા હામે નાનો અરીસા વાળો રૂમ સે ઈમાં જઈ ને બધાય વારાફરતા પેરી લે ને પસી તન જી ગમે ઈ નોખા રાખી લે જે..’
પ્રવિણે લક્ષ્મીને સમજાવ્યું એમ ટ્રાયલરૂમમાં જાય છે. અંદર જઈને તો લક્ષ્મીએ ત્રણે બાજુ ફૂલસાઈઝના મીરર જોયા તો પહેલી વખત એણે આટલા મોટા અરીસા જોયા એટલે જાંબલી રંગના એ પોતાનાં પહેરેલ પંજાબી ડ્રેસમાં પોતાની જાતને નીરખતી જ રહી. એને એ દિવસ યાદ આવી ગયો હતો, જ્યારે એ પરણીને પહેલી વખત સાસરે આવી હતી.. એણે મનુને કહ્યું હતુ કે આપણે એક મોટો અરીસો લઈશુ. મનુએ કહ્યુ પણ હતુ કે જે’દિ શેરમા જાહે તયે લેતો આવશે.
લક્ષ્મી તરત જૂની યાદોમાંથી પરત ફરે છે અને કપડા ટ્રાય કરી લે છે. લક્ષ્મી પાંચ ચોપડી જ ભણેલ હતી પણ કોઠાસૂઝ વાળી હતી એટલે જલ્દીથી બધુ શીખી ને સમજી જતી હતી. એ ફટાફટ કપડા બદલી જેમ હતાં તેમ પાથી ગડી વાળીને કાઉંટર પર પરત આવીને પ્રવિણને કહે છે કે, ‘ … આ તઈણ ગમે સે તમી કયો ઈ એક લઈએ’
‘ સારું તુ દુકાન ની બારે ઉભી રે મને જે ગમે ઈ એક લઈને પૈસા દઈને આવું બારો હો..’
લક્ષ્મી દુકાનની બહાર ઉભીને રસ્તા પર જોઈ રહી હોય છે. થોડી વારમાં તો પ્રવિણ એ ત્રણેય ડ્રેસ જે લક્ષ્મીને ગમતા હતા તે પેક કરાવી, પૈસા ચૂકવીને બહાર આવી જાય છે. હાથમાં ખરીદી કરેલ બેગ મોજથી આગળ પાછળ ઝૂલાવતો પ્રવિણ હવે તેને વડાપાંઉ ની લારી પર લઈ જઈ મોજથી બન્ને એ ત્રણ ત્રણ વડાપાંઉ ખાઈને પરત ઘરે જવા ચાલતી પકડી. પરત જતાં પણ લક્ષ્મીનુ ધ્યાન રસ્તાઓ અને શહેરની ચકાચોંધ તરફ અવારનવાર જતું જ રહેતું હતું. રસ્તામાં અંગ્રેજીમાં લખેલ સાઈનબોર્ડ તરફ જોઈને બોલી,
‘ આ બધુય ઈગરેજીમા લખેલ સે ને..મને એબીસીડી તો ખબર પડે પણ હું લઈખુ ઈ ના ખબર પડે.. હેં… તમને આવડે વાંસતા આવડે ઈ બધુય..’
‘ હા.. હુય ગામડીયો પણ આય રઈને શીખી ગ્યો થોડુક તો.. નોકરી કરવાની તો કાંય તો આવડવું જોયે નકર અઘરુ થઈ પડે.’ પ્રવિણે બહુ જ સહજતાથી કહ્યુ.
લક્ષ્મી તરત બોલી, ‘ હુ ય રઈશ તો શીખી જાયસ.. તમી મને તમને આવડે ઈય જરાક શીખવાડજો… તેજલબેન તો કેતા’તા કે ઈ બધુય હમજાવશે.. રોઈજ ઈની પાહે જાતી રઈશ તો બવ શીખવા મલશે’
રસ્તામાં લક્ષ્મીને કંઈ ન સમજાય કે જાણવું હોય તે પૂછતી રહેતી, ભીડ બહુ જ હતી. રાત્રીનો ભોજનનો સમય હતો એટલે કેટલાંક બહાર જમવા માટે તો કેટલા્ક ઘરે જઈ જમવાની ઉતાવળમાં, કેટલાક રોજી, નોકરી, દૂકાનો, ફૂટપાથ પરથી સંકેલીને તો કેટલાંક ટહેલવા માટે… એમ રસ્તાઓ ભરચક હતા.ફૂટપાથ પર ચાલનારાઓની ભીડ વધારે હતી, ટ્રાફિક પણ વધી જ ગયો હતો એટલે પ્રવિણ અને લક્ષ્મીએ મુખ્ય રસ્તા પર બાજુમાં ઝડપથી ચાલવાનું ચાલુ રાખ્યુ પણ અટક્યા નહી. લક્ષ્મીનું ધ્યાન હજીએ સામે જોઈને ચાલવાને બદલે આજુબાજુમાં રહેતુ હતુ.
એટલામાં તો લક્ષ્મીની એક ચીસ નિકળી ગઈ… એણે પ્રવિણનો…
( ક્રમશ: )
લેખક: પ્રો. રાજેશ કારિયા