પોતાનાં કુટુંબ સામે બધી વાત સ્પષ્ટ રીતે છતી કરી દીધી. એમની પોસ્ટખાતાની નોકરીમાં કેવાં કેવાં ધંધા ચાલે છે અને એમનીજ નજર નીચે કેવાં કેવાં ધંધા ચાલે છે એ પણ કહી દીધું અસ્પષ્ટ રીતે તેઓ એમાં કેવા ફસાયા છે એ પણ જાણ કરી.
આજસુધી નોકરીની મજબૂરીમાં કેવું કેવું ચલાવી લીધું અને એમની હાથ નીચેનાં મધુ ટંડેલે એનો કેવો ગેરફાયદો ઉઠાવ્યો એમ પણ કીધું.
એમનો એકનો એક દીકરો કલરવ બારમાની પરીક્ષા આપીને આગળ વધુ ભણવાનાં સોનેરી સ્વપ્ન જોઈ રહેલો પોતાનાં પિતાનાં ચહેરાં પર ચિંતાની લકીરો જોતાં એ એમની જાણ બહાર છાનોમાનો બધી વાત સાંભળી ગયેલો. પોતે હવે મોટો થયો છે અને પિતાની આવાં ટાણે મદદ કરવી એની ફરજ સમજી એણે સાથે જવા માટે કહ્યું.
શંકરનાથે કલરવને કહ્યું "દીકરા તું હવે મોટો જરૂર થયો છે પણ એટલો મોટો નથી થયો કે તું આવાં જોખમી કામમાં મારી સાથે આવે. વિજય ટંડેલનાં માણસો મારી સલામતી માટે સાથે રહેવાનાં છે અને મારે ક્યાં પરદેશ જવું છે ? સુરત જવાનું છે હું સુરત જઈને સીધોજ પડીકા પકડાવી દઈશ. સુરત... ? આ રહ્યું ક્યાં દૂર છે ?”
“હું મધુટંડેલની બધી બાજી ઉલટાવી નાંખીશ અને આજ સુધી જે ગુનાખોરીનો મૌન સાક્ષી રહ્યો છું એનું હું પ્રાયશ્ચિત કરી દઈશ. અહીં તારી માં અને નાનકી એકલાં છે એમની સાથે રહેવાનું છે મને અહીંની તો નિશ્ચિંન્તતા રહેશે હું કામ પતાવી મોડામાં મોડો 2-3 દિવસમાં પાછો પણ આવી જઈશ. તમે બંન્ને કોઈ ચિંતા ના કરો.”
“આપણાં ઉજ્વળ ભવિષ્ય માટે હું જોડે જોડે એક કામ કરતો આવીશ. એનાં અંગે અત્યારે કંઈ કહેવું એ વહેલું ગણાશે પણ હું બધુંજ બરાબર કરીને પાછો આવીશ”. પછી ઉમાબેનની સામે જોઈને આગળ બોલ્યાં "ઉમા તારાં કબાટમાં મેં 15 હજાર રૂપિયા મૂક્યાં છે ક્યાંય જરૂર પડે તારે ચિંતા નથી. અને હાં... આ પૈસા આપણાંજ છે કોઈ કાળી કમાઈનાં નથી. "
ઉમાબહેને સશંકા સાથે પૂછ્યું "બધું બરાબર કરીને પાછા આવવાનાં છો ... કોઈ જોખમ નથી તો મારે આટલાં બધાં પૈસાની જરૂર નથી... તમે પણ શા માટે આપો છો ? સાચું કહેજો તમારાં મનમાં શું ચાલી રહ્યું છે ? તમે કદી આવાં નહોતાં બધુંજ છુપાયેલું છે તમારાં મનમાં ... તમે મને કેટલી ચિંતામાં નાંખી દીધી છે...” એમ બોલતાં બોલતાં ડૂસકું નાંખી રડવાં લાગ્યાં.
કલરવ પણ આ બધાં સંવાદોથી ઢીલો થઇ ગયો એણે શંકરનાથ સામે જોયું અને બોલ્યો "પાપા સાચું કહો છો ને તમને કોઈ જોખમ નથીને ?” ઉમાબહેન વચ્ચે રડતાં રડતાં બોલ્યાં " કલરવનાં પાપા… મને આજ સુધી તમારાં ઉપર ભગવાન કરતાં વધુ ભરોસો રહ્યો છે. તમે જેમ રાખ્યાં એમ અમે રહ્યાં છીએ... હું બોલતાં બોલી ગઈ કે પેલાં મધુભાઈ રંગરેલીયા કરે આટલાં બધાં પૈસા બનાવે એમનાં ઘરનાં બધાં જલસા કરે અને તમે એવાં ને એવાં રહ્યાં...”
“કલરવનાં પાપા મને માફ કરજો... ઉચાટ અને આવેગમાં હું એવું બોલી ગઈ પણ તમે સાચાં છો. તમારી નોકરીની પરિસ્થિતિ તમને જ ખબર હોય. એમાં જેટલું સચવાય તમે સાચવ્યું જ હશે. પણ... જે કામ માટે જાવ છો એ જોખમી ચોક્કસ છે... એ જોખમોને ધ્યાનમાં રાખીનેજ આજે આટલાં વર્ષે તમે બધું સાચું કહી દીધું છે.”
“કલરવનાં પાપા જોખમ હોયતો અહીંથીજ પોલીસને જાણ કરી તમારી સાથે રાખો... એ મધુભાઈ ઉપર અહીંથીજ ફરિયાદ લખાવી દો. તમે સાચું કરવાં માંગો છો પ્રાયશ્ચિત કરવા માંગો છો તો પોલીસને કહેવામાં કે સાથે રાખવામાં ભય શું છે ? પણ તમે આટલું બધું જોખમ એકલે પંડે ના ઉઠાવો...”
ઉમાબહેનની આંખોમાં આંસુ તગતગી રહેલાં. શંકરનાથ બધું સાંભળી માનસિક થોડાં ઢીલા પડ્યાં થોડીવાર મૌન થઇ ગયાં. ચુપચાપ ઉમાબહેનની વાત સાંભળી રહેલાં. તેઓ ઊંડા વિચારમાં પડી ગયાં. થોડો વિચાર કરીને બોલ્યાં.. "ઉમા... કલરવ હું એક કામ કરું છું મારો આ મોબાઈલ તમને આપીને જઉં છું કંઈપણ અગત્યની વાત કરવી હશે આ નંબર પર ફોન કરીશ આપણી પાસે બીજી વ્યવસ્થા નથી. સાદગીભર્યું જીવન જીવવાની લ્હાયમાં મેં ઘરમાં ફોન નથી લીધો. વળી આ બધાં ડ્રગ માફીયાઓ મને વારે વારે ફોન કરી પરેશાન કરશે એ ડરે પણ ના લીધો મારે શાંતિથી જીવવું હતું... જીવવું છે મને પૈસાનો મોહ નથી... કે નથી મારે બંગલા ગાડી વસાવવા...”
કલરવ અને ઉમાબહેન બંન્ને શંકરનાથને ખુબ સન્માનથી જોઈ રહેલાં... શંકરનાથની આંખો પણ ભરાઈ આવી હતી... એ થોડીવાર ફરી ચૂપ થઇ ગયાં પછી ખોંખારો ખાઈને કહ્યું "તમે ચિંતા નાં કરો હું સુરત જઈને આવું પછી આપણાં બધાની જીંદગી બદલાઈ જશે... બધું સારું થઇ જશે. વિજય ટંડેલનો સાથ અને એનો સલામતિનો હાથ છે મને કોઈ ચિંતા નથી.. મારો મહાદેવ રક્ષા કરશે...”
પછી આગળ બોલતાં કહ્યું "ઉમા આ ફોન રાખો હું બધું મેનેજ કરી લઈશ હવે માત્ર થોડાં દિવસનોજ સવાલ છે. તારું હવે સારી કોલેજમાં ભણવાં જવું પણ નક્કી છે. "
કલરવે કહ્યું "પાપા તમારી સમજ સામે મારી સમજ બહુ નાની છે પણ જોખમભર્યો આગળ તમારો પથ છે. હું અહીં રહીશ તમારાં આવવાની રાહ જોઇશ.”… અને શંકરનાથે કલરવનાં હાથમાં મોબાઈલ ફોન થમાવ્યો...
******
વિજય ટંડેલનાં ગળે હાથ વીંટળાવીને રોઝી ઉભી હતી અને વિજયે એની પાછળ કોઈ ઓળો -પડછાયો જોયો... એ સાવધ થયો અને ઉભો થઇ એ દિશામાં નજર કરી પણ ઓળો ગાયબ થઇ ગયો.
વિજયે પૂછ્યું " રોઝી તારી સાથે કોઈ આવ્યું છે" ? એ તારી સાથેજ આવ્યો છે ?કોણ છે ? જે હોય એ સાચું કહેજે.” રોઝીનાં ચહેરાં ઉપર ભય છવાયો એ કંઈ જવાબ આપે પહેલાં વિજયનો ફોન રણક્યો...
વધુ આવતા અંકે - પ્રકરણ 16