સૂરજ પોતાના પપ્પાના પ્રશ્નથી પરેશાન થઈ રહ્યો હતો. એ શું કહે એજ એને સમજાઈ રહ્યું નહોતું. એમના પપ્પાને કોઈ ઉત્તર ન મળતા એમને ફરી પૂછ્યું, "શું વિચાર્યું બેટા?"
"પપ્પા હજુ કોઈ જ વિચાર કર્યો નહીં. હું તમને કેમ જવાબ આપું!"
"જો દીકરા! આટલી સુંદર, સંસ્કારી, સારું ભણેલી અને વળી જાણીતા પરિવારમાંથી જ આ ત્રીજી વખત વાત આવી છે. કોઈ બહાનું જ નહીં એને ના પાડવાનું, પહેલી વખત તું ભણે છે એમ કહી ના પાડી, બીજી વખત જોબ નહીં એમ કહી ના પાડી, હવે હું શું જવાબ આપું એ તું જ કહે!"
"અરે પપ્પા! તમને મેં કેટલી વખત કહ્યું છે કે, મારે મને જે ગમશે એ વ્યક્તિને મારા જીવનમાં લાવવી છે. તમને મેં પહેલી વખત જ ના પાડી હતી, મેં કીધું હતું કે એ લોકોને ના પાડી દો! તમે જ વાતને લંબાવી છે. હવે તમારે જે કહેવું હોય એ કહેજો. પણ પ્લીઝ હવે ચોથી વાર વાત આવે એવો જવાબ ન આપતા!"
"કેમ દીકરા! એ તને નથી ગમતી?"
"એ સારી છે, ખુબ જ સુંદર છે. એના જેટલી સુંદર કોઈ છોકરી મેં જોઈ જ નથી. પણ તેમ છતાં મને એ જીવનસાથી તરીકે મનમાં બેસતી જ નથી."
"તને તો હવે કેમ સમજાવો એ મને ખબર પડતી નથી. તને કોઈ બીજું પસંદ હોય તો એ કહે, અમને એ પણ મંજુર છે."
"હા પપ્પા હું તમને ટૂંક સમયમાં જ કહીશ."
"દીકરા! આવું તો છેલ્લા બે વર્ષથી સાંભળું છું. હવે તો કોઈ નિર્ણય લે તો સારું છે."
"પપ્પા! પ્લીઝ તમે આ બાબતે મારી ચિંતા કરવાનું છોડી દો. હું સાચે જ થોડા સમયમાં તમને જણાવીશ."
"સારું. લે તારા મમ્મીને આપું વાત કર."
"કેમ છે બેટા! તને ત્યાં ગમે છે ને? જમવાનું તો ભાવે છે ને?"
"હા, મમ્મી મને અહીં ગમે છે અને જમવાનું પણ સરસ હોય છે. તું ને પપ્પા મારી આટલી ચિંતા ન કરો. હું ઠીક છું મમ્મી. તમને કેમ છે મમ્મી?"
"સારું છે. તારા વગર ગમતું નથી."
"ઓહ મમ્મી! તો હું આ રવિવારે જ તમને લેવા આવું છું. તું અને પપ્પા અહીં આવવાનું આયોજન કરી લેજો. તારું ધ્યાન રાખજે મમ્મી."
"હા બેટા!"
સૂરજે ફોન મુક્યો અને મન ફરી વિચારે ચડ્યું હતું. વિચારણાના અંતે સૂરજે નક્કી કર્યું કે, રવિવાર પહેલા સંધ્યા સાથે મારે વાત કરવી જરૂરી જ છે. સૂરજ એ સારી રીતે જાણતો હતો કે, જયાં સુધી રૂબરૂ વાત ન થાય તથા સુધી એનું નામ કોઈ સામે ઉચ્ચારવું ઠીક નહીં. સૂરજે એ આશા સાથે સંધ્યા સમક્ષ પોતાની લાગણીની રજુઆત વ્યક્ત કરી હતી કે, સંધ્યા આજે એનો એકરાર કબૂલ કરી લેશે, પણ સૂરજની ધારણા ખોટી પડી હતી. ફરી મુલાકાત થાય ત્યારે જવાબ મળે એ આશાથી એ ઊંઘવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યો હતો. મનમાં સંધ્યાની એ પ્રેમભરી નજર આંખને આડે રહીને નિદ્રારાણીને પ્રવેશવા દેતી જ નહોતી. સંધ્યાની એક આ ઝલક જ સૂરજના દિલ પર રાજ કરવા પૂરતી જ હતી. આમતેમ પડખા ફરવામાં જ રાત વીતી ગઈ હતી.
આ તરફ સંધ્યા જેવી બધું જ કામ પતાવી રૂમમાં ગઈ કે, તરત જ તેણે પોતાના મિત્રોના ગ્રુપમાં સૂરજે પ્રપોઝ કર્યું, એ વાતની ખુશી બધાની સાથે શેર કરવાના હેતુથી એક મેસેજ નાખ્યો કે, "આજ સૂરજે એના મનની લાગણી મારી સમક્ષ રજુ કરી, એ મારી સાથે મેરેજ કરવા ઈચ્છે છે."
"વાહ સરસ. તો આપો પાર્ટી! ખુશ થતો પહેલો મેસેજ રાજનો જ આવ્યો હતો."
"અરે.. શું તું પણ.. એને કહ્યું એમ મેં જણાવ્યું, પણ હું કાંઈ જ બોલી શકી નહીં." સંધ્યાએ રીપ્લાય કર્યો હતો.
"તું પણ પાગલ જ છે. હાથમાં આવ્યો મોકો ગુમાવ્યો. બબુચક જ રહેજે!" ગુસ્સો જતાવતો મેસેજ રાજે કર્યો.
"હા યાર, પાગલ નહીં એને મહાપાગલ કહેવાય! હા કહેવા તારે મુરત જોવડાવવું હતું?" મસ્તી કરતો મેસેજ અનિમેષે કર્યો હતો.
"અરે ના આમ અચાનક એ મને કહે તો હું ગભરાઈ ગઈ! અને શું કહું ના કહું વિચારું એ પહેલા જ સુનીલ પણ આવી ગયો હતો. પછી મારે કેમ કહેવું?" પોતાની તકલીફ રજુ કરતો રીપ્લાય સંધ્યાએ કર્યો હતો.
"અરે વાહ! શું વાત કરે છે? વિચારવાનું શું હોય? તારે તરત જ હા પાડી દેવાય ને!" રાજી થતા હરખ જતાવતો મેસેજ જલ્પાએ કર્યો હતો.
"અરે યાર! તારું તો સેટ થઈ જ ગયું એમ સમજી લે! આજ નહી તો કાલ હા પાડી દેજે, એણે કરી પહેલ તો એક ડગલું તું પણ ચાલી જ લે." ઉત્સાહ સાથે વિપુલાએ રીપ્લાય કર્યો હતો.
"અરે તમે બધા શાંતિ રાખો, એક તો મારા ધબકારા એમ જ વધી ગયા છે. વધુ ન વધારો હો!" પોતાની ચિંતા રજૂ કરતો મેસેજ સંધ્યાએ કર્યો હતો.
"સાચે જ તને ચિંતા થાય છે? ઓકે તારું ટેંશન ઓછું કરી દઈએ, તારા વતી જવાબ અમે આપી દઈએ. બોલ, હું કહી દઉં હમણાં સૂરજને કે, તારી સંધ્યા રાજી નથી?" સંધ્યાને ચીડવતો રીપ્લાય રાજે કર્યો હતો.
"અરે રાજ! નેકી ઓર પૂછ પૂછ. ચાલ આપણે એને રૂબરૂ જ કહી આવીએ. આપણી દોસ્તની ચિંતા કાયમ માટે દૂર થઈ જાય. આપણે મદદ ન કરીએ તો સંધ્યાને દુઃખ લાગે ને!" રાજની મસ્તીમાં સાથ પૂરાવતો મેસેજ અનિમેષે પણ કર્યો હતો.
"એ બંન્ને દોઢાઓ તમે ચૂપ બેસો, શું હેરાન કરો છો સંધ્યાને? તું ચિંતા ન કર સંધ્યા હું છું ને તારી સાથે." ચેતનાએ મેસેજ કર્યો હતો.
બસ, આખા ગ્રુપમાં એક પછી એક બધાના મેસેજ ચાલુ જ રહ્યા. આ પ્રપોઝ જાણે આખા ગ્રુપનું હોય એમ આખું ગ્રુપ હિલ્લોળે ચડ્યું હતું. બધા ખુબ જ ખુશ હતા. આટલી બધી મસ્તી કે વાતો આજ સુધી ગ્રુપમાં ક્યારેય નહોતી થઈ! મોડી રાત્રીના ૩ વાગ્યા સુધી ગ્રુપમાં મેસેજનો મારો ચાલુ જ હતો. સંધ્યાએ કીધું કે, મારા મોબાઈલની બેટરી હવે ૧% જ છે ત્યારે બધા લાગણીસભર ગૂડનાઇટ અને સ્વીટડ્રિમના મેસેજીસથી છુટા પડ્યા હતા.
સંધ્યાને ઊંઘ આવતી જ નહોતી. સૂરજનો એક એક શબ્દ ફરી ફરીને માનસપટલ પર અથડાય રહ્યો હતો. આ શબ્દોથી મળતી ઉત્તેજના એને માણવી ગમતી હતી. એ પોતાને ખુબ જ ખુશનસીબ માની રહી હતી. એને મનમાં વિચાર્યું કે, પ્રેમ ફક્ત તકલીફ જ આપે છે, પણ મને પ્રેમ સામે બમણો પ્રેમ કુદરતે આપી દીધો છે. આ લાગણી ભર્યો અહેસાસ માણતી સંધ્યાની આંખ ક્યારેય મીંચાય ગઈ એનો એને ખ્યાલ જ નહોતો.
સૂરજની આજની સવાર અનેક કુતૂહલને સાથે લાવતી પડી હતી. આજે કોઈપણ રીતે પોતાના જવાબ મેળવવાના હેતુથી નવા દિવસને આવકારતો એ પોતાની દિનચર્યામાં વળગ્યો હતો.
દિલનો કલબલાટ દિલમાં જ ગુંજી રહ્યો હતો,
મનમાં થતા પ્રશ્નનો ઉત્પાત બેચેન કરી રહ્યો હતો,
ક્યારે પ્રેયસી કરશે એકરાર?
દોસ્ત! વિચાર માત્ર રુહને ઝણઝણાવી રહ્યો હતો.
સુનીલ સંધ્યાને એની કોલેજે મૂકીને પોતાની કોલેજ જવા નીકળી ગયો હતો. સંધ્યા પોતાના ક્લાસમાં જવા માટે દાદરા ચડી જ રહી હતી, ત્યાં જ તેનું ગ્રુપ સામેથી આવતું દેખાતા એ ત્યાં જ ઉભી રહી ગઈ હતી.
કેવો હશે આજે કોલેજનો દિવસ?
સૂરજને એનો જવાબ કેવી રીતે મળશે?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻