Prem - Nafrat - 101 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૦૧

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૧૦૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦૧

રચનાને ખ્યાલ આવી ગયો કે નક્કી લખમલભાઇને અંદાજ આવી ગયો છે કે અમે એમની સામે રણજીતલાલના મોતનો બદલો લઈ રહ્યા છે એટલે આડકતરી રીતે પોતાનો ગુનો સ્વીકારી રહ્યા છે. અમે રણજીતલાલના પરિવારના છીએ એની જાણ થયા પછી એ હવે પોતાના ગુનાની કબૂલાત કરી રહ્યા છે. મીતાબેન પણ વિચારી રહ્યા કે લખમલભાઇને હવે એમના કૃત્યનો અફસોસ થઈ રહ્યો છે. એમણે નવાઈથી પૂછ્યું:રણજીતલાલના મૃત્યુ માટે તમે જવાબદાર કેવી રીતે?’

મને જ એની ખબર પડતી ન હતી... જશભાઈએ જ્યારે મને મોં પર આવું કહ્યું ત્યારે હું ચમકી ગયો અને વિચારવા લાગ્યો કે રણજીતલાલ સાથે મેં એવું શું કર્યું હતું કે એમના મોત માટે હું જવાબદાર થયો છું. મેં જશભાઈને પૂછ્યું કે તમારી પાસે શું કોઈ આધાર- પુરાવા છે કે હું રણજીતલાલના મોત માટે જવાબદાર છું... લખમલભાઇ વાતની શરૂઆત કરી રહ્યા હોય એમ અટકીને બંને તરફ જોવા લાગ્યા.

રચના વચ્ચે કંઇ બોલવા માગતી ના હોય એમ ચૂપચાપ ચહેરા પર આશ્ચર્ય અને ઉત્સુકતાના ભાવ સાથે એમની તરફ જોઈ રહી. મીતાબેનને હવે લખમલભાઇ પર ક્રોધ આવી રહ્યો હતો. એ પોતે રણજીતલાલના મોત માટે એમના જ માણસ દ્વારા જવાબદાર ગણાઈ રહ્યા હતા. જ્યારે રચનાએ એમની સામે બદલો લેવા એમને બરબાદ કરવાની યોજના પર કામ કરવાની વાત કરી ત્યારે પોતે પહેલાં સંમતિ આપી ન હતી. લખમલભાઇ આવા હોય શકે એમ માનવામાં આવતું ન હતું. પણ પાછળથી રચના સાચી લાગી રહી હતી. હવે એમના જ મોંએથી વાત સાંભળીને ધિક્કાર ઊપજી રહ્યો હતો. એ સહેજ નારાજગીના ભાવ સાથે પૂછી રહ્યા:તમે રણજીતલાલનું બૂરું ઇચ્છયું હતું?’

એ નિર્ણય તો તમારે જ કરવાનો છે. આજે હું જે માહિતી મળી છે અને જે જાણું છું એની કબૂલાત કરવા આવ્યો છું. હું મારા માથા પર કોઈ ભાર રાખવા માગતો નથી. હું આ દુનિયામાંથી જઉં ત્યારે મારો ગુનો હોય તો એની સજા ભોગવીને જવા માંગુ છું. જશભાઈ પાસે મેં પુરાવા માગ્યા ત્યારે એમણે કોઈ દસ્તાવેજી પુરાવા ન હોવાની વાત કરી. એમની વાત પણ સાચી હતી. કોઈના મોત માટે કોઈ લેખિતમાં હુકમ કરી શકે નહીં. મેં એમની પાસે જાણકારી માગી ત્યારે એમણે મને કહ્યું કે આપણે ત્યાં રણજીતલાલ નામનો એક ભાઈ કામ કરતો હતો. એ અમારો મુકાદમ બન્યો હતો. પરંતુ એના મોતના થોડા સમય પછી મેં તમારી નોકરી છોડી દીધી હતી. મને જાણવા મળ્યું હતું કે તમે મજૂરો વચ્ચે રાજકારણ રમાડો છો. એમની સામે સારા દેખાઈને પીઠ પાછળ કાવાદાવા કરો છો. રણજીતલાલને મુકાદમ બનાવીને બીજા મજૂરોનો ઝઘડો કરાવીને એને હટાવી દીધો હતો. આ વાત સાંભળીને હું ચોંકી ગયો હતો. મને ખબર ન હતી કે મારી પીઠ પાછળ કેવી મેલી રમત રમાઈ રહી હતી. મેં એને પૂછ્યું કે તને કોણે આ બધું કહ્યું હતું? ત્યારે એણે મેનેજરનું નામ આપ્યું હતું. મેં કહ્યું કે મેં ક્યારેય મજૂરોના કે મેનેજરના કામમાં માથું માર્યું નથી. મારે તો કામ થવા સાથે મતલબ હતો. તમારી કોઈ ગેરસમજ થાય છે. હું તો મજૂરોના અને કર્મચારીઓના કામને પ્રોત્સાહન આપતો રહેતો હતો. ત્યારે એણે મને વ્યંગમાં કહ્યું કે હાથીના બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. એ પોતાની નોકરી છૂટી જવા માટે મને જવાબદાર માનતો હતો. એનું એમ પણ કહેવું હતું કે સારું થયું કે મેં તમારી નોકરી છોડી દીધી અને મને પ્રગતિની નવો માર્ગ મળી ગયો. એની વાત સાંભળીને મારા દિલને મોટો ધક્કો પહોંચ્યો હતો. મારા હાથે આવા પાપ થયા હોય એ મારા માનવામાં આવતું ન હતું. મેં એને કહ્યું કે તારી પાસે બીજી કોઈ સાબિતી છે કે મેં આ બધું કરાવ્યું હતું? ત્યારે એણે મને એક જણનું નામ આપ્યું અને હું ચમકી ગયો... કહી લખમલભાઈ અટકયા.

રચનાને થયું કે લખમલભાઈ પોતાના પાપોની કબૂલાત કરી રહ્યા છે કે સફાઈ પેશ કરી રહ્યા છે?

ક્રમશ: