ઓફિસમાં પ્રવિણને જ્યારે બધાજ પુછે છે, ત્યારે જવાબ આપવાનું ટાળે છે, પણ એનો ખાસ મિત્ર રાકેશ જ્યારે આ જ વાત કાઢે છે ત્યારે પ્રવિણ ટ્રેનમાં થયેલી લક્ષ્મી સાથેની મૂલાકાત અને અત્યારે તેમાં જ ઘરે લક્ષ્મી છે તે સઘડી વાત જણાવે છે. જ્યારે રાકેશ પુછે છે કે ક્યાં સુધી અને કેવી રીતે એને સાચવીશ? ત્યારે પ્રવિણે કહ્યું, ‘ લક્ષ્મી માટે મને ભારોભાર સદ્ભાવ છે, મારા જેવી જ સમદુખી પણ છે એટલે એનુ દર્દ મારાથી વિશેષ કોણ સમજી શકે..! પણ મરજી તો એની જ સાચવીશ. એને જ્યાં સુધી ગમશે કે અનુકૂળ હશે ત્યાં સુધી એનુ સ્વમાન સચવાય એ રીતે… પછી એનાં મનમાં શું હશે એ મને ખબર પણ નથી પણ કહેશે કે ક્યાંય યોગ્ય જગ્યાએ મુકી જાઓ તો… ( થોડી અસ્વસ્થતા સાથે બોલ્યો..) એ કહેશે એમ એની સલામતી રહે તેવી જગ્યા શોધી કાઢીશ.. જરુર પડે તો તુ મને મદદ પણ કરજે. આટલી વાત કરી એટલામાંતો પિયુને આવી ને પ્રવિણને કહ્યું કે, ‘ શેઠ બોલાવે છે તમને ઓફિસમાં… પણ કહેવડાવ્યું છે કે કોઈ બીજુ કામ હોય તો પતાવીને આવે કેમ કે શેઠે કહ્યુ છે કે અડધો કલાક જેટલો સમય ચર્ચા કરવાની છે.’
પ્રવિણે સામે પિયુનને કહેવડાવ્યુ કે શેઠને કહેજો કે હમણાં જ આ એક કામ છે તે પતાવીને હાજર થઈ જાવ છું. પણ પ્રવિણ કામની સાથે એ વિચારે પણ ચડ્યો કે શેઠને અડધો કલાક જેટલી વાત કરવી છે..! એ પણ મારી સાથે..!? કદાચ આટલી નોકરીમાં ત્રીજી ચોથી વાર શેઠનો આમનો સામનો થશે. પહેલાતો માત્ર એક બે મિનીટ્સ પણ હવે અડધો કલાક..! શું હશે..? ક્યાંક મને નોકરીમાંથી ફાયર તો નહીં કરવાનો હોય ને..? અરે ભગવાન…. લાજ રાખજે મારી હવે તો મારે બીજી પણ જવાબદારી છે… નોકરી ન હોય તો આ મુંબઈમાં રહેવું જ અશક્ય છે… આવા અનેક વિચારો વચ્ચે પોતાનાં કામમાં જોતરાઈ ગયો.
આ બાજુ લક્ષ્મી બાજુમાં રહેતા તેજલબેન પાસે જાય છે. તેજલબેન બહુ જ મહેનતકશ, હોશિયાર અને કુટુંબ ભાવના ધરાવતા કુશળ સન્નારી છે, તે પોતાનાં પરીવાર માટે ઘર સાચવતા ઘણું બધું અન્ય કામ કરી મહિને દસ પંદર હજાર સહેજે કમાઈ લેતા હતા. એમણે ચાર પાંચ કલાકનાં સંસર્ગમા તો લક્ષ્મીને મુબઈની જિંદગી, કેમ રહેવું, કેવાં લોકો હોય છે, કોનાથી કેમ સાચવવું અને ખાસ તો ઘરે બેઠાં જ કેટકેટલાંય કામ મળે તે સમજાવી લક્ષ્મીને જાણે મુંબઈની લાઈફ માટે ઓરિયેન્ટ કરી જ દીઘી હતી. લક્ષ્મીએ પોતાની આપવિતી પણ કહી જ સંભળાવી હતી… અને એ સારું પણ કર્યું કેમ કે એક સ્ત્રી જ્યારે બીજી સ્ત્રીને પોતાની વિતક કથા કે વ્યથા કહે અને એ પણ તેજલબેન જેવા કોઠાસૂઝ ધરાવતા બહેનને… ત્યારે દુખ તો હળવું થાય જ પણ એક નવો રાહ પણ તૈયાર કરી બતાવે. અહીં એવું જ થયુ… તેજલબેને લક્ષ્મીને કહ્યું, ‘ જો લક્ષ્મી… આશ્રમ કે અન્ય કોઈ જગ્યાએ બીજો કોઈ વિકલ્પ ન હોય તો જ જજે.. બાકી પ્રવિણભાઈ જેવો માણસ મળવો મુશ્કેલ છે… એ તારી પુરી મર્યાદા અને સન્માન જાળવશે તેવો ઉદાર દિલનો અને ભલો માણસ છે..એટલે તને ભગવાને યોગ્ય જગ્યાએ અને યોગ્ય માણસનો ભેટો કરાવ્યો છે..’
લક્ષ્મી બોલી, ‘ હા બેન માણહ તો તરત પરખાઈ જાય બોવ વાર ના લાગે… પણ આમ ઈની ભેરી કેટલુ રેવાય..! કે બનધન સે તો રવ.. ઈનુ ય જોવુ પડે ને.. કોઈ વાતું કરે, ઈની આબરૂ જાય.. બેન મને આવા બવ વિસારુ આવે સે. એટલે ઈમ થાય કે કયા્ય કોય એવી જયગા હોય તાં જાતી રવ ને જે કેહે ઈ કામ કરી દઈશ…’ પણ એને વચ્ચે થી જ અટકાવીને તેજલબેન બોલ્યા, ‘ રૂણાનુબંધ હોય તો ભગવાન કોઈ ને કોઈ રીતે ભેગા કરાવે જ… તું એવુ સમજ કે તને કોઈ ગયા ભવનાં બાકી રહી ગયેલ સંબંધે અહીં મોકલી હશે.. કયા સંબંધે ? કેમ ? કેટલું અને કેવી રીતે એ તુ ઈશ્વર ભગવાન પર છોડી દે.. રહી વાત એનાં પર બોજ બનવાની.. તો તું શર્ટમાં ગાજ બટન કરી શકે, ડ્રેસમાં કે કાપડમાં જડતર લગાવવા એવુ બધુ તો કરી જ શકે ને.. હાલ તને હમણાં જ લઈ જાવ… બાજુમાં રેડીમેઈડ કપડાની ફેક્ટરી છે..બધુ મટીરીયલ્સ પણ એ લોકો જ આપશે, તું દરરોજ પચાસ શર્ટમાં ગાજ-બટન કરીશ તો પણ તને ઘરબેઠા જ રોજનાં ચારસો રૂપિયા મલી જાશે.’
લક્ષ્મી તો તરત તૈયાર થઈ ગઈ.. એને તો જાણે એક ભાર ઓછો થઈ ગયો હોય અને એક નવી આશા જાગી ગઈ એવો જ અહેસાસ થયો. એ બન્ને જઈને આ નવી કામગીરીને અંજામ આપી આવ્યા અને પુરા સો શર્ટ લઈ આવી ને કહી પણ આવી કે કાલે રાત સુધીમાં તો પરત પણ કરી દેશે.
લક્ષ્મી બોલી, ‘ તેજલબેન ઈ આવીને જોહે તો.. કંઈ ?’
તેજસબેન બોલ્યા, ‘ રાજી થશે.. તું કામ કરવા લાગી જા, બીજા કોઈ મનમાં ઘોડાં ન દોડાવીશ… અને લે આ મારાં બે ત્રણ ડ્રેસ છે..પહેરી લે અહીં જ મારા ઘરે ને કપડાં બદલી કાઢ… તારી ઉંમર નથી કે સફેદ સાડલામાં જિંદગી કાઢે..’
‘ પણ… તેજલબેન હુ તો વિધવા સુ ને આવું તે કેમ..! ‘
તેજલબેને ફરીથી અટકાવી ને કહ્યું, ‘ કે મને બહેન માને છે ને તું ..! તો હવે તારે કઉં એટલું કરવાનું. એવું માન કે આ તારી નવી જિંદગી છે… એક નવી તક, એક નવો અવતાર… તારે આ નવી જિંદગી જીવવાની છે અને કદાચ એ જ ભગવાનનો ઈશારો હશે… આ પહેરી લે અને બીજા જોડે લઈ પણ જા.. અને કરવા માંડ કામ…કાલે પેલા શર્ટ આપી દેવા પડશે.. ટાઈમ નહી સચવાય તો કાલે ફરી ઉભવા પણ નહીં દે.’
હવે લક્ષ્મી પોતાની ખોલીમાં પરત જઈને પોતાને જ નિરખવા ઈચ્છે છે…પણ ખોલીમાં અરીસો હોય તો ને..!
શક્ય તેટલું શરીર પર નજર કરવા પ્રયત્ન કર્યો અને જેટલુ દેખાયું તેટલું નીરખીને સ્વગત બોલી કે મનુ ને આ જાબલી કલર બવ જ ગમતોતો..આઈજે ઈ હોત તો તરત બોલત કે, ‘ લે..એ તુ તો બવ રુપાડી લાગસ ને આમા..’
પણ કાલનું કામ આપવાનું યાદ આવતા તરત પોતાનાં કામમાં મશગુલ થઈ જાય છે.
લગભગ છ એક થવા આવ્યા હશે.. લક્ષ્મી પોતાનાં કામમાં ગળાડૂબ હતી એટલામાં ખોલીનો દરવાજો હળવેથી ખૂલે છે… લક્ષ્મીતો પોતાનાં કામમાં એટલી ખોવાયેલ હતી કે પ્રવિણ આવ્યો એનો અણસાર પણ ન થયો. પ્રવિણે આ બધુ જોઈને આશ્ચર્યચકિત થઈ જ ગયો હતો.. આજુ બાજુ માં ફેલાયેલ નવાં શર્ટ અને તેમાં ગાજ બટન કરી રહેલ લક્ષ્મી… આ બધુ કેમ ? કેવી રીતે થયું ? એ બધુ વધારે વિચારે ચડે એ પહેલાં તો લક્ષ્મીને એનાં આવવાની ખબર પડતા જ ઉભી થઈ ગઈ અને બોલી, ‘ આવી ગ્યા તમે..! શેઠે વેલા આવવવાની હા કય દીધી ને મને વિસવાહ હતો જ કે આવી જાહો વેલા.. તમે હાથ મો ધોઈ લ્યો હુ હમણે જ સા બનાવી દવ’
પ્રવિણે લક્ષ્મીને સફેદ સાડલામા જ જોઈ હતી.. એક નવાં જ રૂપે એ લક્ષ્મીને નિહાળી રહ્યો હતો એટલે એકવાર તો એકીટશે જોઈ જ રહે છે પણ પછી તરત સજાગપણે નજર હટાવીને અને ફરીથી એને જાંબલી રંગનાં ડ્રેસમાં જોઈને તરત એટલું તો એનાથી બોલાઈ જ ગયુ,’ લક્ષ્મી તું તો..!!!
( ક્રમશ: )
લેખક: પ્રો. રાજેશ કારિયા