પ્રવિણ પોતાના નિયત સમયે જાગે છે પણ નાનકડી ખોલીમાં ક્યાંય લક્ષ્મી દેખાતી નથી. પણ એની ખોલીમાં બદલાયેલું દ્રશ્ય જોવા મળે છે. ઓરડી આખીએ ચોખ્ખીચણક, કપડાં બધાં સુઘડ રીતે ગોઠવાયેલા, વાસણો પણ સાફ થઈને યોગ્ય રીતે ગોઠવાઈ ગયેલા, ઓઢવાં પાથરવાની ગોદડીઓ સરસ રીતે ગડી વાળીને પતરાની પેટી પર ગોઠવાયેલી તેની પર ચાદર ઢાંકીને સરસ રીતે ગોઠવાઈ ગઈ હતી. પ્રવિણ આંખો ચોળીને એકદમ જ બધું જોઈ જ રહ્યો કે હું સ્વપ્ન તો નથી જોતો ને ? આ મારી જ ખોલી છે ને..!
પ્રવિણને એ તો ખાત્રી થઈ જ ગઈ કે લક્ષ્મીએ જ વહેલી જાગીને આ બધુ કર્યુ હશે, પણ આ લક્ષ્મી છે ક્યાં ? એક બિલકુલ અજાણી જગ્યાએ આવીને તેનું કોઈ જ પરિચિત નથી અહીયાં…તો પહેલી જ સવારે કોની સાથે ? કેમ ? કયાં ગઈ હશે…!? એને ફાળ પડી કે ક્યાંક લક્ષ્મી મને જણાવ્યા વગર જ પોતાના માટે કોઈ આશ્રમ જેવી જગ્યા તો શોધવા નથી જતી રહી ને..! એને થયું કે મારે કંઈક જલ્દીથી તેને શોધવી પડશે એટલે તરત એ ફ્રેશ થવા માટે ખોલીઓ પુરી થાય ત્યાં કોમન ત્રણ ત્રણ બાથરૂમ અને સંડાસની જે લાઈન હતી તેમાં ઝડપભેર જતો રહે છે અને નક્કી કરે છે કે ફટાફટ ફ્રેશ થઈ ને જલ્દીથી લક્ષ્મીનો કંઈ પત્તો મેળવવા પ્રયત્ન કરું… પણ જેવો એ એક ટોઈલેટમાં અંદર જવા માટે જઈ જ રહ્યો હોય છે ત્યાં જ સામેનાં બાથરૂમમાંથી લક્ષ્મી નાહીને ગઈકાલનાં જે કપડાં હતા તે જ ફરીથી પહેરીને બહાર નિકળે છે અને પ્રવિણને જોઈને તરત બોલી, ‘ જાગી ગ્યા તમે ? આવો પસી તમે… હું ભગવાનને દિવો કરી લવ પસી તમારી ચા મેલી દવ… કાંય ઘરમા હોય તો ખાવાનુ પણ બનાવી દેશ, કાઈલ થી કાંય હરખુ ખાધુ નથ ને..!’ એમ કહી લક્ષ્મી ખોલીમાં જતી રહી. લક્ષ્મી બહુ ભણેલ ન હતી પણ બહુ જ ઘડાયેલી હતી એટલે પરિસ્થિતિનો તાગ ઝડપથી કાઢી લે તેવી ચપળ તો હતી જ.
પ્રવિણ તો એને જતાં જોતો જ રહ્યો. લક્ષ્મી ક્યાંય ગઈ નથી એ જોઈ એક રાહતની લાગણી સાથે એક હાશકારો અનુભવ્યો. એ ઝડપથી પોતાનું નિત્ય કર્મ પતાવીને ખોલીમાં અંદર જાય છે. એ દરમ્યાન તો લક્ષ્મીએ ભગવાનને દિવો કરી ચા અને ગરમ ભાખરીનો લોટ તૈયાર કરી દે છે.
લક્ષ્મી બોલી, ‘ તમે નાઈ લ્યો જલ્દી તાં હુધી તો ભાખરી થઈ જાહે.’
પ્રવિણને તો લક્ષ્મી અત્યારે સાક્ષાત મા અન્નપૂર્ણા હોય તેવો જ અહેસાસ થયો. એ કંઈ જ બોલ્યા વગર ઝડપથી ન્હાવા જતો રહે છે અને એટલી જ ત્વરિત ગતીએ પરત ખોલીમાં આવી જાય છે.
લક્ષ્મીએ ચા અને ગરમ ભાખરી તૈયાર કરીને એલ્યુમિનિયમની થાળીમાં મુકી તૈયાર રાખી હોય છે. પ્રવિણ માટે તો આ બધું સ્વપ્ન સમાન હતુ. એ તો તરત પલાંઠી વાળીને બેસવા ગયો અને લક્ષ્મીને એનનો ઈશારો કર્યો કે જોડે ગોઠવાઈ જાય પણ લક્ષ્મીએ ભગવાનની છબી સામે જોઈ બે હાથ સાંકેતિક રીતે જોડી એની સામે એવો ઈશારો કર્યો કે પહેલાં દર્શન કરી લો…! પ્રવિણ તરત સમજી જાય છે અને ભગવાનની છબી સામે બેસી પ્રણામ કરી પરત પલાંઠી વાળીને ચા ભાખરી ખાવા બેસી જ જાય છે.
લક્ષ્મી બોલી, ‘ તમે ખાય લો પેલા… પસી તમારે નોકરીએ જાવાનું સે ને ? હુ તો આયાં જ સુ ને મારે ક્યાં બાર જાવાનુ સે..!
પ્રવિણે હકારમા માથુ હલાવ્યું. ચા અને બે ભાખરી ખાઈને સંતૃપ્ત થઈ ગયો હોય તેવો ભાવ મોઢા પર સ્પષ્ટ દેખાતો હતો. એ નોકરી પર જવા તૈયાર થઈ ગયો અને જતાં જતાં બોલ્યો, ‘ હું રોજ તો હાંજે હાત આઠ વાઈગે આવતો હોવ સુ પણ આઈજ શેઠને કય ને વેલો આવી જાઈસ… પગારનો ઉપાડ પણ થોડો લઈ આવીશ ને તને કાંઈ કપડા લેવાના કે ઘરમાં જોયે ઈ લેવા ભેગા જાશું.. તુ કયાં બાર નો જાઈશ તને પાસુ ઘર નઈ મલે જલ્દી.. ટેમ નો જાય તો આય થી ચોથી ખોલીએ તેજલબેન રે સે ઈય ગુજરાતી જ સે ને બવ હારા સે…એને કેજે કે પ્રવિણના હગામાં થાવ સુ… એની પાહે બેહજે તન ના નઈ કે’
‘ તમે જાવ નકર તમારે મોડુ થાહે… મને તેજલબેન વહેલી હવારે મલ્યા તા ને વાતેય થઈ સે ઈની હારે… મને એણે હામેથી જ કીધું સે કે પરવારીને આવજે… તમે મારી ચન્તા નઈ કરતા’
પ્રવિણ ઝડપભેર લોકલ ટ્રેન પકડી, પોતાનાં શેઠની ઓફિસ પર પહોંચી નોકરીએ લાગી જાય છે.આજે દરરોજ કરતા પ્રવિણ કંઈ અલગ જ મૂડમા હતો. ખંતિલો, ખમિરવંતો, પ્રામાણિક અને મહેનતકશ પ્રવિણ પોતાનાં શેઠ અને સ્ટાફમાં ઉપરીઓનો પ્રિય તો હતો જ એટલે બધા તેને માનથી તો જોતાં જ હતા પણ આજે તો પ્રવિણ કંઈ જુદો જ જણાતો હતો અને એ દેશમાં છોકરી જોવા માટે પણ ગયો હતો એ બધાને ઓફિસમાં ખબર હતી જ એટલે એને જોઈને લગભગ બધા એ વારાફરતી પુછ્યુ હતુ કે છોકરી જોવા ગયો હતો તો ગોઠવાઈ ગયુ છે કે શું ? આજે તો ચહેરા પર બહુ જ લાલી દેખાય છે…!
હજી નક્કી જ કર્યુ કે પરણીને પણ જોડે લાવ્યો છે કે શું ? વિગેરે પ્રશ્નો એને બધા જ વારાફરતી પૂછતા રહ્યા. બધા સામે મરક મરક હસીને જણાવતો કે ના એવું કંઈ જ નથી પણ ઓફિસમાં એનાં ખાસ મિત્ર રાકેશે આવું જ કંઈ પૂછ્યું તો પ્રવિણે એને જવાબ આપ્યો કે, ‘……
( ક્રમશ: )
લેખક : પ્રો. રાજેશ કારિયા