Anand - Review in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | આનંદ (૧૯૭૧) – રિવ્યુ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

આનંદ (૧૯૭૧) – રિવ્યુ

ફિલ્મનું નામ : આનંદ        

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : હૃષીકેશ મુખર્જી, એન. સી. સિપ્પી      

ડાયરેકટર : હૃષીકેશ મુખર્જી     

કલાકાર : રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, રમેશ દેવ, સીમા દેવ, સુમિતા સાન્યાલ, લલિતા પવાર, જોની વોકર, દુર્ગા ખોટે, દેવ કિશન, આસિત સેન અને દારાસિંઘ    

રીલીઝ ડેટ : ૧૨ માર્ચ ૧૯૭૧

        બોલીવુડમાં રાજેશ ખન્ના જેવું સ્ટારડમ ભાગ્યે જ કોઈને મળ્યું છે. ૧૯૬૯ થી ૧૯૭૧ દરમ્યાન તેની ૧૭ ફિલ્મો લાગલગાટ સફળ થઇ અને આનંદ પણ તેમાંની એક છે. રાજેશ ખન્નાની સર્વશ્રેષ્ઠ ભૂમિકાઓની વાત કરીએ તો આનંદની ભૂમિકા પ્રથમ પંક્તિમાં વિરાજમાન થાય એટલો સશક્ત રોલ અને તેની એક્ટિંગ છે.

        હૃષીકેશ મુખર્જી પોતાની અલગ પ્રકારની ફિલ્મો માટે જાણીતા હતા અને ચીલાચાલુ રોમેન્ટિક ફિલ્મથી અલગ ફિલ્મ કરવી હોય તો કલાકારો હૃષીકેશ મુખર્જી સાથે ફિલ્મ કરતા. અશોક કુમાર, રાજ કપૂર, દેવ આનંદ, દિલીપ કુમાર, ધર્મેન્દ્ર, સુનીલ દત્ત, સંજીવ કુમાર, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ અભિનેતાઓ તેમની સાથે કામ કરી ચૂક્યા છે.

૧૯૨૨ માં કોલકાતામાં જન્મેલ આ બંગાળી બાબુ સાયન્સના ગ્રેજ્યુએટ હતા અને થોડો સમય વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો ભણાવવાનું કામ કર્યું. જો કે તેમાં મન ન રમ્યું એટલે ફિલ્મલાઈન તરફ વળ્યા. શરૂઆતમાં કેમેરામેન તરીકે કામ કર્યું અને પછી જાણીતા એડિટર સુબોધ મીત્તર ઉર્ફ કેચીદા પાસે એડીટીંગની કલા શીખ્યા. ત્યારબાદ બિમલ રોય તેમને મુંબઈ લઇ આવ્યા. તેમની ક્ષમતા જોઇને તેમને આસીસ્ટન્ટ ડાયરેકટર બનાવ્યા. સહાયક તરીકે તેમણે ‘દો બીઘા જમીન’ જેવી ફિલ્મમાં પોતાનું યોગદાન આપ્યું. એડિટર તરીકે તે કામ કરતા રહ્યા અને તેમણે ૧૯૫૭ માં પહેલી ફિલ્મ નિર્દેશિત કરી ‘મુસાફિર’ જેમાં દિલીપ કુમાર, કિશોર કુમાર અને સુચિત્રા સેન જેવા મંજાયેલા કલાકારો હતા. તે ફિલ્મ બહુ ચાલી નહિ, પણ હૃષીદાનું કામ વખણાયું. બીજી ફિલ્મ તેમણે રાજ કપૂર સાથે કરી ‘અનાડી’ જેણે એક નહિ પાંચ ફિલ્મફેર એવોર્ડ જીત્યા. જો કે શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ તે વર્ષે તેમના ગુરૂ બિમલ રોયને ફાળે ગયો. ત્યારબાદ તેમણે નિર્દેશક તરીકે એડિટર તરીકે અનેક ફિલ્મો આપી. તેમની નિર્દેશક તરીકે સૌથી છેલ્લી ફિલ્મ ‘ઝૂઠ બોલે કૌવા કાટે’ (જે તેમની સૌથી અસફળ ફિલ્મ હતી) અને એડિટર તરીકે તેમની છેલ્લી ફિલ્મ ‘કુલી’ હતી. જય ભાદુરીને બ્રેક આપનાર હૃષીદા જ હતા, ધર્મેન્દ્રને સર્વશ્રેષ્ટ રીતે પ્રસ્તુત કરતી ‘સત્યકામ’ પણ તેમની જ ફિલ્મ હતી. તેમની બધી ફિલ્મમોમાં આનંદ એ તેમનું સર્વશ્રેષ્ઠ સર્જન છે એમાં કોઈ બેમત નથી.

આનંદની વાત કરીએ તો આ ફિલ્મની થોડી કથા અકીરા કુરોસોવાની ‘ઇકીરા’ (જીવતાં રહેવું) ઉપર આધારિત છે. ઇકીરા એ મોતને પોતાની તરફ આવતું જોઇને જીવનનો અર્થ શોધવા નીકળેલા નાયકની વાત છે. આ એક મુદ્દે આનંદ ઇકીરાથી જુદી પડે છે કારણ આનંદને સત્ય લાધી ચૂક્યું હતું. ૧૯૬૦ના દાયકામાં આ ફિલ્મની વાર્તા હૃષીદા લખી હતી, પણ બનાવી છેક ૧૯૭૦માં. રાજ કપૂરના વ્યક્તિત્વને આધારે તેમણે આ વાર્તા લખી હતી. રાજ કપૂર સાથે તેમની સારી મિત્રતા હતી અને ભયંકર રીતે બીમાર રાજ કપૂર જયારે બધાં સાથે આનંદથી વર્તતા તે હ્રુધીદા માટે બોધદાયક હતું. ફિલ્મમાં જે રીતે આનંદ ભાસ્કર બેનર્જીને જે રીતે બાબુ મોશાય કહે છે એવી જ રીતે રાજ કપૂર હૃષીદાને બાબુ મોશાય કહીને બોલાવતા. આ ફિલ્મ તેમણે મુંબઈ શહેર અને રાજ કપૂર બંનેને સમર્પિત કરી છે.

આ ફિલ્મ માટે ખન્ના એ પહેલી ચોઈસ નહોતો. તેમણે પહેલાં આ ભૂમિકા શશી કપૂર કરશે એવું નક્કી કર્યું હતું, પણ તેણે રસ ન દેખાડ્યો. નિરાશ થયેલા હૃષીદાએ ફિલ્મને બંગાળીમાં બનાવવાનું વિચાર્યું, જેમાં મુખ્ય ભૂમિકા ઉત્તમકુમારને આપવાનું નક્કી કર્યું, પણ વાત જામી નહિ. તેમનાં મગજમાં બે નામ ઉભર્યાં કિશોરકુમાર અને મેહમૂદ, પણ કિશોરકુમારના બંગલા ઉપર ગયા તો ચોકીદારે તેમને અંદર જવા ન દીધા. કિશોરકુમારને એક બંગાળી ઓર્ગનાઈઝરે કોન્સર્ટ કરવાના પૈસા ચૂકવ્યા ન હોવાથી આ ગડબડ થઇ હતી અને તેમાં કિશોરકુમારે આ રોલ જ નહિ ફિલ્મના ગીતોથી પણ હાથ ધોવા પડ્યા. સત્યકામ ફિલ્મ વખતે ધર્મેન્દ્રને આ વાર્તા હૃષીદાએ કહી હતી અને ધર્મેન્દ્ર ફિલ્મ માટે એકદમ તૈયાર હતો, પણ ફિલ્મમાં છેલ્લી ક્ષણે રાજેશ ખન્નાએ એન્ટ્રી મારી અને આ રોલ જાણે તેના માટે લખાયો હોય તેમ તે પાત્રને જીવી ગયો.

ડોક્ટર ભાસ્કરના રોલ માટે અમિતાભ પહેલી પસંદ નહોતો. હૃષીદા ખન્ના સામે સંજીવકુમારને લેવા માગતા હતા, પણ ખન્નાએ હું તેની સાથે કમ્ફર્ટેબલ નથી એવું કહ્યું એટલે આ રોલ અમિતાભને ફાળે ગયો. એક ફિલ્મ જુના અમિતાભે આ ફિલ્મમાં ખન્નાએ બરાબરની ટક્કર આપી છે અને અમુક સીનમાં તો ખન્ના ઉપર પણ છવાઈ ગયો છે.

હૃષીદાએ સ્ક્રીપ્ટ લખી રહેલ ગુલઝારને કહી દીધું હતું કે ફિલ્મની શરૂઆત એવી રીતે થવી જોઈએ કે દર્શકો સસ્પેન્સમાં ન રહે કે આનંદ મરશે કે નહિ, તેથી ફિલ્મની શરૂઆતના સીનમાં જ દર્શાવી દીધું છે કે આનંદ મૃત્યુ પામ્યો છે અને ડોક્ટર ભાસ્કર બેનર્જી (અમિતાભ બચ્ચન) ‘આનંદ’ નામના પુસ્તક માટે એવોર્ડ લઇ રહ્યો છે. ડોક્ટર આનંદની વાર્તા કહેવાનું શરૂ કરે છે એટલે સંપૂર્ણ ફિલ્મ ડોક્ટર ભાસ્કરનાં સંસ્મરણો છે.

ડોક્ટર બેનરજી કેન્સર સ્પેશીયાલીસ્ટ છે અને ચારેતરફ ફેલાયેલી ગરીબી અને પોતાની બેબસી  જોઇને આક્રોશમાં છે. તે ગરીબોનો ઈલાજ મફતમાં કરે છે. તેનાથી વિરુદ્ધ પ્રકાશ કુલકર્ણી (રમેશ દેવ) બહુ પ્રેકટીકલ છે અને તે અમીર પેશન્ટોની બીમારીના વહેમનો ઈલાજ કરવામાં નાનપ અનુભવતો નથી કારણ તેમના મળેલા વધારાના પૈસામાંથી તે ગરીબ પેશન્ટોનો મફતમાં ઈલાજ કરે છે.

પ્રકાશને દિલ્હીના પોતાના મિત્ર ડોક્ટર ત્રિવેદી (ફિલ્મમાં તેનો ઉલ્લેખ ઘણીવાર આવે છે પણ ક્યાંય દેખાતો નથી)ની ચિઠ્ઠી આવે છે કે તે એક પેશન્ટને મુંબઈ મોકલી રહ્યો જેને લીમ્ફોમા સર્કોમાં ઓફ ધ ઈન્ટેસ્ટાઈન નામનું રેર કેન્સર થયું છે. પ્રકાશ જયારે ભાસ્કરને વાત કરે છે ત્યારે તેનો પહેલો પ્રતિભાવ હોય છે કે અહીં મોકલીને પણ શું થવાનું છે. તેનો કોઈ ઈલાજ નથી. તે જ સમયે પ્રવેશ થાય છે આનંદ (રાજેશ ખન્ના)નો જે મોતના મુખમાં પણ આનંદિત અને ઉત્સાહિત છે. થોડા જ સમયમાં ભાસ્કર અને આનંદ વચ્ચે મિત્રતા ગાઢ બની જાય છે અને આનંદને મૃત્યુ તરફ જતો જોઇને ભાસ્કર ભયંકર પીડા અનુભવે છે. બીજી તરફ મનમોજી આનંદ ભાસ્કરને સમજાવે છે કે જિંદગી લાંબી નહિ મોટી હોવી જોઈએ અને આ રીતે તેના ચહેરા ઉપર દેખાઈ રહેલ પોતાનું મોત જોઈ શકતો નથી.

ફિલ્મની શરૂઆતમાં જ ફિલ્મનો અંત જણાવી દીધો છે એટલે એ કોઈ રહસ્ય નથી. તે છતાં અસલી મજા તો ફિલ્મ જોવામાં છે. ફિલ્મનું એડીટીંગ એટલું ચુસ્ત છે કે ફિલ્મનો એક પણ સીન એવો નથી જે વગર કારણનો હોય. દરેક નાનું પાત્ર આ ફિલ્મમાં મહત્વનું છે. જોની વોકર, દારાસિંઘ અને દુર્ગા ખોટેનું નામ ટાઈટલમાં મહેમાન કલાકાર તરીકે છે, પણ તેમની હાજરી ફિલ્મને ચાર ચાંદ લગાવે છે. આનંદના મુરારીલાલ ઉર્ફ ઈસાભાઈ સુરતવાલાના રોલમાં જોની વોકર મજા કરાવી જાય છે. અમીર પેશન્ટ તરીકે આસિત સેન અને લલિતા કુમારી પોતાની હાજરી યોગ્ય રીતે પુરાવે છે. અસલ જીવનનાં પતિ-પત્ની રમેશ દેવ અને સીમા દેવ આ ફિલ્મમાં પતિ-પત્નીના રોલમાં છે અને ખન્ના તેમ જ અમિતાભને યોગ્ય સાથ પુરાવે છે. ૨૮ દિવસમાં પૂર્ણ થયેલ ફિલ્મના શુટિંગ દરમ્યાન સીમા દેવ તેમ જ રાજેશ ખન્નાના સીન સમયે  સીમા દેવ થોડી અસહજ હતી ત્યારે રાજેશ ખન્નાએ ફોડ પાડ્યો કે એક સમયે તે પોતે સીમાને જોવા માટે ગીરગામમાં તેના ઘરની સામે લાઈનમાં ઊભો રહેતો હતો.

મેટ્રના રોલમાં લલિતા પવાર છે અને આ રોલની ગણના તેમણે ભજવેલાં યાદગાર રોલની યાદીમાંનો એક છે. માંડ ત્રણ કે ચાર હિન્દી ફિલ્મોમાં દેખાયેલી બંગાળી અદાકારા સુમિતા સાન્યાલ પોતાની હાજરી ભાવવાહી રીતે પુરાવી જાય છે. આ ફિલ્મમાં ખરો કમાલ ખન્ના તેમ જ એક ફિલ્મ જુના અમિતાભ બચ્ચને કર્યો છે. સુપરસ્ટાર બનવા આડે હજી બે ત્રણ વર્ષને વાર હતી, પણ આ ફિલ્મ દ્વારા અમિતાભે દર્શાવી દીધું કે તેની અંદર જબરદસ્ત પ્રતિભા છુપાયેલી છે. કોઈ જાતની મારામારી કે રાડારાડ કર્યા વગર પોતાનો આક્રોશ હાવભાવ અને આંખોથી વ્યક્ત કર્યો છે. ૧૯૭૧માં અમિતાભની સાત ફિલ્મો આવી હતી જેમાંથી બે મહેમાન કલાકાર તરીકે હતી અને તેની વર્ષની આ એક જ સફળ ફિલ્મ હતી. જયારે ખન્નાની નવ ફિલ્મો આવી હતી જેમાંથી બેમાં તે મહેમાન કલાકાર હતો અને બાકીની સાતે સાત સફળ હતી અને આનંદ તેમાંથી એક હતી. તે સમયે ખન્નાનો સૂરજ મધ્યાન્હે તપી રહ્યો હતો અને અમિતાભનો સૂરજ હજી ઉગ્યો નહોતો. આ ફિલ્મની સફળતા પછી પણ અન્ય ફિલ્મો અસફળ થતી રહી. અમિતાભનો ઉદય થયો ૧૯૭૩માં આવેલ ઝંઝીરથી.

આ ફિલ્મથી હજી બે વ્યક્તિઓની કારકિર્દી ફરી પાટે ચડી. તે હતા સંગીતકાર સલીલ ચૌધરી અને ગીતકાર યોગેશ. સરસ સંગીત છતાં અસફળ ફિલ્મોને લીધે સલીલદાની કારકિર્દીનો ગ્રાફ નીચે જઈ રહ્યો હતો. આ ફિલ્મ દ્વારા તે ફરી ફોર્મમાં આવી ગયા.

બે ગીતો મુકેશને ફાળે ગયાં છે. ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’ (ઓરીજીનલ ગીત સલીલદાએ જ રચેલું બંગાળી ગીત આમેય પ્રોશ્ન કરે’) અને ‘મૈને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને’. મન્ના ડે એ ગાયેલું ‘જિંદગી કૈસી હૈ પહેલી હાયે’ શરૂઆતમાં ફિલ્મ ક્રેડીટમાં લેવાના હતા, પણ ફિલ્મ ક્રેડીટમાં આવેલ ગીત રેડીઓ ઉપર ઓછું વાગે તેથી ખન્નાએ ગીતને ફિલ્મની અંદર સમાવવા કહ્યું. લતા મંગેશકરના ભાગે એક ગીત આવ્યું છે ‘ના જીયા લાગે ના’ અને ગુલઝાર લિખિત ‘મૌત તુ એક કવિતા હૈ.’ કવિતાનું પઠન અમિતાભે પોતાના પ્રભાવશાળી અવાજમાં બહુ સરસ રીતે કર્યું છે.   

તે છતાં એક બે પ્રશ્ન ફિલ્મ પૂર્ણ થયા પછી મગજમાં આવે છે. અમિતાભ સાંજે ચાર વાગે હોસ્પિટલમાં આવીશ એવું રમેશ દેવને જણાવે છે અને જયારે હોસ્પિટલમાં આવે છે ત્યારે નર્સ ગૂડ મોર્નિંગ કેમ કહે છે? બંગાળી બાબુ હિન્દીમાં ડાયરી લખે છે અને પંજાબી આનંદ સેહગલની ડાયરીમાં પર્શિયન ભાષામાં ઉર્દુ કવિતા કેવી રીતે? (કહીં દૂર જબ દિન ઢલ જાયે ગીત જોઈ લેવું.)

આ ફિલ્મને ફિલ્મફેરના છ એવોર્ડ મળ્યા. બેસ્ટ એક્ટર (ખન્ના), બેસ્ટ સપોર્ટીંગ એક્ટર (અમિતાભ), બેસ્ટ ફિલ્મ, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ એડીટીંગ (હૃષીકેશ મુખર્જી) અને બેસ્ટ ડાયલોગ (ગુલઝાર). તે ઉપરાંત બેસ્ટ ફીચર ફિલ્મ ઇન હિન્દીનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.

હૃષીદાનું આ શ્રેષ્ઠ સર્જન ખરેખર માણવાલાયક છે.

 

સમાપ્ત.