ગતાંકથી....
મિસ. શાલિની કાંઈ બોલી નહિ .પૃથ્વીને લાગ્યું કે તે કંઈક નવું જાણે છે પરંતુ મારામાં પૂરતો વિશ્વાસ ના હોવાને લીધે આનાકાની કરે છે.
"હું ધારું છું કે તમે મારામાં વિશ્વાસ રાખશો." પૃથ્વીએ કહ્યું : જે ગુનેગારોની ટોળીના કારસ્તાન નો તમને અને મને શક છે અને જેને લીધે સર આકાશ ખુરાનાના મૃત્યુનો ભેદ ખુલી શકે તેમ છે, તેની કાંઈ પણ નવી હિલચાલ થી જો તમે મને વાકેફ કરશો તો હું તમને મદદગાર જ થઈશ ,એ તમે જાણો છો. મારા વિશે કંઈ પણ શંકા હોય તો તે કૃપા કરીને મને કહો."
હવે આગળ....
"એક કલાક પહેલા જ મને આ સંબંધમાં ચેતવણી આપવામાં આવી છે." મિસ.શાલિનીએ કહ્યું : "પણ એની વિગત હું તમને એક શરતે કહું છું કે તે છૂપી રાખવાનું તમારે મને વચન આપવું."
પૃથ્વીએ તરત જ જવાબ દીધો : " હું વચન આપું છું કે કોઈ ને પણ આ વાત નહિ કહું."
"ચાહે ગમે તેવું દબાણ હોય તો પણ ?"
"હા,વચન આપું છું કે ગમે તેવું દબાણ હશે તો પણ નહિ કહું."
"તો સાંભળો." બહુ જ ધીમા સ્વરે તે કહેવા લાગી : એક કલાક ઉપર મને તે ટોળીમાંનો એક માણસ મળવા આવ્યો હતો."
"તે કેવો હતો ?"
તેનો ચહેરો ખુલ્લો ન હતો તેણે કાળા કપડું ચહેરા પર બાંધેલું હતું .પણ તે કદાવર બાંધનો અને પડછંદ હતો. તેણે મને કહ્યું : બાઈ,જો તારે જીવ બચાવવો હોય તો આ બંગલાની ગટરના કોઈપણ બાકોરાંમાં કોઈ દિવસ નહીં આવવાના અને કોઈ પણ માણસને તેમાં દાખલ નહિ કરવાના સોગંદ ખા."
"તમે તેને શું જવાબ આપ્યો ."પૃથ્વીએ પૂછ્યું
મેં એવી રીતનું વચન નહિ આપવાની ના પાડી અને કહ્યું કે, તમે શા માટે આવી રીતે મને ડરાવો, ધમકાવો છો ,જો તમે લોકો આવું ચાલુ રાખશો તો પોલીસ ખાતા ને ખબર આપીશ." પણ આ સાંભળીને ભયંકર અટ્ટહાસ્ય કરીને તે બોલ્યો : પોલીસ ખાતાની હિંમત નથી કે અમારો તે વાળ ભી વાંકો કરે અમારી ટોળીનો એક પણ માણસ તે ખાતાને હાથ આવી શકે તેમ નથી. અને જે કોઈ અમારા કામમાં આડે આવે તે કદી જીવતો પાછો ફરવા પામે તેમ નથી. માટે, છોકરી,સમજી લેજે તને સ્ત્રી જાત જાણીને ચેતવણી આપવા આવ્યો છું."
"તેણે આવી ભયંકર ચેતવણી આપી ! પૃથ્વી એ ટાપશી પુરી.
પણ મિસ શાલીનીએ જવાબ દીધો : " મેં સોગંદ ખાવા ના જ પાડી ત્યારે તેણે મને એક એવી વાત કહી કે જે સાંભળીને હું આશ્ચર્યથી થી ચૂપ જ થઈ ગઈ અને તેની સામે એક પણ અક્ષર બોલી શકી નહિ .એ બાદ મૂળ ચેતવણી કાયમ રાખીને તે ચાલ્યો ગયો. મિસ્ટર પૃથ્વી ! જો કોઈ પણ સંજોગોમાં હું એ માણસની વાત તમને કહી શકું તેમ નથી .સર આકાશ ખુરાનાના કુટુંબની એ ખાનગી વાત છે."
"ત્યારે હું તે જાણવા દબાણ નહિ કરું." એમ કહીને પૃથ્વી જવા ઉભો થયો; એટલે મિસ.શાલીને પૂછ્યું :
" તમે એ બાકોર માંથી અંદર જાઓ છો?
"તમે પરવાનગી આપી છે એટલે મતલબ, હા."
"તમને પહેલા બદમાશની ધમકી વિશે કહ્યું છે છતાંયે ?"
"બેશક હા. જોખમ ખેડ્યા સિવાય આવી ટોળીઓ પકડાઈ નહિ . મારા પપ્પા હંમેશા મને કહેતા કે જે જોખમ ખેડવા આનાકાની કરે તે રિપોર્ટર થવા ને લાયક જ નથી ,પણ આ જોખમ ખેડવામાં હું પૂરો સાવચેત રહીશ એની તમને ખાતરી આપું છું."
પૃથ્વી મિસ. શાલીની પાસેથી વિદાય લઇ બંગલાના મેદાનમાં આવ્યો અને ગટરના બાકોરાં મારફતે ભોંયરામાં પ્રવેશ્યો.
તેમાં અંધારું હતું; એટલે ટોચૅ ચાલુ કરીને પૃથ્વીએ આસપાસ નજર ફેરવી ને તપાસ કરવા માંડી કે ત્યાં કંઈ ફેરફાર થયો છે કે નહિં? શરૂઆતમાં કેટલેક સુધી જતા તેને કાંઈ ફેરફાર જણાયો નહિ ભોંયરામાંથી'સૌભાગ્ય વિલા'માં જવા માટે અધવચ્ચે એક બારણું આવતું હતું ત્યાં પહોંચતા તેણે જોયું કે તે બંધ હતું સહેજ હળસેલો મારી તેણે તે ખોલવા કોશિશ કરી પણ ખુલ્યું નહિ બીજી બાજુએથી કોઈએ સ્ટોપર બંધ કરરી હોય એમ માની લઈ તે પાછો ફર્યો અને બીજો કોઈ રસ્તો શોધવા લાગ્યો. જમણી બાજુની દિશામાં જતાં તેણે જોયું કે ફક્ત એક જ માણસ જઈ શકે એવી એક નહેર ત્યાં આવેલી છે.
સાહસ કરી પૃથ્વી તે નહેરમાં પ્રવેશ્યો. બંને બાજુએ દીવાલો હતી. આશરે દસેક ફૂટ ચાલ્યા પછી એક બારણું આવ્યું એ બારણું ખુલ્લું હતું પૃથ્વી તેમાં પ્રવેશ્યો તેને ખબર પડી કે એક રૂમમાં હવે તે પોતે આવી પહોંચેલો છે. તે રૂમમાં કાંઈ જ રાચરચીલું નહોતું, અથવા બેસવાનું કંઈ સાધન પણ નહોતું .ફક્ત જમીન અને ભીંતો જ હતી આ રૂમને બારીઓ હોય એમ લાગતું નહોતું.ટોર્ચની મદદથી તેણે તપાસ કરવા માંડી કે રૂમમાંથી હવે ક્યાંય જવાય છે ? તેની તપાસ સફળ નીવડી. સામે જ પાછું એક બારણું હતું. પણ તે બંધ હતું. ધીમેથી તેણે સામેની બાજુએ હડસેલો મારતાં તે ખુલ્લી ગયું.
તેના અચરજ વચ્ચે ઠંડો પવન આવતો માલુમ પડ્યો તે આગળ વધ્યો એટલે અજવાળું પણ દેખાયું. તે અજવાળું ક્યાંથી આવતું હતું? ઠંડો પવન ક્યાંથી આવતો હતો ? આમ તેમ નજર કરતા તેણે ઊંચે જોયું તો સર આકાશ ખુરાનાના બગીચામાંથી જેવા બાકોરાં માંથી તે ભોંયરામાં આવ્યો હતો તેવું એક બાકોરું ઊંચેના ભાગમાં જણાયું .તે બાકોરામાંથી કોઈને ઊતરવું હોય તો તેની સગવડ માટે એક નિસરણી મૂકેલી હતી .પૃથ્વી તે
નીસરણી થી ઉપર ચડ્યો તો તેને ખબર પડી કે : સર આકાશખુરાનાના બંગલા ના મેદાનમાં જ તે પડતું હતું ! હવે તેને ખ્યાલ આવ્યો કે મિસ.શાલીનીએ આપેલી ચેતવણીમાં ગટરના કોઈ પણ બાકોરાં એવું શા માટે સૂચન કરવામાં આવ્યું હતું?
તે નીસરણી મારફત ભોયરામાં પાછો નીચે ઊતરવા માંડતો હતો ,ત્યાં તેના જોવામાં આવ્યું કે ,તે બાકોરાને કેટલાક તારનાં દોરડા લગાડેલાં હતા.આ ભોંયરાની અંદર વીજળી ને લગતા ચમત્કારોનો અનુભવ પૃથ્વીને અગાઉ મેળવેલો હતો, એટલે તેને અનુમાન કર્યું કે ,ભોંયરાની અંદર ક્યાંક આ દોરડા નું મૂળ હશે. બાકોરામાંથી બહારના ભાગમાં પડતા દોરડા કેવી રીતે આગળ લઈ જવામાં આવ્યા છે તે જોવા તેણે નજર દોડાવી ,તો તેને ખબર પડી કે નજીકમાં જ એક થાંભલો છે અને તેને આ દોરડા લગાડેલા છે .એ થાંભલા પછી થોડેક અંતરે બીજો, તે પછી ત્રીજો, વળી પાછો ચોથો; એમ એકંદર ચાર થાંભલા મારફત આ દરોડાં આગળ વધારીને ઠેઠ સર આકાશ ખુરાનાના છાપરા ઉપર એક પથ્થરની ચીમની હતી ત્યાં સુધી તે લઈ જવામાં આવેલાં છે !! પૃથ્વી ગુંચવાઈ ગયો.તેની આ એક નવીન શોધ હતી. ભોંયરામાંથી બહાર કાઢેલા તારના દોરડા સર આકાશ ખુરાનાની હવેલીની ચીમની ઉપર શા માટે લગાડેલા હશે ? સર આકાશ ખુરાના ના મકાનમાં જઈને આને લગતું રહસ્ય કોઈવાર પણ જાણવા જેવું ખરું .દરમિયાન ભોંયરા ના અંદરના ભાગમાં આ દોરડા નું મૂળ ક્યાં છે, એ અત્યારે તક મળી છે તો સૌથી પ્રથમ તપાસી લેવું જ ઠીક. નિસરણી પરથી ઊતરવા પહેલા તેણે શરૂઆત કરી .તેને સહેજ મનમાં હસવું આવ્યું કે આખરે મારે ભોંયરુ જ પહેલું તપાસવું એમ, આટલો બધો સમય બગાડ્યા પછી પણ ઠરાવવું પડ્યું, તેના કરતાં પહેલાં જ થી જ તપાસ ચાલુ રાખ્યું હોત તો સમય બચત ને ? કાંઈ વાંધો નહિ .થોડુંક પણ વધુ જાણ્યુ છે ને ? સમય બગાડવાથી કંઈ નુકસાન તો હાલ તુરંત નથી થયું ને ?એમ અનેક પ્રશ્ર્નો પોતાના મનમાં કરતો તે નીસરણી પરથી નીચે ઊતર્યો.
ભોંયરાની અંદર દટાયેલ રહસ્યો વિશે જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ.......