હવે મીત અને સાંવરી બંનેના ઘરે પીઠીની બરાબર તૈયારી ચાલી રહી છે... અને પછી લગ્ન.. લીલેરી મહેંદીનો લાલ રંગ એકબીજાના ગાઢ પ્રેમને કારણે મીત અને સાંવરીને બંનેને કેવો ચઢ્યો છે તે તો આપણે જોઈ જ લીધું હવે પીઠીનો રંગ કેવો ચઢે છે તે પણ આપણે જોઈ લઈએ...
મીતના ફેસ ઉપર એક અનેરી ચમક છવાયેલી છે. ખુશ્બુ તેની કઝીન સીસ્ટર તેને બોલાવવા માટે આવે છે એટલે તે પીઠી માટે પોતાના યલો કલરના ફેવરિટ કુર્તા પાયજામા પહેરીને તૈયાર થઈને નીચે આવે છે. અલ્પાબેન અને તેના મામી સુશીલાબેન પણ ખૂબજ ખુશ છે સોસાયટીમાં આજુબાજુમાંથી પણ બે ચાર અલ્પાબેનની બહેનપણીઓ પોતાની ફ્રેન્ડ અલ્પાબેનના એક ના એક દીકરાને પીઠી ચોળવા માટે હાજર હતી તેમજ મામી સુશીલાબેન તો પોતાના એક ના એક ભાણીયાને ઘસી ઘસીને પીઠી લગાવી રહ્યા છે કે મારો મીત શ્યામ સાંવરીની સામે એકદમ રૂડો રૂપાળો દેખાય પણ મીત થોડો અકળાઈ રહ્યો છે અને ગુસ્સો કરીને મામીને "ના" પાડી રહ્યો છે કે આટલું બધું જોર જોરથી પીઠી ઘસવાની કોઈ જરૂર નથી મામી હું રૂપાળો જ છું. મામી, ભાણેજ વચ્ચે મીઠો ઝઘડો ચાલી રહ્યો છે અને અલ્પાબેન મનમાં ને મનમાં હસી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે, બંને સરખાં જ છે બંનેમાંથી કોઈને પણ કંઈ કહેવા જેવું નથી.
અને આમ હસતાં હસતાં અને મસ્તી કરતાં કરતાં મીતની હલ્દીની રસમ પૂર્ણ થાય છે અને બસ પછી તો લગ્નની તૈયારી શરૂ થાય છે.
મીત બાજોઠેથી ઉઠીને નાહવા માટે જાય છે અને નાહીને સીધો પોતાના બેડરૂમમાં ચાલ્યો જાય છે અને સાંવરીની સાથે વાત કરવા માટે તેને ફોન લગાવે છે. સાંવરીની પણ પીઠીની રસમ પૂર્ણ થઈ ગઈ હોય છે એટલે તે પણ રાહ જોઈને જ બેઠી હોય છે કે ક્યારે મીતનો ફોન આવે અને એટલામાં તો તેનો સેલફોન રણક્યો એટલે તેણે તરત જ ઉપાડી લીધો અને વાત કરવા માટે તે પોતાની સખીઓ આવી હતી તેનાથી થોડી દૂર ગઈ તેથી તેની બધીજ સખીઓ તેની મશ્કરી કરી રહી હતી કે હવે કાલે તો જીજુ જાન લઈને અહીં આવવાના છે તો પછી અત્યારે અમારી સાથે વાતો કર ને જીજુ સાથે તો હવે તારે આખીયે જિંદગી રહેવાનું જ છે ને..!! પણ સાંવરી મીતને છોડે તેમ નહતી કે મીત સાંવરીને છોડે તેમ નહોતો બસ આજે તો જાણે મનભરીને બંનેને એકબીજાની સાથે વાતો કરી જ લેવી હતી.
આમ બંનેની વાતો કરતાં કરતાં સવારની બપોર થઈ અને બપોરની રાત થઈ બસ હવે તો બંને સવાર ક્યારે પડે અને બંને બેમાંથી એક ક્યારે થાય તેની જ રાહ જોઈ રહ્યા હતા.
સવાર પડતાં જ સાંવરી સજીધજીને દુલ્હનના વેશમાં તૈયાર થઈને બેઠી હતી અને જાન ક્યારે આવે તેની રાહ જોઈ રહી હતી.
પોતાની દીકરીને દુલ્હનના વેશમાં જોતાં જ સાંવરીની મમ્મી સોનલબેનની આંખમાંથી ટપક ટપક આંસુ વહી રહ્યા હતા અને તેમની નાની દીકરી બંસરી તેમને ટોકી રહી હતી કે, બસ હવે મોમ બહુ થયું અત્યારથી રડવાનું ચાલુ ન કરી દઈશ અને દીદીની તો તારે કંઈજ ચિંતા કરવાની જરૂર નથી તેને તો જીજુ એટલું બધું સાચવે છે કે તેના જેટલી નસીબદાર કદાચ દુનિયાની કોઈ છોકરી નહીં હોય અને દીદીનું જ્યારે સગપણ નહોતું થતું ત્યારે તું જ તો ચિંતા કર્યા કરતી હતી અને હવે તેને સાસરે મોકલવાની છે ત્યારે તું રડવા બેસે છે.
સોનલબેન પોતાનું મોં લૂછતાં જાય છે અને બોલતા જાય છે કે, "હા બેટા, તારી વાત સાચી છે આપણી સાંવરી જન્મથી જ થોડી શ્યામ અને ખૂબજ સીધીસાદી હતી એટલે મને તેની ખૂબ ચિંતા રહ્યા કરતી હતી પરંતુ ત્યારે મને ક્યાં ખબર હતી કે તેનું ભણતર, તેની આવડત અને તેની હોંશિયારી જ તેને આટલે બધે ઉપર લઈ જશે અને તેનો હાથ તેની કંપનીના માલિકનો દીકરો જ માંગવા માટે આવશે અને તે આટલા બધા સુખી કરોડપતિ ઘરની વહુ બનશે મારી અને તારા પપ્પાની બધીજ ચિંતા તેણે દૂર કરી દીધી છે અને તેને અને મીતને કારણે તો હવે અમને તારી પણ ચિંતા થતી નથી. પણ બેટા દીકરીને વળાવવાની આવે એટલે માતા પિતા બંનેની આંખમાં આંસુ આવ્યા વિના રહે નહીં પરંતુ એક વાત ચોક્કસ છે કે હવે કદાચ મોત પણ આવે તો અમે શાંતિથી મરી શકીશું...
તેમની વાતને વચ્ચે જ અટકાવતાં બંસરી તરતજ બોલી કે, " શું મમ્મી તું પણ આટલા બધા સારા દિવસે આવી બધી નકામી વાતો કર્યા કરે છે ચાલ હવે જલ્દીથી પોંખવા માટે તૈયાર થઈ જા જાન આવતી જ હશે."
અને જાન સાંવરીના દ્વાર ઉપર પહોંચી ગઈ હતી મીત પોતાની સાંવરીને જોવા માટે ઉતાવળો થતો હતો અને સાંવરી પણ મીતને હાર પહેરાવવા માટે ઉતાવળી થઈ રહી હતી બંનેના ઈંતજારનો અંત આવ્યો અને મીત દ્વાર ઉપર આવી પહોંચ્યો સાંવરીએ ખુશી ખુશી તેને દ્વાર ઉપર આવીને હાર પહેરાવ્યો અને સુખરૂપ લગ્નની વિધી શરૂ થઈ ગઈ અને સંપન્ન પણ થઈ ગઈ.
સાંવરી પ્રભુતામાં પગલાં પાડીને પોતાના મીતના ઘરે આવી પહોંચી. મીત અને સાંવરીએ પોતાના નવા સંસારની પોતાના લગ્નજીવનની શરૂઆત કરી બંનેએ જેમ લગ્ન સાદાઈથી કરવાનું નક્કી કર્યું હતું તેમજ સુહાગરાત પણ મોટી મોટી આલિશાન હોટેલના રૂમને તિલાંજલી આપીને પોતાના બંગલામાં પોતાના બેડરૂમમાં જ મનાવવાનું નક્કી કર્યું હતું.
બંને વરઘોડીયા લગ્ન કરીને ઘરે આવ્યા એટલે ગોરમહારાજે બંનેને એકીબેકીની રમત રમાડી જેમાં એક વખત મીત જીત્યો અને મીતના હાથમાં ચાંદીની વીંટી આવી અને બે વખત સાંવરી જીતી એટલે બે વખત સાંવરીના હાથમાં ચાંદીની વીંટી આવી. મીતના ઘરમાં હાજર બધાજ મીતની ઉડાવી રહ્યા હતા કે હવે આખી જિંદગી સાંવરી ભાભી મીત ભાઈ ઉપર રાજ કરશે અને મીત પોતાની સાંવરીની સામે પ્રેમથી જોઈ રહ્યો હતો અને જાણે મૂકપણે મંજૂરી આપી રહ્યો હતો કે મને પણ ખુશી ખુશી તે બિલકુલ મંજૂર જ છે.
બધી ભીડભાડ વચ્ચેથી બધીજ વિધિ, બધાજ રીતી રીવાજો પતાવીને બંને પોતે જે ક્ષણની, એકલતાની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી પહોંચી અને બંને પોતાના બેડરૂમમાં પહોંચ્યા અને થોડીવારમાં તો બંને પોતાની વાતોમાં મશગૂલ થઈ ગયા ત્યાં દરવાજા ઉપર કોઈએ નૉક કર્યું એટલે મીત દરવાજો ખોલવા માટે ઉભો થયો. દરવાજો ખોલીને જોયું તો કોઈ ત્યાં નહોતું તેણે દરવાજો બંધ કર્યો ત્યાં ફરીથી કોઈએ નૉક કર્યું તેણે ફરીથી દરવાજો ખોલ્યો અને જોયું તો ખુશ્બુ તેની કઝીન સીસ્ટર હાથમાં દૂધનો ગ્લાસ લઈને ઉભી હતી અને તેને કહી રહી હતી કે, " લો આ દૂધ ગરમ છે પી જજો અને કંઈપણ જોઈએ તો મને ફોન કરજો હું તમારી સેવામાં હાજર જ છું."
મીત પણ સમજી ગયો હતો કે આ મને હેરાન કર્યા વગર રહેવાની નથી એટલે તેણે પણ ખૂશ્બુને રીક્વેસ્ટ કરી કે, " હા મારી માં, તું જા મારે કંઈ નથી જોઈતું અને હવે ફરીથી જો તું મને હેરાન કરવા માટે આવીશ તો મારા હાથનો માર ખાઈશ અને આ ચોટલો ઝાલીને તને મારીશ.."
અને એટલામાં તો અંદરથી અવાજ આવ્યો કે, " રહેવા દે મીત એનાં વાળ ન ખેંચીશ અને જવા દે એને. " અને હસતાં હસતાં મીત અંદર આવ્યો અને ખૂશ્બુ નીચે ઉતરી.
સાંવરી અને મીત બંને પોતાની પ્રેમભરી વાતોમાં ખોવાઈ ગયા હતા અને મીતને તો પોતાના ફેમિલી પ્લાનિંગની થોડી ઉતાવળ પણ આવી ગઈ હતી.. તે સાંવરીના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો હતો સાંવરી તેના રેશમી વાળમાં પ્રેમથી હાથ ફેરવી રહી હતી અને મીત સાંવરીને પૂછી રહ્યો હતો કે, તને દીકરી ગમે કે દીકરો ? અને સાંવરી કહી રહી હતી કે, તને દીકરી કે દીકરો લાવવાની આટલી બધી ઉતાવળ શું આવી ગઈ છે..?? પરંતુ મીત તો કહી રહ્યો હતો કે, ના આપણે એક કામ કરીએ પહેલા એક સુંદર, ખૂબજ ડાહી અને તારા જેવી હોંશિયાર એક દીકરી લાવી દઈએ પછી દીકરા માટે ટ્રાય કરીશું...
સાંવરી મીત ઉપર મીઠો ગુસ્સો કરીને તેને કહી રહી હતી કે, મારે તો અત્યારે દીકરી પણ નથી લાવવી કે દીકરો પણ નથી લાવવો...
અને મીત કહી રહ્યો હતો કે, મારે તો ખૂબ જલ્દીથી દીકરી જ જોઈએ છે... હવે જોઈએ આગળ શું થાય છે ?? અને મીતે સાંવરીને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને બંને એકબીજામાં ખોવાઈ ગયા...
બસ હવે તો સવાર પડજો વહેલી....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/10/23