Bhootno Bhay - 18 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | ભૂતનો ભય - 18

Featured Books
Categories
Share

ભૂતનો ભય - 18

ભૂતનો ભય ૧૮

- રાકેશ ઠક્કર

બહેનનો પ્રેમ

ઘરમાં કોઈને ખબર ન હતી કે દીપ્તા રોજ રાત્રે જમ્યા પછી ચાલવા જવાના બહાને પોતાનું પ્રેમ પ્રકરણ ચલાવી રહી છે. ઘરે જમ્યા પછી એનું પેટ ભરાઈ જતું હતું પણ એ એક કલાક સુધી એના પ્રેમી ચિતાક્ષ સાથે પેટ ભરીને પ્રેમની વાતો કરતી ત્યારે એનું દિલ ભરાતું હતું. દીપ્તાને ખબર ન હતી કે એના પ્રેમ પ્રકરણનો અંત બહુ જલદી આવી જવાનો છે.

દીપ્તા હવે ચિતાક્ષ સાથે લગ્ન કરી લેવા માગતી હતી. પણ એને ખબર ન હતી કે ચિતાક્ષ એની સાથે ટાઇમપાસ કરી રહ્યો છે. દીપ્તા સાથે એણે પ્રેમનું નાટક જ કર્યું હતું. દીપ્તા પોતાના બંગલામાંથી નીકળીને રોજ કાનમાં ઇયરફોન ખોસીને ખરેખર ચાલવા જ જતી હતી. એને પોતાના બંગલા પાસેથી પસાર થતી જોઈ ચિતાક્ષ મોહિત થઈ ગયો હતો અને એ પણ કાનમાં ઇયરફોન નાખી ચાલવાનો ડોળ કરી અથડાઇ ગયો હતો. બંને વચ્ચે દોસ્તી શરૂ થઈ હતી અને એ દીપ્તાના મનથી પ્રેમમાં પલટાઈ હતી.

ચિતાક્ષ આવી ઘણી છોકરીઓને ફેરવીને છોડી ચૂક્યો હતો. જ્યારે દીપ્તાએ લગ્નની જીદ કરી ત્યારે એક દિવસ સાંજે એણે એને પહેલાં એકલીને જ પોતાના પરિવાર સાથે મળવા બોલાવી હતી.

દીપ્તા નક્કી થયા મુજબ ચિતાક્ષના બંગલા પર પહોંચી ત્યારે એના સિવાય કોઈ ન હતું. ચિતાક્ષને સારો મોકો મળી ગયો હતો. એણે એની સાથે મીઠીમીઠી વાતો કરીને કહ્યું કે મારો પરિવાર એને પસંદ કરે છે. પણ આજે અચાનક સામાજિક કામે બહારગામ જવાનું થયું હોવાથી કોઈ હાજર નથી. અને એણે લગ્નની તૈયારી કરવાની વાત કરીને એના સૌંદર્યના એવા વખાણ કર્યા કે દીપ્તાએ પોતાનું શરીર સોંપી દીધું. એ પછી તરત ચિતાક્ષ રમત રમી ગયો. એણે કહ્યું કે આપણે લગ્નની ઉતાવળ કરવી નથી. કોલેજ પૂરી થાય પછી તારા પરિવારને વાત કરજે.

ભોળી દીપ્તાને પછી ખબર પડી કે એના શરીરને ભોગવ્યા પછી ચિતાક્ષ એનાથી દૂર ભાગવા લાગ્યો છે. એણે મળવાનું બંધ કરી દીધું. દીપ્તાને આ વાતનો આઘાત લાગ્યો અને એણે ઘરમાં ઝેર પીને આત્મહત્યા કરી લીધી. એ કોઈ ચિઠ્ઠી પણ છોડી ના ગઈ એટલે એણે ભણવામાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું માની લેવામાં આવ્યું. પરંતુ એની નાની બહેન વંશાને શંકા ગઈ. એ પોતાની બહેનની વર્તણૂક ઘણા સમયથી નોંધી રહી હતી. એક-બે વખત કારણ પૂછ્યું પણ એણે કોઈ જવાબ આપ્યો ન હતો.

વંશાને યાદ આવ્યું કે એને ડાયરી લખવાનો શોખ હતો. એણે એના રૂમમાં કોલેજના પુસ્તકોની વચ્ચે છુપાવેલી ડાયરી શોધી કાઢી. એની શંકા સાચી પડી. એ ચિતાક્ષ નામના યુવાનને પ્રેમ કરતી હતી અને એણે લગ્ન કરવાની ના પાડી એ પછી ઉદાસ અને હતાશ થઈ ગઈ હતી. ચિતાક્ષ સાથે શરીર સંબંધ બાંધ્યા પછી બાળક થવાના ડરથી એણે આત્મહત્યા કરી લીધી હોવાની શંકા વંશાને થઈ. ડાયરીમાં એવો કોઈ પુરાવો ન હતો કે ચિતાક્ષ વિરુધ્ધ કોઈ કેસ થઈ શકે. દીપ્તા એટલી ભોળી હતી કે એમ લખી ગઈ હતી કે મારી જ ભૂલ હતી કે મેં એના પર વિશ્વાસ મૂકીને શરીર સોંપી દીધું હતું.

વંશાએ નક્કી કર્યું કે એ પોતાની વહાલી બહેનનો બદલો લઈને જ રહેશે. જ્યારથી વંશાએ આવું નક્કી કર્યું અને સામે ચાલીને ચિતાક્ષ સાથે દોસ્તી કરી ત્યારે એક દિવસ એને સપનામાં આવેલી દીપ્તાએ જાણે એને પોતાનું જીવન ના બગાડવાની સલાહ આપી. વંશાએ સવારે ઊઠીને દીપ્તાની તસવીર સામે જઈને કહ્યું કે આવા યુવાનોને પાઠ ભણાવવાની બલ્કે સજા આપવાની જરૂર છે.

વંશાએ ચિતાક્ષને પ્રેમમાં એવો ફસાવ્યો કે એ એની પાછળ ગાંડો થઈ ગયો. એક દિવસ રાત્રે વંશાએ એના ઘરે કોઈ ના હોય ત્યારે મળવાની વાત કરી અને ચિતાક્ષ તૈયાર થઈ ગયો. ચિતાક્ષને થયું કે પંખી સામે ચાલીને જાળમાં ફસાયું છે. ત્યારે વંશાએ આયોજન કરી લીધું કે એની સાથે મુલાકાત કરી એના ઘરમાં કોફી બનાવી એમાં ઝેર ભેળવી ચિતાક્ષનું મોત નિપજાવી દેવાનું.

ચિતાક્ષ બપોરથી રાત પડવાની રાહ જોઈ રહ્યો હતો. સાંજ ઢળી અને દરવાજે ટકોરા પડ્યા. એને થયું કે માતા-પિતા વહેલા આવી ગયા કે શું? જોયું તો વંશા સામે ઊભી હતી. એ ખુશ થઈ ગયો અને એને ભેટીને બોલ્યો:વહેલી આવી ગઈ!’

તો શું જતી રહું? રાત્રે આવું?’ વંશાએ રિસાઇને કહ્યું.

ના-ના, બહુ સારું કર્યું... બોલ શું લઇશ? કોલ્ડડ્રિંક્સ લાવું?’ ચિતાક્ષ રસોડા તરફ જતો બોલ્યો.

તું એમાં ઘેનની દવા નાખીને મારા પર બળાત્કાર તો નહીં કરે ને?’ વંશાએ હસીને પૂછ્યું.

કેવી વાત કરે છે? તારે કંઇ ના પીવું હોય તો મને વાંધો નથી. હું બે ઘૂંટ તારા હોઠનું અમૃત જરૂર પીવા માગીશ! ચિતાક્ષ પોતાનો ઇરાદો સાફ કરતા બોલ્યો.

તને બધી જ છૂટ આપવાની છું. પણ પહેલાં એક કડક કોફી પી લઈએ. હું લઈને આવી છું. કહી વંશા એના રસોડામાં ગઈ.

વંશાએ જ કોફી તૈયાર કરી અને બંને પ્રેમની વાતો કરતા પીવા બેઠા. ચિતાક્ષ પ્રેમની વાત કરતા કરતા કોફી પી ગયો અને બીજી જ ક્ષણે એનો દેહ ઢળી પડ્યો.

***

રાત્રે જમીને વંશા પર્સમાં ઝેરની પડીકી લઈ ચાલવા જવાને બહાને ઘરેથી નીકળી ચિતાક્ષના બંગલા પાસે પહોંચી ત્યારે ત્યાં ભીડ એકત્ર થયેલી જોઈને ચોંકી ગઈ. પોલીસની વાન પણ ઊભી હતી. લોકો વાત કરી રહ્યા હતા એના પરથી વંશાને જાણવા મળ્યું કે ચિતાક્ષે ઝેર પીને આત્મહત્યા કરી જીવનનો અંત લાવી દીધો છે. આજે પરિવાર બહાર ગયો ત્યારે ઘરમાં એકલો જ હતો. એણે કોફીમાં ઝેર મિલાવી જીવન ટૂંકાવી દીધું હતું. ચિઠ્ઠી લખીને પણ ગયો છે કે મારા મોત માટે કોઈ જવાબદાર નથી. એમ કહેવાય છે કે પ્રેમમાં નિષ્ફળતા મળી હોવાથી એણે આત્મહત્યા કરી હશે.

વંશાને અંદાજ આવી ગયો. એ પાછા પગલે ઘરે આવી ગઈ અને દીપ્તાની તસવીર સામે ઊભી રહી બોલી:બહેન, તમે મારા હાથ કાળા ના થાય એટલે આમ કર્યું ને? પણ જે કર્યું એ સારું કર્યું છે. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. પછી વંશાએ દીપ્તાની ડાયરી શોધી પણ મળી જ નહીં.

*