હજી મુખી અને તેમના વેવાઈ વાતો કરી રહ્યા હતાં એટલામાં મહર્ષિ પાછા આવ્યા. બસ હવે તો મહર્ષિ શું સમાધાન લઈને આવ્યા છે એજ બધાને જાણવું હતું.
“ મે મારી ધ્યાન અવસ્થામાં જઈને ઊંડાણ સુધી નજર કરી. મે ત્યાં આ સમસ્યાનું સમાધાન શોધવાની ખૂબ જ કોશિશ કરી પણ મને એમાં નિષ્ફળતા જ મળી.એ દુષ્ટે મરતાં મરતાં પોતાની આત્માને અઘોરીમાં પરિવર્તન કરી દીધું. એટલે એ દુષ્ટ આત્માને ખત્મ કરવાનો કોઈ ઉચિત ઉપાય મળ્યો નહી. હું ક્ષમા યાચું છું તમે ઘણી જ ઉમ્મીદ થી અહીં આવ્યા પરંતુ તમારી સમસ્યાનું કઈજ સમાધાન મળતું નથી." મહર્ષિએ નિસાસો નાખતા કહ્યું.
મહર્ષિના શબ્દો સાંભળીને બધાં જ ઉદાસ થઈ ગયા. મુખી તો પૂરા વિશ્વાસ સાથે અહીં આવ્યા હતાં, પરંતુ મહર્ષિના ઉચ્ચારેલા શબ્દો એ તેમનો વિશ્વાસ ક્ષણવારમાં જ ડગમગાવી દીધો.
બધાના ચહેરાઓ ઉપર ઘેરી નિરાશાઓ છવાઈ ગઈ હતી, મહર્ષિના આર્શિવાદ લઈને બધાં જઈ રહ્યાં હતાં ત્યાં મહર્ષિએ તેમને રોકતાં કહ્યું...
“ એક ઉપાય છે." મહર્ષિએ કહ્યું.
પાછા ફરી રહેલાં નિરાશ ચહેરાઓ મહર્ષિની સામે આશા ભરેલી નજર કરી.
“ ઉપાય..!! મારી દીકરીની રક્ષા કાજે મારાથી જે બનશે એ હું કરવા માટે તૈયાર છું. જો મારે પ્રાણ પણ ત્યાગવા પડશે તો હું પાછળ નહિ નહિ ડગુ." મુખીએ મહર્ષિએ કહ્યું.
મુખીની દિકરી એ પોતાના પિતા તરફ નજર કરી તો તેને તેના પિતાની આંખોમાં તેના પ્રત્યે અનહદ પ્રેમ જોયો. જે પોતાની દીકરીને તથા તેના આવનારા સંતાનને બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપવા માટે પણ તૈયાર છે.
“ મુખીજી તમારી દીકરીને તમે તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ. તેને ત્યાં સુધી ત્યાં રાખજો જ્યાં સુધી તે સંતાનને જન્મ ના આપે. તમારી દીકરીનું પ્રથમ સંતાન તેના પિયરમાં જ જન્મશે. જો ઈશ્વર એ સહાય કરી તો બધું જ સારું થઈ જાશે. " મહર્ષિ એ કહ્યું.
“ જેમ તમે કહો એમ અમે કરવા તૈયાર છીએ મહર્ષિ, બસ મારી પુત્રવધૂ અને આવનારા બાળકને કંઈ ના થવું જોઈએ." મુખીના વેવાઈએ મહર્ષિને કહ્યું.
“ રામ રાખે એને કોઈ ના ચાખે...! હું આવીશ એ દિવસે તમારાં ગામમાં જ્યારે મોતનો પડછાયો ગામ માથે આંટા મારતો હશે. જે થશે એ ભેગાં મળીને જોઈ લઈશું. " મહર્ષિએ બધાને ધીરજ આપતાં કહ્યું.
બધાં એ થોડો રાહતનો શ્વાસ લીધો, પરંતુ હજી સંકટ આવ્યું નહોતું, ત્યારેય આટલો ડર જોવા મળ્યો તો તો જ્યારે સંકટ માથે આંટા દેતું હશે ત્યારે શું હાલત આવશે...!!?
બધાએ મહર્ષિની રજા લીધી અને વાડીમાંથી બહાર આવી ગયા. જતાં જતાં મુખીએ એકવાર મહર્ષિની ઝુંપડી તરફ નજર કરી પરંતુ તેમને સ્પષ્ટ પણે ઝુંપડી દેખાઈ નહિ કારણ કે વૃક્ષોથી ઘેરાયેલી આ વાડીમાં ઝુંપડી એકદમ વુક્ષોની વચોવચ હતી એટલે તેને આઘેથી જોવી અસંભવ હતી.
“ મુખીજી તમારી દીકરીને તમે તમારી સાથે લઈ જવા માંગો છો કે...??" મુખીના વેવાઈ એ મુખીને પૂછ્યું.
“ મહર્ષિ એ જણાવ્યા પ્રમાણે હું મારી દીકરીને મારી સાથે જ લઈ જઈશ અને જ્યાં સુધી આ સંકટ નહિ ટળે ત્યાં સુધી મારી સાથે જ રહેશે." મુખીએ કહ્યું.
“ ભલે, જે તમને યોગ્ય લાગે તે." મુખીના વેવાઈ એ કહ્યું.
મુખી અને તેમનો પરિવાર ચાલતાં ચાલતાં આગળ વધ્યા ત્યાં રસ્તામાં પડેલાં એક પથ્થર વડે મુખીના પગને ઠોકર વાગી. અચાનક મુખીને એક ઝાટકો લાગ્યો.
એ પથ્થરના લાગેલા ઝાટકે મુખી ભૂતકાળને ભૂલી ને વર્તમાનમાં પાછા આવ્યા.
✷✷✷✷✷✷✷✷✷✷✷✷✷
ચાર વર્ષ પછી ફરીથી એજ જન્માષ્ટમીનો સમય આવ્યો. આઠ મહિના પહેલાં મહર્ષિ એ ઉચ્ચારેલા એ વાક્યો આજે સાચા પડવા જઈ રહ્યા હતા. ગામના લોકોમાં ડર છવાયેલો હતો. મુખીના ઘરની આગળ બધા ગામલોકો તેમજ એ મુખીની દીકરીના લગ્નના સમયે જોયેલી જન્મકુંડી દ્વારા તેની કુંડળીમાં દોષ જોનાર ગોળ મહારાજ તેમજ જ્ઞાની મહર્ષિ ઉપસ્થિત હતા.
શું થવાનું છે એનો કોઈ જ અંદાજો લગાવી શકતું નહોતું. મુખીની દિકરી એ ગામની પણ દિકરી જ. બધાં લોકો ગામની દીકરીને રક્ષા કાજે ખડે પગે ઊભા હતા. તેમની પાસે બીજો કોઈ જ ઉપાય નહોતો એટલે અંતે ગામના લોકોએ જાતે જ આવનારી અઘોરી આત્માને રોકવા માટે ઊભા હતાં. અંતે ઈશ્વર તો છે જ સહાય કરવા માટે.
કૃષ્ણના જન્મનો સમય હતો, પરંતુ હજી બાર વાગવામાં સમય બાકી હતો. ગામના લોકો ઉત્સવ છોડીને મુખીના ઘરની બહાર ભેગા થયા હતા. જન્માષ્ટમી જેવો તહેવાર છે છતાં પણ ગામમાં ક્યાંય કૃષ્ણ જન્મની તૈયારીઓ જોવા મળી નહિ. મળે પણ ક્યાંથી....! જ્યારે ખુશીઓની વચ્ચે અચાનક ક્યાંય થી દુઃખ થી ઘેરાયેલા સંકટોના વાદળો આવી ચડે છે ને ત્યારે ખુશીઓ તો ક્યાંય ખૂણામાં ધૂળ ખાતી નજરે જોવા મળે છે. આવી જ હાલત અત્યારે આ દેવીપુરા ગામની હતી.
અંધારું વધુ ગાઢ બની રહ્યું હતું. ગામમાં સન્નાટો એટલો બધો છવાયેલો હતો કે આકાશમાં બોલી રહેલા તમરાઓ ( રાતના સમયે ઝીણો તમતમ અવાજ કરતું એક જીવજંતુ ) નો અવાજ એકદમ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો હતો. અચાનક આ શાંત વાતાવરણમાં પલટો આવ્યો.....
વધુ આવતા અંકમાં...
- Jignya Rajput