Village bull in Gujarati Short Stories by Rajesh Kariya books and stories PDF | ગામનો ધણખૂંટ

Featured Books
Categories
Share

ગામનો ધણખૂંટ



કેશોદ પંથકમાં મેસવાણ એ મોટું ને મોભાદાર ગામ. એ સમયે લગભગ સાતેક હજારની વસ્તી હશે. કોઈપણ શહેરી માટે , આજે જે આદર્શ ગ્રામ્ય જીવનની પરિકલ્પના હોય છે તેના જેવું જ હર્યું ભર્યું , હસતું રમતું જાણે કોઈ ગોકુળિયુ ગામ. એ સમયે આજે છે, તેવો ખાસ કંઈ ભૌતિક વિકાસ નહી પણ સંતોષ પૂર્વક રહેનારાં ગ્રામજનો જેમાં, આનંદ કીલ્લોલ કરતા કરતા રમતા ભણતા બાળકો, ખેલ કૂદ, રમતો રમતા, શારીરિક ક્ષમતાઓ પૂરવાર કરવા નિર્દોષ શરતો લગાવતા યુવાનો, કામ કાજ અને ખેતી-ધંધામાં રચ્યા પચ્યા અને પોતાનો બળદ ન હોય તોય ખભે હળ જોતરીને ખેતર ખેડી નાંખે તેવા પ્રૌઢો, ગામની બજારની દુકાનોના અને પાદરનાં વડલાઓ ફરતે બનાવેલા પાળીએ બીડી- ચલમો ની સાથે અનુભવોની ધૂમ્રશેર ઉડાવતા વૃદ્ધો અને સૌથી વિશેષ માન, મર્યાદા, શીલ અને સંસ્કારપૂર્વક દરેક ઘર-પરીવારોને કોઠાસૂઝથી સિંચન કરતી માતા-બહેનો ગામનો થનગનતો આત્મા હતો. ગામ હોય ત્યાં દૂષણો પણ હોય જ. ગામની સીમમાં એકાદ બે દારૂની ભઠ્ઠીઓ ખરી, ગામમાં દારૂ પીવે ને રંજાડે તેવા અનિષ્ટો નહી પણ કોઈ વખતે એકાદ વ્યક્તિ રાજાપાઠમાં આવી જાય અને બજારમાં નિકળી પડે તો અમે બજારમાં ફરતાં છોકરાવ તો ઘર ભણી પોબારા ગણી જતાં.


ગામમાં પરોઢે ને રોંઢે બન્ને સમયે ગામનાં પશુઓ, ખાસ કરીને ગાયો, વાછરડાં ને ભેંસોનું ધણ દરરોજ સીમ ભણી જાય અને આવે. આ ધણ સાથે એક મહાકાય, રુષ્ટ પુષ્ટ અને હજારો પશુધન વચ્ચે ઉડી ને આંખે વળગે એવો દિગ્ગજ ખૂંટ, દરરોજ નેતૃત્વ કરતો અને આધિપત્ય ભોગવતો વિહરતો. ધણખૂંટ સામર્થ્યવાન ખરો પણ સોજો ય હતો. પણ એક દિવસ જાણે શું થયું ? કોઈને ય ખબર ન પડી કે આ ધણખૂંટને શૂરાતન ઉપડ્યુ હોય, કંઈ શારીરિક તકલીફ હોય કે અહમ્ ઘવાયું હોય! એવો તો ભૂરાયો થયો કે જાણે સાક્ષાત્ યમદેવ સવાર થયા હોય તેવો જ ભાસે. જે ધણખૂંટ મોહક લાગતો તે આજે મદમસ્ત ને મારકણો બન્યો. એનાં પરાક્રમ જોવા ગામલોકો ટોળે વળ્યા ને પાદર ઊભરાયું પણ નજીક જવાની હિંમત કરવી એ સાક્ષાત્ યમરાજને નિમંત્રણ આપવા બરાબર જ હતું. ગામનાં પટેલ-દરબારો ના બે-ચાર યુવાનોએ પ્રયત્નો જરુર કર્યા પણ ધણખૂંટ સામે બળ પ્રયોગ તો ચાલે તેમજ કયાં હતો ?


એટલાં માંજ એક છકડો કેશોદ થી મેસવાણ અકડેઠઠ્ઠ મુસાફરો પરત લઈ ગામ ભણી આવતો દેખાયો.ગામનાં યુવોનો જાગૃત અને કોઠાંસૂઝ વાળા એટલે બે જણાં સામે દોટ મૂકીને છકડા વાળા ભાઈને પાદરનાં રીક્ષા સ્ટેન્ડે આવતાં જ રોક્યો ને ભારમલ્લી થી ગામમાં વાળ્યો. એ છકડામાં ગીરધરભાઈ પણ મીલે માંડવી વેંચી ને પરત ઘેર ફરતા હતા. બજારમાં છકડો આવ્યો ને તરત જ દેવજીભાઈ બોલ્યાં, “ગીધાભાઈ, તમારો લાઈડકો ધણખૂંટ આઈજે ભૂરોયો થ્યો સ ને પાહે જાય તો શિંગડે ભેરવીને ઉપર પોચાડે એવુ સે….સીધા ઘેર જ વયા જાજો, પાદર તો નકરું ભરયુ સે ને આ જવાનીયાઓ આઘાયે નથ્ જાતાં ને પેલો ઠરતો નથી”


“ દેવજીભાઈ, ઈ એમને એમ કંઈ ભૂરાયો ન થાય એને કાંઈક થ્યું જ હોય, મને જાવા દો ન્યાં” ભાઈ એ ભાવાવેશ અને દુખી અવાજે દેવજીભાઈને જવાબ આપ્યો.


પાસે ઉભેલાં કનુભાઈ બાબરીયા બોલ્યા, “ ગીધાભાઈ આઈજ રેવા દેજો ઈ નઈ ગાંઠે”.


પણ માને એ ગીરધરભાઈ ? પોતાનાં બળ પર નહી પણ ધણખૂંટ સાથેનાં આત્મિક જોડાણનાં વિશ્વાસે ગીધાબાપા તો દોટ મૂકી પાદર ભણી. નજીક પહોંચ્યા તો પાદરે ઉભેલાં જુવાનીયાઓ પામી જ ગયા કે બાપા આજે નહી રોકાય એટલે બે- ચાર જવાનીયા બોલ્યા, “ બાપા આઈજ રેવા દેજો ઈ કોઈનાં ય બાપને માને ઈમ નથ”.


“ હા, ભાઈ મારે ય ઘેર છોકરાંવ છે ને લાંબી જવાબદારી પણ પાંચમ ની છઈઠ કોઈની થાવાની ?”


“ માંડ્યું હશે ઈ થાહે, પણ આને આમ થોડો રેઢો મુકાય કાંઈ ?”

એટલું બોલતા ગીરધરભાઈ ધણખૂંટ તરફ આગળ વધતાં જાય. પાદરે બૂમાબૂમ વધતી જતી હતી. દરેક ના શ્વોચ્છોશ્વાસ વધતાં જતા હતા, “બાપાનું શું થાશે ?” એ લગભગ દૂર જોનારા સોનાં માટે જાણે એક દિલધડક દ્રશ્ય બની રહેનારુ હતું. ગીરધરબાપાનો આત્મવિશ્વાસ ગજબનો, અપૂર્વ હિંમત અને સાહસ પણ, અભિમાન નખમાંયે નહી. સમાજસેવા, માનવતા, કરૂણા અને મૂંગા પશુઓ માટે અનુકંપા તેમનાંમાં સાહજિક જ હતા. આ સહજતાનાં સથવારે ધીમા પણ મક્કમ પગલે ભૂરાયો ધણખૂંટ ઉભો હતો તે તરફ આગળ વધ્યા. માથું ધૂણવતો ધણખૂંટ ત્યાં જ ઉભો રહ્યો. બન્ને વચ્ચે અંતર તો ઘટતું હતું પણ એ મક્કમ પગલાં બાપાનાં એના તરફ આગળ વધતાં હતા. લગભગ પંદરેક હાથ દૂર ધણખૂંટ હશે ને બોલ્યાં, “ દિકરા શું થ્યું તને ? કેમ મારા દિકરાને શેનું વાંકું પડ્યું ? હાઈલ મારા દિકરા હાઈલ, આમ કાંઈ રીહાવાય નઈ… આવતો રે મારા દિકરા આવતો રે…” એમ કહીને ગીરધરબાપાએ કપાળે હાથ મુકી ને બરોબર પંપાળ્યો અને ધણખૂંટ ગામની “ગૌરી ગાય” જેવો શાંત થઈ ગયો. થોડી વારમાં તો ધણખૂંટના ડોકે બાંધેલી રાસ ગીરધરબાપાનાં હાથમાં હતી અને હવે જાણે બાપ અને રિસાયેલ દિકરો કોઈપણ જાતની ફરીયાદ વગર પરત ફરતા હતા. પાદરમાં સૌ ઉભા ઉભા આ માણસ અને મુંગા પશુનું એકાત્મ્ અવાક્ ભાવે નિહાળી રહ્યા હતા.


- રાજેશ કારિયા