Premno Sath Kya Sudhi - 1 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 1

Featured Books
Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 1

પ્રસ્તાવના

દરેક વખતે મેં થ્રિલર, જાસૂસ કથા કે સ્ત્રીપ્રધાન કથા જ લખી છે. પણ આ વખતે કંઈક નવો પ્રયોગ કરવા માંગતી હતી કહો કે નવા વિષય પર લખવા માંગતી હતી. એવા જ સમયે મે વર્ષો પહેલાં વાંચેલો લેખ કે 'જેમાં એક બાળકીને પોતાનો ગયો ભવ કે પૂર્વ ભવ યાદ આવ્યો હતો.' મને એ યાદ આવતાં જ આ વિષય સાથે પ્રેમ કથા જોડી એક નવી જ નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ રહી છું.

"પ્રેમનો સાથ ક્યાં સુધી"

મારા વ્હાલા વાચકમિત્રોને ખાસ વિનંતી કે આ મારો નવીન પ્રયોગ અને નવા પ્રયત્નને જરૂરથી  બિરદાવજો, તમારા રેટિંગ્સ અને પ્રતિભાવોથી.

********

પ્રેમનો સાથ ક્યાં સુધી….૧

શિયાળીની શરૂઆત હોવાથી ગુલાબી ઠંડી લાગી રહી હતી. એ ગુલાબી ગુલાબી ઠંડી અને મંદ મંદ વાયરો માણવા હું ઉતાવળો હતો એટલે જ રાતનું ડિનર પતાવી હું મારો 'મી ટાઈમ' માટે મારી સૌથી મનગમતી જગ્યા જયાંથી વિન્ડોની બહાર નાનું એવું ગાર્ડન અને એમાં પણ રાતે મહેકતી અને વાતાવરણને સુંગધિત કરતી રાતરાણી લહેરાતી હોય અને ક્યારેક ક્યારેક તો મોગરાની સુંગધ પણ આવતી હોય. વિન્ડોને જ અડીને મારી પસંદગી બુકસની રેક અને વિન્ડો આગળ મારી સિંગલ સ્વીંગ, જેના પર બેસી હું મારું કોઈ મન ગમતી બુક્સ વાંચું.

મારી પત્ની મિતા ડીનર કર્યા બાદ કીચન સમેટી લે ત્યાં સુધી, મને આ મારા મી ટાઈમને કોઈ પણ ડિસ્ટર્બ કરે તે મને પસંદ નહોતું.

આજે રેકમાં થઈ એક સાયકોલોજીસ્ટે લખેલી બુક 'ઘ સાયકોલોજી ઓફ કોન્સપરસી થિયરી' હાથમાં લીધી અને મારી પસંદગીની જગ્યાએ બેસી બુક્સ ઓપન કરી અને વાંચવા લાગ્યો. વાંચતો વાંચતો તે,

"મનુષ્ય જીવનની અમુક વિચિત્રતા કહો કે કુદરતની કમાલ હજી આ દુનિયામાં અકબંધ છે. એમાંની કદાચ એક આ પણ છે કે કયારેક પારકા નહીં પણ તે પોતીકા લાગે અને પોતીકા ક્યારેક પારકાં અને એ માટે તેમના પૂર્વ જન્મના સંસ્કારો કામ કરતાં હોય છે કે તેમની પૂર્વજન્મની લેણદેણ. એમાં પણ પ્રેમ કે વચન માટે તો ફરી ફરીને કહો કે જન્મો જન્મ તે નિભાવવા મથે જ... અને આવું ક્યારેક બને કે જોવા મળે તો એક વાત ડંકાની ચોટે કહી શકાય કે પૂર્નજન્મ થાય છે અને થાય જ છે."

મારી કોલેજકાળ સમયે આ સાયોકોજીકલ બુક્સ વાંચતા આ કવોટ ઉત્સુકતાવશ મારા મનમાં રમવા લાગ્યો અને એટલે જ મેં આ લાઈન્સ અન્ડરલાઈન કરેલી, પણ મને એ વાત પર વિશ્વાસ નહોતો. આપણા ધાર્મિક ગ્રંથોમાં આ વાત રજૂ કરેલી અને એ પણ ઉદાહરણ સાથે છતાં મને વિશ્વાસ બેસશે કે નહીં તે પણ ખબર નહોતી.

કદાચ નસીબની વાત કહો કે કુદરતની શક્તિ ગણો કે મને જે આ કવોટ પર વર્ષો સુધી વિશ્વાસ નહોતો, પણ મને જ્યારે એ શબ્દોને સાચો પાડતો કિસ્સો એ પણ પૂર્નજન્મનો નજીકથી જોયો ત્યારે... તે વાતને હું માની ગયો અને ફરીથી આજે એ જ પુસ્તક માં એ કવોટ વાંચીને એ પ્રસંગ મમળાવી રહ્યો હતો અને ત્યાં જ ડોરબેલ વાગી. મેં મારી પત્ની સામે થોડી અકળામણ સાથે જોયું તો તેને આંખો હલાવી અને મેઈન ડોર ખોલવા ગઈ.

'મિતા મારી પત્ની કહો કે સલાહકાર કે મિત્ર બધું જ તે હતી અને આ બધાની સાથે ઘરની સારસંભાળ, વ્યવહાર કુશળતાપૂર્વક સાચવતી અને સૌથી વધારે કુશળતાથી મારા જેવા મૂડી સાયક્રાસ્ટીસને પણ સંભાળી લેતી. તે પણ એક એમબીબીએસ અને જોધપુરની સિવિલમાં કાર્યરત હતી.'

'તે એકદમ સુડોળ કાયાની માલિકી ધરાવતી અને સૌથી સુંદર મોહક એવું તેનું હાસ્ય જેને જોઈ કોઈની પણ અકળામણ કે ગુસ્સો ગાયબ થઈ જાય... જેમાં દરેક માટે માન અને આવકાર... તેના આવકારભર્યા શબ્દો અને તેવી જ તેની ભાવઅંગિમા તે હું નિરખી જ રહું છું છતાં તેનો પ્રત્યેનો મોહ હજી અકબંધ છે.'

મારી વિચારધારા આમ જ ચાલી રહી હતી અને મિતાએ દરવાજો ખોલ્યો તો ભંગ થઈ. મેં પણ ઉત્સુકતાવશ જોયું તો સામે મારા ત્રણ મિત્રો ઊભા હતા અને તેમને આવકાર આપતાં બોલી કે,

"આવો... આવો..."

"થેન્ક યુ ભાભી, પણ આજ સુધી તમારા ઘર જેવું વેલકમિંગ ક્યારે નથી મળતું હો?"

"ખોટા ખોટા વખાણ કરીને મને ચણાના ઝાડ પર ચડાવવા આવ્યા છો, રસેશભાઈ?"

"ના ભાભી રસેશની વાત સાચી છે, એમાં પણ રાતના દસ વાગ્યા પછી..."

"નચિકેતભાઈ તમને પણ રસેશભાઈની જેમ માખણ લગાડતાં આવડી ગયું લાગે છે?"

"ના ભાભી આ તો સાચું કહ્યું અને તમને હેરાન કરીએ છીએ એવું કહેવા માંગો છો?"

નચિકેત બોલતાં જ હું બોલ્યો કે,

"બહુ બોલ બોલ કર્યા વગર જરાક મિત્રને તો મળોકે પછી દરવાજે થી જ પાછા જવું છે."

"ના ભાઈ ના, પછી ગોષ્ઠિની મજા લેવા ક્યાં જઈશું?"

મિતા હસીને આવકાર આપી અને તે સાઈડમાં ખસી અને મારા મિત્રો અંદર આવ્યા. હું પણ તેમને જોઈ ઊભો થયો અને તેમને ગળે મળીને બેસવા કહ્યું.

"શું વાત છે, આજે ત્રણે એકદમ જ અહીં?"

નચિકેત બોલ્યો,

"વાત કંઈ નથી, આજે અમે ત્રણે બંદા એકલા હતા અને ચા પીવાનું મન થયું એટલે અમારા પગ આપોઆપ ભાભીના હાથની ચા માણવા અહીં આવ્યા."

મિતા હસી અને બોલી કે,

"તો પછી એમ કહોને કે ચાનો નશો તમને અહીં લઈ આવ્યો છે."

એટલામાં જ ઉમંગે કહ્યું કે,

"એમ જ કહી શકાય, પણ અમારા જેવા માટે હાલ તો તમે જ ચા કે કોફી મેકર છો?"

"સારું... સારું, ઉમંગ તમારા બધા માટે ચા, ભજીયા અને સ્નેકસ લઈ આવું."

"થેન્ક યુ ભાભી..."

હું કંઈ કહું તે પહેલાં જ મારી સામે જોઈ મને કહ્યું કે,

"તમારા માટે કોફી મને ખબર છે."

અને તે ફરી કીચન તરફ ગઈ અને અમે સોફા પર બેસીને અમારી ઔપચારિક વાતોનો દોર ચાલુ થયો.

આમ તો ત્રણે મિત્રો મારા જેવા જ પ્રોફેશનસમાં હતા પણ બે મારી ઉંમરના જયારે એક ઉમંંગ અમારાથી નાનો અને હજી ઉગતો એમ કહી શકાય કે ૨૭ થી ૨૮ વર્ષનો નવોસવો આ ફિલ્ડમાં આવેલો.

'જો કે તે લાંબો, પાતળો અને થોડોક મોર્ડન હોવા છતાં મૂડી પણ એટલો જ હતો. હા તેના બ્રાન્ડેડ કપડાં પરથી અમીર પરિવારનો નબીરો હોય એવું લાગતું. હજી તેનું ભણવવાનું પુરુ જ થયું હતું. આ ફિલ્ડમાં નવોસવો હોવાથી તેને કંંઈ ખાસ અનુભવ નહોતો અને ફક્કડ ગિરધારી પણ હતો. એકલો હોવાથી કારણસર તે અહીં વારંવાર આવતો અને મિતાના હાથની વાનગીનો સ્વાદ માણતો હતો અને મારા અનુભવ જાણીને શીખવા મથતો.

(શું હશે એમનો અનુભવ અને કવોટને લગતી વાત? તેમના મિત્રોને સાથે તે શેર કરશે કે પછી? ઉમંંગ,  નચિકેત અને રસેશ વચ્ચે કંઈ નવી વાતો જાણવા મળશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી....૨)