RJ Shailaja - 7 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | R.j. શૈલજા - 7

Featured Books
Categories
Share

R.j. શૈલજા - 7

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.

This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.

©

પ્રકરણ ૭ : “બીજો પ્રેમ..!”

“મેંને માસૂમ બહાંરો મેં તુમ્હે દેખા હે,

મેંને પૂરનૂર સિતારો મેં તુમ્હે દેખા હે,

મેરે મેહબૂબ તેરી પર્દાનશિનીકી કસમ,

મેંને અશ્કો કી કતારો મે તુમ્હે દેખા હે..

કાર માં નુસરત ફતેહ અલી ખાન સાહેબનો અવાજ ઘૂંજી રહ્યો હતો.

એવું તો શું જાણતો હશે સમીર?

શું મારે તેને મળવું જોઈએ?

શું મારે તેની સાથે વાત કરવી જોઈએ?

એ ખાલી મને મળવા માટે તો ખોટું નહિ બોલતો હોય ને?

અચાનક આટલા વર્ષો પછી મારી સામે આવવાનું તેનું કારણ શું હોઈ શકે?

આવા કેટલાય સવાલો શૈલજાના મનની અંદર વંટોળની જેમ ઉઠી રહ્યા હતા.

મૂંઝવણની તીવ્રતા એટલી હદે ભારે હતી કે શૈલજાને ગભરામણ થવા લાગી.

તમામ સવાલો જાણે તેનો શ્વાસ રોકી રહ્યા હોય તેવું તેને લાગ્યું.

પ..પ.. પ્લીઝ.. આ કાર ઊભી રાખો, મને ઉલ્ટી જેવું થાય છે.

શૈલજા ધ્રુજતા અવાજે બોલી.

તેજ એ કારને રસ્તાની બાજુમાં ઉભી રાખી.

શું થયું શૈલજા? તું ઠીક તો છે ને?

ચિંતાતુર અવાજે તેજ બોલ્યો.

શૈલજા તેજને જોઈ રહી, તેના અવાજમાં એક સહારાનો એહસાસ શૈલજાને થયો.

ફક્ત એક જ વાર તે તેજ ને પેહલા મળી હતી, પણ તેને પોતાના મનની વાત કેહવાની, પોતાનું હૈયું જે છેલ્લા કેટલાય વર્ષોથી દુઃખ અને પસ્તાવાની લાગણીઓથી ભરાઈ ગયું હતું તેને ખાલી કરવાની ઈચ્છા થઈ ગઈ.

શૈલજા તેજને આંખનો પલકારો પણ માર્યા વિના એકીટશે જોઈ રહી હતી અને આંખમાંથી આંસૂ રૂપે લાગણીઓ વેહવા લાગી.

શૈલજા શું થયું?

કોઈ તકલીફ હોય તો મને જણાવ. કદાચ તને રસ્તો બતાવી શકું.

શૈલજાનો હાથ પકડીને તેજ બોલ્યો.

એક ડૂબતા માણસને જેમ કોઈનો સહારો મળે એવો જ અનુભવ શૈલજાને તેજના સ્પર્શ સાથે થયો.

ક્યાંથી શરૂ કરું તેજ? કઈ જ સમજાતું નથી.

શૈલજા એ થોડું સ્થિર થતાં કહ્યું.

તું તારો સમય લે શૈલજા, તારું મન ખાલી ના થાય ત્યાં સુધી બધી જ વાત સાંભળવા હું તૈયાર છું.

તેજ એ હાથને વધુ દ્રઢતાથી પકડ્યો.

થોડી દૂર આવેલા કેફેમાં જઈને તેજ શૈલજા માટે હોટ કૉફી લઈને આવ્યો.

શૈલજા એ તેજને માંડીને બધી જ વાત કહી,

પોતાના મમ્મીની આત્મહત્યા, તેના પિતાનું જેલમાં જવું, સમીર સાથેનો તેનો પ્રેમ, અનાયાસે તૂટેલો એ સંબંધ અને આજે ૫ વર્ષ પછી સમીર નું શૈલજાના જીવનમાં થયેલું અચાનક આગમન.

આ બધું જ સાંભળીને તેજ ઊંડા વિચારોમાં ગરકાવ થઈ જાય છે.

શું વિચારે છે તેજ?

શૈલજાની વાત સાંભળ્યા પછી તેજનો સામેથી કોઈ જવાબ ના આવતા શૈલજા એ પૂછ્યું.

તારા પપ્પાના માથે તારી મમ્મીની આત્મહત્યા નું કારણ થોપવામાં આવ્યું તો એ શા કારણે અને કોના વડે?

સમીર સાથે અચાનકથી સંબંધ તુટવો અને ૫ વર્ષ પછી અચાનક તારી સામે આવીને કેહવુ કે એ તારા બધા સવાલોના જવાબ જાણે છે, એ વસ્તુ થોડી ગળે નથી ઉતરતી.

મને એવું લાગે છે કે આ બધીજ કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. અને જો સમીર કોઈ વસ્તુ જાણતો હોય અને જો તું પરવાનગી આપે તો એને ઉપાડીને હું મારી રીતે તપાસ કરું.

તેજ એ કૉફીનો કપ સાઈડ માં મૂકી શૈલજા ની સામે જોઇને કહ્યું.

ના. ના.. તેજ.

હું સમીરને ઓળખું છું. ભલે એણે ૫ વર્ષ પેહલા સંબંધ તોડ્યો, મને મળવાનો પ્રયત્ન પણ ના કર્યો પણ એ માણસ ભોળો છે. હું મારી રીતે જ એને વાત કરીશ પણ...

શૈલજા આટલું બોલી અટકી જાય છે.

પણ શું?

તેજ એ સવાલ કર્યો.

ઘણી મુશ્કેલીથી એને મે ભૂલવાનો પ્રયત્ન કર્યો છે છેલ્લા ૫ વર્ષો માં. તેને ફરીથી મળીશ તો તેની સાથે જીવેલી તમામ યાદો મારી આંખોની સામે ફરીથી આવી જશે. કોણ જાણે કેમ પણ તેને મળવાની એક તીવ્ર ઈચ્છા મારા હ્રદયમાં ઉઠવા લાગી છે.

શૈલજા એ તેજના સવાલનો જવાબ આપતા કહ્યું.

એટલે તું હજી પણ સમીર ને પ્રેમ કરે છે એમ ને?

તેજ એ સીધો સવાલ કર્યો.

હું તેને ભૂલી નથી શકતી એ હકીકત છે,

હું તેને ૫ વર્ષ પેહલા પાગલોની જેમ પ્રેમ કરતી હતી એ પણ સત્ય છે, પણ અત્યારની પરિસ્થિતી મારા સમાજની બહાર છે.

હું મારી જાતને પ્રેમ કરવાનું ભૂલી ચૂકી છું તેજ, તો બીજા માણસને પ્રેમ કરવાની વાત તો ઘણી દૂરની છે.

શૈલજા એ તેજની આંખોમાં આંખ પરોવીને જવાબ આપ્યો.

સમય દરેક ઘા નો શ્રેષ્ઠ મલમ છે શૈલજા.

તેજ ફક્ત આટલું જ બોલી શક્યો.

૫ વર્ષ થઈ ચૂક્યા છે આ ઘા ને. પીડા હજી પણ ઓછી નથી થતી તેજ, દિવસે દિવસે જાણે વધતી જ જાય છે.

શૈલજા ને ડૂમો ભરાઈ ગયો.

શૈલજા હું તને આ હાલતમાં જોઈ નથી શકતો,

હું તને આ મૂંઝવણમાંથી બહાર કાઢવાનો મારાથી બને શકે એટલો પ્રયત્ન કરીશ.

તેજ એ શૈલજાને સંભાળતા કહ્યું.

એક પ્રશ્ન પૂછી શકું?

શૈલજા એ તેજને જોઈને કહ્યું.

ફક્ત એક જ વાર તું મને મળ્યો છે,

તેમ છતાં મારી આટલી મદદ કરવા તું કેમ તૈયાર છે?

શૈલજાએ તેજ ની સામે જોઇને કહ્યું.

કેમ એક મુલાકાતમાં તે મારી સામે તારી જિંદગીના બધા જ પત્તા ખોલીને મૂકી દીધા?

તેજ એ શૈલજાની આંખોમાં આંખો પરોવીને સામો સવાલ કર્યો.

થોડીક ક્ષણો સુધી બંને એકબીજાને જોઈ રહ્યા,

તું જ્યારે પેહલી વાર મળ્યો ત્યારે જ તારી આંખોમાં મારા માટે નો નિસ્વાર્થ પ્રેમ મે જોઈ લીધો હતો. હું બરાબર જાણું છું કે તું મને કેટલી હદે પ્રેમ કરે છે તેજ. પણ મને ચાહનારા બધા જ દુઃખી થયા છે. હું એવું ગુલાબ છું કે જેને પામવા ઈચ્છનારા દરેકના હાથ માં કાંટા જ વાગે છે.

શૈલજા સંપૂર્ણ તૂટી ચૂકી હતી.

શૈલજા તેજને વળગીને રડી રહી હતી. તેજ સાંત્વના આપતા પોતાનો હાથ શૈલજાના માથે ધીરે ધીરે ફેરવી રહ્યો હતો. ઘણી વાર શબ્દો કરતા મૌન લાગણીઓ વધારે સહારો આપી શકે છે. શૈલજાનું દુઃખ તેજ બરાબર સમજી શકતો હતો. તેણે મનોમન નક્કી કર્યું હતું કે શૈલજાના તમામ સવાલોના જવાબ શોધીને જ તે જપ લેશે.

થોડાક સમય બાદ,

મારા હિસાબે તારે સમીરને મળીને તારા પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ.

શૈલજા થોડું સ્વસ્થ જણાતા તેજ બોલ્યો.

મને પણ એવું જ લાગે છે.

શૈલજા એ હકારમાં જવાબ આપ્યો.

તું ચિંતા ના કરીશ. સમીર ને મળવા જઈશ ત્યારે હું તારી આસપાસ જ રહીશ. કઈ પણ તકલીફ લાગે એક ઈશારો કરી દેજે હું બધું જ સંભાળી લઈશ.

તેજ એ શૈલજાને હિંમત આપતા કહ્યું.

છેલ્લા ૫ વર્ષ થી મને અનાથ કરનારની શોધમાં હું છું, એ મળશે નહી ત્યાં સુધી મને ચેન નહી પડે.

શૈલજા બોલી.

જો શૈલજા હું તને પ્રેમ કરું છું એટલે નથી કહેતો પણ એક ઇન્સ્પેક્ટર તરીકે મને આ સમીર તરફ વધારે શંકા જાય છે. થોડું સાચવીને મળજે એને.

ચિંતા સાથે તેજ બોલ્યો.

હું તારી ચિંતા સમજી શકું છું કારણકે તુ સમીર ને નથી ઓળખતો.

ભલે અમારો સંબંધ તૂટી ગયો પણ માણસની ઓળખ છે મને,

એ વ્યક્તિથી મને ખતરો ના થઈ શકે,

બસ કઈક માહિતી તેની પાસેથી મળી જાય.

એક વિશ્વાસ સાથે શૈલજા બોલી

તો એને મેસેજ કરી દે.

તેજ એ કહ્યું.

શૈલજા સમીરને બીજા દિવસે બોપલ વિસ્તારના એક કેફેમાં મળવા માટે બોલાવે છે.

તેજ શૈલજાને તેના ઘરે ઉતારે છે.

કાલે હું તે કેફેમાં જ હોઈશ, પણ સમીરને ખ્યાલ ના આવે તે રીતે.

તેજ એ કહ્યું.

શૈલજાએ હકાર માં માથું ધુણાવ્યું અને પછી કહ્યું,

છેલ્લા ૫ વર્ષોમાં મારા જીવનમાં બધું અજુગતું જ થયું છે, ફક્ત એક જ વાત સારી થઈ કે મને તું મળ્યો. મારી તરફનો તારો પ્રેમ હું સમજુ છું.

સમીર જોડેની વાર્તા ૫ વર્ષ પેહલા જ પૂરી થઈ ગઈ છે. જો તું મારો એ ભૂતકાળ સ્વીકારવા તૈયાર હોય તો મારું ભવિષ્ય તને બનાવવા માટે હું ચોક્કસથી વિચારીશ.

પણ મારી મમ્મીની આત્મહત્યા હતી કે હત્યા એ કારણ જાણ્યા વિના મને ક્યારેય મનમાં શાંતિ નહી રહે.

એ કારણ જાણ્યા વિના તો મને પણ ચેન નહી પડે શૈલજા..

તેજ એ શૈલજાની સામે જોઇને કહ્યું.

શૈલજા આટલું સાંભળીને ઘર તરફ ચાલવા લાગે છે,

તેજ ક્યાંય સુધી શૈલજા ને જતા જોઈ રહ્યો.

ઘરમાં સ્મિતા અને કિશોરભાઈ શૈલજા ની રાહ જોતા બેઠા હોય છે.

કયાં હતી તું શૈલજા?

અમે ક્યારના તારી ચિંતામાં હતા કે તને કેમ વાર થઈ?

શૈલજા ને જોતા જ સ્મિતા બોલી.

બેટા તું ઠીક છે ને?

પેલો નપાવટ તને આજે મળ્યો?

ગુસ્સાથી શૈલજાના પપ્પા કિશોરભાઈ બોલ્યા.

હું ઠીક છું, તમે લોકો ચિંતા ના કરો.

શૈલજા એ સ્થિર થતાં જવાબ આપ્યો.

પણ એ તને મળવા શું કામ આવેલો?

સ્મિતાએ સવાલ કર્યો.

કન્ટેસ્ટનો વીનર બનીને આવેલો પણ જતા જતા એટલું કહ્યું કે, ૫ વર્ષ થી જે પ્રશ્નો મને હેરાન કરી રહ્યા છે તેના જવાબ તેની પાસે છે.

શૈલજા એ કહ્યું.

દીકરા તેનાથી સાચવજે. મને એ માણસ ઠીક નથી લાગતો.

કિશોર ભાઈ બોલ્યા.

કાકા સાચું જ કહે છે, તારે એને મળવાની કોઈ જરૂર નથી.

સ્મિતા બોલી.

ના.. મળવું તો પડશે. આટલા વર્ષોમાં કોઈક એવું મળ્યું છે જેની પાસે મારી મમ્મીની હત્યાનો કોઈક સુરાગ છે.

શૈલજાના અવાજ માં એક મજબૂતી હતી.

અને તમે ચિંતા ના કરો, ઇન્સ્પેક્ટર તેજ ડોડીયા મારી સાથે હશે. મે તેમને આ બધી જ વાત જણાવી છે અને તેઓ મને મદદ કરવા તૈયાર છે.

શૈલજા એ કહ્યું.

ઇન્સ્પેક્ટર તેજ?

એટલે તું એસ.પી. વનરાજ ડોડીયાના દીકરા તેજ ડોડીયા ની વાત કરે છે?

કિશોર ભાઈ એ થોડું ચોંકીને કહ્યું.

મને એમના પપ્પા નું નામ નથી ખબર.

તમે ઓળખો છે એમને?

શૈલજા એ આશ્ચર્યના ભાવ સાથે કહ્યું.

કિશોર ભાઈએ ફોનમાં તેજ અને વનરાજ ડોડીયા નો ફોટો બતાવીને પૂછ્યું,

શું આ જ વ્યક્તિ?

હા પપ્પા. આજ તો છે.

તમે કઈ રીતે ઓળખો એમને?

શૈલજા હવે અધીરી બની હતી.

જ્યારે રાધિકા ના આત્મહત્યાના કેસમાં મને અરેસ્ટ કરવામાં આવેલો અને જે પોલીસ કસ્ટડીમાં

મને રાખ્યો હતો ત્યાં આ વનરાજ ડોડીયા સાહેબ મારા કેસની વિગત જાણવા આવેલા. એકાદવાર મારી પૂછપરછ પણ કરેલી.

કિશોર ભાઈએ આખી વાતને નવો વળાંક આપતાં કહ્યું.

તેજના પિતાને આ કેસ સાથે શું લેવા દેવા? મતલબ તેજ મારા ભૂતકાળ વિશે પેહલાથીજ બધું જ જાણે છે?

હવે શૈલજાની ગૂંચવણ વધી રહી હતી.

ક્રમશ: