ગણપત: અ હીરો ઈઝ બોર્ન
- રાકેશ ઠક્કર
ફિલ્મ ‘ગણપત: અ હીરો ઈઝ બોર્ન’ ની અંદર ટાઈગર શ્રોફ એકના એક એક્શનનું પુનરાવર્તન કરતો દેખાય છે. એક્શન સાથે સસ્પેન્સ થ્રીલર બનાવવાનો પણ પ્રયત્ન થયો છે. ટાઈગરે ‘ગણપત’ થી એવું બતાવ્યું છે કે તે એક્શન અને ડાન્સમાં ધમાલ મચાવી શકે છે. અભિનયમાં કોઈ કમાલ કરી શકે એમ નથી. ફિલ્મમાં જાણે એક્શન અને ડાન્સ સિવાય કંઇ દેખાતું જ નથી. વિલન અને હીરોના સામસામા કોઈ સંવાદ જ નથી. ટાઈગર જે સંવાદ બોલે છે એ વળી પોતાની જાત સાથે હોય એવી રીતે બોલે છે.
અગાઉ ‘ક્વીન’ અને ‘સુપર 30’ જેવી સફળ ફિલ્મો આપનાર નિર્દેશક વિકાસ બહલે ડાયસ્ટોપિયન એક્શન ફિલ્મનો એક નવો પ્રયોગ કર્યો પણ સફળ થયા નથી. આવી ફિલ્મની વાર્તા ભવિષ્યની એક કાલ્પનિક દુનિયા પર રચવામાં આવી હોય છે જેમાં આદર્શ સમાજ હોતો નથી.
ફિલ્મની શરૂઆતમાં દલપતિ (અમિતાભ બચ્ચન)ના વોઇસ ઓવરમાં જણાવવામાં આવે છે કે એક યુધ્ધમાં આખી દુનિયાનો લગભગ નાશ થઈ ચૂક્યો છે. માનવીઓનું ભવિષ્ય ખતરામાં છે. આ પરિસ્થિતિમાં તાકાતવર અને પૈસાના લાલચુઓ લાભ ઉઠાવીને એક આધુનિક શહેર સિલ્વર સિટીનું નિર્માણ કરે છે. જ્યાંથી ગરીબોને દૂર કરીને એવી જગ્યાએ રાખે છે જ્યાં કોઈ મૂળભૂત સુવિધાઓ નથી. જો ગરીબો અમીરોના આ શહેરમાં પ્રવેશ કરે તો મોત મળે એમ છે. બીજી તરફ રંગીન મિજાજનો ગુડ્ડૂ (ટાઈગર શ્રોફ) એ શહેરમાં એશથી જીવે છે. પરંતુ સમય અને સંજોગો એવા બને છે કે એ અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર દૂર કરવા ‘ગણપત’ બની જાય છે. એમાં એને જસ્સી (કૃતિ સેનન) નો સાથ મળે છે.
ભલે એક્શનમાં એ માહિર રહ્યો છે પણ ટાઈગર પાસે હવે કોઈ નવી ભૂમિકાની અપેક્ષા રહે છે. આ ફિલ્મને કારણે જ ટાઈગરનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. નિર્દેશકે વાત ભવિષ્યની કરી છે પણ વાર્તા સીત્તેરના દાયકાની જ આપી છે. વાર્તામાં કલ્પનાના વધારે રંગ ભરવાની જરૂર હતી. દર્શકો સાથે વાર્તા કોઈ રીતે જોડાણ કરી શકતી નથી. ગણપત એક બોક્સિંગ મેચ જીતીને ગરીબોને બરબાદીથી બચાવે એ વાત હજમ થઈ શકે એવી નથી.
વિકાસ ઘણી બધી બાબતે ફિલ્મમાં ભૂલ કરી બેઠા છે. નબળી વાર્તા સાથે VFX નું સ્તર એટલું નબળું છે કે એના વિષયને યોગ્ય રીતે રજૂ કરી શકાયો નથી. અમીરી-ગરીબીની વાર્તા અનેક ફિલ્મોમાં જોઈ હોય એવી છે પણ ‘ગણપત’ માં વિશ્વસનીય રીતે રજૂ થઈ નથી. કેમકે મુખ્ય પાત્રો ભારતીય છે પણ બીજા વિદેશી અને કેટલાક ચાઇનીઝ પણ છે. ટાઈગર મરાઠી છે અને એના દાદા બનતા અમિતાભ પંજાબી છે. અગાઉ OTT પરની ફિલ્મો અને વેબસિરીઝમાં આવી વાર્તાઓ આવી ચૂકી છે. વાર્તાને જે પ્રકારની ટ્રીટમેન્ટ મળવી જોઈએ એવી મળી નથી. ભલે દુનિયા કાલ્પનિક છે પણ નિર્દેશક દર્શકોને એવો વિશ્વાસ અપાવી શક્યા નાથે કે એ સાચી છે. કેમકે લોજીક દેખાતું નથી.
ટાઈગરની એન્ટ્રી સારી છે ત્યારે બેકગ્રાઉન્ડમાં ગણપતિનું સંગીત બંધબેસતું નથી. ટાઈગરે એકશનની જેમ અભિનય અને ડાન્સની જેમ સંવાદ પર મહેનત કરવાની જરૂર છે. ટાઈગર એક્શનમાં નવું કંઇ કરી શક્યો નથી.
એકપણ ગીત યાદ રહે એવું નથી. એક ગીતમાં ટાઈગર મહિલા ગાયકના અવાજ પર ગાતો દેખાય છે! કૃતિ સેનને પહેલી વખત એક્શન દ્રશ્યો માટે સારી મહેનત કરી છે એ પડદા પર દેખાય છે. પરંતુ ‘મિમી’ ના અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચૂકેલી કૃતિએ આવી ભૂમિકાઓની અવગણના કરવી જોઈએ એમ થશે. ‘હીરોપંતી’ અને ‘હીરોપંતી 2’ માં ટાઈગર સાથે તેની કેમેસ્ટ્રી સારી રહી હોવાથી સ્વાભાવિક છે કે એને વટાવવા જ લીધી છે. અમિતાભ બચ્ચન અલગ લુકમાં નાની ભૂમિકામાં છે. એમના માટે પણ એમ થશે કે વેડફાયા છે.
‘ગણપત’ ના પહેલા ભાગને ક્યાંયથી સારો પ્રતિસાદ મળ્યો નથી ત્યારે નિર્માતાઓ એનો બીજો ભાગ બનાવવાની હિંમત કરે એવું લાગતું તો નથી! ટાઈગર શ્રોફની ફિલ્મ ‘ગણપત: અ હીરો ઈઝ બોર્ન’ જોઈને ઘણા દર્શકોએ એના ‘છોટી બચ્ચી હો ક્યા?’ સંવાદને યાદ કરીને પૂછ્યું છે કે,‘ છોટા બચ્ચા સમઝા હૈ ક્યા?!’