સફેદ દરવાજામાંથી અંદર ખેંચાયો તો અનુમાન તો એવું જ હતું કે સફેદ દાઢી-મૂછધારી બાબા હાથમાં લાકડી લઈ રાહ જોતાં ઊભાં હશે પણ બન્યું વિપરીત. ત્યાં તો એક સફેદ જીન્સ, ટી-શર્ટ અને મલમલની ટોપી ધારી બાવા રાહ જોતાં હતાં.
મને અવાચક જોઈ બોલ્યાં,
"એ ગઢેરા આંય આવને. તાં ઉભો ઉભો હું મારું મોં જોઇ રિયો છ?"
'પારસી બાવા પ્રેતલોકમાં' હું તો ખૂબ આશ્ચર્ય પામ્યો. એમની વાત ન માનતાં એમને થોડોક ગુસ્સો આવ્યો.
"અલા ગઢેરા ટને કવ છ. બેરો છ કે હું? વાટ જ ની હાંભરટો. આંય મને ડિસ્કોમાં જવાનું લૅટ થાય છ ને આ નંગને કાંઈ ભાન જ ની મલે. ટુ આવસ કે બાર ફેંકું?"
"હા...હા... આવું."
"આમ હીધ્ધેહીધ્ધો આઈવો અતે તો મારી એનર્જી વેસ્ટ ની થતે ની. આલે ગાઈડલાઈનની ચોપડી પકડ. આને આખેઆખી વાંચવાની પન હમરા ની. મારો ટાઇમ ખોટી ની કરટો. હું પૂછું એનાં હીધ્ધેહીધ્ધા ને હાચ્ચેહાચ્ચા જવાબ આલજે ને હા સવાલ મારે પૂછવાના છ ટારે ની એ યાદ રાખજે. હમજ્યો!"
મેં હકારમાં માથું હલાવ્યું.
"આ હવાહેરી હાનો હલાવે છ, મોંમાં જબાન નથી કે હું?"
"છે ને." મેં કહ્યું.
"તો ડોકું હું ધૂણાવે છ? ભસને મોં માંથી."
"પણ હું કુતરો થોડો છું કે ભસું!"
"ઓ ખોદાઈજી.... ભસ એટલે બોલ. હું કવ છ બોલ, ડોકું હું ધૂણાવે છ એમ. હમજ્યો"
"તો ચલ સવાલ શરું કરું. ટારા હારું પેલ્લો સવાલ, હાનો ડૉક્ટર છ ટુ?" પારસી બાવાએ કૌન બનેગા કરોડપતિની સ્ટાઈલમાં શરું કર્યું.
"માણસોનો."
"બવ હારું. અવે એમ કે કે કયા રોગનો સ્પેશિયાલીસ્ટ?"
"મનોચિકિત્સક."
"મનોકિત્સક... હું કીધું ? પાછો બોલની."
"મનોચિકિત્સક એટલે કે સાયકાઈટ્રીસ્ટ."
"સાયકાઈટ્રીસ્ટ! વારુ વારું. પેલ્લાથી ગુજરાટીમાં બોયલો અતે ટો! મનોત્સિક એવું સંસ્કૃટમાં બોલે ટો કેમને હમજાય હેં! જો મને સંસ્કૃટ ની ફાવે એટલે હીધ્ધેહીધ્ધો ગુજરાટીમાં જવાબ આપવાનો. હું કીધું?"
"પણ મેં તો ગુજરાતીમાં જ કહ્યું."
"જો પાછો ડલીલ કર છ. ટાઈમ વેસ્ટ ની કર. મારે લૅટ થાય છ. તારી કોઈ ઈચ્છા અધૂરી રેઈ ગેયલી છ જે ટારે પૂરી કરવી છ?"
"ઈચ્છાઓ તો ઘણીબધી હતી પણ જે શક્ય નથી એને ભૂલવી સારી."
"ઓય પાગલ ઇચ્છા એટલે ડિઝાયર... ખાસમખાસ ડિઝાયર ટારી જિંડગીની. મેં ડિઝાયરની વાટ કઈરી ઈચ્છા નામની પોયરીઓની ની."
"હું પણ ડિઝાયર જ સમજ્યો છું." હું તુમાખીથી બોલ્યો.
"જો જો પાછો ડલીલ કર છ? હિધ્ધે હિધ્ધો જવાબ આપ ની."
"હવે કોઈ ઈચ્છા જ નથી." હું નિરાશાથી બોલ્યો.
"એટલે કોઈ ઈચ્છા જ ની મલે. ટો ટો ટુ ટો બાવો. આંય હું કર છ? ટારે ટો હરગમાં ઓવુ જોઈટુ ટુ."
"હું બાવો નથી. ઈચ્છાઓ છે પણ ખાસ નઈ."
આ નવો પ્રેત ડિપ્રેશ થઈ ગ્યો લાગે છે એમ વિચારી બાવાજીએ આગળ ચલાવ્યું.
"જો ડિકરા, તારું આયુસ હિટ્ટેર વહરનું ઉટુ પન ટુ પચ્ચીહે જ મુઓ તો અવે એટલાં વહર ટુ હું કરહે આંય?"
"હેં! હું સિત્તેર વર્ષ જીવવાનો હતો!"
"હો. અવે બોલની હું કરવાનો ટુ?"
"પિસ્તાલીસ વરસ હું શું કરીશ અહીં? એક કામ કરો બીજો જન્મ આપી દો." મેં વિચારીને કહ્યું.
"એ ઘેલા ની કાઢ. ટુ હિત્તેર વહર પછે જ જલમ લેઈ હકે એ પેલ્લા ની."
"કેમ?"
"કેમ હું? રુલ છ."
"ઓહહહ્.. તો હવે હું શું કરું?"
"જલ્લી વિચાર ની મારે ડિસ્કોમાં જવાનું લૅટ થાય છ."
"હમમમ્...."
"હું હમમમ્..? લાગે છ મારે જ કેવું પડહે. જો ટુ રીયો ડૉકતર ટો એક કામ કર, આંય બોવ બઢા પાગલ ભૂત આવછ, ટુ એઓને હાજ્જા કરજે."
"પાગલ ભૂત!!!"
"એટલે એમ પાગલ ની. કેવી રીટે સમજાવું? જો કોઇ કોઈને મારવા માંગટુ હોય, એરાન કરવા માંગટુ હોય કે પછ ખજાનાની પાછલ હોય એવાં પાગલ. તારે એઓની ડવા કરવાની."
"આ સારું કામ છે. બાવાજી એક સવાલ."
"કીધું ઉતુ ને સવાલ ની." બાવાજી ભડક્યા.
" બસ એક જ.... લાસ્ટ... પ્લીઝ."
"લાસ્ટ ને! ચલ પૂછ."
"હું મારા મમ્મી પપ્પાને મળવા જઈ શકું?"
"એમ ટો ની પન વારેટેવારે અલાઉડ છ ટો ટિયારે જજે પન હમના ટો ત્રેનિંગમાં જા." એમ કહી ધબ્બો માર્યો ને હું સીધ્ધો ટ્રેનિંગ સેન્ટરમાં પડ્યો એટલે કે ઉતર્યો.
ત્યાં જોઉં છું તો કાળાં, ધોળાં ને કાબરચીતરા બધાં જીવ પોતપોતાની લાઈનમાં ઉભા હતા. હું પણ લાઈનમાં ઉભો રહી ગયો. પાછળ ફરીને જોયું તો, ત્રણેય દરવાજા દેખાયાં એટલે સમજાય ગયું કે, જીવોને બહાર જ વર્ગીકૃત કરી દેવાય છે. આ સિસ્ટમ ગમી અને પેલું પ્રેત મશીન એ પણ જીવની ઑરા ઓળખી એ પ્રમાણે એમને રેડી કરી દે છે.
હું મારા વિચારોમાં જ હતો ને કંઈક મારા પગે અચાનક અથડાયું અને અણધારી અથડામણથી ચીસ પડાઈ ગઈ જે કોઈ બીજાંની હાઈ ફ્રિક્વેન્સી ચીસમાં દબાઇ ગઇ.
(ક્રમશઃ)