ફિલ્મનું નામ : પડોસન
ભાષા : હિન્દી
પ્રોડ્યુસર : મેહમૂદ, એન. સી. સિપ્પી
ડાયરેકટર : જ્યોતિ સ્વરૂપ
કલાકાર : સુનીલ દત્ત, સાયરા બાનુ, મેહમૂદ, કિશોરકુમાર, ઓમપ્રકાશ, દુલારી, આગા, ગંગા પ્રવીણ પૌલ, મુકરી, કેશ્ટો, રાજ કિશોર, સુંદર અને મૂલચંદ
રીલીઝ ડેટ : ૨૯ નવેમ્બર ૧૯૬૮
ઘણીબધી વેબસાઈટો ઉપર પડોસન ૧૯૫૨ની બંગાળી ફિલ્મ ‘પાશેર બારી’ની રીમેક હોવા વિષે લખ્યું છે, પણ તેને રીમેક ન કહી શકાય કારણ પાશેર બારી કરતાં બહુ જુદી રીતે પ્રસ્તુત કરી છે. બે ત્રણ સીન અને કથાનકના હાર્દ સિવાય કોઈ મેળ નથી. પડોસન અને બંગાળી ફિલ્મ ‘પાશેર બારી’ નામની અરુણ ચૌધરીની ટૂંકી વાર્તા ઉપર આધારિત હતી અને પડોસન ફિલ્મના ટાઈટલ ક્રેડિટ્સમાં એવો ઉલ્લેખ પણ છે. તેથી પડોસન રીમેક હોવાની વાતનું અહીં જ ખંડન કરું છું. પાશેર બારી ઉપરથી ૧૯૫૩માં તેલુગુ ફિલ્મ બની અને ૧૯૬૦ માં તમિલ ફિલ્મ બની.
પડોસનની અગાઉ આવેલી પાશેર બારી વાર્તા ઉપરની બધી જ ફિલ્મો સફળ રહી અને હિન્દીમાં આવેલી પડોસન પણ ૧૯૬૮માં આવેલી ફિલ્મોમાં કમાણીમાં છઠ્ઠે નંબરે રહી. કહેવાય છે કે ‘કોમેડી ઈઝ વેરી સિરીયસ બિઝનેસ’ અને મેહમુદ અને મંડળીએ બહુ સીરીયસલી આલા દર્જાની કોમેડી ફિલ્મ બનાવી. આજે પણ કોમેડી ફિલ્મોની વાત આવે ત્યારે પહેલી લાઈનમાં અંગૂર, ચલતી કા નામ ગાડી જેવી ફિલ્મો સાથે પડોસન પ્રથમ પંક્તિમાં વિરાજે છે. ઇન્ડિયાટાઈમ્સની ‘બોલીવુડની ટોપ ૨૫ જોવાલાયક ફિલ્મની’ યાદીમાં પડોસનનો સમાવેશ થાય છે.
સંઘર્ષ બાદ સફળતા મેળવી અને મેહમૂદે પોતાના પ્રોડક્શનહાઉસ ‘મેહમૂદ પ્રોડક્શનસ’ ની સ્થાપના કરી અને પડોસન તેનું પહેલું સાહસ. જો કે પ્રોડ્યુસર તરીકે મેહમૂદની સાથે એન. સી. સિપ્પીનું નામ પણ છે. એન. સી. સિપ્પીએ પ્રોડ્યુસર તરીકે મેહમૂદ ઉપરાંત હૃષીકેશ મુખર્જી સાથે મળીને અનેક સારી ફિલ્મો આપી છે.
આ ફિલ્મમાં ગુરૂના રોલ માટે કિશોર કુમારને મનાવવા માટે મેહમૂદે બહુ મહેનત કરી હતી. સ્વભાવે ધૂની એવા કિશોરકુમારે જયારે ફિલ્મમાં રોલ કરવા અંગે મેહમૂદે પૂછ્યું ત્યારે તેણે ના પાડી દીધી. કિશોરકુમારે ચોખ્ખું કહી દીધું ગીતો સુધી ઠીક છે બાકી તારી ફિલ્મમાં રોલ તો નહિ જ કરું. એક આખી રાત મેહમૂદ કિશોરકુમારના બંગલાની બહાર ઊભો રહ્યો એટલે કિશોર’દા તેની જીદ આગળ પીગળ્યા અને ઈતિહાસ લખાયો. બહુ મનામણા કરીને કિશોરકુમારને ફિલ્મમાં લાવનાર ખુદ મેહમૂદ અને સુનીલ દત્ત ફિલ્મ પૂર્ણ થયા પછી કિશોરકુમારની ભૂમિકા અને એક્ટિંગ જોઇને ડરી ગયા અને પોતાના પાત્ર ઉપર ભારે ન પડે તે માટે કેટલાક સીન ઉપર કાતર ચલાવી, પણ ફિલ્મ રીલીઝ થયા પછી બાંગડું કહીને વાત શરૂ કરનાર ગુરૂ જ બધાં દર્શકોનો માનીતો બન્યો.
કથ્થક અને ભારતનાટ્યમમાં પ્રવીણ એવી એક સમયની જાણીતી હિરોઈન નસીમ બાનુની દીકરી સાયરા બાનુ પણ આ ફિલ્મ કરવા વિષે અવઢવમાં હતી. ૧૯૬૬માં તેણે પોતાનાથી બમણી ઉંમરના બોલીવુડના મહાન કલાકારોમાં જેમની ગણના થાય એવા દિલીપકુમાર સાથે લગ્ન કર્યાં, તેથી પડોસન અને પૂરબ ઔર પશ્ચિમ છોડવા માગતી હતું, પણ નિર્માતાઓના આગ્રહથી ન છોડી અને બંને ફિલ્મો તેની કારકિર્દીની સફળતમ ફિલ્મો બની.
પડોસનનો નાયક છે ભોલા (સુનીલ દત્ત) જે તેના નામ પ્રમાણે ભોળો છે અને પોતાના મામા કુંવર પ્રતાપસિંહ (ઓમપ્રકાશ) સાથે રહે છે. તેના હાથમાં એક પુસ્તક આવે છે ‘સંસારશાસ્ત્ર’ અને તેને ખ્યાલ આવે છે કે તે છવ્વીસ વર્ષનો થયો છે એટલે તેણે લગ્ન કરી લેવાં જોઈએ. તેના મામા કુંવર પ્રતાપસિંહ પણ લગ્ન કરવા માગે છે. તેમના માટે લાયક કન્યાનો ફોટો લઈને પંડિત જાનકીપ્રસાદ (સુંદર) આવે છે એટલે મામા ભોલાને નદીકિનારે ફરવા જવાનું કહે છે. તે નદીકિનારે ભોલાની મુલાકાત અને ઝડપ બિંદુ (સાયરા બાનુ) અને તેની સહેલીઓ સાથે થાય છે. ભોલાને બિંદુ ગમી જાય છે.
ભોલા ઘરે આવે છે અને જુએ છે કે મામા બીજા લગ્ન્નની તૈયારી કરે છે એટલે નારાજ થઈને મામી (દુલારી) સાથે રહેવા જતો રહે છે. મામીના સામેના મકાનમાં બિંદુ રહે છે તે જાણીને ખુશ થઇ જાય છે અને નાટકમંડળી ચલાવતા પોતાના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એવા વિદ્યાપતિ ઉર્ફ ગુરૂ (ધ ગ્રેટ કિશોરકુમાર)ને આ સમાચાર આપે છે. પંચરત્ન નાટકમંડળીના અન્ય સભ્યો છે બનારસી (મુકરી), કલકત્તિયા (કેશ્ટો) અને લાહોરી (રાજકિશોર, શોલેનો અસરાનીને આંખ મારતો કેદી). તેઓ ભોલાની મામીના ઘરે આવે છે એ જોવા કે બિંદુ ભોલાને લાયક છે કે નહિ. તેનો બિંદુને પાસ કરે છે, પણ તે સમયે એન્ટ્રી થાય છે માસ્ટર પિલ્લઇ ઉર્ફ માસ્ટરજી (મેહમૂદ)ની જેની સાથે બિંદુ બહુ હસીહસીને વાત કરે છે.
થોડા સમય પછી તેમને ખ્યાલ આવે છે બિંદુને માસ્ટરજી સાથે નહિ, પણ તેમની કલા સાથે પ્રેમ છે, તેથી મિત્રોના કહેવા અનુસાર તે ગાયક બનવા માટે કમર કસે છે, પણ સંગીત અને ભોલાને બાર ગાઉંનું છેટું છે એ તરત ખબર પડી જાય છે. ભોલાના જીવનના ફાયરબ્રિગેડ એવા ગુરૂને રેડીઓ ઉપર ગીત સાંભળીને યુક્તિ સુઝે અને તે ભોલાનો પ્લેબેક સિંગર બની જાય છે. તે ભોલાને ફક્ત હોઠ ફફડાવવા કહે છે અને પંચરત્ન નાટકમંડળીનો સ્ટાર ગાયક ગુરુ પોતે ગીત ગાય છે. ભોલાને ગાતો જોઇને થોડા સમય પછી બિંદુ તેનાથી પ્રભાવિત થઇ જાય છે.
શું ભોલાનું અસત્ય પકડાશે? શું ભોલા તેનો પ્રેમ મેળવવામાં સફળ થશે? આ બંનેનો જવાબ હા છે એ તો બધાં જાણે છે, પણ આ ફિલ્મનો એક પણ રમૂજી પ્રસગ મીસ કરવા જેવો નથી. તેથી વાંચવા કરતાં આ ફિલ્મ જોવામાં વધુ મજા આવશે.
શોલેની જેમ આ ફિલ્મમાં લગભગ દરેક કલાકારનું પોતાનું આગવું મહત્વ છે. સાવ બુદ્ધુ અને પોતાના મિત્રોના કહ્યા પ્રમાણે કરતો ભોલા દર્શકોનું દિલ જીતી લે છે. સુનીલ દત્તે પોતે કોમેડી કરી હોય એવી કદાચ આ એક જ ફિલ્મ છે. ધારદાર નજર, પહાડી અવાજ અને સરસ હેર સ્ટાઈલ ધરવતા સુનીલ દત્તને ભોળો બતાવવા માટે તેની હેર સ્ટાઈલ સંપૂર્ણ રીતે અહીં બદલી દેવામાં આવી છે. સાયરા બાનુ પોતાના સમયની સૌથી સ્ટાઈલીશ અને ગ્લેમરસ હિરોઈન હતી. આ ફિલ્મમાં પણ તેણે ખૂબસૂરત દેખાવાનું હતું અને તેમાં તે સફળ રહી હતી. ફિલ્મના ટાઈટલમાં કોસ્ચ્યુમ ડીઝાઈનર તરીકે મેડમ નસીમ બાનુ (સાયરા બાનુની માતા, હિરોઈનની મમ્મીને માન આપવું પડે! અને તે પણ વીતેલા જમાનાની સ્ટાર હતી) ) છે. અલ્લડ, મુગ્ધ અને માસુમ યુવતીના રોલમાં તે દિલ જીતી લે છે. ગુરૂના રોલમાં કિશોરકુમાર આફરીન પોકારી જવાય એવો અભિનય કર્યો છે. મેરી પ્યારી બિંદુ ગીતના શૂટિંગ સમયે કોરિયોગ્રાફર સુરેશ ભટ્ટ ગેરહાજર હતા એટલે શું કરવું એ કોઈ જાણતું ન હતું. તે સમયે કિશોરકુમારે દરેક કલાકારને તે જેમ કરે એવું કરવાનું કહ્યું અને તેનો ફ્રીસ્ટાઈલનો ડાન્સ લોકોને બહુ ગમી ગયો.
ફિલ્મ ક્રેડીટમાં ઓમપ્રકાશનું નામ ફ્રેન્ડલી એપીરીયંસ તરીકે છે, પણ તેમનો રોલ લાંબો છે અને પોતાનો રોલ બખુબીથી નિભાવ્યો છે. ઓમપ્રકાશે આટલું બધું અંગપ્રદર્શન ક્યારેય કોઈ ફિલ્મમાં નહિ કર્યું હોય. સો દંડબેઠકવાળો સીન હસીહસીને પેટ દુઃખી જાય એવો છે. ઓમપ્રકાશના નોકરના રોલમ છે તે જાડિયો મુલચંદ. તે સમયની ઘણીબધી ફિલ્મોમાં દેખાતો. ડોન ફિલ્મના ખાઈકે પાન બનારસવાલામાં પણ છે. મોટેભાગે કડવું બોલતી સ્ત્રીના રોલ કરતી દુલારીને ભાગે અહીં ભોલાની મામીનો રોલ આવ્યો છે. એકલા જ ચેસ રમતા બિંદુના પિતાના રોલમાં આગા છે અને તે પોતાની ભૂમિકા સારી રીતે ભજવે છે.
મુકરી, કેશ્ટો અને રાજકિશોર પોતાને મળેલ દરેક સીનનું સોનું કરે છે. એક પ્રશ્ન મનમાં ફિલ્મ પૂર્ણ થયા પછી રહે છે કે નાટકમંડળીનું નામ પંચરત્ન કેમ રાખ્યું હશે? ગુરૂ અને અન્ય ત્રણ જણ મળીને ચાર જ જણ છે તો પાંચમું રત્ન કોણ છે કારણ ભોલાને તો એક્ટિંગનો કક્કો પણ આવડતો નથી અનુરાધાના રોલમાં રત્ના છે. (અનુરાધા કોણ? એવો પ્રશ્ન મનમાં થતો હોય તો મેરી પ્યારી બિંદુવાળો સિક્વેંસ જોઈ લેવો.)
આ ફિલ્મમાં જો કોઈ સૌથી મોટી સ્પર્ધા યોજાઈ હોય તો તે હતી મન્ના ડે અને કિશોરકુમારના ગીતો વચ્ચેની. મેહમૂદને અવાજ મન્ના ડેએ આપ્યો હતો. ‘એક ચતુર નાર કરકે સિંગાર’ (આ ગીત અશોક કુમાર ૧૯૪૧ની ઝૂલા ફિલ્મમાંથી લેવામાં આવ્યું છે.) ગીત વખતે મન્ના ડેએ હારવાનું હતું, પણ તે કિશોરકુમાર સામે હારી કેવી રીતે શકે એ પ્રશ્ન ઉપર બધાં અટકી ગયા. મન્ના ડે શાસ્ત્રીય સંગીતના ખેરખાં હતાં, જયારે કિશોરકુમાર એ કોઈ તાલીમ લીધા વગરનો કુદરતી ગાયક હતો. જો કે મેહમૂદ તેમને સીનની ડીમાંડ છે અને તે માટે તેણે મન્ના ડેને યાદ દેવડાવ્યું કે એક ફિલ્મમાં સીનની ડીમાંડ માટે પંડિત જસરાજ તેમની સામે હારી ગયા હતા. મન્ના ડે તે ગીતની સ્પર્ધામાં ભલે હારી ગયા, પણ દર્શકોનો પ્રેમ જીતી ગયા.
આર. ડી. બર્મને આ ફિલ્મમાં એકથી એક ચઢિયાતાં ગીતો આપ્યાં છે. મન્ના ડે અને કિશોરકુમારના સ્વરનું ‘એક ચતુર નાર કરકે સિંગાર’ ગીત કોમેડી ગીતોમાં શિરમોર છે. તે ગીત વખતે ‘સૂર કિદર ગયા જી?’ એવું કહેવા મન્ના ડે તૈયાર નહોતા એટલે પછી એટલા શબ્દો મેહમૂદના અવાજમાં રેકોડ કરવામાં આવ્યા. લતાદીદીના સ્વરનાં ‘ભાઈ બત્તુર, ભાઈ બત્તુર’, ‘શર્મ આતી હૈ મગર, આજ યે કેહના હોગા’ અને લતાદીદી તેમ જ આશાના અવાજનું ‘મૈ ચલી મૈ ચલી, દેખો પ્યાર કી ગલી’ આજે પણ સાંભળવાં ગમે એવાં ગીતો છે. (પડોસનથી ત્રણ વર્ષ પહેલાં રીલીઝ થયેલ ગુમનામમાં મેહમૂદ ભાઈ બત્તુર ગીત ગાતો જોવા મળે છે.)
મન્ના ડેનું સોલો ગીત ‘આઓ આઓ સાંવરિયા’ સાંભળો ત્યારે ખબર પડે કે તેમની સૂરો ઉપર કેવી જબરદસ્ત પકડ હતી. ‘મેરે સામનેવાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રેહતા હૈ’, ‘મેરે ભોલે બલમ’ અને ‘કેહના હૈ આજ તુમ સે એ પહેલી બાર’ ગીતોને અવાજ કિશોરકુમારે આપ્યો છે.
દર થોડા સમયે પાન ખાતું કિશોરકુમારનું ગુરૂનું પાત્ર કિશોરકુમારના અંકલ અને ક્લાસિકલ સિંગર ધનંજય બેનર્જી તેમ જ સંગીતકાર ખેમચંદ પ્રકાશ ઉપરથી પ્રેરિત હતું અને તેણે તે ભૂમિકા આબાદ ભજવી હતી.
હાસ્ય અને સંગીતથી પરિપૂર્ણ અને કિશોરકુમાર તેમ જ મેહમૂદના અભિનયથી ઓપતી આ ફિલ્મ ફિલ્મરસિયાઓ માટે મસ્ટ વોચ છે.
સમાપ્ત.