છપ્પરપગી ( પ્રકરણ - ૨ )
—————————-
લક્ષ્મી આજે વહેલી સવારથી શરુ થઈ ગયેલ પોતાના આ અભાગીયા દિવસની કલ્પના કરીને પણ ધ્રુજી જતી હતી. એને યાદ કરવું ગમતુ ન હતું, પણ અનાયાસે જે બધું બન્યું તે ચિતમાં ભમરાયાં કરતું હતું. લક્ષ્મી મોડી રાત સુધી પડખાં ફરતી સુવાની કોશિશ કરતી હતી પણ સઘળું વ્યર્થ. એને દિશાહીન ભાવી દ્રશ્યમાન થઈ રહ્યું હતું.એ યાદ કરીને કંપારી છૂટી જતી હતી કે આજે વહેલી સવારે પાંચ વાગે સાસુ રંભાબેનની લાત ખાઈને સફાળી બેઠી થઈ ગઈ. કંઈ જ વિચારી શકે એ પહેલાં તો રંભાબેન તાડુકયા, “ ઘરને ગામમાં કોઈ જાગે ઈ પેલા નીકળ આંઈથી… તારું મોઢું કાળું કઈર કાં કૂવો પૂયર તારે જા જાવું હોય ન્યાં જા પણ આઈથી મઈર હવે…”
લક્ષ્મી અવાક્ થઈ ગઈ. શું કરવું ? ક્યાં જવું ? દિશાશૂન્ય બની ગઈ.
એ કંઈ વિચારે કે વિનવણી કરે, આજીજી કરે એ પહેલાં તો રંભાબેને લક્ષ્મીનો હાથ પકડી એને ઘરની બહાર તગેડી મુકી અને અંદરથી ઘરનાં દરવાજે નકુચો ભીડી દીધો. બે ચાર મિનીટ્સ અવાક થઈને ઉભી રહી અને બંધ ઘરનાં દરવાજે બહારથી તાકતી જ રહી. બન્ને આંખેથી ચોધાર આંસુ વહ્યા જતા હતા, પણ આ બિચારીને જોનાર કે રોકનાર પણ કોણ હતું ? પડોસીઓ કોઈ જાગ્યા જ ન હતા.આમ પણ જાગેલ જ ક્યાં કોઈ હતા. એ તો બધા રંભાબેનની હા જી હા કરનાર અને લક્ષ્મીને છપ્પરપગી તરીકે તાડુકતાં હતા. રંભાબેન દરવાજે જે તિરાડ હતી તેમાંથી લક્ષ્મીને જોઈ રહ્યા હતા. એણે મનમાં નક્કી પણ કરી રાખ્યું હતું કે સવાર પડે કોઈ પૂછે તો કહી દઈશ કે વહેલી સવારે લક્ષ્મી અમને સૂતાં મેલીને ભાગી ગઈ. પાંચ-સાત પગલાં આગળ વધીને લક્ષ્મીએ ફરી બંધ દરવાજે જોયું પણ વ્યર્થ. એને હવે ખબર પડી ગઈ કે આ દરવાજા મારા માટે હવે સદાયે બંધ છે.
થોડી વાર સીમથી સામે ગામ બહાર જતાં રસ્તાને તાકી રહેલી લક્ષ્મીને હવે વિચાર આવ્યો કે મારા પિયર જાવ. પોતાનું પિયર પણ બાજુમાં જ ગામમાં ને ચાલતા જાય તો પણ કલાકમાં પહોંચી જાય. પણ કેમ જઉં એ વિચારે પગ થંભાવી દીધા. મનુ ના દેહાંત પછી સાડલો બદલવા પિયર ઘરે ગઈ હતી, ત્યારે જ કાકીએ કહી દીધું હતુ કે,” તને પયણાવી દીધી અમારી જવાબદારી પુરી. હવે તું જાણે ને તારુ નશીબ. અમે તારાં પથારીવશ બાપને હાંચવીયે ઈ ય બોવ સે.”
મા વગરની તો લક્ષ્મી આઠેક વરસની હતી ત્યારેજ થઈ ગઈ હતી. એનાં પિતા બળદેવભાઈ અકસ્માતે એક પગ ગુમાવી ચૂક્યાં હતા. દમાનો રોગ પણ હતો, કામ કંઈ થતું નહોતુ એનાથી એટલે એ પણ નિરાધાર જેવી જીંદગી કાઢી રહ્યા હતા. લક્ષ્મી પિયર હતી ત્યાં સુધી તો પિતાની ખૂબ કાળજી રાખતી અને શક્ય એટલું પિતા માટે કરી છૂટતી. મુળ તો કાઠીયાવાડ તરફનાં લક્ષ્મીનુ અને સાસરીનું કુટુંબ હતુ, પણ બેમાંથી કોઈને પોતાની જમીન ન હતી એટલે બન્ને નાં પરીવારો ચરોતરનાં વાસદ પાસેનાં ગામડાંમાં ભાગે ખેતીવાડી અને છૂટક મજુરી કરી પેટીયુ રળવાં પંદરેક વરસ પહેલાં આવી ગયા હતા. લક્ષ્મીની મા મરી કે તરત થોડાં દિવસોમાં એનાં બાપુ, કાકા, કાકી અને એનાં બે દિકરાઓ જોડે હવે અહીં જ સ્થાઈ થઈ ગયા હતા. લક્ષ્મી ને પોતાનાં પિયરની કઠણાઈ ખબર જ હતી અને વિચાર્યું કે મારું વિચારીશ તો મારા બાપુને પણ કાકી નહીં સાચવે. આવી પરિસ્થિતિમાં એને પિયર જવાનો વિચાર માંડી વાળ્યો.
એનાં ડગ હવે ગામથી નજીક થોડે દૂર હાઈવે તરફ વળ્યા. પોણાં છ આસપાસ થોડું અજવાળું થતાં એ વાસદ હાઈવે સુધી પહોંચી ગઈ હતી. લક્ષ્મી તો પહેરેલ કપડે નીકળી હતી. બસમાં બેસે તો ટીકીટ લેવી જ પડે એટલે રેલવે સ્ટેશન પહોંચી. પોતે ત્રણ ચોપડી ભણી હતી, વાંચતા ખાસ કંઈ આવડેપાડ્યો નહી. કઈ ટ્રેન ક્યાં જાય ? ક્યાં જવાશે ? ક્યાં ઉતરીશ અને પછી શું કરીશ એ કંઈ જ સભાન પણે વિચારી ન શકતી લક્ષ્મી જે ટ્રેન પહેલી આવી તેમાં બેસી ગઈ હતી.
હજી પણ અડધો ધૂંમટો તાણેલ લક્ષ્મીને આ બધું યાદ આવતું હતું. સવારથી અત્યાર સુધીનાં દિવસને યાદ કરતી લક્ષ્મીને હવે બાજુમાં બેઠેલ પ્રવીણે હાથ અડાડી પૂછ્યું, “ કયાં ઉતરવાનું છે તારે ? સુરત તો ગયું ? મુંબઈ જવાનું છે ?”
“ હરદાર જાવું છે” લક્ષ્મી આટલું માંડ બોલી. પછી થોડી વારે કહ્યુ, “ કોય નાં આશરમમાં વય જાઈશ ને જે કામ આપશે ઈ કરીશ, ન્યાં ય નઈ રાખે તો…! “
‘“હરદ્વાર ..!” પણ આ તો મુંબઈ જાય છે. પ્રવિણે હળવેથી કહ્યું.
લક્ષ્મીને બહુ કંઈ ખબર નથી પડતી એવું તરત જ પામી ગયેલ પ્રવિણે હવે કંઈ વિશેષ ફોડ ન પાડ્યો કશું જ વધારે પણ એ બાબતે ન બોલ્યો અને લક્ષ્મીને જણાવ્યું પણ નહી કે આ ટ્રેન હરદ્વાર તરફ જતી જ નથી.
પ્રવિણ આમ તો કોલેજના બે વર્ષ કર્યા પછી ડ્રોપ આઉટ થયેલ. વતન છોડી મુંબઈ એક પેઢીમાં છેલ્લાં પાંચેક વરસથી નોકરીએ લાગી ગયો હતો. મુંબઈમાં પાંચ વરસ રહ્યા પછી સાવ દેશી તો નહોતો જ રહ્યો પણ કોઈ કાઠીયાવાડી કે દેશનું મળે તો વાતચીત દેશી ભાષામાં જ કરે. એને કદાચ એ લઢણથી તક મળ્યો બોલવામાં આત્મિયતા લાગતી હશે એટલે જરુર પડે ત્યાં શિષ્ટ ભાષા બોલી કે વાપરી જાણે પણ કોઈ દેશનું મળે તો મુળીયે પાછો તરત બંધાઈ જાય. પ્રવિણ પોતાનાં મા-બાપુનાં દુરાગ્રહે છોકરી જોવા દેશમાં આવ્યો હતો. લગ્ન માટે નનૈયો ભણી ફરી મુંબઈ પોતાની નોકરીએ પરત ફરી રહ્યો હતો.
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા