Paying Guest - Review in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | પેઈંગ ગેસ્ટ (૧૯૫૭) – રિવ્યુ

Featured Books
Categories
Share

પેઈંગ ગેસ્ટ (૧૯૫૭) – રિવ્યુ

ફિલ્મનું નામ : પેઈંગ ગેસ્ટ       

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : શશધર મુખર્જી     

ડાયરેકટર : સુબોધ મુખર્જી     

કલાકાર : દેવ આનંદ, નૂતન, શુભા ખોટે, ગજાનન જાગીરદાર, સજ્જન, દુલારી અને યાકુબ

રીલીઝ ડેટ : ૧૯૫૭

                ૧૯૫૭ ની રીલીઝ થયેલી ફિલ્મોની યાદી જુઓ તો તેમાં કેટલીક એવી છે જેમનાં નામ ઓલ ટાઈમ ક્લાસિક ફિલ્મોમાં આવે છે. નરગીસની ‘મધર ઇન્ડિયા’ આ જ વર્ષે રીલીઝ થઇ હતી, દિલીપ કુમારને ચમકાવતી ‘નયા દૌર’ , ગુરૂદત્તની ‘પ્યાસા’, વી. શાંતારામની ‘દો આંખે બારહ હાથ’ પણ આ જ વર્ષે રીલીઝ થયેલી અને સફળતા પણ મેળવી. નવા સ્ટારને જન્મ આપનારી ‘તુમસા નહીં દેખા’ આ જ વર્ષમાં આવેલી. તે ઉપરાંત ‘આશા’, ‘શારદા’, ‘ભાભી’,‘એક સાલ’ અને ‘મુસાફિર’ પણ આવેલી,

        આવા મોટા શંભુમેળામાં દેવ આનંદ અને નૂતનને ચમકાવતી ‘પેઈંગ ગેસ્ટ’ સફળ થઇ હતી. આ જ જોડીને ચમકાવતી વધુ એક ફિલ્મ ‘બારીશ’ પણ રીલીઝ થઇ હતી, જે હોલીવુડની ફિલ્મ ‘ઓન ધ વોટર ફ્રન્ટ’ ની રીમેક હતી. જો કે  તે ફિલ્મ ઝાઝી સફળ થઇ નહોતી. દેવ આનંદની વધુ બે ફિલ્મો આ વર્ષે આવેલી ‘દુશ્મન’ અને ‘નૌ દો ગ્યારહ’ જેમણે થોડી ઘણી સફળતા મેળવી હતી.

        ૧૯૫૫માં આ જ જોડીને ચમકાવતી ‘મુનીમજી’ સફળ થયેલી એટલે શશધર મુખર્જી (કાજોલ, તનીષા, રાની, શરબની, અયાન આ બધાં તેમની સાથે સંકળાયેલા છે, પણ તેની વાત ફરી ક્યારેક) એ     પોતાના નાના ભાઈ સુબોધ મુખર્જીને આ ફિલ્મનું સુકાન સોંપ્યું અને તેણે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું કે તે સારો ડાયરેક્ટર છે.

        શશધર મુખર્જીના ફિલ્માલયના બેનર હેઠળ બનેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મના લેખક નાસીર હુસૈન હતા જે પોતે પણ આ વર્ષે ડાયરેક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી રહ્યા હતા અને સંગીતકાર સચિન દેવ બર્મન તેમ જ ગીતકાર મજરૂહ સુલતાનપુરી હતા.

        રમેશ (દેવ આનંદ) એક અસફળ વકીલ છે જેને કેસ મળતા નથી અને જે મળે છે તેમાં હારી જાય છે. છ મહિનાનું ભાડું ન આપવાને લીધે મકાન માલિક તેને પોતાના ઘરમાંથી બહાર કાઢી દે છે. રમેશ તેના મૂર્તિકાર મિત્ર જગત (સજ્જન) પાસે જાય છે, પણ સામાન્ય પરિસ્થિતિ ધરાવતો જગત પણ તેને મદદ કરી શકતો નથી. રમેશ એક મકાન શોધે છે, જ્યાં વધુ એક પરિવાર પાછલા વીસ વર્ષથી રહે છે. દિગંબરનાથ (જ્ઞાની), શાંતિ (નૂતન) અને એક દીકરો (માસ્ટર બાપુ) તેમ જ એક દીકરી (ગીતાંજલી). રમેશ અને શાંતિ વચ્ચે નાનો ઝગડો થાય છે એટલે દિગંબરનાથ તે મકાન છોડી દે છે. વીસ વર્ષથી રહેતો પરિવારને રમેશે કઢાવી નાખ્યાં એટલે મકાનમાલિક રમેશને પણ કાઢી નાખે છે.

        રમેશ પાસે હવે કોઈ ઠેકાણું નથી, તે સમયે તે જુએ છે બીજે રહેવા ગયેલા દિગંબરનાથ મકાન માટે પેઈંગ ગેસ્ટ શોધી રહ્યા છે, જે વૃદ્ધ હોય. રમેશ નકલી સફેદ દાઢી અને મુછ લગાવીને વૃદ્ધ વજાહત મિર્ઝા બનીને તેમના ઘરમાં રહેવા આવે છે. રમેશને શાંતિ ગમી ગઈ હોય છે.

        તે શાંતિનો પીછો કરતો કોલેજમાં પણ જાય છે. ત્યાં ચાલતી ગીતની સ્પર્ધા જુએ છે શાંતિ અને ચંચલ (શુભા ખોટે) વચ્ચે ગીતોની સ્પર્ધા શરૂ હોય છે. શાંતિ પ્રેમ તરફ હોય છે અને ચંચલ પૈસા તરફ. શાંતિ સ્પર્ધા જીતે છે, પણ નિર્ણાયક બેરિસ્ટર દયાલ (ગજાનન જાગીરદાર)ને ચંચલના વિચારો ગમે છે અને તે વિષે ચંચલને પણ જણાવે છે. ચંચલ પોતાના મનમાં એક ગાંઠ વાળી લે છે.

        રમેશ શાંતિને છેડતો રહે છે અને તેના ઘર સુધી આવે છે. શાંતિ જઈને મિર્ઝા (પાછળથી જઈને મિર્ઝા બનેલા રમેશને)ને ફરિયાદ કરે છે એટલે એક રૂમમાં બંધ થઈને મિર્ઝા રમેશને બહુ માર્યો એવો દેખાવ કરે છે. શાંતિને તેની દયા આવે છે અને બીજે દિવસે તે રમેશને જોવા માટે જગતની દુકાનમાં જાય છે. તેમની વચ્ચે પ્રેમની શરૂઆત થાય છે, પણ હોળી વખતે રમેશ જ મિર્ઝા છે તે રહસ્ય ખુલી જાય છે. રમેશને મારવા જતાં દિગંબરનાથ પડી જાય છે અને બેહોશ થઇ જાય છે. રમેશ તેમની સેવા કરે છે એટલે તેમનો ગુસ્સો ઉતરી જાય છે અને તે રમેશને પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા મંજૂરી આપે છે.

એક તરફ રમેશ અને શાંતિ વચ્ચે પ્રેમ થઇ જાય છે અને બીજી તરફ ચંચલ પીઢ અને પૈસાદાર બેરિસ્ટર દયાલ સાથે લગ્ન કરે છે અને શાંતિના સામેના મકાનમાં રહેવા આવે છે. શાંતિની એક બહેન પણ છે ઉમા (દુલારી) જેનાં લગ્ન દારૂડિયા પ્રકાશ (યાકુબ) સાથે થયાં છે. મહિનાને અંતે પૈસા ન મળતાં પ્રકાશ ઉમાને લઈને તેમના ઘરે રહેવા આવી જાય છે.

ચંચલનો પૈસાનો નશો થોડા સમયમાં ઉતરી જાય છે અને તે રમેશ તરફ ઢળવા લાગે છે અને તેમાં પૈસાનો લાલચુ પ્રકાશ તેની મદદે આવે છે. ફિલ્મમાં આગળ શું થાય છે તે જાણવા માટે ફિલ્મ જોવી રહી. આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે અને સાથે થોડો ભાગ સસ્પેન્સ પણ છે. છેલ્લે કોર્ટરૂમ ડ્રામા (વકીલ બાબુને સફળ થતાં પણ બતાવવા પડે ને!) પણ છે.

આ ફિલ્મમાં દેવ આનંદ અને નૂતન વચ્ચેની અભિનયની સ્પર્ધા જોવાની મજા પડે છે અને જેટલા સીનમાં બંને સાથે છે તે સીનમાં નૂતન બાજી મારી જાય છે. નૂતન તેને મળેલા દરેક બહુ સાહજિકતાથી નિભાવતી અને તે જ કારણસર તે સમયની સૌથી સફળ અભિનેત્રી હતી.

દેવ આનંદને રોમાન્સનો રાજા કેમ કહેવામાં આવતા તે આ ફિલ્મમાં પણ સાબિત કરે છે. આ ફિલ્મમાં છેડવાનો સીન હોય કે મનાવવાનો સીન દરેકમાં દેવ આનંદ પોતાનો પ્રભાવ પાથરે છે.

શુભા ખોટેની આ બીજી જ ફિલ્મ હતી અને આ ફિલ્મમાં તેને લાંબો રોલ મળ્યો છે. ૮૦ કે ૯૦ ના દાયકાની ફિલ્મો જેણે જોઈ હોય તે માની ન શકે કે આ ફિલ્મમાં તે કેટલી મોહક દેખાય છે. સાયકલીંગ અને સ્વીમીંગને ચેમ્પિયન શુભા ખોટેના ફોટો ઉપર જાણીતા ડાયરેકટ અમીય ચક્રવર્તીની નજર પડી અને તેને સીમા ફિલ્મમાં રોલ મળ્યો. સીમા પછી તેની આ બીજી જ ફિલ્મ હતી અને તેમાં તેણે પોતાની ભૂમિકા સરસ રીતે નિભાવી છે.

આ ફિલ્મમાં યાકુબ પણ એટલો જ પ્રભાવિત કરે છે. અડધી ફિલ્મ થયા પછી પડદે આવતો યાકુબ લગભગ દરેક સીનમાં દેખાય છે. પોતાના સમયમાં ગોપ સાથે જોડી જમાવીને કોમેડી ફિલ્મો કરનાર યાકુબ આ ફિલ્મમાં વિલનના રોલમાં છે અને પોતાની ભૂમિકા જબરદસ્ત રીતે ભજવી છે. આ જ યાકુબે મધર ઇન્ડિયા જેની રીમેક છે તે ફિલ્મ ‘ઓરત’ માં સુનીલ દત્તવાળો રોલ ભજવ્યો હતો અને તે જ ઔરતમાં રાજકુમારનો શ્યામુનો રોલ ભજવ્યો હતો અરુણ આહુજાએ (ગોવિંદાના પિતા).(આ છેલ્લી લાઈન ફક્ત જાણકારી ખાતર.)

દુલારીના ભાગે વધુ કંઈ કરવાનું આવ્યું નથી, ગજાનન જાગીરદારે પોતાને મળેલી નાની  ભૂમિકાને બરાબર ભજવી છે. અન્ય કલાકારોએ પણ સરસ રીતે કામ કર્યું છે. જો કે ફિલ્મ જોતી વખતે એક વિચાર જરૂર આવ્યો કે નૂતનના પિતા ભાડાના મકાનમાં મિર્ઝાને પેઈંગ ગેસ્ટ તરીકે કેવી રીતે રાખે છે? (ભાડુઆત સાથે સબ-ભાડુઆત!) અને જો મકાન તેમનું છે તો વીસ વર્ષથી બીજે કેમ રહેતા હતા? (જો કે આવી નાની બાબતોને છોડી દેવાની).

દાદાનું સંગીત હોય અને ગીત કર્ણપ્રિય ન હોય એવું કેવી રીતે બની શકે? તેમાં પણ સાથ મજરૂહ સુલતાનપુરીનો તો સોનામાં સુગંધ ભળે. જો કે આ વખતે દેવા આનંદ માટે બદલાવ હતો. દાદાએ દેવ આનંદ માટે રફીસાબને બદલે કિશોર કુમારનો અવાજ લીધો હતો.

છેડતીવાળું ગીત ‘માના જનાબને પુકારા નહિ’ આજે પણ ફિલ્મરસિયાઓ ભૂલ્યા નહિ હોય. આશા અને કિશોરનું ‘છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા’ અને ‘ઓ નિગાહે મસ્તાના’ (આ બંને ગીતોમાં દેવ આનંદ અને નૂતનને જોવાની મજા આવે છે. ખાસ તો નૂતનના હાવભાવ) લતા દીદીનાં ‘ચાંદ ફિર નિકલા’ અને ‘ચુપકે ચુપકે’ પણ એટલાં કર્ણપ્રિય છે. કિશોર કુમારનું મસ્તીભર્યું ‘હાય હાય એ નિગાહે’ પણ માણવાલાયક છે.

એક સારી રોમેન્ટિક કોમેડી જોવી હોય તો આ ફિલ્મ મસ્ત છે. યુટ્યુબ ઉપર જોવા મળી જશે.                        

સમાપ્ત.