Gumraah - 28 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 28

Featured Books
Categories
Share

ગુમરાહ - ભાગ 28


ગતાંકથી...

વરસાદ અને વાવાઝોડું ચાલ્યા ગયા હોય અને તે બાદ જે આશ્ચર્યજનક ચુપકીદી ફેલાય તે 'લોકસેવક'ની ઓફિસમાં પ્રસરી રહી. પૃથ્વી અને ચીમનલાલ બંને કાંઈ જ બોલ્યા વિના શાંત બેસી રહ્યા.
થોડીવાર પછી ચીમનલાલે તે શાંતિમાં ભંગાણ પાડતા કહ્યું : " ભાઈ ,પૃથ્વી .મારું કહેવું માનતો હોય તો હજુ મોડું થયું નથી ,એને પાછો બોલાવ એ એક અનુભવી અને બાહોશ પત્રકાર છે .એના જેવો ઉત્તમ તંત્રી 'લોકસેવક'ને ગુમાવો પાલવે નહિ. તું વધારે પડતો જ ગુસ્સે થઈ ગયો. પણ હજુ મોડું થયું નથી કાંઈ ચિંતા કયૉ વગર હવે શાંત થા, અને જે શ્રેષ્ઠ રસ્તો છે તે અપનાવ."

હવે આગળ....

પૃથ્વી ગુસ્સામાં પણ હસ્યો; અને બોલ્યો: "ચીમનલાલ આ કાંઈ એકાએક અવિચારી પણે દાખવેલો ગુસ્સો ન હતો. જે માગૅ મેં 'લોક સેવક' માટે આજે અત્યારે બનાવ્યો તે ન્યાય અને સત્યનો છે .લાંબા વખતથી તેની વિચારણા મારા મનમાં હું કરી રહ્યો હતો. તેનો આ પડઘો છે. લાલ ચરણની વર્તણુક કેવી છે અને કેવી નહિ તે માટે હું તમને એવી કેટલીક અચરજ ભરેલી વાતો કહી શકું તેમ છું કે તે સાંભળતા તેના વિશેનો તમારો અભિપ્રાય તરત જ બદલાઈ જશે."

"એમ ? શું લાલ ચરણ વિરુદ્ધ તારી પાસે પુરાવાઓ છે?"
"હા. સાંભળો."

બંને એક ટેબલ પર બેઠા. અને પછી પૃથ્વીએ પોતાના પપ્પાના મૃત્યુના પ્રસંગથી માંડીને ઠેઠ અત્યાર સુધીની બધી જ ઘટનાઓનો ટૂંકમાં બયાન ચીમનલાલને કહી સંભળાવ્યું.

એ સાંભળતા જ ચીમનલાલ પોકારી ઊઠયો : "હરિ !હરિ! આવું ઘાતકી વર્તન ? પૃથ્વી તું કહે છે તે ઉપરથી તો એમ જ સાબિત થાય છે લાલચરણ એક જબરો બદમાશ છે! અચરજ ની વાત છે ને? 'લોક સેવક' ખરાબ હાલતમાં હતું જ નહિ .તારા પપ્પાના મૃત્યુ વખતે તો તે સૌથી વધુ પ્રખ્યાત અને સૌથી વધુ કમાણી ધરાવતું ન્યુઝ પેપર હતું. એ હું ખૂબ જસારી રીતે જાણું છું .મને શું ખબર કે લાલચરણે તમારી બધાની મોઢે આવી જૂઠ્ઠી વાતો કહી હશે?"

"સૌને અંધારામાં રાખવામાં તેને લાભ જ હતો ને?" પૃથ્વી એ કહ્યું : " પણ ચિંતા કરવાની કશી જરૂર નથી એના બધા અપકૃત્ય ધીમે ધીમે ખુલ્લા કરવાનો સમય આવી ગયો છે.તે દરમિયાન આપણે 'લોક સેવક'ને ફરી ઊભું કરી દેવું જોઈએ. અને તમે મારી સાથે કામ કરશો ને?"

"છેક છેવટ સુધી. મારા વાલા મિત્ર ! છેક છેવટ સુધી."

ચીમનલાલે કહ્યું : "હું વચન આપું છું કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું તારી સાથે જ કામ કરીશ." ચીમનલાલે પૃથ્વી સાથે પોતાનો હાથ મેળવ્યો અને વહાલથી દાબ્યો.

ચીમનલાલની આ વાતથી પૃથ્વીને ઘણો જ આનંદ થયો. ઉત્સાહ અને વિશ્વાસથી તે સુંદર ભવિષ્યના સ્વપ્નમાં ઘડીભર વિચાર કરવા લાગ્યો.

તેઓ બંનેની વચ્ચે તે પછી બીજી કેટલીક બાબતોમાં વાર્તાલાપ ચાલ્યો. હરેશ સંબંધી પૃથ્વીનું જે માનવું હતું તે જ ચીમનલાલનું માનવું હતું. આજ સુધી કદી પણ હરેશ સામે કશી ફરિયાદ ઉઠાવવાનું કારણ મળ્યું જ ન હતું તેથી જરૂર લાલચરણનો આ પ્રપંચમાં હાથ હોવો જોઈએ. વળી લાલ ચરણને 'લોક સત્તા' તરફથી પૈસાની તગડી રકમ મળી હોવી જોઈએ .તે સિવાય 'લોક સેવક'ને તે આમ ભાંગી નાંખે નહિં. આ મુદ્દાઓમાં બંને એક મત થયા. બાદ પૃથ્વી એ ચીમનલાલના કાને નવી વાત નાખી : "કદાચ સિક્કાવાળી ટોળી સાથે લાલચરણને સંબંધ હોય ખરો!"
"કેવી રીતે ? ચીમનલાલે પૂછ્યું.

સિક્કા વાળી ટોળી પણ સફેદ ચકરડાંનો ઉપયોગ કરે છે. લાલચરણે એકવાર પોતાને એકલો ધારીને એ ચકરડાં વિશે સ્વગત બબડાટ કર્યો હતો અને હું તે સાંભળી ગયો હતો .મેં જ્યારે બંને ન્યૂઝ પેપર જોડી દેવા ના પાડી ત્યારે મારા ઉપર પણ આ ચકરડાંથી ભેદી હુમલો કરવામાં આવ્યો . તે મોકલનાર કોણ હોઈ શકે?"

"ખરેખર !?" ચીમનલાલ આશ્ચર્યચકિત થતા બોલ્યો : "તારા પપ્પા નું જે રીતે મૃત્યુ થયું તેવી જ રીતે તારું કાસળ કાઢવા તે...."

"તે આ બધા નકામા ફાંફાં મારી રહ્યો છે!" પૃથ્વી એ ટકોર કરી .પણ તેને ક્યાં ખબર છે કે એના પાપનો ઘડો ભરાવા આવ્યો છે તે હવે થોડા જ વખતમાં ફૂટી જશે !"

તેઓ તે પછી 'લોક સેવક'નો વધારો બહાર પાડવાનો નિર્ણય કરીને છૂટા પડ્યા.

પૃથ્વી પોતાના રૂમમાં ગયો ત્યાં જઈ 'લોક સેવક'ના ખાસ વધારા માટે તેણે લખાણ લખી નાખ્યું .તે લખાણમાં તેણે જણાવી દીધું કે 'લોકસત્તા' બીજાની મહેનત ઉપર કીર્તિ કમાવવા જાય છે .બાકી ખરી રીતે ,'લોક સેવક'ના પ્રતિનિધિએ જ મહેનત કરીને સિક્કાવાળીટોળીને લગતા રહસ્યો શોધી કાઢ્યા છે. તેની સાક્ષી પોલીસ ખાતું પણ બરાબર પૂરી પાડશે. તેણે એ પણ જાહેર કર્યું કે કોઈએ વિશ્વાસઘાત કરતા 'લોકસેવક'નું બધું તૈયાર કરેલું લખાણ છે છેલ્લી ઘડીએ 'લોકસતા'માં છપાઈ ગયું છે અને એટલું નહિ હરેશ નામના મુખ્ય પ્રિન્ટરને ગુમ કર્યો છે.
આ લખાણ લખીને તેણે જાતે બીબાં ગોઠવવનારો પાસે જઈને પ્રેસમાં છાપવા માટે તે તૈયાર કરાવ્યું.
બરાબર બપોરના બાર વાગે 'લોક સેવક'નો વધારો પ્રગટ થયો તેમાં હરેશની છબી પણ પ્રગટ કરવામાં આવી હતી. અને તેની શોધ કરી આપનારને રૂપિયા એક લાખનું ઇનામ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ખાસ વધારો પ્રગટ થયા પછી પ્રેસના બધા જ કર્મચારીઓને પૃથ્વીએ અને ચીમનલાલે પોતાની પાસે બોલાવ્યા અને 'સિક્કાવાળાની ટોળી'નું લખાણ કેવી રીતે છપાતું અટક્યું તેની પૂછપરછ ચલાવી તેઓના જાણવામાં આવ્યું કે - હરેશે જ છપાતું બંધ રખાવ્યું હતું, તથા તેને બદલે બીજો લેખ ગોઠવ્યો હતો. છેવટના પ્રૂફસની નકલો તે પોતાની પાસે લઈને મેડા ઉપર ચડ્યો હતો. તે પછી તે ઘેર જવા નીકળ્યો હતો.
પૃથ્વીએ પૂછપરછથી એ પણ જાણી લીધું કે મુખ્ય તંત્રી લાલચરણ પણ છેક છેવટ સુધી ઓફિસમાં જ હતો. એના સંબંધથી પોતાની શંકાઓ પોતાના દિલમાં જ રાખીને ચીમનલાલને લખાણ સંબંધી બધું કામ સોંપીને પૃથ્વી' સિક્કાવાળાની ટોળી'ને લગતી વધુ તપાસ માટે બહાર નીકળી પડ્યો.

તે ઘાટકોપર પહોંચ્યો. જ્યાં 'સૌભાગ્યવિલા' માં દાખલ થવા ગયો કે તરત જ એક પોલીસ સિપાહીએ તેને અટકાવ્યો. "તમારાથી અંદર નહિ જવાય."એકદમ રોફ થી તે બોલ્યો.
"પણ હું તો આ મકાનમાં જ રહું છું." પૃથ્વી એ દલીલ કરી.
એ કાંઈ હું ન સમજુ, મને તો હુકમ છે કે કોઈને અંદર જવા દેવા નહિ .ઇન્સ્પેક્ટર સાહેબ હમણાં જ આવશે, તેઓ રજા આપે તો મારી ના નથી."

આ પોલીસસિપાઈ કોઈક નવો હતો. અગાઉ જેવો અહીં પહેરો ભરતા અને જેમાંના એકને પૃથ્વીએ બચાવ્યો હતો તેઓમાંના કોઈ અહીં જણાયા નહિ . પૃથ્વીને કોઈપણ પ્રકારે જવું હતું પણ વિચાર કરીને તેને પોલીસ સિપાઈની સાથે રકઝક કરવી પડતી મૂકી

સર આકાશ ખુરાનાનો બંગલો તેને યાદ આવ્યો."હં, જો મિસ.શાલિની ત્યાં હશે તો વાંધો નહિ આવે." એમ ગણગણીને તે તેમના બંગલે ગયો; ચોકીદાર તેને ઓળખતો હતો એટલે અંદર જવામાં તેને કોઈ મુશ્કેલી આવી નહિં.
મિસ. શાલિની ડ્રોઈંગ રૂમમાં બેઠી બેઠી એક પુસ્તક વાંચતી હતી.
"આપ હજુ અહીં જ છો ?" પૃથ્વી એ જતાં વેંત તેને પૂછ્યું.
"હા ,મિસ્ટર પૃથ્વી ! આવો. કંઈક ખાસ કામ ?"
"બીજું તો કાંઈ નહિ ,પણ પહેલા બાકોરાં દ્વારા ભોયરામાં જવાબ પરવાનગી માગવા આવ્યો છું."

"ખુશીથી જાઓ. પણ..... "તે અટકી ગઈ.
" કેમ અટક્યા ?"
"તમે જીવનું જોખમ વહોરો છો !"

"શેના ઉપરથી એમ કહો છો ? શું તમને કોઈ નવીન અનુભવ થયો છે ?"

મિસ. શાલિની કાંઈ બોલી નહિ .પૃથ્વીને લાગ્યું કે તે કંઈક નવું જાણે છે પરંતુ મારામાં પૂરતો વિશ્વાસ ના હોવાને લીધે આનાકાની કરે છે.

"હું ધારું છું કે તમે મારામાં વિશ્વાસ રાખશો." પૃથ્વીએ કહ્યું : જે ગુનેગારોની ટોળીના કારસ્તાનનો તમને અને મને શક છે અને જેને લીધે સર આકાશ ખુરાનાના મૃત્યુનો ભેદ ખુલી શકે તેમ છે, તેની કાંઈ પણ નવી હિલચાલ થી જો તમે મને વાકેફ કરશો તો હું તમને મદદગાર જ થઈશ ,એ તમે જાણો છો. મારા વિશે કંઈ પણ શંકા હોય તો તે કૃપા કરીને મને કહો."

શું મિસ.શાલિની કંઈ નવું જાણતી હશે ?શું મિસ શાલિની પૃથ્વીને બધી વિગતો જણાવશે ?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ.......
ક્રમશઃ....