પ્રિત કરી પછતાય*
44
પિક્ચર જોઈને ઘરે પહોંચતાની સાથે જ શોભાએ માલતી નો ઝરણાના ખોળામા ઘા કર્યો.
"તોબા તારી દીકરીથી તો."
શોભા ના આવા વર્તનથી ઝરણાએ આશ્ચર્ય.અને રોષની મિશ્રિત લાગણી ભરી નજરે શોભા સામે જોયું.પછી ગુસ્સા ભર્યા સ્વરે પૂછ્યુ.
"આમ ઘા શુ કરે છે મારી દીકરીનો?"
"દીકરી?"
શોભાએ પ્રશ્નાર્થ ભરી દ્રષ્ટિથી ઝરણા સામે જોયુ.
"દીકરી કેવી?આ તો જમ છે.જમ."
"જમ.બમ કેતી નઈ મારી માલતી ને.શું બગાડી નાખ્યું છે એણે તારું?"
"શુ બગાડી નાખ્યું એ કવ?આખા પિક્ચરની મજા બગાડી નાખી.અડધુ પિક્ચર પણ મને જોવા નથી દીધું. લાઉડસ્પીકરની જેમ આખું થિયેટર ગજવી નાખ્યું હતુ."
"અચ્છા તો આ વાત છે?એમાં આટલી બુમા બુમ શેની કરે છે,?તારા બનેવીને બહાર મોકલવાતા ને.અને તારે પિક્ચર જોવું તુ."
"હા મારા બનેવી તો એને લઈને બહાર વયા ગયા હતા.પણ મારા બનેવી બહાર બેઠા હોય.અને હું થિયેટરમાં બેઠી બેઠી પિક્ચર જોઉં તો ભૂંડી નો લાગુ?"
ઝરણાની દલીલને ફગાવતા શોભાએ સામો પ્રશ્ન કર્યો.
"તો પછી સરિતાને મોકલવી હતી."
"સરિતા તો પિક્ચર મૂકીને ઉઠતી હશે? તારું તો ઠીક એનું પોતાનું છોકરું પણ જો થિયેટરમાં રોવા લાગશે ને.તો એ એની બાજુમાં જે કોઈ બેઠું હશે એને કહેશે કે આને બહાર લઈ જાવ.પણ પોતે નહીં ઉઠે."
શોભા ની ટિખળ સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા.પણ સરિતા ખીજાઈ ગઈ.બંને હાથની મુઠ્ઠીઓ વાળી એ શોભા તરફ ઘસી ગઈ.
"શુ.શુ બોલી તુ?"
શોભા પોતાનો બચાવ કરવા બાહર દોડી ગઈ.અને સરીતા પણ એને પકડવા એની પાછળ દોડી.ઘરના બીજા દરેક સભ્ય આ બંને નટખટ બહેનોની પકડા પકડી નો આનંદ માણવા લાગ્યો.
એક માત્ર ઝરણા નું મન આનંદ માણવાના બદલે વ્યાકુળ થઈ ગયુ.એ વિચારોના વમળમાં તણાવા લાગી.એ વિચારવા લાગી કે સાગરને અહીં આવે સાત દિવસ થયા હતા.પણ આ સાત દિવસમાં સરિતા અને સાગરને જરાય એકાંત મળ્યું ન હતુ.તે બંનેને પોતાના હૃદયની વાતો કરવાનો અવસર મળ્યો ન હતો.તે અવસર આજે થિયેટરમાં મળી ગયો હશે.શોભા માલતીને લઈને બાહર ઉભી હશે.અને સરિતા અને સાગર બંને એકલા જ થિયેટરમાં બેઠા હશે.આ એકાંત નો એ બંનેએ જરૂર ગેરલાભ લીધો હશે.એક વર્ષની જુદાઈની હૈયા વરાળ આજે બંનેએ જરૂર કાઢી હશે. કોણ જાણે કેટલી એ વાતો એ બંનેએ થિયેટરના અંધકાર ભર્યા એકાંતમાં કરી હશે?ન જાણે કેવી કેવી વાતો એ બંને કરી હશે? બસ એ વિચારતી જ ગઈ. અને મનોમન એ બળતી જ ગઈ.હૃદય એનુ સળગતું જ રહ્યુ.એ આખી રાત એને ઊંઘ ના આવી.અને એ રાતના ઉજાગરા માં એણે એક આખરી ફેસલો મનોમન કરી લીધો.કે કાલે સરિતાને ચોખે ચોખ્ખુ કહી નાખવું છે કે.અગર એ સાગરને ન ભૂલી શકતી હોય.સાગર વિના ન જીવી શકતી હોય.તો એ ખુશી થી સાગરને પોતાનો કરી લે.અને હું મારો રસ્તો કરી લઈશ.અથવા...અથવા... એ મારા અને સાગરની વચ્ચેથી હંમેશા. હંમેશા માટે ખસી જાય.
રાતની જેમ દિવસ પણ ધીમે ધીમે પસાર થતો ગયો.પણ ઝરણાના હૃદયમાં ઉમટેલુ તોફાન જરાય શાંત ના પડ્યુ. ઉલટાનું જેમ જેમ વખત વિતતો જતો હતો.તેમ તેમ એ તોફાન પણ વધતું જતું હતું.પણ એ જ્યાં સુધી સરિતા સાથે એકાંત ન મળે ત્યાં સુધી સંયમ જાળવવા માંગતી હતી.એ ઇચ્છત તો બધાની હાજરીમાં સરિતા અને સાગર ની ઉલટ તપાસ લઈને.તે બંનેને બધાની નજરોમાં શર્મિંદા કરી શકતી હતી.પણ એ એક સમજદાર સ્ત્રી હતી.તે જાણતી હતી કે બધાની સામે એ પોતાની મુઠ્ઠી ખોલશે તો પોતાના ધણીની સમાજમાં કોઈ આબરૂ નહીં રહે.અને પોતાની બહેનની બદનામી થશે.તેથી એ સરિતા સાથે એકાંતમાં સમાધાન કરવા માંગતી હતી.અને એકાંતની પ્રતીક્ષા કરતા કરતા દિવસ ઢળી ગયો.અને સાંજ પડી.
આજે સોમવાર હોવાથી સાગરના સાસુ દેવ દર્શને જવાની તૈયારી કરતા હતા.આમ તો સોમવારના એ સવારે જ ભોળાનાથના દર્શન કરી આવતા હતા. પણ આજે સવારે એ જઈ નોતા શક્યા માટે અત્યારે જવાની એમણે તૈયારી કરી.એમણે સાગરને પૂછયુ.
"હું અને શોભા દેવદર્શન ને જઈએ છીએ.તમારે આવવું છે?"
સાગર પણ આવા જ કોઈ પ્રસ્તાવની જાણે વાટ જ જોતો હોય એમ બોલી ઉઠ્યો.
"હા.હા.કેમ નહીં? નેકી ઓર પુછ પુછ."
અને પ્રભૂ શંકરના દર્શન કરવા સાગર. એના સાસુ.શોભા.અને સુલભા એ ચારેય જણા મંદિરે જવા નીકળ્યા. સરિતા સાંજની રસોઈ બનાવવા ઝરણા પાસે જ રોકાણી.
અને ત્યારે છેક ગઈ રાતથી જે એકાંતમાં સરિતા સાથે વાત કરવાનો ઝરણાને ઈંતેજાર હતો.એનો અંત આવ્યો.પોતાના હૃદયમાં ચાલતા તોફાની ઝંઝાવાત મા એ આજે સરિતા ને ઉડાવી દેવા માંગતી હતી.યા પોતે જ ઉડી જવા ઇચ્છતી હતી.
એણે સરિતા ને પોતાની પાસે બોલાવી. અને પોતાની બાજુમાં બેસાડી.અને થોડીવાર સુધી પોતાની બહેનના ચહેરા ને એ નીરખતી રહી.અને ન જાણે કેમ એક વિચિત્ર વિચાર એને આવ્યો.
..... ખરેખર સરિતા કેટલી ખૂબસૂરત છે. એની આંખો.એના હોઠ.એનુ નમણુ નાક.બધું જ કેવું આકર્ષક છે.એને જોઈને તો કોઈ પણ એના પ્યારમાં પડી જાય એમાં નવાઈ શી? સરિતાની ખૂબસુરતી ઉપર અગર મારો સાગર મોહાંધ થયો એમાં ખોટું શુ?....
ના.ના. ના... એણે પોતાના વિચારોને ઝટક્યા.
ના. ના.મારો સાગર ફક્ત મારો જ હોવો જોઈએ.સાગરે અગર પ્યાર કરવો હોય.તો ફક્ત મને જ કરવો જોઈએ. સરિતાની સુંદરતા ઉપર સાગરને શો અધિકાર?એનો અધિકાર ફક્ત મારા ઉપર જ છે.અને સાગર ઉપર ફક્ત મારો જ અધિકાર છે.અમારા બન્નેની વચ્ચે આવેલી આ સરિતા ને આજથી હંમેશ માટે હડસેલી દેવી છે બસ...