Preet kari Pachhtay - 35 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 35

Featured Books
Categories
Share

પ્રિત કરી પછતાય - 35

પ્રિત કરી પછતાય*

35

રાતે નવ વાગે દુકાન બંધ કરીને સાગર જયારે ઘરે આવ્યો.ત્યારે દાદીમા રોજ કરતા આજે કંઈક વધારે જ એને આનંદમાં લાગ્યા.સાગરને જોતા જ માં ટહુક્યા.

"આવ.દીકરા આવ.ક્યારની તારી જ રાહ જોઉં છું."

સાગર માં ના ખાટલા ઉપર માં ની બાજુમાં બેઠો.માં ના ધ્રુજતા સ્વરમાં આજે કઈ ખુશાલીની મીઠાશ ભળી છે. એની એણે મનોમન અટકળો કરવા માંડી.પોતાના જીગરી દોસ્ત અશ્વિનનુ કોઈ સાથે નકકી તો નહી થયુ હોય?

"અશ્વિન નું કોઈની સાથે ગોઠવાય ગયુ કે શુ?"

એણે અંધારા મા તીર માર્યું.પણ માં એ એ તીરને પાછુ ઠેલ્યુ.

"નારે.મારી ખૂશી તો આપણા પરિવાર સાથે સંકળાયેલી છે."

સાગરને કંઈ સૂઝયું નહીં.ત્યારે એણે માં ને જ પૂછ્યું.

"તો ક્યોને.શું વાત છે માં આજે બહુ જ ખુશ દેખાવ છો."

જવાબમાં ગંગામાં એ પોતાના બેવ હાથ પહોળા કર્યા.અને પોતાની કમજોર થઈ ગયેલી વૃદ્ધ આંખોથી છતને નિરખતા બોલ્યા.

"હા દીકરા.આજે હું બહુ જ ખુશ છું. મારું તો મન કહે છે કે અલી ગંગલી. બેઠી છું શું?ઊભી થઈને નાચવા માંડ. પણ મારા ટાંટિયા મા પહેલા જેવું જોર નથી.કમજોર થઈ ગયા છે એવા કે. ઉભા જ નથી થવાતુ."

સાગરે મનોમન અટકળો લગાવવાનું તો ચાલુ જ રાખ્યું હતું.કે એવી તે કઈ વાત આજે મારી ગેરહાજરીમાં બની ગઈ.કે માં આજે ખુશીના આવેશમાં ઝુમી રહ્યા છે.પણ એને કાંઈ જ સમજાતું ન હતુ.ત્યારે અકળાઈને એણે ફરીથી માં ને જ પૂછ્યુ.

"માં તમારું મન તમને નાચવાનું કહે છે બરાબર?પણ કમજોરી ના કારણે તમે ઊભા થઈને નાચી નથી શકતા ખરુંને? હવે તમે તમારી એ ખુશી વિશે મને જણાવો.જેથી તમારી બદલીમાં હું નાચીશ બસ?"

આ સાંભળીને માં ખડખડાટ હસવા લાગ્યા.

"દીકરા મારા.આ સમાચાર એવા છે ને કે જેને સાંભળીને તું આ ખાટલા માંથી ઉભો ય નહીં થઈ શકે.અને અહીં બેઠા બેઠા જ નાચવા માંડીશ.માં ની આવી ગોળ ગોળ વાતો સાંભળીને.સાગરને કંઈ પણ સમજાતુ ન હતુ. એટલે એણે વિનંતી ભર્યા સ્વરે કહ્યુ.

"ઓ માં.હવે તલસાવો નહીં ને."

ત્યારે સાગર નો વાંસો થબવડાવતા મા એ ઠાવકાઈ થી કહ્યુ.

"બેટા.દુઃખ વેઠયા સિવાય સુખની કિંમત સમજાતી નથી.એમ તલસ્યા વિના જે ખુશી આપણને મળે.એનો ખરો આનંદ આપણે માણી શકતા નથી સમજ્યો?"

"સમજી ગયો માં.તમારી વાત સોળ આના સાચી.પણ તલસવા નુ પણ આખરે કેટલી વાર?"

"હવે નહીં તલસાવુ દીકરા.સાબદો થઈ જા.અબ ઘડીએ જે ખુશીનું વાવાઝોડું હું ફૂંકવાની છું.એમાં તું ક્યાંક ઊડી ન જતો."

સાગરે બંને હાથે ખાટલાની ઈસ જોરથી પકડી.અને પછી માં ને કહ્યું.

"આ ખાટલાની ઇસ મેં મજબૂત રીતે પકડી લીધી છે.હવે નહીં ઉડુ.તમે કંઈ કહો તો ખરા."

સાગરની આ હરકત જોઈને માં એ હસતા હસતા કહ્યું.

"લે સાંભળ ત્યારે."

કહીને મા જરાક ટટ્ટાર થયા.સાગરે માં ની વાત સાંભળવા પોતાના કાન સરવા કર્યા.સાગરની ઇન્તજાર કરતી આંખોમાં પોતાની હર્ષથી છલકતી આંખોને પરોવતા માં બોલ્યા.

"ઝરણાએ બાબાને જન્મ આપ્યો છે."

"હેં."

સાગર હર્સોઉલ્લાસ મા લગભગ બેઠો થઈ ગયો.આનંદના અતિરેક્ માં મોટી મોટી આંખો ફાડીને એ પોતાના દાદીમા ને જોઈ રહ્યો.જે ખુશીનું વાવાઝોડું માં એ ફૂક્યુ હતુ.એમાં એ ખરેખર ઉડી જ ગયો હતો.

સાગરે ઘડીભર માટે તો પોતાને આકાશમાં ઉડતા અનુભવ્યો પણ ખરો. એણે પલકો બંધ કરીને અમદાવાદમાં જન્મેલા પોતાના પુત્ર ના સ્વરૂપની કલ્પના કરી.

ઝીણી ઝીણી.ઝરણા જેવી આંખો.નાનું અને ઉંચુ પોતાના જેવું નાક. લાલ રતુમડા અને થોડાક ઉપસેલા માલતી જેવા ગાલ.પાતળા ગુલાબી હોઠ.નાના નાના હાથ... પણ તે હજી આગળ કાંઈ કલ્પે.વિચારે.એ પહેલા જ માં એ એને ટપાર્યો.

"કાં.થઈ ગયો ને પાગલ?" .

અચાનક મળેલા ખુશીના સમાચારની ખુશીઓ નીચે દબાયેલા સાગરને શું બોલવુ એ ઝટ ન સુઝ્યુ.ત્યારે માં એ જ ફરીથી પ્રશ્ન કર્યો.

" કેમ દીકરા બેઠા બેઠા નાચવાનું મન થાય છે ને?"

"ફક્ત નાચવાનું જ નહીં માં.આજે તો આખી દુનિયાને નચાવાનું મન થાય છે." આનંદથી ગદગદિત થયેલા કંઠે સાગર બોલ્યો.

જરા વાર ખામોશ રહ્યા પછી એણે માં ને પૂછ્યું.

"તમને આ સમાચાર કેવી રીતે મળ્યા.?"

"અમદાવાદથી તારા સસરાનો તાર આવ્યો છે આ જો."

કહીને માં એ અત્યાર સુધી સંતાડી રાખેલો તાર સાગર તરફ લંબાવ્યો. સાગરે લાંબો હાથ કરીને તાર લઈ લીધો.સાગરે તાર ખોલીને એના અક્ષરો ઉપર ચશ્મા માથી ડોકાતી પોતાની બંને આંખો સ્થિર કરી.અને જાણે વિંછીએ ડંખ માર્યો હોય એમ એ ઝાટકા સાથે ખાટલા માથી ઉભો થઈ ગયો.તારના એ કાળા અક્ષરો તીરની જેમ એની છાતી મા ભોંકાયા.

"ચાઈલ્ડ (મેલ).એક્સપાયર.ઝરણા સીરીયસ.,"