Preet kari Pachhtay - 28 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 28

Featured Books
Categories
Share

પ્રિત કરી પછતાય - 28

. પ્રિત કરી પછતાય*

28

બીજા દિવસ ની સવારે ઉઠતા વેંત ઝરણાને ઉબકા શરૂ થયા.અને બે-ત્રણ ઉલટીઓ પણ થઈ.ત્યારે સાગર ગભરાઈ ગયો.ઉલટી કરતી ઝરણાની પીઠ ઉપર હાથ પસરાવતા તેણે પૂછ્યુ.

"આજ તબિયત સારી નથી લાગતી. ચાલ દવાખાને જઈ આવીએ."

સાગરની ગભરાહટ જોઈને ઝરણાં એ પહેલા આછુ સ્મિત કર્યું.અને પછી બોલી.

"દવાખાને જવાની કાંઈ જરૂર નથી. મારી તબિયત એકદમ સારી છે."

"શુ ધૂળ સારી છે?આ ઉલટીઓ થાય છે.અને કહે છે તબિયત સારી છે."

સાગર બોલ્યો.તો સાગરની ચિંતા જોઈને ઝરણાં એ મીઠું મેણુ સાગરને માર્યું.

"એક છોકરીના બાપ થયા.તોય આટલું નથી સમજતા કે મને દિવસો....."

ઝરણાનું વાક્ય પૂરું થાય એ પહેલા જ સાગરને પૂરું વાક્ય સમજાઈ ગયું. ખુશીના આવેશમાં એ ચીખ્યો.

"હું..હુ.ફરી બાપ થવાનો છુ."

આનંદના ઉમળકામાં એણે ઝરણાને પોતાની છાતીએ ભીંસીને ગોળ ગોળ ફેરવી નાખી.આ અચાનક થયેલા હુમલા થી.ઝરણા આછી ચીસ પાડી ઉઠી.

"ઉ.ઈ.ઈ.ઈ મા.મરી ગઈ.પ્લીઝ.મુકો ને."

ઝરણાએ ઘણીવાર સુધી સાગરને વિનવ્યો ત્યારે સાગરે એને પલંગ ઉપર બેસાડી.અને પોતે એની બાજુમાં બેઠો. ઝરણાના હાથને એણે પોતાના હાથમાં લીધો.અને ઝરણાની આંખોમાં પોતાની આંખો પરોવતા એ બોલ્યો.

"આ વખતે શુ આવશે ઝરણા?" સાગરના આ પ્રશ્ને ઝરણાને શરમથી લાલ કરી દીધી.પગના અંગુઠાના નખથી જમીન ખોતરતા એ બોલી.

"મને શું ખબર?ઈશ્વરની જે ઈચ્છા હશે એ આવશે."

"હા એ તો બરાબર છે કે ઈશ્વરની જે ઈચ્છા હશે એ જ આવશે.પણ છતાંય તારી પણ કંઈક તો ઈચ્છા હશે ને.કે બાબો આવે તો સારું.યા બેબી આવે તો સારું."

"હા ઈચ્છા તો હોય જ ને?જો ઈશ્વર પૂરી કરે તો."

સાગરની છાતી ઉપર માથું ટેકવીને ઝરણાંએ.શ્રી કૃષ્ણને છબી પર મીટ માંડતા કહ્યું.અને એની ઝુલ્ફોને પોતાની આંગળીઓથી રમાડતા સાગર ટહુક્યો.

"ઈચ્છા ઈશ્વર નહીં પૂરી કરે તો કોણ કરશે?પણ તારી ઈચ્છા શું છે એ તો કહે."

"ગયા વખતે આપણા ઘરે લક્ષ્મી માલતી નુ રુપ લઈને પધાર્યા હતા.હવે આ વખતે કાન કનૈયા જેવો કુંવર આવે તો સારું."

ઝરણાંએ પોતાના મનની વાત સાગરને કહી.અને આ સાંભળીને સાગર ઝુમી ઉઠતા બોલ્યો.

"વાહ.વાહ.તે તો ઝરણા મારા મનની વાત કહી.મારી પણ એ જ ઈચ્છા છે કે આ વખતે બાબો જ આવે.પણ કાન કનૈયા જેવો કાળો નહીં."

"તો?"

"બ્રહ્મા જેવો ગોરો."

સાગરે હસતાં હસતાં કહ્યુ.અને આ સાંભળીને ઝરણા પણ ખિલખિલાટ હસી પડી.

થોડીવાર પછી સાગરના વાળની લટો સાથે આંગળીથી રમતા એણે સાગરને પૂછ્યું.

"એક વાત કહુ?"

"હા બોલ."

"આ વખતની સુવાવડ કરવા હું અમદાવાદ જવ?"

"અમદાવાદ શા માટે?અહીં જ સારું છે."

"પણ અહીં સુવાવડનું કામ કરે એવું કોણ છે?માલતી વખતે આપણને કેટલું હેરાન થવું પડ્યું હતુ.યાદ છે?"

ઝરણાએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. પણ સાગરે તરત જ તે મૂંઝવણનો રસ્તો ચીંધ્યો.

"આપણે તારી મમ્મીને અહીં તેડાવીએ"

"ના.ના.એ ત્યાં ત્રણ જુવાન છોકરીઓ ને રેઢી મૂકીને અહીં ના આવી શકે."

"તો પછી તારી ત્રણમાંથી એકાદ બહેન ને તેડાવી લેશુ."

સાગરે સ્વભાવિક રીતે જ બીજુ સૂચન કર્યું.પણ ઝરણાએ એનો અવળો અર્થ કર્યો.અને સાગરને સણસણતુ શબ્દ બાણ સાંભળવું પડ્યુ.

"ગયે વખતે એક બહેનને તેડાવી હતી. અને એ માટે આજ સુધી હું પછતાઈ રહી છુ.હવે બીજી વાર મારે એ ભૂલનુ મારે પુનરાવર્તન નથી કરવુ."

ઝરણાનો એકે એક શબ્દ સાગરના હૃદયને જાણે વિંધતા હોય એવી વેદના સાગરને થઈ.પણ એ વેદના સાગરે પોતાના ચહેરા ઉપર દેખાવા ન દીધી ઝેરનો ઘૂંટડો ગળા નીચે ઉતારતો હોય એમ એણે મોમાં એકઠું થયેલું થૂંક ગળા નીચે ઉતાર્યું.અને પરાણે સ્મિત કરતા કહ્યુ.

"અચ્છા હું પપ્પાને પૂછીને તને કહું છુ."

પછી સાગરે પૂછ્યુ.

."પણ મારું એક કામ કરીશ ને?"

"શુ?"

"તુ કરી શકતી હો તો જ કરજે"

"તમે કહો તો ખરા.થાશે તો જરૂર કરીશ."

"થાશે તો એમ નહીં.જરૂર કરીશ જ એમ કહે તો કહું."

થોડીવાર વિચાર કરીને એ બોલી.

"અચ્છા કરીશ બસ.હવે બોલો શું કામ છે."

ઝરણાએ હૈયાધારણ બંધાવી ત્યારે પોતાનું કામ ઝરણાને ચિંધતા પહેલા હિંમત ભેગી કરવી પડી સાગરને.પછી ખૂબ જ ધીમેથી એ બોલ્યો.

"મારી એક ચિઠ્ઠી લઈ જઈશ.?"

આ સાંભળતા જ ઝરણા ચોકી ગઈ. સાગર કોના માટે ચીઠ્ઠી લઈ જવાનુ કહે છે એ સમજી ગઈ.છતા ન સમજી હોય એવો ડોળ કરતા એણે સાગરને સવાલ કર્યો.

"ચિઠ્ઠી કોના માટે?"

લડખડાતા સ્વરે સાગરે જવાબ આપ્યો.

"સરિતા માટે."

આ સાંભળતા જ ઝરણાના મનમાં ઝાળ લાગી ગઈ.ક્રોધમાં નાખોરા ફૂલાવતા એણે સાગર સામે ફૂફાડો માર્યો.

"આવુ બોલતા તમને શરમ નથી આવતી?"

ઝરણાના ક્રોધની અવગણના કરતા સાગરે માસુમિયત થી પૂછ્યુ.

"કેમ?"

"હું ઝરણા માટે ચિઠ્ઠી લઈ જાવ?"

"શું વાંધો છે એમાં?"

"ના એ મારાથી નહીં બને "

"તું તારા પતિનું આટલુ પણ કામ નહી કરે?"

"તમે કહો તો જીવ પણ કાઢીને આપી દઉં.પણ આ મારાથી નહીં બને."

"પણ એમાં વાંધો શું છે?"

"કોઈ પત્નીએ.પોતાના પતિની પ્રેમિકાને પ્રેમ પત્ર પહોંચાડ્યો હોય એવું મેં આજ સુધી સાંભળ્યું નથી."

ઝરણા ક્રોધ થી કંપતા બોલી.છતાં સાગરે એને સમજાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.

"તે ભલે ન સાંભળ્યું હોય ઝરણાં.પણ મારે ખાતર તારે આટલું કામ તો કરવું જ પડશે.બોલ કરીશ ને?"

જવાબમાં ઝરણાં ખામોશ રહી.એને ખામોશ જોઈને સાગરે ફરી વિનવણી ભર્યા સ્વરે કહ્યુ.

"પ્લીઝ ઝરણા."

સાગરે કરેલા દબાણથી આખર ઝરણા પીગળી.ભારે અવાજે એણે સાગરને કહ્યુ.

"ઠીક છે હું મારી છાતી પર પથ્થર રાખીને તમારો લેટર સરિતાને આપીશ....."

ઝરણાંના અધુરા મુકાયેલા વાક્યને પૂરુ થયેલુ માનીને સાગરે ખુશીમાં આવી જઈને ચિચયારી પાડી.એણે ઝરણાના ચહેરાને ચુંબનો થી નવરાવી દીધો.પણ સાગરને પોતાનાથી થોડો દૂર ધકેલતા ઝરણાએ અધૂરુ વાક્ય પૂરું કર્યું.

"....પણ.એ પહેલાં તમારે પણ મારી થોડીક શરતો માનવી પડશે."