Preet kari Pachhtay - 19 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 19

Featured Books
Categories
Share

પ્રિત કરી પછતાય - 19

પ્રિત કરી પછતાય*

19

ત્રણ સાડા ત્રણના સુમારે ઝરણા ને માંડ માંડ ઊંઘ આવી.વહેલી સવારે છ વાગ્યામાં તો એ ઉઠી પણ ગઈ.નાહી ધોઈને એણે ભગવાન શ્રીકૃષ્ણના ફોટા ઉપર હાર ચડાવ્યો.ભગવાનના માથા પર કંકુનો ચાંદલો કર્યો.બે હાથ જોડીને બંને આંખો મીંચીને એણે પ્રભુનુ સ્મરણ કર્યું.અને મનોમન આ પ્રાર્થના કરી કે.

"હે માધવ!મારે દુનિયાનું બીજું કોઈ સુખ નથી જોઈતુ.પ્રભુ.બસ હું એટલું જ માગું છું કે મારો સુહાગ હંમેશા મારો જ રહે.અને સલામત રહે."

પ્રાર્થના પૂરી કરીને એણે આંખો ઉઘાડી શ્રીકૃષ્ણની છબીને એણે વંદન કર્યા.અને ત્યાર પછી એણે ભાવપૂર્વક શ્રીકૃષ્ણની છબીને ચુંબન કર્યું.પછી ઊંઘતા સાગર ના ચહેરા પર નજર ફેકી.

"એ કેવા બે ધ્યાન અને બે ફિકર થઈને સૂતા છે.એ કેવા પ્યારા.અને સુંદર લાગે છે."

ઝરણા પહેલા મનોમન બબડી પછી શ્રીકૃષ્ણની છબીની અંદર પોતાનો મન પરોવીને ભગવાનને સાગરની શિકાયત કરી.

"સાગરે જે હૃદય મને સોંપ્યુ હતુ.તે મારી પાસેથી લઈને.ના લઈને નહી.આચંકીને એમણે સરિતાને શા માટે આપી દીધુ? અને તે આવુ શા માટે થવા દીધુ પ્રભુ? મારી સાથે આવો અન્યાય તે શા માટે થવા દીધો?"

સાગર પોતાની સાથે આવો અન્યાય કરશે એવું તો એણે સ્વપ્ને પણ ધાર્યું ન હતુ.એણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે સાગર આવી બેઈમાની કરશે.સાગર પોતાને છેતરશે એવું એણે ધાર્યું ન હતું. એણે ભગવાનની છબીને ઘુરકીને જોયુ.

"આ ભગવાને પણ પોતાની રાધા સાથે કેવા કેવા રંગ રાગ ખેલ્યા હતા.ગોકુળની ગોપીઓને કેવા સતાવતા હતા.રુકમણી અને સત્યભામા જેવી બે-બે ખૂબસૂરત પત્નીઓ હોવા છતાં બીજી સોળ હજાર કન્યાઓના પણ પતિ થઈને બેઠા હતા."

ઝરણાએ કટાક્ષમાં ભગવાન કૃષ્ણને મનોમન સંભળાવ્યુ.

"વાહ.કાના વાહ.તું જ દુનિયાનો રખવાળો થઈને સુંદરીયો ઉપર હૃદય ઠાલવતો ફરે.તો તારા જ બનાવેલા માનવીઓ એવું ન કરે તો જ નવાઈ. મારો સાગર મારો મટીને હવે સરિતા નો દિવાનો થયો છે.મારે હવે શું કરવુ?"

ઝરણાથી એક નિઃસાસો નખાઈ ગયો. એને શ્રીકૃષ્ણની છબીમાં સરિતાનો ચહેરો દેખાયો.સરિતા પોતાના ભોળપણ નો આવો દુર ઉપયોગ કરશે એવુ એણે ધાર્યું ન હતુ.એણે પોતે પણ એ બંને પર વિશ્વાસ મૂકીને કેવી ભયંકર ભૂલ કરી હતી.એનો એને પસ્તાવો થઈ આવ્યો.પોતાની ભૂલ એ હતી કે બંનેને એ સાથે ફરવા મોકલતી.બંનેને રૂમમાં એકલા વાતો કરવા બેસાડી પોતે પોતાનું કામ કર્યા કરતી.ત્યારે તો એને જરાય અણસાર સુદ્ધા ન હતો કે આ બંને ઉપર આંધળો વિશ્વાસ રાખીને એ પોતાના જ પગ ઉપર કુહાડી મારી રહી છે.

પણ ગંગામાં જેમણે બ્યાંસી બ્યાંસી દિવાળી ઓ જોઈ હતી.એવા અનુભવી અને પાકટ.ગંગામાને થોડો ઘણો શક આવી જ ગયો હતો.કે સાગર અને સરિતા વચ્ચે કાંઈક રંધાઈ રહ્યું છે. આથી એકવાર તેમણે ઝરણાને પાસે બેસાડીને કહ્યું પણ ખરું કે.

"વહુ.તુ.એ બંનેને એકલા જ અંદર મૂકીને આંય તારું કામ કર્યા કરે છે.એ ઠીક નથી કરતી હો."

ત્યારે મીરાએ સાંભળીને ચોંકી ગયેલી. માં ના કહેવાનો ભાવાર્થ સમજી ગઈ હોવા છતા.એણે પૂછેલુ.

"તમારો મતલબ હું સમજી નહિ માં."

ત્યારે મા એ ઠાવકાઈથી સમજાવેલુ.

"તું બહુ ભોળી છો ઝરણા.આટલુંય નથી સમજતી કે બે જુવાન હૈયાને એકાંત મળતા એ ભાન ભૂલી બેસે છે? જૂવાની દીવાની હોય છે અને એ દીવાની.જુવાની ના આવેશમાં માણસ બધા સંબંધો ભુલાવી નાખે છે.મારા નજર સામેની વાત છે એક સગી ભાણેજે પોતાના સુખી સંસારને ઠેબે મારીને પોતાના સગા મામા સાથે ઘર માંડ્યું હતુ.અને જુવાનીની એ ભૂલ આજ સુધી એ ભોગવી રહી છે.અને એમાંય સાળી બનેવી.દિયર ભોજાય. આ સંબંધો તો એટલા નાજુક હોય છે કે ગમે ત્યારે અવળું રૂપ ધારણ કરી લે છે. એટલે તને કહું છું કે તારે એ બંનેને વધારે એકાંત.કે છૂટ ન આપવી."

ઝરણાના માનવામાં ન આવ્યું કે માં કહે છે કે ખરેખર સાચું હશે? શું કોઈ ભાણેજ પોતાના મામાના પ્રેમમાં પડી શકે? શું કોઈ મામો પોતાની દીકરી તુલ્ય ભાણેજ ને ગંદી નજરે જોઈ શકે? ના આવુ તો ન થઈ શકે? પણ ગંગામાં ખોટું શા માટે બોલે? ખોટું બોલીને હવે આ ઉંમરે માં શું મેળવી લેવાના?.

આ વાતનો વિગતવાર ખુલાસો હું ક્યારેક નિરાંતે માને જ પૂછીશ.એવું એણે મનોમન વિચાર્યું હતું.માની આ વાત એને ગળે ઉતરી ગઈ હતી કે સાળી ને જીજાનો સંબંધ ઘણો જ નાજુક હોય છે.અને પોતે પણ આવા લફડાવો વિશે સાંભળ્યું તો હતુ.પણ ઝરણા દિલની સાફ હતી.અને એને પૂરો વિશ્વાસ હતો. કે સરિતા કદાપી ભાન નહીં ભૂલે.અને બહેન કરતા વધુ તો એને એના સાગર ઉપર ભરોસો હતો.સરિતા કદાચ કાચી ઉંમરના કારણે ખોટુ પગલુ ભરી બેસે. પણ સાગર તો સમજદાર છે.એ તો ક્યારેય અવિચારી પગલું ભરે જ નહીં એવી ઝરણાને ગળા સુધી ખાતરી હતી. એટલે માં ની શંકાનો જવાબ એ આશ્વાસનના રૂપમાં આપતી.

"હું જાણું છું માં.કે એકાંત ભલભલા માનવીઓને ભાન ભુલાવી દે છે.પણ મને મારી બહેન ઉપર પૂરો ભરોસો છે. પણ તમને કદાચ સરિતા પર વિશ્વાસ ન હોય.તોય તમારા દીકરા ઉપર તો છે ને? ઝરણાનો આવો બચાવ સાંભળીને મા કહેતા.

"આતો બેટા તારા સારા માટે જ હું કહું છું.કોઈ નોય આજે વિશ્વાસ કરવા જેવું નથી.આગળ તારી મરજી."

ઝરણાને ત્યારે માની શિખામણ નો ગમતી.એને થતું કે માં અમથા અમથા જ આ લોકો ઉપર શંકા કરે છે.

પણ એકના એક દિવસ તો પાપનો ઘડો જરૂર છલકાય છે.છાને છપને શરૂ થયેલુ કોઈ પણ પ્રેમ પ્રકરણ એકના એક દિવસ તો દુનિયાની નજરે ચડી જ જાય છે.એમ સરિતા અને સાગર નો પ્યાર પણ દુનિયા ની તો નહીં.પણ એક દિવસ ઝરણાની નજરે જરૂર ચડી ગયો.