પ્રિત કરી પછતાય*
3
નાસ્તાથી પરવારીને સાગરે ટિફિન ની થેલી ઉપાડી ઝરણાની નજર સાથે નજર મિલાવતા એણે ઈઝાજત માંગી.
" જાઉં છુ."
પણ ઝરણા સાગરનો રસ્તો આંતરીને ઉભી રહી.
"શુ કહેવુ તમને?"
" કેમ શુ થયુ?"
પરેશાની ભર્યા સ્વરે સાગરે પૂછ્યુ.
" કેમ કહ્યા વગર ખબર ન પડે?" ઝરણાના અવાજમાં મીઠા પ્યાર ભર્યા ગુસ્સાનો રણકો હતો.પણ સાગરને સમજાયું નહીં કે ઝરણા કહેવા શું માંગે છે?
"અરે બાબા શું છે જલ્દી બોલને."
"ઓફિસે જતા પહેલા એક નહીં કરો?"
પોતાના સુકા હોઠ ઉપર જીભ ફેરવતા ઝરણાએ સાગરની આંખોમાં ડોકિયું કર્યું.ઝરણાના શબ્દોનો ભાવાર્થ સમજાતા સાગરના હોઠો ઉપર શરારતી સ્મિત ફરક્યુ.
" ઓહ.તારો ટેક્સ આપવાનો રહી ગયો કેમ?"
એણે એક હાથ ઝરણાના ખભા ઉપર રાખ્યો.અને એ ઝરણાના ચહેરા ઉપર ઝૂક્યો.
હાથમા ટિફિન ની થેલી લઈને એ ઘેરથી તો નીકળ્યો હતો ઓફિસે જવા. પણ કોણ જાણે કેમ આજે એનું મન બહુ જ બેચેન થયું હતું.સરિતાની યાદ નો જ્વાળામુખી આજે એના જીગરમાં મન મૂકીને ફાટયો હતો.રસ્તા પર ચાલતી દરેક યુવતી માં આજે એને. સરિતા જ દેખાતી હતી.જ્યાં જ્યાં એની નજર પડતી હતી.ત્યાં ત્યાં એને ફક્ત. સરિતા. સરિતા. અને સરિતા જ દેખાતી હતી.
જ્યા જ્યા નજર મારી ઠરે
યાદી ભરી છે આપની.
આંસુ મહી પણ આંખ થી
યાદી ઝરે છે આપની.
કલાપી ની આ ગઝલ ની જેમ જ.
જેમ જેમ એ સરિતા ની યાદને હૃદય માંથી કાઢીને ફેંકવાની કોશિશ કરતો હતો.તેમ તેમ સરિતાની યાદ એના જીગરને વધુ અને વધુ વલોવતી ગઈ. આખરે પોતાના બેચેન થયેલા મનને પ્રફુલિત કરવા.એણે ઓફિસે જવાને બદલે પોતાના મનને ઠંડક આપવા માટે. પોતાના પગ જુહુના કિનારા તરફ વાળ્યા.
જુહુના દરિયાકાંઠે.ભીની રેતી મા એક હાથને ટેકો દઈ લાંબા પગ કરીને એ બેઠો.અને બેઠા બેઠા દરિયાના ઉછળતા મોજાને એ નિહાળવા લાગ્યો. પણ ધીમે ધીમે ચાલતી ઠંડી હવામાં મન પ્રફુલીત થવાને બદલે.વધુ ને વધુ બેચેન થવા લાગ્યુ.સરિતા ની યાદ હળવી થવાના બદલે શુળ બનીને એની છાતીમાં જાણે ચુભવા લાગી.......
"આજે તો ક્યાક ફરવા લઇ જાવ." સાગરને કાલાવાલા કરતી સરિતાએ કહ્યુ.સાગર છેલ્લા ચાર દિવસથી રોજ. સરિતાને.આજે લઈ જઈશ.કાલે લઈ જઈશ કહીને ટાળતો હતો.અને આજે પણ જ્યારે સરિતા એ ફરમાઈશ કરી ત્યારે.સાગરે ફરીથી એને ટાળવાનો પ્રયત્ન કર્યો.
" કાલે તને ચોક્કસ લઈ જઈશ"
" તમે રોજ કાલ કાલ કરો છો અને ક્યાંય લઈ જ જતા નથી."
" કાલે સો ટકા લઈ જઈશ બસ.?"
" નહીં.નહીં.મને આજે જ ક્યાંક લઈ જાવ."
જમીન ઉપર પગ પછાડતા સરીતા એ પોતાની હઠ ચાલુ રાખી.હકીકતમાં સાગરને સરિતા સાથે ફરવા જવામાં સંકોચ થતો હતો.અને એટલે જ.જ્યારે જ્યારે પણ સરિતા એની પાસે ફરવા જવાનો પ્રસ્તાવ મુકતી હતી.ત્યારે ત્યારે સાગર ગલ્લા તલ્લા કરવા લાગતો. આજે પણ સરિતાની જીદને એ દબાવી દેવા માંગતો હતો.
" પ્લીઝ સરિતા આજે મને બહુ જ કામ છે.કાલે તને ચોક્કસ......"
એનું વાક્ય પૂરું થાય એ પહેલા ઝરણા બોલી.
" તમે પણ શું બીચારી ને રોજ કાલ કાલ કરીને ટટળાવો છો.બીચારી મુંબઈ પહેલીવાર આવી છે તો ક્યાંક ફરવા બરવા તો લઈ જવી જોઈએ ને?" ઝરણાના દબાણ આગળ સાગરને દબાઈ જવું પડ્યુ.અને દબાવવું જ પડે ને.પત્નીના દબાણથી પતિ વર્ષોથી નહીં. પણ સદીઓ થી દબાતો જ આવ્યો છે. સતયુગમા ભગવાન જેવા ભગવાન શ્રીરામ પણ સીતાની જીદ આગળ લાચાર થઈને.સોનેરી મુર્ગ પકડવા દોડી ગયા હતા.તો પછી કળિયુગના આ સાગર જેવા મામૂલી માનવીની શી વિસાત કે પોતાની સ્ત્રીની વાતની અવગણના કરે.ઝરણાની વાત એ માની ગયો.
" ઠીક છે સરિતા. તૈયાર થઈ જા." સાગરના મુખમાંથી છૂટેલા શબ્દો સરિતાના કાન સાથે અથડાતા જ એ ખુશ થઈ ગઈ.અને કપડાં બદલવા બાથરૂમ તરફ દોડી.સરિતાના ગયા પછી સાગરે ઝરણાને કહ્યુ.
" તું પણ અમારી સાથે ચાલ."
પણ પોતાને સુવાવડ આવ્યે હજુ મહિનો જ થયો હોવાથી.ઝરણાની ઈચ્છા ક્યાંય બહાર જવાની ન હતી. એટલે એણે ટૂંકમાં જ પતાવ્યુ.
" ના તમે બંને જઈ આવો."
" નહીં તારે પણ અમારી સાથે આવવું જ પડશે."
આ વખતે સાગરે ઝરણા ઉપર દબાણ કર્યું.અને ઝરણાએ પણ સાગરની વાત માની લીધી.એક મહિનાની માલતી ને ઘોડિયા માંથી બહાર કાઢતા એણે પૂછ્યુ.
" ક્યાં લઈ જશો?"
" જુહુ બીચ."
" અચ્છા.માલતી ને તૈયાર કરીને પછી હુ તૈયાર થાવ છુ. ત્યાં સુધીમાં તમે માં પાસેથી રજા લઈ લ્યો."
બ્યાંસી વર્ષના ગંગામા સાગરના દાદીમા થતા.અને શરૂઆતથી જ ગંગામાં નુ આખા કુટુંબીજનો ઉપર ગજબનું વર્ચસ્વ હતુ.ઘરનો એકેએક સભ્ય.ગંગામાને હ્રદયથી માન આપતુ. અને એમની પરવાનગી લીધા વગર ઘરની બહાર પગ ન મૂકતુ.અને ગંગામાં પણ ક્યારેય કોઈના હરવા ફરવા જવા મા કોઈ રોકટોક ના કરતા.જ્યારે પણ કોઈ એમની પાસે રજા લેવા જતુ ત્યારે થોડીક ઉલટતપાસ જરૂર કરી લેતા.કે ક્યાં જવુ છે.ક્યારે આવશો. વગેરે પણ બધી પૂછપરછ પછી.
"ઠીક.વેલાહાર વયા આવજો."
કહીને પરવાનગી અચૂક આપી જ દેતા. સાગરને પણ ખાત્રી હતી કે માં જુહુ પર જવાની ના નહિ પડે.આથી એણે ઝરણાને પણ તૈયાર થવાની સૂચના આપી.પોતે બહારના રૂમમાં બેસેલા માની પાસે રજા લેવા આવ્યો.
" માં અમે જુહુ ઉપર ફરવા જઈએ છીએ."
માં એ ઝીણી આંખ કરીને સાગરના ચેહરાને પેહલા તો નિરખ્યો.નાક ઉપર થી સરકીને નીચે ઉતરેલા ચશ્માને.પાછા નાક ઉપર ધકેલતા પૂછ્યુ.
"અમે એટલે કોણ કોણ?"
"હું.ઝરણા.અને સરિતા..."
સાગર પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા મા વિફર્યા.
"તારે અને સરિતાએ જવું હોય તો જાવ.પણ ઝરણાને ક્યાંય નથી લઈ જવાની.?"
માં ની મનાઈ થી સાગર ડઘાઈ ગયો.માં પાસેથી આવી આશા એણે રાખી ન હતી.એનાથી પૂછાઈ ગયુ.
"પણ કેમ?"
અને માં વધુ ખિજાયા.
" શરમાતો નથી? છોકરી હજી સવા મહિના ની થઈ નથી ત્યાં રખડાવવા માંડવી છે? માંદી બાંદી પડશે તો રોહો માથે હાથ દઈને."
*ખલ્લાસ*
માની ઉપરવટ જઈને હવે જવાય એમ ન હતુ.અને માં ની વાતેય ક્યા ખોટી હતી? એક મહિનાની માલતી ને જુહુ ની હવા ન સદે એ દેખીતુ જ હતુ.સરિતા અને ઝરણા બંને તૈયાર થઈ ગઈ હતી. પણ માં ના ઈનકારે ઝરણા નો મૂડ બગાડી નાખ્યો.
" મને ખબર જ હતી કે માં ક્યાંય જવા નહીં દે."
એના નાખોરા ફૂલીને મ્યુનિસિપાલિટી ના નળ જેવા થઈ ગયા હતા.
" માની વાત પણ ક્યાં ખોટી છે ઝરણા. શું એક મહિનાની માલતી જુહુ ની હવા ખમી શકશે?"
સાગરે ઝરણાને સમજાવવાનો પ્રયત્ન કર્યો.ઝરણાએ એક જ ઝાટકે શરીર ઉપરથી લપેટાયેલી સાડીને ખેંચી કાઢી.
" ઠીક છે તો તમારે ક્યાંય નથી જવાનુ."