Kaalchakra - 12 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | કાલચક્ર - 12

Featured Books
Categories
Share

કાલચક્ર - 12

( પ્રકરણ : બાર )

જેકબ રિવૉલ્વરને પ્રેત તરફ તાકવા ગયો, ત્યાં જ પ્રેતે પોતાની સાપ જેવી બે મોઢાંવાળી જીભ બહાર કાઢી અને જેકબને પોતાના ખૂની પંજામાં પકડી લેવા માટે તેની પર તરાપ મારી, એ જ વખતે રસ્તા પર ખાડો આવતાં પૂરપાટ ઝડપે દોડી રહેલી જીપે જોરદાર આંચકો ખાધો, જેકબનું બેલૅન્સ ગયું અને તે એક તરફ ગડથોલિયું ખાઈ ગયો, એટલે તે પ્રેતના પંજામાં પકડાતાં સહેજમાં બચી ગયો. પણ નજીકમાં જ થીજેલી હાલતમાં કરણ ઊભો હતો, એ પ્રેતના પંજામાં પકડાઈ ગયો. પ્રેતે પોતાના લાંબા નખવાળા રાક્ષસી પંજામાં કરણનું માથું પકડી લીધું અને ઝપ્‌ કરતાંને પાછું આકાશ તરફ ઊડયું. વાતાવરણમાં કરણની એક લાંબી ચીસ ગુંજી ઊઠી.

ગડથોલિયું ખાઈ ગયેલો જેકબ સીધો થયો, ત્યાં જ તેને ઉપર આકાશમાં કરણને લઈને ઊડી જતું પ્રેત દેખાયું. જેકબે પૂરપાટ ઝડપે દોડી રહેલી જીપમાં પોતાનું બેલેન્સ જાળવી રાખતાં પ્રેત તરફ રિવૉલ્વરની અણીનું નિશાન લીધું અને ઘોડો દબાવવા ગયો, ત્યાં તો કરણ સાથે પ્રેત અંધારા આકાશમાં ગૂમ થઈ ગયું. ‘શું થયું, જેકબ !’ જેકબને આગળ બેઠેલી સ્મિતાનો સવાલ સંભળાયો : ‘કરણ કયાં ગયો ? એણે ચીસ કેમ પાડી ?! શું એ જીપની બહાર પડી ગયો, કે..કે પછી એને પ્રેત ઉઠાવી ગયું ?’

જેકબ જવાબ આપી શકયો નહિ. ઘડી પહેલાં કરણ તેની બાજુમાં હતો અને અત્યારે હવે નહોતો. પળવારમાં જ પ્રેત કરણને ઉઠાવી ગયો હતો અને કરણ હતો, ન હતો થઈ ગયો હતો !

‘બોલ ને, જેકબ !’ ફરી સ્મિતાનો સવાલ સંભળાયો : ‘કરણનું શું થયું, જેકબ ? !’

‘એ પ્રેત...,’ જેકબ અંધારા આકાશમાં જોઈ રહેતાં બોલ્યો : ‘...કરણને લઈ ગયો.’

‘હેં...!’ સ્મિતાના મોઢેથી આ આંચકાભર્યો શબ્દ પસાર થઈ ગયો, તો ઈરફાનના કાને પણ પ્રેતે કરણનો શિકાર કરી લીધાંની વાત પડતાં જ એનો પગ બ્રેક પર દબાઈ ગયો. ચીઈંઈંઈંઈંઈંઈંની ચીચીયારી સાથે જીપના ટાયર થોડેક સુધી ઘસડાયા અને પછી થોડાંક મીટર આગળ જીપ ઊભી રહી ગઈ.

અચાનક સોલિડ બ્રેક વાગતાં જ એક તરફ ગડથોલિયું ખાઈ ગયેલો જેકબ જોરથી ચિલ્લાયો : ‘જીપ ઊભી કેમ રાખી, ઈરફાન! જલદી જીપ દોડાવ, કરણને મૂકીને પ્રેત ફરી પાછું આવી જ રહ્યું હશે !’

‘હા-હા !’ બોલી જતાં ઈરફાને એક આંચકા સાથે ફરી સામેના રસ્તા પર જીપ દોડાવી. ઈરફાનના હૃદયમાંનો ભય બેવડાઈ ગયો હતો. તે કાંપી રહ્યો હતો. તેના મનમાંની પ્રેતના ખૂની પંજામાંથી જીવતા બચવાની આશા વિખરાઈ રહી હતી. તો બાજુમાં બેઠેલી સ્મિતાના મનમાંની જીવતા બચવાની રહી-સહી આશા પણ મરી પરવારી હતી. તે ભાંગી પડીને ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડી હતી.

તો જીપના પાછળના ખુલ્લા ભાગમાં ઊભેલા જેકબની હિંમત પણ જવાબ આપી રહી હતી. તે પરાણે હિંમત જાળવીને ઊભો હતો અને આકાશ તરફ જોઈ રહ્યો હતો. તેને આટલા વખતમાં ખ્યાલ આવી જ ચૂકયો હતો. કરણનો શિકાર કરી ગયેલું આદમખોર પ્રેત ગણતરીની મિનિટોમાં ફરી પાછું આવી પહોંચવાનું હતું !

હવે સવાલ એ હતો કે, તેઓ એ પ્રેતના હાથમાંથી બચી શકવાના હતા કે, નહિ ?

જોકે, આમ તો આ સવાલ જ કયાં આવતો હતો ? ! અત્યાર સુધી એ આદમખોર પ્રેત જ્યારે પણ આવ્યું હતું, ત્યારે કોઈકને ને કોઈકને લીધા વિના કયાં પાછું ફર્યું જ હતું ?

ચંદર સામે દેખાઈ રહેલા ફાર્મહાઉસ તરફ ટાટા મોબાઈલ દોડાવી રહ્યો હતો. તેની બાજુમાં લવલી, નતાશા અને અખિલ ચુપચાપ બેઠા હતા.

થોડીક વાર પહેલાં, આ કોલેજિયનોની બસ પાસેથી, ચંદરે પિતા ઓમકારના કહેવાથી આ સામે દેખાઈ રહેલા ફાર્મહાઉસ તરફ ટાટા મોબાઈલ આગળ વધારી હતી. આમ તો એ ફાર્મહાઉસ સામે જ, માંડ અડધો-એક કિલોમીટર જેટલે દૂર હોય એમ દેખાતું હતું, પણ ચંદરે એ તરફ ખાસ્સી વાર સુધી મોબાઈલ દોડાવી હતી, પણ હજુ સુધી મોબાઈલ ફાર્મહાઉસ સુધી પહોંચી નહોતી. જેમ-જેમ તેની મોબાઈલ આગળ વધતી જતી હતી, તેમ-તેમ ફાર્મહાઉસ વધુ ને વધુ દૂર ને દૂર થતું જતું હતું.

અને આ હકીકતનો પાછળ-મોબાઈલના ખુલ્લા ભાગમાં મનજીત સાથે ઊભેલા ઓમકારને પણ ખ્યાલ આવી જ ચૂકયો હતો.

‘પપ્પા,’ અત્યારે ઓમકારના કાને ચંદરનો અવાજ પડયો : ‘શું કરવું છે ? આ ફાર્મહાઉસ તો દૂર ને દૂર જ રહે છે !’

ઓમકારે તુરત જ કોઈ જવાબ આપવાને બદલે સામે ફાર્મહાઉસ તરફ જોયું, પછી ઉપર અંધારા આકાશમાં નજર દોડાવી.

એ આદમખોર પ્રેત દેખાતું નહોતું.

પણ આ સામેનું ફાર્મહાઉસ એ આદમખોર પ્રેતની જ એક માયાજાળ હતી, એ આ છોકરાની વાત સાચી હતી.

‘શું કરવું છે, પપ્પા !’ ફરી ચંદરનો સવાલ સંભળાયો.

ઓમકારે બાજુમાં, તેની તરફ સવાલભરી નજરે જોતા ઊભેલા મનજીત સામે જોયું અને પછી ચંદરને કહ્યું : ‘ગાડી હજુ પણ આગળની તરફ ચલાવે રાખ !’ ‘હા !’ કહેતાં ચંદરે સામે દેખાઈ રહેલા અને તેમનાથી દૂરને દૂર જઈ રહેલા ફાર્મહાઉસ તરફ મોબાઈલ આગળ વધારવાનું ચાલુ રાખ્યું.

ઈરફાન પૂરપાટ ઝડપે જીપ દોડાવી રહ્યો હતો. તેની બાજુમાં બેઠેલી સ્મિતા હજુ પણ આંસુ સારી રહી હતી.

પાછળ જીપના ખુલ્લા ભાગમાં, પોતાના પગ બરાબર જમાવીને, હાથમાંની રિવૉલ્વર આકાશ તરફ તાકીને જેકબ ઊભો હતો.

આદમખોર પ્રેત કરણને આકાશમાં ઉઠાવી ગયું એને થોડીક મિનિટો થવા આવી હતી. આટલી વારમાં પ્રેત પાછું ફર્યું નહોતું, એટલે ફરી જેકબના મનમગજમાં આશા જાગી, ‘એ પ્રેત આવી પહોંચે એ પહેલાં જો મુંબઈના મેઈન હાઈવે પર પહોંચી જવાય તો જરૂર બચી....’ પણ તેના મગજમાંનો આ વિચાર પૂરો થાય એ પહેલાં જ તેને પાછળ-આકાશમાં થોડેક દૂરથી પ્રેત તેની તરફ ધસી આવતું દેખાયું.

અને જેકબ ફરી પાછો પાગલની જેમ ચિલ્લાઈ ઊઠયો : ‘ઈરફાન ! એ..એ પ્રેત ફરી પાછું આવી પહોંચ્યું છે !’ ઈરફાનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.

સ્મિતા પોતાની સીટ પર ઊંચી થઈ ગઈ. રડતાં-રડતાં જ તેણે પાછળની તરફ નજર નાંખી. પાછળ આકાશમાં થોડેક દૂરથી આદમખોર પ્રેત તેમની તરફ ઝડપભેર ઊડતું આવી રહ્યું હતું : ‘ઈરફાન !’ તે બોલી ઉઠી : ‘હજુ જીપ ઝડપથી ભગાવ !’

ઈરફાનનો પગ એકસીલેટર પર દબાયેલો જ હતો, આનાથી વધુ સ્પીડ થઈ શકે એમ નહોતી.

આ વાતનો જેકબને ખ્યાલ આવી ચૂકયો હતો, એટલે પાછળના ખુલ્લા ભાગમાં ઊભેલો જેકબ હવે ઈરફાનને જીપ વધુ ઝડપે દોડાવવાની સૂચના આપતો નહોતો.

અત્યારે હવે જેકબ હાથમાં રિવૉલ્વર લઈને ઊભો હતો. હવે તેણે પોતાની જાતને પ્રેત સામે મરણિયો જંગ ખેલી લેવા માટે તૈયાર કરી લીધી હતી.

તેણે તેનાથી થોડેક દૂર રહેલા અને તેની વધુને વધુ નજીક આવી રહેલા પ્રેતનું નિશાન લઈને રિવૉલ્વરની ગોળી છોડી દીધી.

આની બીજી જ પળે પ્રેતે હવામાં સહેજ નીચે ડૂબકી લગાવી દીધી, ગોળી હવામાં ગૂમ થઈ ગઈ ને તુુરત જ પાછું પ્રેત અધ્ધર આવી ગયું ને તેની તરફ આવવા માંડયું.

જેકબે ફરીથી પ્રેતનું નિશાન લીધું અને રિવૉલ્વરનો ઘોડો દબાવી દીધો.

આ વખતે એ પ્રેતના ખભા પર ગોળી વાગી, જાણે ગોળી વાગવાથી પ્રેતના શરીરમાં તણખાં ખર્યાં હોય એવું લાગ્યું, પ્રેત પાછળની તરફ થોડુંક ફેંકાયું, ઘડીક વાર માટે જેકબની નજરથી એ અદૃશ્ય થયું, ‘શું ગોળી વાગવાને કારણે પ્રેત ચાલ્યું ગયું ?’ જેકબના મગજમાંનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ ફરી એ પ્રેત દેખાયું.

પ્રેત એટલી જ ઝડપે તેમની દોડી રહેલી જીપ પાછળ આવી રહ્યું હતું.

‘ઈરફાન !’ જેકબના મોઢેથી નિરાશાભર્યું વાકય સરી પડયું : ‘હવે એ...એ પ્રેત બિલકુલ નજીક આવી ચૂકયું છે, ઈરફાન !’

‘ઈરફાન...!’ આગળ ઈરફાનની બાજુમાં બેઠેલી સ્મિતાએ રડતા અવાજે કહ્યુંઃ ‘...તું....તું કંઈક કર, ઈરફાન !’

‘હું શું કરું ?’ બોલી જતાં ઈરફાને ઝડપભેર એક નજર પાછળ નાંખી, તો પ્રેત તેમની જીપની ઘણી નજીક આવી ચૂકયું હતું. ‘શું આ તેમની જિંદગીની આખરી પળો હતી ?’ એકસીલેટર પર પગ દબાવેલો રાખતાં-સામે નજર જમાવેલી રાખતા ઈરફાને વિચાર્યું, ત્યાં જ અચાનક જ તેના મગજમાં એક ઝબકારો થયો.

‘ઈરફાન ! હવે તો એ એકદમ નજીક આવી ગયું છે, તું કંઈક કર !’ સ્મિતા રડતાં રડતાં ફરી એ જ વાકય બોલી.

ઈરફાને એકદમથી જ જીપને જમણી બાજુ, ખુલ્લા ખેતર ંતરફ વળાવી દેતાં પાછળ જોયું.

પ્રેત પણ તેમની સાથોસાથ વળીને એટલી જ ઝડપે તેમની જીપ પાછળ ઊડતું આવી રહ્યું હતું. પ્રેત હવે તેમનાથી થોડાંક ફૂટ જ દૂર હતું.

‘સ્મિતા !’ ઈરફાને આગળ નજર કરતાં, એ રીતના જ જીપ દોડાવે રાખતાં સ્મિતાને સૂચના આપી : ‘તું બહાર કૂદી જા.’

‘પણ...!’

‘કહું છું, જલદી બહાર કૂદીજા !’ ઈરફાને ગુસ્સાભેર કહ્યું.

પણ જીપ એટલી સ્પીડમાં દોડી રહી હતી કે, સ્મિતાની બહાર કૂદી જવાની હિંમત થતી નહોતી, અને ઈરફાન શું કરવા માંગે છે એનો પણ તેને ખ્યાલ આવતો નહોતો.

‘ઈરફાન, તું શું કરવા માંગે....!’ સ્મિતાનો સવાલ પૂરો થાય એ પહેલાં જીપના પાછળના ખુલ્લા ભાગમાં ઊભેલા જેકબનો હિંમત હારેલો અવાજ સંભળાયો : ‘ઈરફાન ! હવે પ્રેત મારી એકદમ નજીક આવી ગયું છે.’ અને આ સાંભળતાં જ ઈરફાને બાજુમાં બેઠેલી સ્મિતાને જોરથી ધકકો મારી દીધો.

સ્મિતા દોડતી જીપમાંથી એક ચીસ સાથે બહાર ફેંકાઈ ગઈ.

ઈરફાને પાછળ જેકબ તરફ ફરીને જોયું. પાછળ ઊડતું આવી રહેલું પ્રેત જેકબને આકાશમાં ખેંચી જવા માટે એની પર તરાપ મારવા જઈ રહ્યું હતું !

‘જેકબ નીચે નમી જા.’ ઈરફાન ચિલ્લાયો.

જેકબે ઈરફાનની આ સૂચનાનો તુરત જ અમલ કર્યો અને તે વાંકો વળી ગયો. એ જ પળે ઈરફાને જીપની બ્રેક પર પગ દબાવ્યો અને પછી બહાર છલાંગ લગાવી દીધી.

પ્રેતે જેકબ પર તરાપ મારી હતી, પણ છેલ્લી પળે જેકબ નમી ગયો હતો અને ઈરફાને જીપને બ્રેક મારી દીધી હતી એટલે પવનવેગે આવી રહેલું પ્રેત ઊભી રહી ગયેલી જીપના આગળના કાચ સાથે જોશભેર અથડાયું અને દૂર હવામાં ફેંકાયું. તો પ્રેતની આ અથડામણને કારણે જીપ હવામાં ઉછળી. જીપની પાછળના ખુલ્લા ભાગમાં રહેલો જેકબ પણ હવામાં ઉછળ્યો અને પછી બાજુના ખેતરમાં જઈને પટકાયો. જેકબની આંખ સામે અંધારા છવાઈ ગયા.

જીપ થોડીક ગુલાંટો ખાઈને- ઊંધા માથે ઉભી રહી ગઈ.

જેકબની આંખ સામેના અંધારા દૂર થયાં, ત્યાં જ તેને જમણા પગમાં પીડા થઈ. તેણે પગ તરફ જોયું. તેનો પગ લોહીલુહાણ થયેલો હતો. તેના ઘુંટણમાં સખત વાગ્યું હતું. અસહ્ય પીડા થઈ રહી હતી.

પીડાને દબાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં તેણે આસપાસમાં નજર દોડાવી.

પ્રેતની જીપ સાથેની અથડામણ સાથે જ તે પણ હવામાં ઉછળ્યો હતો, ત્યારે તેને પ્રેત એક તરફ ઊછળી જતું દેખાયું હતું, પણ પછી પ્રેતનું શું થયું હતું, એ એક સવાલ હતો.

તેણે આકાશમાં જોયું. પ્રેત દેખાયું નહિ. તેના કાને જમણી બાજુથી સળવળાટ સંભળાયો. ચોંકી ઊઠતાં તેણે એ તરફ જોયું, તો એ તરફ ત્રણેક ફૂટ ઉંચો પાક ઊગેલો હતો, એટલે એ તરફ શું હતું, એ દેખાતું નહોતું.

તેણેે પગની પીડાને પરાણે દબાવતાં સહેજ અધ્ધર થઈને જોયું તો તેના શરી- રમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. તે અરેરાટી અનુભવતાં જોઈ રહ્યો. ઊભા પાકની નજીકમાં જ પ્રેતની એક કપાયેલી પાંખ પડી હતી. એ પાંખમાં હજુ પણ જીવ હોય એમ એ સળવળી રહી હતી.

‘પ્રેતની કપાયેલી પાંખ અહીં પડી હતી, એટલે પ્રેત પણ આટલામાં જ હશે !’ એવા ગભરાટ સાથે તેણે ઝડપભેર પોતાની ચારેબાજુ નજર દોડાવી.

પ્રેત દેખાયું નહિ.

તેણે ફરી કપાયેલી પાંખ તરફ જોયું. પાંખ સળવળતી બંધ થઈ.

ઢૂ....મ્‌મ્‌ ! એ જ વખતે કાનના પડદા ફાડી નાંખે એવો જોરદાર ધડાકો સંભળાયો ને આસપાસમાં અજવાળું-અજવાળું થઈ ગયું.

જેકબે સહેજ વધુ અધ્ધર થતાં એ તરફ જોયું. ઊંધી પડેલી જીપની પેટ્રોલની ટેન્ક ફાટી હતી ને આગ લાગી હતી એનો આ ધડાકો હતો.

જેકબ ત્રીસેક મીટર દૂર, ઊભા પાકની પેલી તરફ સળગી રહેલી જીપ તરફ જોઈ રહ્યો, ત્યાં જ તેને જીપની થોડેક આગળના ભાગમાં એક માથું દેખાયું.

એ માથું સહેજ વધુ અધ્ધર થયું ને એ સાથે જ જેકબના શરીરમાંથી ભયનું લખલખું પસાર થયું.

એ આદમખોર પ્રેત હતું. પ્રેત તેનાથી વીસેક મીટર દૂર હતું. પ્રેત જમણી બાજુ જોઈ રહ્યું હતું.

અત્યારે પ્રેતે જેકબ તરફ ચહેરો ફેરવ્યો, એ સાથે જ જેકબ નીચે નમી ગયો. એ પ્રેત જેકબ હતો એ તરફ ઘડીભર જોઈ રહ્યું અને પછી ડાબી બાજુ જોવા માંડયું. પ્રેત ‘જેકબ કયાં છે,’ એ પકડી પાડવા માંગતું હોય એમ ઊંડા-ઊંડા શ્વાસો લઈ રહ્યું હતું. પ્રેતે ફરી જે તરફ જેકબ હતો, એ તરફ જોયું અને ઊંડો શ્વાસ ભર્યો.

અને હવે જાણે પ્રેતને ખ્યાલ આવી ગયો હોય કે, ‘જેકબ એ તરફ જ છે,’ એમ પ્રેતે જે તરફ જેકબ હતો એ તરફ બે પળ જોયું અને પછી પોતાના પગ તરફ જોયું. પ્રેતની એક પાંખની સાથે જ એક પગ પણ કપાઈ ગયો હતો. પ્રેત જે બાજુ જેકબ હતો, એ બાજુ એક પગ અને એક પાંખ સાથે ઉછળ્યું. એક જ વારમાં પ્રેત ચાર મીટર જેટલી છલાંગ લગાવીને પાછું જમીન પર આવ્યું.

તો સોળ મીટર દૂર, જમીન પર ઝૂકીને બેઠેલા જેકબે ફરી પોતાનો ચહેરો અધ્ધર કરીને જે તરફ પ્રેત હતું એ તરફ જોયું.

અને એ જ પળે પ્રેતે બીજી ચાર મીટરની છલાંગ લગાવી.

પ્રેત જેકબની નજરે ચઢયું. જેકબનો જીવ ગળે આવી ગયો. તે નીચે નમી ગયો. આ રીતના છલાંગો મારતાં તેની તરફ આવી રહેલા પ્રેતથી બચવા માટે તે ચાર પગે ઘસડાતો દૂર જવા માંડયો. પણ તેના પગમાં એટલું વાગ્યું હતું કે તે ઘસડાઈને પણ ઝડપભેર આગળ વધી શકતો નહોતો.

ત્યાં જ તેની નજર જમણી તરફ પડી. જમણી તરફ બે ફૂટ દૂર જ તેની રિવૉલ્વર પડી હતી.

તેણે ઝડપથી એ તરફ આગળ વધીને રિવૉલ્વર પોતાના હાથમાં લઈ લીધી. તેણે ફરી સહેજ અધ્ધર થઈને પાછળની તરફ જોયું, તો પ્રેત બીજા ચાર મીટરની છલાંગ મારીને જમીન પર પડયું. પ્રેત તેની વધુ ચાર મીટર નજીક આવી પહોંચ્યું હતું.

હવે પીઠભેર લેટી જતાં, સામેની તરફ, પ્રેત જે તરફથી આવી રહ્યું હતું એ તરફ જોઈ રહેતાં અને હાથમાંની રિવૉલ્વર એ તરફ તાકેલી રાખતાં જેકબ પીઠભેર સહેજ પાછળ હટયો, એટલી વારમાં તો પ્રેત બીજી ચાર મીટરની છલાંગ મારી ચૂકયું હતું.

હવે પ્રેત તેનાથી ફકત એક જ છલાંગ દૂર રહ્યું હતું. તેની પાછળ એક પથ્થર આવી ગયો હતો, એટલે તેે પીઠભેર પાછળ પણ સરકી શકે એમ નહોતો.

અને બસ, આ જ પળે જેકબને એ પ્રેત હવામાં ઊંચી છલાંગ મારીને તેની તરફ ઊછળી આવતું દેખાયું !

(ક્રમશઃ)