Kaalchakra - 11 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | કાલચક્ર - 11

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

કાલચક્ર - 11

( પ્રકરણ : અગિયાર )

આદમખોર પ્રેતે ઓમકારની સાથોસાથ જ ઊછાળી મૂકેલી ટાટા મોબાઈલની આસપાસમાં કયાંય ઓમકાર દેખાયો નહિ, અને ચંદરે પાડેલી બૂમનો પણ ઓમકાર તરફથી કોઈ જવાબ મળ્યો નહિ, એટલે ચંદરના મગજમાંથી ધ્રુજાવી દેનારો વિચાર પસાર થઈ ગયો હતો, ‘કયાંક...કયાંક એ પ્રેત પપ્પાને પોતાની સાથે આકાશમાં તો ઉઠાવી નથી ગયું ને ? !’

તો થોડેક દૂર, ઝાડની ઓથમાંથી જોઈ રહેલી લવલીને પણ ઓમકાર ટાટા મોબાઈલની સાથે જ અધ્ધર ઊછળતો દેખાયો હતો, પણ એ કઈ તરફ ગયો હતો ? એ તેને દેખાયું-કળાયું નહોતું. અત્યારે લવલી ઝાડની ઓથમાંથી નીકળીને ચંદર તરફ આગળ વધી.

‘પપ્પા....!’ અત્યારે ચંદરે ફરી બૂમ પાડી, ‘.....તમે કયાં છો ? !’

આ વખતેય તેને ઓમકારનો કોઈ જવાબ મળ્યો નહિ. તેણે નજીકમાં આવીને ઊભેલી લવલી તરફ જોયું.

‘અંકલ.., અંકલ કયાં ગયા ? એ કંઈ દેખાયું નહિ.’ ચંદરને કહીને લવલીએ બૂમ પાડી : ‘અંકલ..., અંકલ !’

અને આ વખતે ઓમકારનો અવાજ સંભળાયો : ‘હું..., હું અહીં છું.’

લવલી અને ચંદરે જોયું, તો થોડેક દૂરના ખાડામાંથી ઓમકાર બહાર આવી રહ્યો હતો.

ચંદર ઓમકાર તરફ દોડી ગયો, એટલી વારમાં ઓમકાર રસ્તા પર આવી ગયો.

‘તમે ઠીક છો ને, પપ્પા ? !’ ચંદરે પૂછયું.

‘હા.’ કહેતાં ઓમકારે ઉપર જોયું. આકાશમાં દૂર-દૂર સુધી એ પ્રેત દેખાયું નહિ. ઓમકારે બસ તરફ જોયું. આડી પડેલી બસમાંથી મનજીત, અખિલ અને નતાશા બહાર નીકળી આવ્યા હતાં.

ઓમકારે પોતાની ટાટા મોબાઈલ તરફ નજર નાંખી લઈને ચંદર તરફ જોયુંઃ ‘કાળિયો કયાં છે ?’ તેણે પૂછયું.

‘અહીં આટલામાં જ હોવો જોઈએ.’ કહેતાં ચંદરે બૂમ પાડી : ‘કાળિયા !’ અને તુરત જ કાળિયાનો ‘હાઉ-હાઉ’નો જવાબ સંભળાયો.

કાળિયો મોબાઈલના પાછળના ભાગમાં ચઢી ગયો હતો.

ઓમકારે ટાટા મોબાઈલ તરફ આગળ વધતાં કહ્યું : ‘એ પ્રેત ફરી અહીં આવી પહોંચે એ પહેલાં ચાલો જલદીથી બધાં ગાડીમાં બેસી જાવ.’ અને ઓમકાર મોબાઈલના પાછળના ભાગમાં ચઢયો.

તેણે બંદૂક બરાબર હતી એ ચેક કર્યું, એ દરમિયાન ચંદર ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો. અખિલ, લવલી તેમજ સ્મિતા તેની બાજુમાં બેસી ગયા, જ્યારે મનજીત ઓમકારની સાથે મોબાઈલના પાછળના ખુલ્લા ભાગમાં ઊભો રહી ગયો.

ઓમકારે આકાશમાં નજર નાંખી. પ્રેત દેખાયું નહિ. તેણે બાજુમાં જ ઊભેલા કાળિયા સામે જોયું. કાળિયો શાંત હતો. આનો મતલબ એ કે, એ પ્રેત અત્યારે નજીકમાં નહોતું. જોકે, તેને ખબર હતી. પ્રેત પાછું આવ્યા વિના રહેવાનું નહોતું. ઓમકારે મનજીત સામે જોતાં પૂછયું : ‘તમારા બીજા સાથી આ સામે દેખાય છે, એ ફાર્મહાઉસ તરફ જ દોડી ગયા હતા ને !’

‘...જવા દો ને, એમને ! આપણે સીધા ઘરભેગા જ થઈ જઈએ !’ એવા હોઠ સુધી આવી ગયેલા શબ્દોને મનજીતે પાછા વાળી દીધા અને કહ્યું : ‘હા, પણ એમનામાંથી અમારો એક સાથી યશ પાછો ફર્યો હતો, અને એ કહેતો હતો કે, ત્યાં આવું કોઈ ફાર્મહાઉસ છે જ નહિ, પણ આ તો એ પ્રેતની ભયંકર માયાજાળ જ છે.’

‘હં !’ કહેતાં ઓમકારે પળવાર વિચાર્યું અને પછી મોટા અવાજે ટાટા મોબાઈલ ચાલુ કરી ચૂકેલા ચંદરને સૂચના આપી : ‘ચંદર ! ગાડી સામે દેખાઈ રહેલા ફાર્મહાઉસ તરફ જવા દે.’

ઓમકારની સૂચના સાંભળતાં જ ચંદરે મોબાઈલ કાચા રસ્તા તરફ વળાવી ને આગળ વધારી.

ત્યારે મનજીતની સાથે જ નતાશા અને અખિલના મનમાં સવાલ સળવળતો હતો : ‘આ માણસ તેમની મદદે તો આવ્યો હતો, પણ શું એ તેમને આદમ-ખોર પ્રેતના કાતિલ પંજામાંથી બચાવીને તેમના ઘરે સહી- સલામત પહોંચાડવામાં સફળ થશે ખરો ?!’

ત્યારે લવલી કંઈ પણ વિચાર્યા વિના બેઠી હતી. તેનું મન કહી રહ્યું હતું કે, ‘તેઓ એકવાર એ આદમખોર પ્રેતની નજરે ચઢી ચૂકયા હતાં, એટલે તેમનું જીવતા બચવું અશકય હતું ! અત્યારે ભલે એ પ્રેત ચાલ્યું ગયું હોય, પણ એ પ્રેત ફરી પાછું આવશે જ અને તેમને પોતાની સાથે ઉડાવીને લઈ જ જશે, એ વાતમાં કોઈ શંકા કે બે મત નહોતા !’

૦ ૦ ૦

મુંબઈ-માથેરાનના મેઈન હાઈવેની અંદરની તરફના રસ્તા પર, આદમખોર પ્રેતે લીધેલા નિર્દોષોના જીવની ગવાહી પૂરી રહેલી, આડી પડેલી બસથી થોડાંક કિલોમીટર દૂરના એક ખેતરમાં અત્યારે જેકબ અને સ્મિતા બેઠાં હતાં. નજીકમાં જ ઈરફાન ઝાડના ટેકે ઊભો હતો. તેમની સાથે બસમાંથી અહીં સુધી દોડી આવેલો તેમનો ચોથો સાથી કરણ આગળ ફાર્મહાઉસની તપાસ કરવા ગયો હતો. થોડીક વાર પહેલાં, બસમાંથી ઉતરીને તેઓ ચારેય ફાર્મહાઉસ તરફ દોડયા હતા, પણ ઘણું દોડયા પછી પણ તેઓ ફાર્મહાઉસ સુધી પહોંચી શકયા નહોતા. જેમ-જેમ તેઓ દોડતા ગયા હતા, તેમ-તેમ ફાર્મહાઉસ તેમનાથી દૂર ને દૂર થતું ગયું હતું.

આખરે થાકી-હારીને જેકબ, ઈરફાન અને સ્મિતા અહીં રોકાઈ ગયા હતાં, પણ કરણ ‘‘હું હજુ થોડેક આગળ સુધી જોઈ આવું, કદાચ ફાર્મહાઉસ સુધી પહોંચી જાઉં.’’ એમ કહીને આગળ વધી ગયો હતો.

કરણને ગયાને ખાસ્સી વાર થઈ હતી, પણ હજુ સુધી તે પાછો ફર્યો નહોતો. અત્યારે તેમને દૂરથી કોઈકના પગલાંનો અવાજ સંભળાયો, એટલે તેમણે તુરત જ એ તરફ જોયું.

કરણ દોડી આવતો દેખાયો.

કરણ તેમની પાસે આવીને ઊભો રહ્યો. ‘હું ફાર્મહાઉસ સુધી તો ન પહોંચી શકયો પણ, મને..,’ કરણ હાંફતા-હાંફતાં બોલ્યો : ‘...મને આપણે મેઈન હાઈવે પર પહોંચી શકીએ એવું એક વાહન જરૂર મળી આવ્યું છે.’

‘હા, પણ તોય આપણે મેઈન હાઈવે સુધી પહોંચી નહિ શકીએ.’ સ્મિતા નિરાશ અવાજે બોલી : ‘લવલીએ કહેલું કે, એ પ્રેત આપણને જીવતા નહિ...’ ‘...લવલીએ કહ્યું ને તેં માની લીધું, એમ ને ?’ કરણ સ્મિતાની વાતને કાપી નાંખતાં બોલ્યો : ‘આપણાં બાકીના દોસ્તોમાંથી કોણ જીવતું છે અને કોણ મરી ગયું ? એ આપણને ખબર નથી,’ કરણ ધુંધવાટભેર આગળ બોલ્યો : ‘પણ એક વાત તો નકકી છે. લવલી કે બીજું કોઈપણ આપણું મોત નકકી નહિ કરે.

લવલીની વિચિત્ર વાતો, એનું સપનું આપણને ડરાવી નહિ શકે. લવલીની બધી વાતો બકવાસ છે.’

‘હા.’ જેકબ ઊભા થતાં બોલ્યો : ‘લવલીની એ બધી વાતો બકવાસ જ સાબિત થાય એવી આપણે આશા રાખીએ.’

‘....ચોકકસ બકવાસ સાબિત થશે જ.’ કરણ બોલ્યો : ‘આપણે એ પ્રેતના હાથમાંથી છટકીને જીવતા ઘરે પાછા પહોંચીશું જ !’ અને તે જમણી તરફ વળ્યોઃ ‘ચાલો, મારી સાથે. આપણે જલદી એ વાહન સુધી પહોંચી જઈએ.’ જેકબે ઈરફાન સામે જોયું.

‘અહીં બેસી રહેવાથી કોઈ ફાયદો નથી, ચાલો !’ ઈરફાને કહ્યું અને એ કરણ પાછળ ચાલ્યો.

જેકબે સ્મિતાનો હાથ પકડયો અને એને લઈને ઈરફાનની સાથે ચાલવા માંડયો.

એ ખેતર વટાવીને પછી એક-દોઢ કિલોમીટર જેવું ચાલ્યા પછી તેઓ રસ્તા નજીક પહોંચ્યા.

રસ્તાની એક બાજુ, ઝાડ સાથે એક ખુલ્લી જીપ ટકરાયેલી પડી હતી. જીપના બૉનેટ પર એક રાક્ષસી કદનું-સામાન્ય ઘુવડ કરતાં ત્રણ-ચાર ગણું મોટું ઘુવડ બેઠું હતું. દેખાવે કદરૂપા અને ભયાનક એ ઘુવડની મોટી-મોટી, ગોળ-લાલઘૂમ આંખો તેમની તરફ જ તકાયેલી હતી.

ઘુવડને જોતાં જ સ્મિતા ઊભી રહી ગઈ. જેકબ અને ઈરફાન પણ થોભી ગયા.

‘ચાલો,’ કરણે આગળ વધવાનું ચાલુ રાખતાં કહ્યું : ‘....આવા જંગલમાં ચિત્ર-વિચિત્ર પંખી-પ્રાણીઓ તો જોવા મળવાના જ. એટલે આપણે કંઈ આવા ઘુવડથી ડરી જવાની જરૂર નથી.’

‘એક મિનિટ..,’ જેકબ મોટેથી બોલી ઊઠયો : ‘...ઊભો રહી જા, કરણ !’

પાંચ પગલાં આગળ પહોંચી ગયેલા કરણે ઊભા રહી જતાં પાછું વળીને જેકબ તરફ જોયું.

જેકબે એ ઘુવડ તરફ જોવાનું ચાલુ રાખતાં કહ્યું : ‘આ...આ કોઈ સામાન્ય ઘુવડ નથી લાગતું. પણ...’

‘...પણ શું, જેકબ ? !’ કરણ પૂછી ઊઠયો.

‘...પણ આ ઘુવડ પણ પેલા આદમખોર પ્રેતની કોઈ માયાજાળ હોય એવું લાગે છે !’ જેકબ બોલે એ પહેલાં જ ઈરફાને કહ્યું.

‘હા !’ જેકબે કહ્યું : ‘હું પણ તો એમ જ કહેવા માંગતો હતો.’

સાંભળીને કરણે પાછું ઘુવડ સામે જોયું. ‘આ ઘુવડ સામાન્ય ઘુવડ કરતાં ત્રણ-ચાર ગણું મોટું છે, અને ભયાનક પણ લાગે છે એ વાત સાચી, પણ આમ જો એનાથી ડરી...’ અને હજુ તો કરણના મનમાંનો આ વિચાર પુરો થાય એ પહેલાં જ એ ઘુવડ જીપના બૉનેટ પરથી ઊડયું અને સીધું જ તેમની તરફ ધસી આવવા માંડયું.

સ્મિતાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. કરણના ચહેરા પર પણ ગભરાટ આવી ગયો. જેકબ અને ઈરફાનના શરીરમાંથીય ભયની કંપારી પસાર થઈ ગઈ. ઝુુઉઉઉઉઉ...! કરતાં ઘુવડ તેમના માથાની ફકત અડધો-એક ફૂટ ઉપરથી પસાર થઈ ગયું.

સ્મિતા પોતાના ચહેરા આગળ હાથ ધરી દેતાં અને બીજી એક ચીસ પાડી ઊઠતાં જમીન પર બેસી પડી.

કરણ, જેકબ અને ઈરફાને ત્રણેયએ પાછું વળીને જોયું તો એ ઘુવડે પાછું વળીને તેમની તરફ કાતિલ નજરે જોયું અને અંધારા આકાશમાં ભળીને દેખાતું બંધ થઈ ગયું.

‘ચાલો, હવે જલદી !’ કરણ જીપ તરફ ઝડપભેર ચાલતાં બોલ્યો : ‘આપણે અહીંથી નીકળી જઈએ.’

‘પણ શું જીપમાં ચાવી છે, ખરી ?’ ઈરફાને કરણ પાછળ સરકતાં પૂછયું. ‘ચાવી ન હોય તોય વાંધો નહિ !’ જેકબે સ્મિતાનો હાથ પકડીને એને ઊભી કરતાં કહ્યું : ‘હું જીપ ચાલુ કરી દઈશ.’ અને તે સ્મિતાને લઈને જીપ તરફ આગળ વધ્યો.

‘અરે !’ એટલી વારમાં કરણ સાથે જીપની નજીક પહોંચી ગયેલો ઈરફાન બોલી ઊઠયો : ‘આમાં તો ચાવી લાગેલી જ છે. તમે બધાં જલદીથી બેસી જાવ. હું જીપ ચલાવી લઉં છું.’ અને તે ડ્રાઈિંવંગ સીટ પર ગોઠવાયો.

કરણ જીપના પાછળના ખુલ્લા ભાગમાં બેસવા ગયો, ત્યાં જ તેને માથા પરથી અવાજ સંભળાયો, ‘ઝુઉઉઉઉઉ....!’ તેણે ચહેરો અધ્ધર કરીને ઉપરની તરફ જોયું અને તેનો જીવ ગળે આવી ગયો. તેના માથાના થોડાંક મીટર ઉપર જ પેલું આદમખોર પ્રેત ચકરાવા લઈ રહ્યું હતું !

‘...એ...એ પ્રેત પાછું આવી ગયું !’ કરણ ગભરાટભેર બોલી ઊઠયો. આટલી વારમાં જેકબ સ્મિતા સાથે જીપની ડાબી બાજુના ભાગમાં પહોંચી ચૂકયો હતો.

કરણની આ બૂમ સાંભળતાં જ જેકબ અને સ્મિતાએ ઉપર આકાશ તરફ જોયું, તો તેમને તેમના માથાની થોડાંક મીટર ઉપર જ એ પ્રેત ચકરાવા લઈ રહેલું દેખાયું.

પ્રેતને જોતાં જ સ્મિતા થીજી ગઈ, તો જેકબે તેને રીતસરની ઈરફાનની બાજુની સીટ તરફ ધકેલી : ‘તું જલદી, જીપમાં બેસી જા.’

સ્મિતા ઈરફાનની બાજુની સીટ પર બેસી ગઈ, એટલે જેકબે ઝડપભેર જીપના પાછળના ખુલ્લા ભાગમાં ચઢતાં જોયું, તો કરણ ગભરાયેલી હાલતમાં હજુ પણ જીપની બહાર જ ઊભો હતો અને ઉપર આકાશ તરફ જોઈ રહ્યો હતો.

‘જલદી જીપમાં બેસ, કરણ નહિતર મરી જઈશ.’ જેકબે બૂમ પાડી, એટલે જાણે હવે જ ભાનમાં આવ્યો હોય એમ કરણ ઝડપથી જીપના ખુલ્લા ભાગમાં ચઢી આવ્યો.

‘જલદી, ઈરફાન !’ જેકબે બૂમ પાડી : ‘...જીપ અહીંથી દોડાવી મૂક !’

ઈરફાને અત્યાર સુધીમાં બે-ત્રણ વારની ઘરઘરાટી પછી જીપ ચાલુ કરી દીધી હતી.

‘ચાલ-ચાલ-ચાલ-ચાલ, ઈરફાન !’ જેકબ કોઈ પાગલની જેમ ચિલ્લાવા માંડયો : ‘જલદી જીપ ભગાવ, ચાલ-ચાલ-ચાલ-ચાલ !’

અને ઈરફાને એક આંચકા સાથે જીપને રિવર્સમાં લીધી અને કાચા રસ્તા પરથી સડક પર લઈને આગળની તરફ દોડાવી મૂકી.

જેકબે આકાશ તરફ જોયું. પ્રેત તેમના માથાની થોડાંક મીટર ઉપર જ હતું, અને અત્યારે પ્રેતે ઝડપભેર પોતાની પાંખો ફફડાવતાં તેમનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું !

‘હવે...હવે આપણે નહિ બચી શકીએ, જેકબ !’ જેકબની બાજુમાં ઊભેલો કરણ તેમની તરફ આવી રહેલા પ્રેતને જોતાં હારેલા અને રડમસ અવાજે બોલી ગયો. પણ જેકબનું ધ્યાન કરણ કે એની વાત તરફ નહોતું. જેકબનું બધું ધ્યાન તો થોડાંક મીટર પાછળ તેમનો પીછો કરતાં આવી રહેલા પ્રેત તરફ જ હતું. ‘ઈરફાન !’ જેકબ એ જ રીતના બહાવરા અવાજે બોલ્યો : ‘હજુ સ્પીડ વધાર, ઈરફાન ! વધારે સ્પીડ કર..!’

ઈરફાને જીપની સ્પીડ વધારી.

ઈરફાનની બાજુમાં બેઠેલી સ્મિતા પાછળ જોઈ રહી હતી. તેને પણ થોડાંક મીટર પાછળ-આકાશમાં ઊડતું તેમની પાછળ આવી રહેલું પ્રેત દેખાઈ રહ્યું હતું. તે ભયથી થરથર કાંપી રહી હતી. ‘એ...એ આપણી ખૂબ જ નજીક છે, ઈર- ફાન !’ સ્મિતા કંપતા અવાજે બોલી, પણ ઈરફાને કોઈ જવાબ આપ્યો નહિ. તે પોતાના ભય પર કાબૂ રાખવાનો ભરસક પ્રયત્ન કરતાં જીપ દોડાવી રહ્યો હતો. ‘ઈરફાન !’ ઈરફાનને પાછળથી જેકબનો અધીરો અવાજ સંભળાયો : ‘ઈરફાન, જીપ ઓર ફાસ્ટ-ઓર ફાસ્ટ ભગાવ.’

‘બસ આનાથી વધુ ઝડપ થતી નથી.’ એકસીલેટર પર પગ દબાવીને બેઠેલા ઈરફાને જવાબ આપ્યો.

ઈરફાનનો જવાબ સાંભળીને જીપના પાછળના ખુલ્લા ભાગમાં ઊભેલા જેકબના ચહેરા પર નિરાશા આવી. તેણે જોયું તો એ ભયાનક પ્રેત પોતાની રાક્ષસી પાંખો હવામાં વિંઝતું તેમની વધુને વધુ નજીક આવી રહ્યું હતું. તેમની જીપ ગજબનાક ઝડપે દોડી રહી હતી, પણ એનાથી વધુ ઝડપે પ્રેત ઊડતું આવી રહ્યું હતું, એટલે એ તેમની વધુને વધુ નજીક પહોંચી રહ્યું હતું.

જેકબે કરણ સામે જોયું. કરણ તેની બાજુમાં થીજેલી હાલતમાં ઊભો હતો. એે તેમને આકાશમાં ઉપાડી જવા માટે તેમની તરફ ધસી આવી રહેલા પ્રેત તરફ ભય અને લાચારીભરી જોઈ રહ્યો હતો.

‘હવે તેમનું મોત નકકી હતું.’ જેકબના મનમાંથી પણ આ નિરાશાભર્યો વિચાર પસાર થઈ ગયો, ત્યાં જ અચાનક જ તેના મગજમાં આલ્બર્ટ સરની રિવૉલ્વરની યાદ તાજી થઈ. આલ્બર્ટ સરની એ રિવૉલ્વર અત્યારે તેના ખિસ્સામાં જ હતી. તેણે ખિસ્સામાંથી રિવૉલ્વર ખેંચી કાઢી, એટલી વારમાં તો પ્રેત તેમની બિલકુલ નજીક આવી ચુકયું હતું.

હવે જેકબ અને પ્રેત વચ્ચે ફકત અને ફકત એક મીટરનું જ અંતર રહ્યું હતું ! જેકબ રિવૉલ્વરની અણી પ્રેત તરફ તાકવા ગયો, ત્યાં જ પ્રેતે પોતાની સાપ જેવી બે મોઢાંવાળી જીભ બહાર કાઢી અને જેકબને પોતાના ખૂની પંજામાં પકડી લેવા માટે તેની પર તરાપ મારી.......

(ક્રમશઃ)