Kaalchakra - 10 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | કાલચક્ર - 10

Featured Books
Categories
Share

કાલચક્ર - 10

( પ્રકરણ : દસ )

‘હવે...હવે તેનો વારો હતો ! હવે પ્રેત આંખના પલકારામાં તેને પોતાના કાતિલ પંજામાં પકડીને અંધારા આકાશમાં ખેંચી જશે.’ પોતાની સામે ચામાચીડયા જેવી વિશાળ પાંખો ખોલીને, બસની છત પર ઊભેલા એ ભયાનક પ્રેતને જોઈને લવલી થરથરી ઊઠી,

તો લવલીની બાજુમાં જ ઊભેલી ટાટા મોબાઈલની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ચંદરની હાલત પણ સારી નહોતી. તે ફાટેલી આંખે સામે બસની છત પર ઊભેલા એ પ્રેતને તાકી રહ્યો હતો, તો પાછળ, મોબાઈલના ખુલ્લા ભાગમાં ઊભેલો ચંદરનો પાળેલો કૂતરો કાળિયો પણ પ્રેતને જોઈને રડવા માંડયો હતો. જ્યારે મોબાઈલના પાછળના એ ભાગમાં જ ઓમકાર ઊભો હતો. ઓમકારની નજર પણ સામે બસની છત પર ઊભેલા એ ભયાનક પ્રેત પર જામેલી હતી. ઓમકારના ચહેરા પર ડર નહોતો, પણ આશ્ચર્ય જરૂર હતું.

ઓમકારે પોતાના પિતાજી હરીભાઈ પાસેથી આ ભયાનક પ્રેત વિશે સાંભળ્યું-જાણ્યું હતું. બે વરસ પહેલાં, મરણ પથારીએ પડેલા તેના પિતાજીએ તેને આ આદમખોર પ્રેત વિશે વાત કરી હતી. તેના પિતાજીએ તેને કહ્યું હતું : ‘‘બેટા ઓમકાર, મને નથી લાગતું કે, હવે હું લાંબું જીવી શકું. મેં બધું એવી રીતના વસાવી દીધું છે કે, તારી સાત પેઢી અહીં સુખેથી જીવન વિતાવી શકશે. પણ હા, તારે હું કહું એ રીતના એક મહિનો આ જગ્યા છોડીને બીજે કયાંક ચાલ્યા જવું પડશે.’’

‘‘કેમ ?!’’ તેણે પૂછયું હતું, એટલે પિતાજીએ તેને જણાવ્યું હતું, ‘‘આપણાં વિસ્તારમાં, દર ત્રેવીસ વરસે, ત્રેવીસ દિવસ માટે એક આદમખોર પ્રેત આવે છે. એ આદમખોર પ્રેત અચાનક માણસો પર ત્રાટકે છે અને એમને પોતાની ભૂખ મિટાવવા માટે આકાશમાં ઉઠાવી જાય છે !’

તેને હસવું આવી ગયું હતું. ‘‘શું બાપુજી, તમે પણ ! આવું પ્રેત તે કદી હોતું હશે ? !’

‘‘માનવામાં આવે નહિ એવી વાત છે, છતાં આ એક હકીકત છે !’’ તેના પિતાજીએ કહ્યું હતું : ‘‘તારા દાદાજીના એક મિત્ર મનસુખજીને પણ આ વાત માનવામાં આવી નહોતી, એટલે વરસો પહેલાં, એ આદમખોર પ્રેતના આવવાના દિવસોમાં તારા દાદાજી મને લઈને આ વિસ્તાર છોડીને ચાલ્યા ગયા હતા, પણ મનસુખજી પોતાના દીકરા સાથે આ વિસ્તારમાં જ રહ્યા હતા.

‘‘મનસુખજીના દીકરાને એ પ્રેત પોતાની સાથે આકાશમાં ખેંચી ગયું હતું. તારા દાદાજી મને લઈને અહીં પાછા ફર્યા, ત્યારે તેમને આ વાત જાણવા મળી હતી.’’

‘‘આ ઘટના કયારની છે ?’’ તેણે પિતાજીને પૂછયું હતું. ‘ચુમ્માળીસ વરસ પહેલાંની.’

‘‘એટલે શું એ પછી વચ્ચે એકવાર પાછું એ આદમખોર પ્રેત આવી ચૂકયું છે ?’’

‘હા, એકવીસ વરસ પહેલાં.’

‘‘તો એ વખતે હું પણ તો હતો ને !’’ તેણે પૂછયું હતું.

‘‘હા !’’ પિતાજીએ કહ્યું હતું : ‘‘તને યાદ હશે જ કે, એ વખતે આપણે મહિના માટે તારા નાનાને ત્યાં નાસિક જતા રહ્યા હતા.’

‘‘હા,’’ તેણે પિતાજીને કહ્યું હતું : ‘‘પણ તમે મને એ વખતે આવું કંઈ તો કહ્યું નહોતું.’’

‘‘હું તને ડરાવવા માંગતો નહોતો.’’ પિતાજીએ કહ્યું હતું : ‘‘પણ હવે મારી જિંદગીનો કોઈ ભરોસો રહ્યો નથી. બે વરસ પછી એ આદમખોર પ્રેત પાછું આવશે. તું જરાય ગફલતમાં ન રહેતો. આ વિસ્તાર છોડીને બીજા કોઈક શહેરમાં અચૂક ચાલ્યો જજે.’’

પણ તે ગફલતમાં જ રહ્યો હતો. તેના પિતાજીએ તેને આ વરસ, આ મહિનો અને આ ત્રેવીસ દિવસ જ કહ્યા હતા, પણ તે આ વાતને ભૂલી જ ગયો હતો. પણ થોડાંક કલાક પહેલાં, સાંજના તેના નાના દીકરા નંદુને ચાડિયાના રૂપમાં એ આદમખોર પ્રેત પોતાની સાથે આકાશમાં ઉઠાવી ગયું, ત્યારે તેના મગજમાં તેના પિતાજીની આ આદમખોર પ્રેત વિશેની વાત તાજી થઈ હતી.

તેના પિતાજીએ તેને આ પ્રેતનો સામનો કરવા માટે શું કરવું ? એ જણાવ્યું હતું, અને એટલે તે ભાલા જેવા લાંબા સળિયાવાળા ત્રિશૂલ તૈયાર કરીને નીકળી પડયો હતો.

આજે આ આદમખોર પ્રેતની છેલ્લી રાત હતી. કાલ સવારના આ આદમખોર પ્રેત ચાલ્યું જાય પછી, ત્રેવીસ વરસ પછી ફરી પાછું ન આવે અને તેના દીકરા નંદુ જેવા કોઈ નિર્દોષનો જીવ ન લે એ માટે તે પ્રેતને ખતમ કરવાના જોશ અને જુસ્સા સાથે ઘરેથી નીકળી પડયો હતો.

એવામાં તેની હાઈવે પોલીસના મોબાઈલ ફોન પર યશ સાથે વાત થઈ હતી અને પછી આ છોકરી લવલી તેને મળી ગઈ હતી. એ તેને આ બસ પાસે લઈ આવી હતી, અને અત્યારે હવે તેની સામે, બસની છત પર એ આદમખોર પ્રેત પોતાની વિશાળ પાંખો ખોલીને ઊભું હતું.

પ્રેતની લીલી આંખોમાંની લાવા ઓકતી કીકીઓ તેની પર તકાયેલી હતી.

પ્રેતના લાંબા-અણિદાર દાંતવાળું મોઢું ખુલ્લું હતું અને એમાંની સાપ જેવી લાંબી ને બે મોઢાંવાળી જીભ દેખાતી હતી. પ્રેત કોઈ પણ પળે તેમની પર ત્રાટકે એવું લાગતું હતું.

‘છોકરી !’ પ્રેતને જોયાના આશ્ચર્યમાંથી બહાર આવતાં ઓમકારે અત્યારે લવલીને સૂચના આપી : ‘જલદી ગાડીમાં બેસી જા.’

લવલી ટાટા મોબાઈલમાં બેસવા ગઈ, ત્યાં જ બસની છત ઉપર ઊભેલું પ્રેત આ તરફ આવવા માટે હવામાં અધ્ધર થયું, અને એ સાથે જ ઓમકારે તોપ જેવી લાગતી બંદૂકનો ઘોડો દબાવી દીધો. બંદૂકમાં ભેરવાયેલું લાંબા સળિયાવાળું ત્રિશૂલ જોશભેર છૂટયું ને બસ અને ટાટા મોબાઈલની અધવચ્ચે પહોંચેલા પ્રેતની છાતીમાં ખૂપ્યું અને એ સાથે જ પ્રેત હવામાં પાછળ ફેંકાયું.

બધાંને એમ થયું કે, હવે પ્રેત જમીન પર પટકાઈ પડશે. પણ એના બદલે પ્રેત પોતાની રાક્ષસી પાંખો ફેલાવીને, ધીરે-ધીરે પાંખો ફફડાવતું અધ્ધર હવામાં જ રોકાયેલું રહ્યું.

બસમાં રહેલાં મનજીત, અખિલ અને નતાશા ફાટેલી આંખે પ્રેતને જોઈ રહ્યાં.

 

તો મોબાઈલમાં બેસી ચૂકેલી લવલી પણ પ્રેત તરફ જોઈ રહી. ટાટા મોબાઈલની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો ચંદર એ જ રીતના થીજેલી હાલતમાં બેઠો રહ્યો.

જ્યારે પાછળ મોબાઈલના ખુલ્લા ભાગમાં ઊભેલો ઓમકાર પણ ઉપર આકાશમાં રહેલા પ્રેત તરફ જોઈ રહ્યો. તેની બંદૂકની નીચેના ભાગમાં લાગેલા, ફીરકી જેવા મોટા ગરગડામાં લોખંડના જાડા વાયરનો છેડો બંધાયેલો હતો, જ્યારે આગળનો લાંબો વાયર ઉપર આકાશ તરફ જતો હતો. વાયરનો આગળનો એ બીજો છેડો ત્રિશૂલના સળિયા સાથે બંધાયેલો હતો, અને એ ત્રિશૂલ અત્યારે પચા- સેક મીટર ઉપર હવામાં, પાંખો ફેલાવીને ઊભેલા પ્રેતની છાતીમાં ખુંપેલું હતું. હવે પ્રેતે પાંખો ફફડાવી અને પાછળની તરફ ગયું. એની છાતીમાં ખુંપેલા ત્રિશૂલ સાથેનું વાયર ઓમકારની ટાટા મોબાઈલમાં રહેલા ગરગડા સાથે બંધાયેલું હતું, એટલે ટાટા મોબાઈલ સહેજ આગળની તરફ ખેંચાઈ !

ઓમકારે વાયરને ગરગડામાં લપેટીને, પ્રેતને પોતાની તરફ ખેંચી લાવવા માટે ગરગડાની જમણી બાજુ લગાવેલું હેન્ડલ ફેરવવાનો પ્રયત્ન કર્યો, પણ સામે છેડે રહેલા પ્રેતનું જોર એટલું બધું હતું કે, હેન્ડલ જરાય હલ્યું નહિ વાયર જરાય લપેટાયું નહિ. ઉપરથી આકાશમાં રહેલા પ્રેતે વધુ જોરથી પાંખો ફફડાવી અને ચારેક ફૂટ પાછળ ગયું એટલે મોબાઈલ વધુ આગળ ખેંચાઈ.

મોબાઈલની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ચંદરે બ્રેક પર પગ દબાવી દીધો, પણ પ્રેતે મોબાઈલને એટલા જોરથી ખેંચવા માંડી કે, મોબાઈલ બસની જમણી બાજુની ખાલી સડક તરફ ઢસડાવા માંડી.

લવલી ચીસ પાડી ઊઠી. ચંદર પણ ગભરાઈ ઊઠયો. કાળિયો મોબાઈલમાંથી નીચે ઊતરી ગયો.

મોબાઈલના પાછળના ખુલ્લા ભાગમાં ઊભેલા ઓમકારના મનમાં ભય જાગી ઊઠયો. ‘આ પ્રેત કયાંક તેમને ત્રણેયને તેમની ગાડી સહિત આકાશમાં ખેંચી ન જાય.’ અને ઓમકારે ગરગડાને તેના સ્ટેન્ડમાંથી છુટો કરવાની શરૂઆત કરતાં બૂમ પાડી : ‘ચંદર, તું છોકરી સાથે ગાડીની બહાર નીકળી જા, જલદી !’

અને તેની આ બૂમ પૂરી થઈ, ત્યાં તો મોબાઈલ બસની જમણી બાજુ આવી ગઈ અને બસની અડોઅડ રહીને બસની પાછળની તરફ ખેંચાવા માંડી. ઓમકારે વાયરનો ગરગડો સ્ટેન્ડ પરથી છુટો પાડી દીધો અને ગરગડો દૂર ફેંકતાં આકાશમાં જોયું. ચકરાવા લઈ રહેલું પ્રેત હવામાં ઊભું રહ્યું. ને પોતાની છાતીમાંથી ત્રિશૂલ ખેંચી કાઢવા માંડયું.

ઓમકારે ઝડપભેર લાંબા સળિયાવાળું બીજું ત્રિશૂલ બંદૂકમાં ભેરવવા માંડયું.

લવલી મોબાઈલની બહાર નીકળી અને રસ્તાની બાજુમાં આવેલા ઝાડ પાછળ દોડી ગઈ અને મોબાઈલ તરફ જોઈ રહી.

ચંદર મોબાઈલમાંથી બહાર આવ્યો નહોતો. ચંદર બેઠો હતો એ ડ્રાઈવિંગ સીટ તરફનો દરવાજો બસને ચોંટેલો હતો, એટલે તે એ તરફથી નીકળી શકે એમ નહોતો. તે બાજુના દરવાજા તરફ હટવા ગયો, ત્યાં જ તેને આકાશમાંથી,

પ્રેતે તેની તરફ ફેંકેલું લાંબા સળિયાવાળું ત્રિશૂલ તેની તરફ ધસી આવતું દેખાયું. પાછળ બંદૂકમાં બીજું સળિયાવાળું ત્રિશૂલ ભેરવી ચૂકેલા ઓમકારને પણ ચંદર બેઠો હતો, એ તરફ આકાશમાંથી સળિયાવાળું ત્રિશૂલ ધસી આવતું દેખાયું. ‘સંભાળજે, ચંદર !’ તેણે બૂમ પાડી, એ જ પળે મોબાઈલનો આગળનો કાચ ફોડતાં એ ત્રિશૂલ મોબાઈલની અંદર ઘૂસી ગયું, અને સાથે જ ચંદરની ચીસ સભળાઈ. ‘ચંદર !’ ઓમકારે બંદૂકમાં નાંખેલા સળિયાવાળા ત્રિશૂલ સાથે સંકળાયેલો,

લોખંડના વાયરથી ભરાયેલો ગરગડો સ્ટેન્ડ પર લગાવતાં પૂછયું. પણ તેને અંદરથી ચંદરનો કોઈ જવાબ મળ્યો નહિ. ઓમકારને ચિંતા થઈ. તેણે જોયું, તો આદમખોર પ્રેત તેમના માથા પર ચકરાવા લઈ રહ્યું હતું.

‘ચંદર !’ ઓમકારે બૂમ પાડી, ‘તું ઠીક છે, ને ચંદર !’ ‘હા.’ આ વખતે ચંદરનો જવાબ સંભળાયો.

‘જલદી, ગાડી બસથી દૂર લે.’

‘હા, પપ્પા !’ ચંદરનો જવાબ સંભળાયો. થોડીક પળો પહેલાં કાચ ફોડીને ત્રિશૂલ ધસી આવ્યું, ત્યારે ચંંદર બાજુ પર હટી ગયો હતો ને સહેજમાં બચી ગયો હતો.

અત્યારે ચંદરે મોબાઈલને બસથી દૂર લેવા માંડી.

ઓમકારે સળિયાવાળું ત્રિશૂલ તૈયાર કરી નાંખ્યું હતું. તે આકાશમાં ગોળ-ગ- ોળ ફરી રહેલા પ્રેતનું નિશાન લેવા ગયો ત્યાં જ પ્રેત તેમનાથી દૂર જવા માંડયું. ઓમકાર મૂંઝવણમાં પડયો. તેમની મોબાઈલ બસના જમણા ભાગમાં, બસથી થોડેક દૂર પહોંચી ચુકી હતી. ‘ગાડી ઊભી રાખ, ચંદર !’ ઓમકારે કહ્યું, એટલે ચંદરે મોબાઈલ ઊભી રાખી દીધી.

ઓમકારે જોયું, તો આકાશમાં થોડેક દૂર પહોંચી ગયેલું પ્રેત પાછું આ તરફ ધસી આવી રહ્યું હતું.

ઓમકારે બંદૂક પ્રેત તરફ કરી, એનું નિશાન લીધું, ત્યાં જ પ્રેતે એકદમથી જ હવામાં નીચેની તરફ ડુબકી લગાવી અને બસની ડાબી બાજુના ભાગમાં ગયું ! ઓમકારે જોયું, તો બસની અંદર-બસની વચમાં રહેલા મનજીત, અખિલ અને નતાશા તેની તરફ જોઈ રહેલા દેખાયાં.

‘છોકરાઓ ! નીચે નમી જાવ.’ ઓમકારે મોટેથી બૂમ પાડી એ સાથે જ મનજીત, અખિલ અને નતાશા નીચે નમી ગયા.

ઓમકારને બસની બારીમાંથી, બસની પેલી તરફથી પ્રેત બસ તરફ ધસી આવતું દેખાયું.

ઓમકારે બંદૂકનો ઘોડો દબાવી દીધો. બંદૂકમાંથી લાંબા સળિયા-વાળું ત્રિશૂલ છુટયું. તેના છેડા પર બંધાયેલો વાયર ગરગડામાંથી નીકળવા માંડયો. સનનન કરતાં એ ત્રિશૂલ બસની બન્ને બાજુની બારીઓની આરપાર નીકળી ગયું અને બસની પેલી તરફ-બસની બિલકુલ નજીક આવી પહોંચેલા પ્રેતના પેટમાં ખુંપ્યું અને એ સાથે જ પ્રેત દૂર જઈને ફેંકાયું.

બસમાં રહેલા મનજીત, અખિલ અને નતાશા પાછા સીધા થયાં. તેમને બસથી થોડેક દૂર જમીન પર પડેલું પ્રેત દેખાયું.

જ્યારે થોડેક દૂર, ઝાડ પાછળ છુપાયેલી લવલીને એ પ્રેત દેખાતું નહોતું.

મોબાઈલની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ચંદરને પણ પ્રેત દેખાતું નહોતું, તો પાછળના ભાગમાં, બંદૂક પાસે ઊભેલા ઓમકારને પણ બસની પેલી તરફ પડેલું પ્રેત નજરે ચઢતું નહોતું.

ઓમકારે બંદૂકની નીચે ભેરવાયેલા વાયરના ગરગડા તરફ જોયું. ગરગડામાં વાયરના બે-ત્રણ વળ જ બાકી રહ્યા હતાં. અત્યારે એ વળ ખુલ્યાં. ઓમકાર સમજી ગયો, પ્રેત પોતાની જગ્યા પર સળવળી રહ્યું છે. તેણે નજીકમાં ઊભેલી બસ તરફ જોયું, ત્યાં જ બસની પેલી તરફ રહેલું પ્રેત એકદમથી જ આકાશમાં અધ્ધર થતું દેખાયું. પ્રેતના પેટમાં ખુંપેલા લાંબા સળિયાવાળા ત્રિશૂલની પાછળ બંધાયેલો વાયરનો છેડો ઓમકાર પાસેની બંદૂકની નીચે ગરગડામાં બંધાયલો હતો, એટલે આખી બંદૂક ખેંચાઈ.

‘ચંદર ! ગાડીને બસથી દૂર લે, જલદી.’ ઓમકારે બૂમ પાડી.

પ્રેત વધુ અધ્ધર ઊડવા માંડયું, એટલે બસની આરપાર નીકળેલું વાયર ખેંચાયું ને બસની છત સાથે ચોંટયું. બસ હલબલી.

‘જલદી, ગાડી દૂર લે, ચંદર !’ ઓમકારે ફરી બૂમ પાડી : ‘જલદી.’ ચંદરે મોબાઈલ આગળ વધારી. પ્રેત વધુ અધ્ધર થયું અને એટલા જોરથી વાયર ખેંચવા માંડયું કે, ઓમકારની મોબાઈલ હલબલવાની સાથે જ બસ એક તરફથી અધ્ધર થઈ. ‘જલ્દી, ગાડી દૂર લે.’ ઓમકારે ત્રાડ પાડી. બસ સીધી જ તેમની ગાડી પર પડી શકે એમ હતી.

ચંદરે વધુ ઝડપ કરી. બસ ધમ્‌ કરતાં સડક પર પડી એની પળ પહેલાં જ ચંદરે મોબાઈલ આગળ લઈ લીધી, એટલે મોબાઈલ બસ નીચે દબાતાં બચી ગઈ. જોકે, હજુ પણ પ્રેતના પેટમાંના ત્રિશૂલના છેડા પર બંધાયેલો વાયર બસની આરપાર થઈને ઓમકારની બંદૂક નીચેના ગરગડામાં બંધાયેલો હતો, એટલે તે મોબાઈલને વધુ દૂર સુધી લઈ જઈ શકયો નહિ.

ચંદરે મોબાઈલની બહાર નીકળતાં જોયું, તો ઓમકાર ગરગડાને તેના સ્ટેન્ડ પરથી કાઢી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ચંદરે આકાશમાં જોયું. પ્રેત દૂર જઈ રહ્યું હતું. ચંદરે પ્રેતને વાગેલા ત્રિશૂલ સાથે બંધાયેલા વાયર પર નજર નાંખી, તો બસની આરપાર નીકળેલું વાયર બસની છત ચીરી રહ્યું હતું.

બસની છત ચીરીને એ વાયર નીકળી જાય પછી એ વાયરનો છેડો ઓમકાર ઊભો હતો એની પાસેના ગરગડાને જ લાગેલો હતો, એટલે પછી જો પ્રેત આ- કાશમાં વધુ ઉપર જાય અને વાયર ખેંચે તો આખી મોબાઈલ ઊંધી વળી જાય એમ હતી.

‘પપ્પા !’ ચંદરે બૂમ પાડી : ‘જલદીથી ગાડીમાંથી ઊતરી જાવ.’

‘આ ગરગડો નીકળતો નથી.’ બોલતાં ઓમકારે ગરગડાને સ્ટેન્ડમાંથી છુટો કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.

ચંદરે બસ તરફ જોયું. લોખંડના વાયરે બસની પોણા ભાગની છત ચીરી નાંખી હતી. ‘પપ્પા, જલદી,’ ચંદરે ફરીથી બૂમ પાડી : ‘ગાડી પરથી નીચે આવી જાવ.’ અને તેનું વાકય પૂરું થયું એ જ પળે વાયરે બસની બાકીની છત પણ ચીરી નાંખી અને છુટો પડી ગયો. હવે પ્રેત જોશભેર હવામાં અધ્ધર ઊડયું અને એ સાથે જ ગરગડામાં બંધાયેલા વાયરે પૂરા જોર અને જોશ સાથે આખી મોબાઈલને અધ્ધર હવામાં ઊંચકી.

નજીકમાં જ ઊભેલા ચંદરે ‘પપ્પા, સંભાળજો!’ની બૂમ પાડતાં દૂર છલાંગ લગાવી. તેના કાને તેના પિતા ઓમકારની ચીસ પડી એની બીજી પળે તે રસ્તાની બાજુમાં પટકાયો. તેણે તુરત જ ઊભા થઈ જતાં જોયું તો મોબાઈલ રસ્તા પર બે-ત્રણ ગુલાંટો ખાઈને પાછી સીધી ઊભી રહી ગઈ.

ચંદરે દોડીને મોબાઈલ પાસે પહોંચીને જોયું. ઓમકાર નહોતો.

‘પપ્પા !’ બૂમ પાડતાં ચંદરે બહાવરી નજર ચારે બાજુ ફેરવી, પણ ઓમકાર દેખાયો નહિ કે ન તો ઓમકારનો જવાબ સંભળાયો.

‘કયાંક...’ અને ચંદરના મગજમાંથી ધ્રુજાવી દેનારો વિચાર પસાર થઈ ગયોઃ ‘...કયાંક એ આદમખોર પ્રેત તેના પપ્પાને પોતાની સાથે આકાશમાં ઉઠાવી નથી ગયું ને ? !’

(ક્રમશઃ)