Kaalchakra - 9 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | કાલચક્ર - 9

Featured Books
Categories
Share

કાલચક્ર - 9

( પ્રકરણ : નવ )

એ આદમખોર પ્રેત રોમિતને પોતાની સાથે આકાશમાં ખેંચી ગયું એના આઘાતમાં લવલી ભાંગી પડીને બે હાથો વચ્ચે ચહેરો છુપાવીને રડી રહી હતી. આ દરમિયાન એના સાથીઓ જેકબ, ઈરફાન, કરણ અને સ્મિતા કયારે ત્યાંથી ચાલ્યા ગયા હતાં, એની જ તેને ખબર રહી નહોતી.

અત્યારે તે એ મેદાનમાં એકલી હતી અને અંધારા આકાશ તરફ જોઈ રહી હતી. ‘કોઈ પણ પળે ફરી પાછું એ પ્રેત આવશે અને તેને પણ રોમિતની જેમ ઉડાવી જશે,’ એવા ભયથી તે કાંપી રહી હતી !

એક...બે....ત્રણ અને પંદર પળો વિતી.

લવલીને લાગ્યું કે જાણે દૂર...દૂર અંધારા આકાશમાંથી એ ભયાનક પ્રેત તેની તરફ જ ઉતરી આવી રહ્યું છે !

તેણે આંખો ફાડી-ફાડીને જોવા માંડયું.

સોળ...સત્તર...અઢાર અને ત્રીસ પળો વિતી. અને આ પછી જ લવલીને ચોકકસ ખ્યાલ આવ્યો કે એ પ્રેત આવતું નહોતું ! ભયને કારણે એ પ્રેત આવી રહ્યાનો તેને ભાસ થયો હતો !

તેણે પોતાની આસપાસમાં નજર દોડાવી. મેદાનમાં દૂર...દૂર સુધી એ રીતના જ સન્નાટો છવાયેલો હતો ! તેણે થોડેક દૂર દેખાઈ રહેલા ફાર્મહાઉસ તરફ ધ્યાનથી જોયું. એ તરફ પણ તેના સાથીઓ દેખાતા નહોતા.

‘બસમાંથી ઉતર્યા પછી તે અને તેના સાથીઓ ફાર્મહાઉસ તરફ જ જઈ રહ્યા હતા ને !’ લવલીએ વિચાર્યું, ‘કદાચ...કદાચ તેના એ બધાં સાથીઓ ફાર્મહાઉસની અંદર ચાલ્યા ગયા હશે. એટલે તેણે પણ ત્યાં એમની પાસે પહોંચી જવું જોઈએ.’ અને આ સાથે જ લવલી મુઠ્ઠીઓ વાળીને, આંખો મિંચીને એ ફાર્મહાઉસ તરફ દોડી.

૦ ૦ ૦

ઓમકાર પોતાના દીકરા ચંદર સાથે મુંબઈ-ખંડાલાના મેઈન હાઈવેની અંદરના ભાગમાં આવેલા રસ્તા પર ટાટા મોબાઈલમાં આગળ વધી રહ્યો હતો.

ઓમકારનો લાડકવાયો દીકરો નંદુ એ આદમખોર પ્રેતનો શિકાર બન્યો હતો. ઓમકાર એ પ્રેતને ખતમ કરવાના જોશ અને જુસ્સા સાથે ઘરેથી નીકળ્યો હતો, ત્યાં જ હાઈવે પોલીસના મોબાઈલ ફોન પર તેની યશ સાથે વાત થઈ હતી, અને એટલે તેને એ પ્રેત પોતાનો ખૂની ખેલ કયાં ખેલી રહ્યો હતો, એની જાણ થઈ હતી. અત્યારે તે યશે જણાવેલી જગ્યા તરફ જ આગળ વધી રહ્યો હતો, ત્યારે તેનું મન બેચેન હતું. તે એ બસ સુધી પહોંચે એ પહેલાં એ પ્રેત પંદર જણામાંથી કેટલાંનો શિકાર કરી લેશે ?! એ કંઈ કહી શકાય એમ નહોતું.

હાઉ..હાઉ..! હાઉ..હાઉ..!’ ટાટા મોબાઈલના પાછળના ખુલ્લા ભાગમાં ઊભેલો ઓમકારનો પાળેલો કૂતરો કાળિયો અચાનક ભસવા માંડયો.

‘શું થયું, કેમ બૂમો પાડે છે ?’ ઓમકારે બારી બહાર મોઢું કાઢીને આસપાસમાં જોતાં કાળિયાને પૂછયું. તેને કોઈ દેખાયું નહિ, પણ કાળિયાએ તો વધુ જોરથી ભસવા માંડયું.

‘...જરૂર કંઈક ગરબડ હતી.’ ઓમકારે વિચાર્યું : ‘ગાડી ઊભી રાખ, ચંદર!’ તેણે કહ્યું.

ચંદરે મોબાઈલ ઊભી રાખી.

ઓમકાર દરવાજો ખોલીને બહાર નીકળ્યો.

‘હાઉ...હાઉ ! હાઉ...હાઉ !’ કાળિયાએ ભસવાનું ચાલુ રાખ્યું.

ઓમકારે મોબાઈલની પાછળ પથરાયેલા રસ્તા પર અને એની આસપાસ નજર ફેરવી.

તો મોબાઈલની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો ચંદર પોતાની આગળ પથરાયેલા રસ્તા તરફ જોઈ રહ્યો હતો, ત્યાં જ તેને થોડાંક મીટર આગળ, કોઈ જમણી બાજુથી નીકળીને-દોડીને સડક પાર કરી રહ્યું હોય એવું દેખાયું.

ચંદરે બહાર લગાવેલી વધારાની ફોકસ લાઈટ ચાલુ કરી અને એનું મોઢું સડક પાર કરી ચૂકેલી અને રસ્તાની ડાબી બાજુ આવેલો ઢાળ ચઢવા જઈ રહેલી વ્યકિત તરફ કર્યું. ફોકસ લાઈટનું અજવાળું એ વ્યકિત પર પડયું એ સાથે જ એ વ્યકિતએ ચંદર તરફ-ટાટા મોબાઈલ તરફ જોયું ને એ પાછી ઢાળ ઉતરી. અને ત્યારે જ ચંદર એ જોઈ શકયો કે, એ કોઈ યુવતી હતી.

‘આગળ જુઓ, પપ્પા !’ ચંદરે બૂમ પાડી, એટલે મોબાઈલના પાછળના ભાગમાં જોઈ રહેલા ઓમકારે આગળ આવતાં સામે રસ્તા પર નજર દોડાવી. પાંત્રીસ-ચાળીસ મીટર દૂર કોઈ યુવતી ઊભેલી છે, એ જોતાં જ ઓમકાર મોબાઈલમાં બેસતાં ઉતાવળે બોલ્યો : ‘ચાલ જલદી, ગાડી આગળ લે.’ ચંદરે મોબાઈલ એ યુવતી તરફ આગળ વધારી.

એ યુવતી લવલી હતી !

લવલીના ચહેરા પર ભય હતો ! તેનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો.

મોબાઈલ લવલીની નજીક આવીને ઊભી રહી. ચંદરે મોબાઈલની હેડલાઈટ ડીમ કરી. કાળિયો પાછળના ભાગમાંથી ઉતરી આવ્યો. ઓમકારે મોબાઈલની બહાર નીકળતાં લવલીને પૂછયું : ‘તું...તું કયાંથી આવે છે ?!’

લવલી ભયભર્યા ચહેરે ઓમકારને જોઈ રહી. ઝડપથી ચાલતા શ્વાસને લીધે તે ઓમકારને જવાબ આપી શકી નહિ.

‘તું પેલી બસમાંથી આવી છે ને ?’ ઓમકારે પૂછયું.

લવલી ઓમકાર તરફ જોઈ રહી, પોતાનો શ્વાસ સામાન્ય કરવાની કોશિશ કરી રહી.

‘....એ બસ કયાં છે ?’ ઓમકારે પૂછયું : ‘બતાવ !’ ‘હવે...,’ લવલી માંડ-માંડ બોલી, ‘હવે કોઈ ફાયદો નથી.’ ઓમકાર લવલીને જોઈ રહ્યો.

‘અમારી બસમાંથી મોટા-ભાગના મારા સાથીઓ બહાર નીકળી ચુકયા છે.’

લવલી આંસુભીની આંખે બોલી : ‘...અને જે અંદર હતા એમને અત્યાર સુધી એ આદમખોરે ખતમ કરી નાંખ્યા હશે !’

‘ચાલ, મને એ બસ પાસે લઈ ચાલ.’ ઓમકારે કહ્યું.

‘તમારાથી કંઈ નહિ થઈ શકે.’ લવલી ભયથી કંપતા અવાજે બોલી : ‘એ હૈવાનને કોઈ મારી શકે એમ નથી !’

‘..કાળિયા ગાડીમાં બેસ.’ ઓમકારે કહ્યું, એ સાથે જ કાળિયો પાછો મોબાઈલના પાછળના ભાગમાં ચઢી ગયો.

‘બેટી ! તું પણ ગાડીમાં બેસ.’ ઓમકારે કહ્યું : ‘હું એનો ખૂની ખેલ ખતમ કરું છું.’

‘ના ! એ પ્રેતને કોઈ જ મારી શકે એમ નથી.’ લવલીએ વાત પકડી રાખીઃ ‘ભલે તમે ગમે તે કરી લો, પણ તમે એને ખતમ નહિ કરી શકો ! એ...એ તમને પણ પળવારમાં જ આકાશમાં ઉઠાવી જશે !’

ઓમકાર લવલી તરફ જોઈ રહ્યો.

‘એ...એ આદમખોર પ્રેત આપણાં બધાંને ખતમ કરીને સવારે ચાલ્યું જશે, ને પછી..,’ લવલી બોલી : ‘...પછી એ ત્રેવીસ વરસ પછી પાછું ધરતી પર આવશે. ત્રેવીસ દિવસ માટે.’ લવલી બોલી : ‘એ પ્રેત દર ત્રેવીસ વરસે આમ જ પોતાની ભૂખ મિટાવવા આવતું રહેશે અને આપણાં જેવા લોકોનો ભોગ લેતું રહેશે.’ ‘મને બધી જ ખબર છે.’ ઓમકારે કહ્યું : ‘બસ, અત્યારે તું મને એ બસ સુધી લઈ ચાલ.’

લવલી એમ જ ઊભી રહી.

‘તું ગભરા નહિ, હિંમત રાખ. આપણે એ પ્રેતથી ડરીને નહિ, પણ એની સામે હિંમતથી કામ લેવું પડશે.’ અને ઓમકાર મોબાઈલના પાછળના ખુલ્લા ભાગમાં ચઢયો : ‘તું નકામો સમય ન બગાડ. મને જલ્દીથી એ બસ પાસે લઈ ચાલ. કદાચ તારું કોઈ સાથી જીવતું બચ્યું હશે તો આપણે આપણાંથી જે કંઈ થઈ શકશે એ કરી છૂટીશું.

અને ઓમકારની આ વાત સાંભળીને લવલીએ હિંમતનો શ્વાસ લીધો હોય એમ ઊંડો શ્વાસ લીધો અને ઝડપભેર મોબાઈલમાં ચંદરની બાજુની સીટ પર ગોઠવાઈ. ‘ગાડી સીધી જ જવા દે.’ લવલીએ ચંદરને કહ્યું.

ચંદરે આંચકા સાથે મોબાઈલ આગળની તરફ દોડાવી.

અને ત્યારે લવલીના મગજમાં સવાલ ઘુમરાવા લાગ્યો હતો, ‘તે પોતે એ ફાર્મહાઉસ તરફ દોડી હતી, પણ એ ફાર્મહાઉસ તેનાથી દૂર ને દૂર જ રહ્યું હતું, અને એવામાં તે આ લોકોેની નજરે ચઢી ગઈ હતી.

‘પણ...પણ બસમાંથી નીકળ્યા પછી એ ફાર્મહાઉસ તરફ દોડેલા તેના બીજા સાથીઓ જેકબ, ઈરફાન, સ્મિતા, કરણ, તેમજ યશ, મિલિન્દ, શિલ્પા અને નેહાનું આખરે શું થયું હતું ? !’

૦ ૦ ૦

મુંબઈ-ખંડાલાના મેઈન હાઈવેની અંદરની તરફ આવેલા એ રસ્તા પર હજુ પણ કૉલેજની એ બસ ઊભી હતી.

બસમાં સન્નાટો હતો. મનજીત બેહોશ નતાશાનું માથું ખોળામાં લઈને બેઠો હતો. તેની જમણી બાજુની, વચ્ચેના રસ્તા પછીની સીટ પર અખિલ બેઠો હતો. આગળ અનૂજની માથા વિનાની લાશ પડી હતી.

મનજીત અને અખિલના સાથીઓ બસમાંથી એ ફાર્મહાઉસ તરફ જવા નીકળ્યા પછી એ પ્રેત પાછું આવી ચઢતાં એ બધાં પાછા બસ તરફ દોડી આવ્યાં હતાં, પણ તેમણે એમને બસમાં બેસવા દીધાં નહોતાં. તેમના સાથીઓ ત્યાંથી સામેના ફાર્મહાઉસ તરફ દોડી ગયાં હતાં ને પછી દેખાતા બંધ થઈ ગયા હતાં.

ત્યારથી તેઓ બન્ને જણાં ‘હમણાં પેલું પ્રેત આવી પહોંચશે, ને તેમને પોતાની સાથે આકાશમાં ખેંચી જશે !’ એવા ભયથી ફફડતા મુંગા મોઢે બેઠા હતા.

અત્યારે નતાશા હોશમાં આવી. તેણે બેઠી થઈ જતાં પહેલાં મનજીત સામે અને પછી બાજુમાં બેઠેલા અખિલ સામે જોયુ ને પછી બસમાં નજર ફેરવી : ‘મનજીત !’ તેણે પૂછયું : ‘આપણાં બાકીના સાથીઓ કયાં ગયાં ?! શું એમને પેલું...પેલું પ્રેત આકાશમાં ખેંચી ગયું ? !’

‘ના.’ મનજીતે જવાબ આપ્યો, ત્યાં જ બસની ઉપરથી અવાજ સંભળાયો ને બીજી જ પળે બસની આગળની ફાટેલી છતમાંથી ધમ્‌ના અવાજ સાથે કોઈ અંદર આવ્યું અને આગળની સીટ પર પડયું.

આ જોતાં જ મનજીત, નતાશા અને અખિલ ભયભરી ચીસ પાડતાં ઊભાં થઈ ગયાં ! તેઓ થરથર કાંપતાં એ સીટ તરફ જોઈ રહ્યાં. એ સીટ પરથી પહેલાં માથું દેખાયું અને પછી ચહેરો !

એ ચહેરો જોતાં જ મનજીત બોલી ઊઠયો : ‘યશ તું ?!’

‘તેં અને અખિલે ખૂબ જ ખોટું કર્યું.’ યશ રડતાં-રડતાં બોલ્યો : ‘તેં અમને બસમાં પાછા ન લીધાં અને નતાશાને તારી સાથે રાખી.’

‘એ...એ બેહોશ હતી.’ મનજીત બોલ્યો.

‘હું બેહોશ હતી, ત્યારે..., ત્યારે શું બન્યું હતું, યશ ?’ નતાશાએ પૂછયું.

‘અમે સામેના ફાર્મહાઉસમાં જવા માટે નીકળ્યા, ત્યાં જ પેલું પ્રેત આવી ચઢયું અને અમે પાછા ફર્યા, પણ આ મનજીતે અને અખિલે અંદરથી દરવાજો બંધ કરી રાખ્યો હતો અને અમને અંદર આવવા ન દીધાં, એટલે અમારે પાછું ફાર્મહાઉસ તરફ ભાગવું પડયું. પણ...’ યશ આંસુ સારતાં બોલ્યો : ‘...પણ આપણને આ સામે ફાર્મહાઉસ દેખાય છે ને, એવું હકીકતમાં ત્યાં કોઈ ફાર્મહાઉસ છે જ નહિ. એ તો મૃગજળ જેવું છે. તમે જેમ-જેમ એની નજીક જાવ એમ-એમ એ તમારાથી દૂર ને દૂર જતું જાય. છે. હું દસથી બાર કિલોમીટર સુધી દોડી આવ્યો, પણ હું એ ફાર્મ-હાઉસ સુધી પહોંચી જ ન શકયો.’

યશની આ વાત સાંભળીને નતાશા તેમજ મનજીત અને અખિલે થોડેક દૂર દેખાઈ રહેલા એ ફાર્મહાઉસ તરફ નજર નાંખી અને ફરી પાછું યશ તરફ જોયું. ‘આનો મતલબ...’ મનજીતે કહ્યું : ‘...આનો મતલબ એ કે આપણને આ સામે જે ફાર્મહાઉસ દેખાય છે, એ પેલા પ્રેતની માયાજાળ છે, જે એણે આપણને બસની બહાર કાઢવા માટે બિછાવી છે !’

યશ કંઈ બોલ્યો નહિ. તેના ચહેરા પર મોતનો ભય છવાયેલો હતો અને આંખોમાંના આંસુઓ ઘોડાપૂરની જેમ વહેતા હતાં.

‘યશ, તું તો પાછો ફર્યો પણ તારી સાથે હતાં એ બધાં કયાં ગયાં ?!’ અખિલે કાંપતાં પૂછયું.

‘એ પ્રેતે રોમિત પર હુમલો કર્યો ત્યારે હું, મિલિન્દ, શિલ્પા અને નેહા આગળ દોડી ગયાં હતાં.’ યશે રડવાનું ચાલુ રાખતાં કહ્યું : ‘રોમિતની સાથે જ રોકાઈ ગયેલાં ઈરફાન, જેકબ, સ્મિતા, કરણ અને લવલીનું શું થયું ? એનો મને કોઈ અંદાજ નથી, પણ..પણ...’

‘....પણ શું, યશ ? !’ નતાશાએ અધીરા અવાજે પૂછયું.

‘...પણ એ પ્રેત મિલિન્દ, શિલ્પા અને નેહાને એક પછી એક આકાશમાં ખેંચી ગયું !’

સાંભળીને નતાશા, મનજીત અને અખિલ અવાચક થઈ ગયાં. ‘એટલે...એટલે...!’ બે-ત્રણ પળો પછી મનજીત થરથરતાં અવાજે બોલી ઊઠયો : ‘...આનો મતલબ એ થયો કે, એ પ્રેત અત્યારે તારી પાછળ જ છે !’

‘જો.., જો આવું જ હોય તો મનજીત..,’ અખિલ રોતલ અવાજે બોલી ઊઠયોઃ ‘...આપણે યશને જલ્દીથી બસની બહાર ધકેલી દેવો જોઈએ.’ ‘ના-ના !’ યશ બોલી ઊઠયો : ‘એવું ન કરો, યાર.’

‘તું બસમાંથી ઊતરી જા.’ મનજીત તાડૂકયો : ‘જલદી !’

‘ના-ના !’ યશ પોક મૂકતાં કરગર્યોઃ ‘તું મને બસની બહાર ન કાઢ !

પ્લીઝ, દોસ્ત !’

‘...તારે બસમાંથી બહાર નીકળવું જ પડશે.’ રોષભેર બોલતાં મનજીત યશ તરફ ધસી જવા ગયો, ત્યાં જ યશની માથા ઉપરની, ફાટેલી છતની બહારથી પેલા આદમખોર પ્રેતનો ભયાનક પંજો અંદર આવ્યો અને યશને માથા પાસેથી પકડીને એને બસની બહાર ખેંચી ગયો !

નતાશા અને અખિલની આંખો ફાટેલી રહી ગઈ. બન્ને પૂતળાં બની ગયાં.

મનજીતે કાંપતાં વાંકા વળીને બારી બહાર નજર નાંખી તો એ પ્રેત યશ સાથે આકાશ તરફ ઊડી જતું દેખાયું. એ પ્રેત એટલું ઝડપી હતું કે, યશે પાડેલી ‘અઆાાાાાાાાાાાાાા....’ની ચીસનો પડઘો શમે એ પહેલાં તો એ પ્રેત યશ સાથે આકાશના અંધારામાં આલોપ થઈ ચુકયું હતું !

મનજીત સીટ પર બેસી પડયો.

નતાશા અને અખિલ પણ સીટ પર ફસડાઈ પડયાં.

નતાશાની આંખમાંથી આંસુ સરવા માંડયા. ‘મન...મનજીત !’ થોડીક પળો

પછી નતાશા માંડ-માંડ બોલી શકી : ‘યશને ઠેકાણે પાડીને પ્રેત પાછું આવશે ને ?!’

મનજીત શું જવાબ આપે ?

ત્યાં જ તેના કાને કોઈ વાહનનો અવાજ સંભળાયો.

‘કદાચ પોલીસ આપણને બચાવવા માટે આવી પહોંચી લાગે છે ?’ બોલી ઉઠતાં મનજીતે બસની આગળની સડક પર નજર નાંખી. અખિલ અને નતાશાએ પણ ઊભા થઈ જતાં સામે નજર નાંખી.

સામે તેમની બસથી થોડેક દૂર આવીને એક વાહન ઊભું રહ્યું. એ વાહનની હેડલાઈટ તેમજ વધારાની ફોકસ લાઈટ ચાલુ હતી, એટલે એ વાહન તેમજ એમાં કોણ છે, એ દેખાતું નહોતું.

એ ઓમકારની ટાટા મોબાઈલ હતી.

મોબાઈલની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ચંદરની બાજુમાં બેઠેલી લવલી દરવાજો ખોલીને બહાર નીકળી. ‘આ સામેની બસમાં જ અમે બધાં હતાં.’

લવલીએ પાછળના ખુલ્લા ભાગમાં ઊભેલા ઓમકાર સામે જોતાં કહ્યું, ત્યાં જ લવલીને તેના માથા ઉપરથી ‘ઝુઉઉઉઉ...!’ એવો અવાજ સંભળાયો. તેણે ઉપર, આકાશમા જોયું તો પેલું પ્રેત તેમના માથા પર-થોડેક ઉપર આકાશમાં ગોળ-ગોળ ચકરાવા લઈ રહ્યું હતું !

એ પ્રેત બીજી જ પળે સામે ઊભેલી બસની છત પર જઈને ઊભું રહ્યું.

ટાટા મોબાઈલની હેડલાઈટ અને ફોકસ લાઈટના અજવાળામાં સામે બસ પર ઊભેલા ભયાનક પ્રેતને લવલી, ઓમકાર અને ચંદર જોઈ રહ્યાં.

-પ્રેતે પોતાની ચામાચીડિયા જેવી વિશાળ પાંખો ખોલી !

લવલી થરથરી ઊઠી. ‘હવે.. હવે તેનો વારો હતો !’ લવલીના મગજમાંથી વિચાર દોડી ગયો, ‘હવે પ્રેત આંખના પલકારામાં જ તેને પણ રોમિતની જેમ પોતાના પંજામાં પકડીને અંધારા આકાશમાં ખેંચી જશે !’

(ક્રમશઃ)