Kaalchakra - 8 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | કાલચક્ર - 8

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કાલચક્ર - 8

( પ્રકરણ : આઠ )

એ આદમખોર પ્રેતથી બચવા માટે જેકબ, ઈરફાન, સ્મિતા, શિલ્પા, યશ, નેહા, કરણ, મિલિન્દ અને તેજસ એ ફાર્મહાઉસ તરફ આગળ વધ્યા અને એમની સાથે આગળ વધેલી લવલીને રોકતો-એની સાથે વાત કરતો રોમિત પણ આગળ વધ્યો, ત્યાં જ તેજસે ‘એય, જુઓ !’ કહેતાં આકાશ તરફ આંગળી ચિંધી અને બધાંએ આકાશ તરફ જોયું, તો એ પ્રેત રાક્ષસી ચામાચીડિયાની જેમ પોતાની વિશાળ પાંખો વિંઝતું તેમની તરફ જ ઊતરી આવી રહ્યું હતું !

આ જોતાં જ નેહા, શિલ્પા અને સ્મિતા ભયથી ચીસો પાડી ઊઠી. લવલી પણ ગભરાઈ ગઈ.

‘ભાગો !’ અત્યારે રોમિત ગભરાટભેર ચિલ્લાતા પાછો બસ તરફ દોડયો. ‘જલદી બસમાં ચઢો.’ ઈરફાન બૂમ પાડતાં બસ તરફ ભાગ્યો.

‘ચાલો, જલદી !’ જેકબ પણ બરાડતાં બસ તરફ ધસ્યો.

નેહા, શિલ્પા, સ્મિતા, લવલી, તેજસ, કરણ, યશ અને મિલિન્દ પણ ‘....

મરી ગયાં !’ ‘ભાગો જલદી !’ ‘....બસમાં ચઢો !’ની બૂમ પાડતાં બસ તરફ દોડયા.

એટલી વારમાં બસ નજીક પહોંચી ચૂકેલા રોમિતે દરવાજો ખોલવા માટે ખેંચ્યો, પણ દરવાજો ખુલ્યો નહિ. તેણે દરવાજામાંની બારી તરફ જોયું તો અંદર, બારી પાસે જ અખિલ તેની તરફ જોતો ઊભેલો દેખાયો.

‘...જોઈ શું રહ્યો છે, મૂરખ, દરવાજો ખોલ.’ રોમિત ગુસ્સાભેર ચિલ્લાયો. તો જવાબમાં અખિલ દરવાજો ખોલવાને બદલે બસની અંદર પગથિયું ચઢી ગયો. ધબ્‌-ધબ્‌-ધબ્‌ ! નેહા, શિલ્પા અને સ્મિતાએ બસ પર હાથ પછાડતાં બૂમો પાડવા માંડી : ‘અખિલ દરવાજો ખોલ !’ ‘ખોલ દરવાજો, અખિલ !’ ‘દરવાજો ખોલ !’

પણ અખિલ પર કોઈ અસર થઈ નહિ.

‘હું કહું છું, દરવાજો ખોલ, સ્વાર્થી !’ રોમિત ચિલ્લાયો.

અખિલેે જવાબ આપ્યો નહિ, તેણે જમણી બાજુની સીટ પર, બેહોશ નતાશાનું માથું ખોળામાં લઈને બેઠેલા મનજીત તરફ જોયું.

મનજીતે બહાર, આકાશમાં નજર નાંખી. આકાશમાં, પાંત્રીસ-ચાળીસ મીટર ઉપર પેલું પ્રેત ચકરાવા લઈ રહ્યું હતું.

મનજીતે નજર પાછી વાળીને દરવાજા પાસે ઊભેલા અખિલ તરફ જોયું ને રોષભેર કહ્યું : ‘બધાં આપણને છોડીને બહાર ગયા હતા. હવે દરવાજો ન ખોલતો, નહિતર પ્રેત અંદર આવી જશે.’

ધબ્‌-ધબ્‌-ધબ્‌ ! જેકબ મનજીત તરફની બારીના ભાગ પર જોરથી હાથ પછાડતાં ચિલ્લાયો : ‘આ શું કરી રહ્યો છે, મનજીત ! દરવાજો ખોલ.’

‘પાગલપણું ન કર, મનજીત. બારણું ખોલ.’ ઈરફાન બીજી બારીમાંથી અંદર જોતાં તાડૂકયો : ‘બધાંની જિંદગીનો સવાલ છે !’

પણ મનજીત બહેરો હોય એમ બેસી રહ્યો, એટલે ઈરફાને અને જેકબે આકાશ તરફ જોયું.

આકાશમાં રહેલા એ પ્રેતે તેમની તરફ દસ-બાર ફૂટ જેટલી ડૂબકી લગાવી. હવે એ પ્રેત તેમના માથાની ઉપર માંડ પચીસ-ત્રીસ મીટરની ઊંચાઈ પર ચકરાવા લઈ રહ્યું હતું.

ઈરફાન અને જેકબે એકબીજા સામે જોયું. બન્નેએ આંખો-આંખોમાં જ વાત કરી અને એ સાથે જ જેકબ ચિલ્લાયો : ‘ચાલો, બધાં ! જલદી એ ફાર્મ હાઉસ તરફ દોડો !’ અને જેકબ એ ફાર્મ હાઉસ તરફ દોડયો.

ઈરફાને પણ તેની સાથે દોડતાં પાછું વળીને જોયું, તો નેહા, શિલ્પા, સ્મિતા અને લવલી તેમજ બાકીના તેના સાથીઓ મૂંઝવણમાં તેમની તરફ જોઈ રહ્યાં હતાં. ‘...વિચાવાનો સમય નથી.’ ઈરફાન ચિલ્લાયો : ‘એ પ્રેત તમારા માથા ઉપર જ છે !’

‘ભાગો !’ જેકબ પણ દોડતાં-દોડતાં ફરી ચિલ્લાયો.

અને આ વખતે નેહા, શિલ્પા, સ્મિતા, લવલી અને મિલિન્દ ઝડપથી ઈરફાન અને જેકબની પાછળ ખુલ્લા મેદાન તરફ, થોડેક દૂર દેખાઈ રહેલા ફાર્મ હાઉસ તરફ દોડયાં.

રોમિત પણ તેમની પાછળ દોડયો, કરણ પણ ભાગવા માંડયો. યશ પણ પળ બે પળની મૂંઝવણ પછી ભગવાનનું નામ રટતો કરણ પાછળ દોડયો.

તેજસ હજુ બસ પાસે જ ઊભો હતો. તે દરવાજાની વધુ નજીક સરતાં ચિલ્લાયો : ‘અખિલ ! તારે અને મારે તો દોસ્તી છે. પ્લીઝ, મારા માટે તો દરવાજો ખોલ !’

‘અખિલ તારો દોસ્ત હતો, તો એને છોડીને બસમાંથી કેમ ઉતરી ગયો ?!’ અખિલ કંઈ બોલે એ પહેલાં જ મનજીતે કહ્યું : ‘તારે એને સાથે લઈને જવું હતું ને !’

તેજસના ભયભર્યા ચહેરા પર નિરાશા આવી ગઈ. તેણે આકાશ તરફ જોયું. આકાશમાં એ પ્રેત તેની અને બસની ઉપર જ ચકરાવા લઈ રહ્યું હતું ! પ્રેત પંદરેક મીટર ઉપર જ ફરતું હતું !

હવે તેજસ ફાર્મ હાઉસ તરફ વળ્યો અને એ તરફ દોડયો. આગળ ખુલ્લું

મેદાન હતું અને તેના સાથીઓ તેનાથી ખાસ્સા પગલાં આગળ દોડી જઈ રહ્યા હતા. તેણે દોડતાં-દોડતાં જ સહેજ પાછું વળીને આકાશ તરફ જોયું.

પેલું પ્રેત હવે બસની ઉપર ચકરાવા લેવાનું બંધ કરીને તેની તરફ જ ઊડતું આવી રહ્યું હતું.

તેણે દોડવાની ઝડપ વધારતા બૂમ પાડી : ‘ભાગો, જલદી, ભાગો ! એ આપણી પાછળ જ આવી રહ્યું છે !’ અને તેણે હવે આગળ દોડી જઈ રહેલાં પોતાના સાથીઓની જેમ જ પાછું વળીને જોયા વિના જ, આંખો મિંચીને દોડવા માંડયું.

ત્યારે ઉપર આકાશમાં ઊડતું આવી રહેલું એ પ્રેત તેજસથી થોડાંક મીટર ઉપર જ ઊડી રહ્યું હતું ! એ પ્રેત પોતાની ચામાચીડિયા જેવી પાંખો ફફડાવતું તેજસ પાછળ આગળ વધી રહ્યું હતું. અચાનક અત્યારે પ્રેતે પોતાના લાંબા અણીદાર નખવાળા જમણા હાથમાં રહેલું હથિયાર તેજસ તરફ ફેંકયું. સનનનન્‌..! કરતું એ હથિયાર તેજસ તરફ આગળ વધ્યું.

એ હથિયાર એ જ હતું જેનાથી પ્રેતે બસના ટાયરમાં પંકચર પાડયા હતા !

પાંચેક ઈંચ જેટલા મોટા લોખંડના ચોરસ ટુકડાના ચારે ખૂણે કોઈ ભયાનક પ્રાણીના પાંચ-પાંચ ઈંચ લાંબા અણીદાર-ધારદાર દાંત લગાવેલા હોય એવું એ હથિયાર, જિંદગી બચાવવા માટે દોડી રહેલા તેજસની ગરદનમાં ખૂંપ્યું.

ખચ્‌ ! તેની ઘોરી નસ ફાટી અને તે ધબ્‌ કરતાં પેટભેર નીચે પડકાયો, એ જ પળે તેનો જીવ નીકળી ગયો. તેની આંખો ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ.

તેેની ખુલ્લી રહી ગયેલી એ આંખો આગળ દોડી જઈ રહેલા તેના સાથીઓ તરફ જ તકાયેલી હતી, જોકે, તે હવે એમને કયાં જોઈ શકતો હતો ?!

તો અત્યારે આગળ દોડી જઈ રહેલા તેના સાથીઓમાંથી કોઈને એ વાતનો ખ્યાલ નહોતો કે, તેમનો વધુ એક સાથી તેજસ એ પ્રેતના હાથે મોતને ભેટી ચૂકયો હતો !

તેઓ બધાં તો પોતાનો જીવ બચાવીને દોડી રહ્યાં હતાં.

સહુથી આગળ રોમિત દોડી રહ્યો હતો. એની સાથે ઈરફાન દોડતો હતો. એની પાછળ-પાછળ નેહા, શિલ્પા, સ્મિતા અને લવલી દોડી રહી હતી. એમની પાછળ-પાછળ મિલિન્દ, કરણ અને યશ ભાગી રહ્યા હતા અને એની પાછળ પાછળ જેકબ દોડી રહ્યો હતો.

જેકબ જીવ બચાવવા માટે દોડી રહ્યો હતો, પણ હવે તેેની જીવ બચવાની આશા વિખરાતી જતી હતી ! તેણે એમ ધાર્યું હતું કે, તે પોતાના સાથીઓ સાથે સામેના ફાર્મ હાઉસ પર પહોંચી જશે તો સલામત થઈ જશે ! પણ તેની ગણતરી ઊંધી પડી રહી હતી. માનવામાં ન આવે એવું બની રહ્યું હતું ! બસમાંથી તેને એ ફાર્મ હાઉસ થોડેક જ દૂર હોય એવું લાગ્યું હતું, પણ અત્યારે તેને કંઈક જુદું જ જોવા મળી રહ્યું હતું. બસ પાસેથી તેઓ આટલું બધું દોડીને આવ્યા હતાં, છતાં પણ જાણે એ ફાર્મ હાઉસ હજુ પણ તેમનાથી એટલું ને એટલું જ દૂર હતું ! તેઓ મેદાન પર જાણે એક જ જગ્યા પર દોડી રહ્યા હતા, કે પછી તેઓ દોડતા હતા પણ જાણે એ ફાર્મ હાઉસ તેમનાથી વધુ ને વધુ દૂર અને દૂર થતું જતું હતું ! તેણે દોડતાં દોડતાં જ પાછું વળીને ઉપર આકાશ તરફ જોયું. પેલું આદમખોર પ્રેત તેમના માથા ઉપર થોડાંક જ મીટર ઉપર અને થોડાંક જ પગલાં પાછળ હતું !

એ પ્રેત જાણે તેમની જિંદગી બચાવવા માટેની આ આંધળી દોડની મોજ માણતું હોય, તેમને મોત આપવાના પોતાના આ ક્રૂર ખેલની મજા લેતું હોય, કે પછી તેમના બધાંમાંથી ‘પહેલાં કોને ઊંચકી જવો ? !’ એ નકકી કરતું હોય એમ પાંખો ફફડાવતું તેમની તરફ આગળ વધી રહ્યું હતું !

‘ઓહ...!’ અચાનક જેકબને જમીન પર પડેલા પથ્થરની ઠોકર વાગી ને તે જમીન પર પટકાયો. તેણે ગભરાટ સાથે ઉપર જોયું.

ઝુઉઉઉઉ...! તેના માથાની થોડાંક મીટર ઉપરથી એ પ્રેત પસાર થઈને આગળ દોડી જઈ રહેલા તેના સાથીઓ તરફ ધસી ગયું.

‘ઈરફાન, સ્મિતા લવલી, વધુ ઝડપથી ભાગો.., એ તમારી પાછળ જ છે.’ જેકબે બૂમ પાડી.

એ બધાંએ દોડવાની ઝડપ વધારી.

જેકબ ઊભો થયો અને એક પગલું આગળ વધ્યો, ત્યાં જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. તેના ઘૂંટણમાં વાગ્યું હતું. ઘૂટણની પીડાને અવગણતા તે લંગડાતી ચાલે પોતાના સાથીઓ પાછળ આગળ વધ્યો, ત્યારે તેના સાથીઓ તેનાથી સાઈઠ-સિત્તેર પગલાં આગળ દોડતા જઈ રહ્યાં હતાં.

અત્યારે સહુથી આગળ રોમિત દોડી રહ્યો હતો. રોમિતના ચહેરા પર ભય હતો. રોમિતની હાલત પણ જેકબ જેવી જ હતી ! તેને પણ સમજાતું નહોતું કે, તેઓ આટલું બધું દોડીને આવ્યાં હતાં, છતાંય તેઓ સામેના આ ફાર્મ હાઉસની નજીક કેમ પહોચતાં નહોતાં ? !

રોમિતે પાછું વળીને આકાશમાં જોયું. પેલું પ્રેત તેમની તરફ જ ઊડતું આવી રહ્યું હતું ! રોમિતને એવું લાગ્યું કે, એ પ્રેત તેની પર તરાપ મારીને, તેને ઊંચકી જવા માટે તેની તરફ જ આવી રહ્યું છે.

ઉપર આકાશમાં, ચામા-ચીડિયાની જેમ પાંખો વિંઝતા, આ બધાં પાછળ આગળ વધી રહેલા પ્રેતે પોતાના હાથમાં રહેલું ચપ્પુ રોમિત તરફ ફેંકયું. સનનનન્‌..! કરતાં એ ચપ્પુ રોમિત તરફ ધસ્યું.

રોમિત ‘ભાગો...!’ની બૂમ પાડતાં, પ્રેત તરફથી નજર પાછી વાળીને આગળની તરફ વળ્યો, તો તેને આગળ ઝાડ દેખાયું. તે એ ઝાડ સાથે અથડાતાં તો બચી ગયો પણ તેનો ડાબો હાથ એ ઝાડ સાથે અથડાયો, અને એ જ પળે પ્રેતે ફેંકેલું ચપ્પુ તેના હાથના કાંડાવાળા ભાગની આરપાર નીકળીને ઝાડના થડમાં ખૂંપી ગયું. તેના મોઢામાંથી પીડાભરી ચીસ નીકળી જવાની સાથે જ તે ઊભો રહી ગયો.

તેની પાછળ આવી રહેલા ઈરફાન અને લવલી તેની પાસે ઊભાં રહી ગયાં. યશ, મિલિન્દ, શિલ્પા અને નેહા ત્યાં રોકાયા વિના જ આગળ દોડી ગયાં. કરણ અને સ્મિતા ત્યાં રોમિત પાસે જ રોકાઈ ગયાં.

ઈરફાને જોયું તો અણીદાર ચપ્પુએ રોમિતના હાથને ઝાડ સાથે ચોંટાડી દીધું હતું.

રોમિત હાથને ખેંચી કાઢવાનો પ્રયત્ન કરતાં પીડાથી ચિલ્લાવા લાગ્યો હતો. તેણે ઉપર આકાશમાં જોયું તો પ્રેત ઉપર ચકરાવા લઈ રહ્યું હતું. ‘ઈરફાન મને બચાવ.’ રોમિત રડી પડતાં બોલી ઊઠયો.

‘તું હાથ હલાવ નહિ.’ ઈરફાન બોલ્યો : ‘હું ચપ્પુ કાઢું છું !’ અને તેણે ચપ્પુનો હાથો પકડયો અને ચપ્પુ ખેંચી કાઢવાનો પ્રયત્ન કરવા માંડયો.

‘જલદી, જલદી કાઢ !’ રોમિત રડતાં-રડતાં પીડાથી બોલી ઊઠયો : ‘અઅઅઅ...આ...’

‘તું હલ નહિ !’ કરણે ગભરાટ પર કાબુ રાખતાં કહ્યું : ‘તું ઈરફાનને ચપ્પુ કાઢવા દે.’

‘રોમિત તું સીધો ઊભો રહે..’ નજીકમાં ઊભેલી લવલીએ પણ પરાણે હિંમત જાળવી રાખતાં ઉતાવળા અવાજમાં કહ્યું : ‘..નહિતર તને વધારે પીડા થશે.’

‘અઅઅઅ..ઓ....ઓ...!’

‘રોમિત ! જરાય હલ નહિ નહિતર આ નીકળશે નહિ.’ ઈરફાને કહ્યું, પણ ચપ્પુ નીકળતું નહોતું.

લવલીએ પણ ઈરફાનની સાથે ચપ્પુનો હાથો પકડયો અને ચપ્પુને ખેંચવાનો પ્રયત્ન કરતાં બોલી : ‘ઈરફાન, ખેંચ ! જોરથી ખેંચ !’ પણ ચપ્પુ નીકળતું નહોતું. ઝુઉઉઉઉઉ...!

રોમિતે ઉપર આકાશમાં જોયું. એ પ્રેત ઉપર ચકરાવા લેતું તેમની ઘણી નજીક આવી ગયું હતું.

‘ઈરફાન, જલદી !’ રોમિત પોક મૂકતાં બોલવા માંડયો : ‘એ આપણી ઉપર જ છે ! જલદી મને છોડાવ, ઈરફાન ! નહિતર એ મને લઈ જશે !’

-ઝુઉઉઉઉઉ...! એ પ્રેત તેમના માથાથી ફકત પંદર મીટર ઉપર ચકરાવા લઈ રહ્યું હતું !

‘હવે..હવે હું નહિ બચી શકું.’ રોમિતને સખત પીડા થતી હતી છતાંય તે પોતે પણ ઝાડ સાથે ચોંટેલો પોતાનો હાથ ઉખેડી કાઢવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં રડી રહ્યો હતો.

‘તું સીધો ઊભો રહે.’ લંગડાતો-લંગડાતો તેમની નજીક આવેલો જેકબ બોલ્યોઃ ‘લાવ મને કાઢવા દે !’ અને જેકબે એ ચપ્પુને ખેંચી કાઢવાનો પ્રયત્ન આદર્યો.

-ઝુઉઉઉઉઉ...!

હવે એ પ્રેત તેમના માથાની ઉપર-ફકત દસ મીટર ઉપર ચકરાવા લઈ રહ્યું હતું !

જેકબે વધુ જોર લગાવ્યું અને આ વખતે ચપ્પુ ખેંચાઈ આવ્યું.

‘ચપ્પુ નીકળી ગયું !’ ચીસ પાડતાં રોમિત આગળની તરફ એક પગલું દોડયો, એ જ પળે પેલું પ્રેત ગજબની ઝડપે રોમિતના માથા નજીક ઊતરી આવ્યું.

જેકબ, ઈરફાન, કરણ, સ્મિતા અને લવલી ચીસ પાડી ઊઠયાં.

ઝપ્‌ ! રોમિતને ગરદનમાંથી પકડીને પ્રેત પાછું આકાશમાં ઊડયું. પણ એની પાંખોનો સપાટો એટલો જોરદાર હતો કે, જેકબ, ઈરફાન, કરણ, સ્મિતા અને લવલી જમીન પર ફેંકાયા.

‘બચાવ...!’ પ્રેતના પંજામાં ખેંચાઈ જઈ રહેલા રોમિતની ચીસ ગુંજી. બધાંની સાથે જ તુરત જ ઊભી થઈ જતાં લવલી ‘રોમિત...! રોમિત...!’ના નામની ચીસો પાડતાં, રડતાં-કકળતાં, એ પ્રેતના પંજામાં પકડાયેલા અને આ- કાશમાં ઊડી જઈ રહેલા રોમિત તરફ જોઈ રહી : ‘રોમિત...! રોમિત...!’

ચોથી પળે જ એ પ્રેત આકાશના અંધારામાં રોમિત સાથે અદૃશ્ય થઈ ગયું !

લવલીની આંસુ સારી રહેલી આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ ! એનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું !

જેકબ, ઈરફાન, કરણ અને સ્મિતા પણ ડઘાયેલી હાલતમાં થોડી પળો સુધી અંધારા આકાશ તરફ જોઈ રહ્યાં, પછી જેકબ અને ઈરફાને એકબીજા સામે જોયું. ‘ચાલો, ભાગો !’ કહેતાં જેકબ ભાગ્યો. તેની સાથે સ્મિતા અને કરણ પણ દોડયો અને તેની પાછળ ઈરફાન પણ દોડી ગયો.

પણ જાણે લવલીના કાનમાં જેકબનો આ અવાજ પડયો ન હોય એમ લવલી ત્યાં જ ઊભી રહી. તેની નજર હજુ પણ અંધારા આકાશ તરફ તકાયેલી હતી. ‘રોમિતને એ પ્રેત લઈ ગયું હતું !’ લવલીના ઘુંટણમાંનું જોર ઓસરી ગયું હોય એમ એ જમીન પર ઘૂંટણિયે પડી. ‘હવે...હવે એ પ્રેત રોમિતને ખાઈ જશે !’ તે બન્ને હાથમાં ચહેરો છુપાવતાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. ‘હવે...હવે રોમિત કદી પાછો નહિ આવે !’

તે થોડીક પળો રડતી રહી, પછી અચાનક જ તેને પોતાના સાથીઓનો ખ્યાલ આવ્યો. તેણે ચહેરા પરથી હાથ ખસેડયા અને આસપાસમાં જોયું.

આસપાસમાં કોઈ નહોતું.

તેણે દૂર...દૂર સુધી નજર દોડાવી ! દૂર.દૂર સુધી તેનો કોઈ સાથી દેખાતો નહોતો ! દૂર..દૂર સુધી સન્નાટાભર્યુ મેદાન પથરાયેલું દેખાતું હતું !

તે પોતાના સાથીઓથી છૂટી પડી ગઈ હતી ! તે અત્યારે આ વિશાળ મેદાનમાં એકલી ને અટૂલી ઊભી હતી !!

તે થર-થર કાંપતાં અંધારા આકાશ તરફ જોઈ રહી !

(ક્રમશઃ)