Kaalchakra - 7 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | કાલચક્ર - 7

Featured Books
Categories
Share

કાલચક્ર - 7

( પ્રકરણ : સાત )

પ્રેતની વિશાળ પાંખોએ પલક-વારમાં જ અનૂજનો કમર સુધીનો ભાગ ચારે બાજુથી પોતાની ભીંસમાં લઈ લીધો અને તેને ઉપરની તરફ ખેંચ્યો, એટલે બસમાં ચીસાચીસ મચી ગઈ.

બીજા બધાંની સાથે જ રોમિત, ઈરફાન, જેકબ અને કરણના મગજ પણ આ દૃશ્ય જોઈને બહેર મારી ગયા, પણ પછી જેકબ અનૂજ તરફ ધસ્યો. તેણે પ્રેતની પાંખોમાં ભીંસાયેલા અનૂજનો ધડ નીચેનો જેટલો ભાગ દેખાતો હતો એને પકડી લીધો, એટલે ઈરફાન અને રોમિત પણ એ તરફ ધસી ગયા. આટલી વારમાં પ્રેતની પાંખો અનૂજનો કમર સુધીનો ભાગ બસની ઉપરની તરફ ખેંચી ચૂકી હતી અને જેકબ અનૂજના પગ પકડીને ખેંચી રહ્યો હતો. ઈરફાન અને રોમિતે પણ અનૂજના પગ પકડી લીધા. હવે ત્રણેયએ એકસાથે જ જોર લગાવ્યું અને એ સાથે જ અનૂજ પ્રેતની પાંખની પકડમાંથી છુટીને નીચે ખેંચાઈ આવ્યો. પણ... પણ અનૂજના ચહેરા તરફ નજર પડતાં જ ત્રણેય જણાં એકદમથી જ પાછળ હટી ગયાં.

અનૂજનું માથું...., અનૂજનું માથું....

..અનૂજનું માથું ગાયબ હતું !

-અનૂજનું માથું એ પ્રેતની પાંખો ખેંચી ગઈ હતી !

અનૂજના માથા વિનાની ગરદનમાંથી લોહીનો ફુવારો છુટી રહ્યો હતો અને એનું ધડ હવામાં આમતેમ હાથ ઉલાળી રહ્યું હતું !

આ ભયાનક દૃશ્ય જોતાં જ નતાશા બેહોશ થઈને સીટ પર ઢળી પડી. સ્મિતાને ચકકરની સાથે ઊબકો આવ્યો ને તે માથું પકડીને સીટ પર બેસી પડી. શિલ્પા પોક મૂકીને રડવા માંડી હતી. નેહા ચીસાચીસ કરવા માંડી હતી. તો લવલી ફાટેલી આંખે જોઈ રહી.

કરણ, અખિલ, મિલિન્દ, તેજસ અને મનજીત અવાચક બની ગયા હતા. યશની આંખોમાંથી આંસુ સરવા માંડયા હતા, અને એ રીતસરનો ધ્રુજતાં-ધ્રુજતાં માથા વિનાના અનૂજ તરફ જોઈ રહ્યો હતો.

અનૂજનું ધડ બે-પાંચ પળો સુધી આમ-તેમ થયું અને પછી ધબ્‌ કરતાં નીચે પડયું અને તરફડીને શાંત થઈ ગયું. અનૂજનો જીવ નીકળી ચૂકયો હતો.

હવે બસમાં સોપો પડી ગયો. જાણે આ બસમાં કોઈ હોય જ નહિ કે પછી બસમાં હતાં એ બધાંમાં જીવ જ ન હોય એમ એકદમ સન્નાટો છવાઈ ગયો.

‘એ...’ સન્નાટાને ચીરતો સ્મિતાનો અવાજ આવ્યો : ‘...એ ઉપર શું કરી રહ્યો છે ? !’

ઈરફાન, રોમિત અને જેકબે એકબીજા સામે જોયું. તેઓ કેવી રીતના કહી શકે કે એ પ્રેત ઉપર શું કરી રહ્યું હતું ? !

એ પ્રેતે જે રીતના પોતાની વિશાળ પાંખોમાં અનૂજને ભીંસીને એનું માથું ધડથી અલગ કરી નાંખ્યું હતું, એ જોતાં એ ત્રણેયની હિંમત જવાબ આપી રહી હતી. ત્રણેય પરાણે હિંમત ટકાવી રહ્યા હતા.

ત્રણેયએ બસની ફાટેલી છતની ઉપર નજર નાંખી. તેમને ઉપર એ પ્રેત ઊભેલું દેખાયું.

પ્રેતે પોતાના બન્ને હાથથી ગળા પર રહેલો પોતાનો અડધો ચહેરો પકડયો અને એને ખેંચવા માંડયો.

ઈરફાન, રોમિત અને જેકબ ત્રણેય વધુ ઝડપે ધબકવા માંડેલા હૃદય સાથે જોઈ રહ્યા. અને..અને પ્રેતે પોતાનો એ અડધો ચહેરો ગળા પાસેના ભાગમાંથી ખેંચી કાઢયો.

‘..એ પ્રેતે પોતાનો અડધો ચહેરો ગળામાંથી તોડી નાંખ્યો !’ જેકબના મોઢેથી વાકય સરી પડયું, એ જ પળે એ પ્રેતે ફેંકેલો પોતાનો અડધો ચહેરો બસની બહાર, સડક પર પડતો દેખાયો. સ્મિતાની નજર એ તરફ ગઈ ને એના મોઢેથી ચીસ નીકળી ગઈ. તેણે થરથર કાંપતાં-જેકબની વધુ નજીક સરતાં જેકબનો હાથ પકડી લીધો.

જેકબ પોતે ઈરફાન અને રોમિત સાથે અધ્ધર જીવે બસની છત ઉપર રહેલા એ પ્રેત તરફ જોઈ રહ્યો હતો. એ પ્રેત પોતાનું અડધું માથું ગરદન પરથી ખેંચી કાઢીને જેમનું તેમ ઊભું હતું. તેની મોટી પાંખો ફેલાયેલી હતી. તેના પેટની અંદરથી કોઈક વસ્તુ છાતી તરફ આગળ વધી રહી હતી. એ વસ્તુ તેની છાતીમાં થઈને ગળા સુધી પહોંચી અને ગળામાંથી ધીરે-ધીરે બહાર નીકળવા માંડી.

જેકબ, ઈરફાન અને રોમિત ત્રણેય ફાટેલી આંખે જોઈ રહ્યા.

એ વસ્તુ આખી બહાર નીકળી અને પ્રેતની ગરદનમાં બરાબર ફીટ થઈ ગઈ. રોમિતના મોઢામાંથી આશ્ચર્ય, આઘાત અને આંચકાભર્યા શબ્દો સરી પડયા :

‘આ...આ હું શું જોઈ રહ્યો છું ? !’ ‘શું થયું ?’ લવલીએ પૂછયું.

‘અનૂજનો ચહેરો...’ ઈરફાન એ પ્રેત તરફ જોઈ રહેતાં ધીમા અવાજે બોલ્યો

ઃ ‘...અનૂજનો ચહેરો એ પ્રેતની ગરદન પર સેટ થઈ ગયો છે !’ સાંભળતાં જ લવલીએ સહેજ આગળ આવીને અધ્ધર નજર નાંખી.

છત પર પ્રેત ઊભું હતું ! પ્રેતના શરીરમાં અનૂજનો ચહેરો લાગેલો હતો !! જાણે ઉપર અનૂજ ઊભો હતો !!!

અનૂજના ચહેરાવાળા એ પ્રેતે ઈરફાન, રોમિત અને જેકબ તેમજ લવલી પર એક કાતિલ નજર નાંખી અને પોતાની બન્ને પાંખો ફેલાવી-ફફડાવી અને પછી ચામાચીડિયાની જેમ આકાશમાં ઊડી ગયું, પલક વારમાં જ દેખાતું બંધ થઈ ગયું !

ઈરફાન, રોમિત અને જેકબ થોડીક પળો સુધી ખાલી-અંધારા આકાશ તરફ જોઈ રહ્યા.

લવલી એ જ રીતના ઊભી રહી.

તો રોમિત દરવાજા તરફ આગળ વધ્યો. તેણે દરવાજાને ધકકો માર્યો અને તેના આશ્ચર્ય અને આનંદ વચ્ચે આ વખતે તુરત જ દરવાજો ખુલી ગયો.

‘આપણે..!’ રોમિત બોલી ઊઠયો : ‘...આપણે આ સામેના ફાર્મ હાઉસ પર જતા રહીએ.’

‘એ લોકો...’ યશ આંખોમાંના આંસુઓ લુંછતાં બોલી ઊઠયો : ‘...એ હાઈવે પોલીસવાળા આપણી મદદે આવતા જ હશે !’

‘...આ રસ્તો લાંબો છે.’ રોમિત બોલ્યો : ‘જો એ લોકોને આવવામાં મોડું થયું કે એ લોકો ખોટા રસ્તે ચઢી ગયા તો ?!’

‘...એમણે વાયદો કર્યો છે,’ યશ આશાભેર બોલ્યો : ‘તેઓ જરૂર આપણી મદદે આવશે !’

‘તમારા ત્રણેયની સાથે કયાર સુધી અમે બધાં પણ બસમાં એ હૈવાનના પાછા ફરવાની અને એનો શિકાર બની જવાની વાટ જોઈશું ?’

‘...અમારા ત્રણેયની સાથે એટલે..?’ યશે પૂછયું : ‘..એટલે તું કહેવા શું માંગે છે ?’

‘સચ્ચાઈનો સામનો કર, યશ !’ રોમિત બોલ્યો : ‘આ બસમાં હવે ૧૪ જણાં બાકી રહ્યાં છે. આમાંથી એ પ્રેતે ત્રણને પસંદ કર્યા છે. એક તો અનૂજ, જેની લાશ અહીં પડી છે. બીજો તું જેને અમે એ પ્રેતના હાથમાંથી માંડ-માંડ છોડાવ્યો, અને ત્રીજો આ જેકબ !’

‘તું મારું નામ કેમ લઈ રહ્યો છે, રોમિત ? !’ જેકબ ગુસ્સાથી ચિલ્લાઈ ઊઠયો.

‘એ પ્રેતે તને જોઈને પોતાની જીભ બહાર કાઢી હતી અને લાળ ટપકાવી હતી !’

‘કોણ જીવશે અને કોણ મરશે એનો ફેંસલો કરનાર તું કોણ છે, રોમિત ? !’ જેકબ કંઈ કહે એ પહેલાં જ બાજુમાં બેઠેલી સ્મિતા ગુસ્સાભેર બોલી ગઈ : ‘તેં એ કેવી રીતના જાણી લીધું કે, એ પ્રેત હવે કોને પસંદ કરશે ? બોલ.., બતાવ !’ ‘લવલીએ કહેલું કે..., એ જેને પસંદ કરે છે, એને લઈ જાય છે.’ રોમિતે કહ્યું, એટલે લવલી રોમિત પર ગુસ્સે થઈ ઊઠી : ‘તું મને આ ખોટા વાદ-વિવાદમાં ન ઘસડ.’

‘લવલીએ તો એમ પણ કહેલું કે, આજે એ પ્રેતની છેલ્લી રાત છે, અને કાલ સવારે તો એ ચાલ્યો જશે, રોમિત !’ ઈરફાન બોલ્યો, એટલે રોમિતે પાછું લવલી સામે જોયું : ‘લવલી ! તો હવે તું જ કહે, શું સવાર સુધી આપણે એનાથી બચી શકીશું ? !’

લવલી ચુપચાપ રોમિત સામે જોઈ રહી.

‘લવલી !’ રોમિતે પૂછયું : ‘એની પાસે આજે છેલ્લી રાત બચી છે, એ આપણાંમાંથી કોઈનેય જીવતા નહિ છોડે, ખરું ને ?!’

બસમાં ટાંકણી પડે તોય અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. બધાં લવલી તરફ જોઈ રહ્યાં.

‘બોલ, લવલી...!’ રોમિતે લવલી સામે તાકી રહેતાં અધીરા અવાજે પૂછયું ‘...મારું કહેવું સાચું છે ને ? બોલ !’

‘હા !’ લવલીએ એક શબ્દમાં જવાબ આપ્યો. બધાંના જીવ વલોવાયાં. ‘રોમિત !’ જેકબ રોષભેર બોલી ઊઠયો : ‘તું આવી બધી વાતો કરીને અમને બસમાંથી ઉતારવા તો નથી માંગતો ને ?’

‘તું ઉતરીને શું કરીશ ?’ રોમિતે કહ્યું : ‘એણે તો તને પહેલાંથી જ પસંદ કરી લીધો છે.’

‘બકવાસ બંધ કર, રોમિત !’ ઈરફાન છંછેડાઈ ઊઠયો.

‘અહીં કોઈ પણ સલામત નથી.’ રોમિતે જેકબ સામે જોઈ રહેતાં બકવાસ ચાલુ રાખી : ‘એ પ્રેતે તને જોઈને પોતાની ભૂખી જીભ બહાર કાઢી હતી ?’

‘રોમિત !’ જેકબની બાજુમાં ઊભેલી સ્મિતા ધુંધવાઈ ઊઠી : ‘આખરે… આખરે તું ઈચ્છે છે શું ? !’

‘હું..,’ રોમિત બોલ્યો : ‘હું જીવતો રહેવા માંગું છું.’

‘...તો શું અમે બધાં મરવા માંગીએ છીએ ? !’ સ્મિતા ચિલ્લાઈ.

‘આપણે બધાં...’ રોમિતે તેની તરફ તાકી રહેલાં બધાં પર પોતાની ભયભરી નજર ફેરવતાં બોલવાનું ચાલુ રાખ્યું : ‘..આપણે બધાં એ આદમખોર પ્રેતનો ખોરાક બની ચૂકયા છીએ.’ રોમિતે સ્મિતાના ચહેરા પર નજર જમાવી : ‘આપણે બધાંએ એ પ્રેતથી બચવાનું છે. આપણાંમાંથી સહુને પોતાની જિંદગી પ્યારી છે, પણ શું આપણે બધાં આ બસમાં સલામત છીએ ?’ અને રોમિતે ફરી બધાં પર નજર ફેરવી : ‘કોણ એ આદમખોરનો ખોરાક બનવા માંગે છે ?’

બધાં મૂંગા મોઢે-ભયભર્યા ચહેરે રોમિત તરફ જોઈ રહ્યાં. કોણ, શું બોલે ?! ‘..હાથ ઉઠાવો, તમારો હાથ અધ્ધર કરો !’ રોમિત જાણે પાગલ થઈ ગયો

હતો : ‘આ છેલ્લી રાત છે. જરા વિચારો !’ બધાં એ જ રીતના રોમિત તરફ તાકી રહ્યાં.

‘જોયું,’ રોમિતે જેકબ તરફ જોયું : ‘આ બધાં પણ ઈચ્છે છે કે, તું અને યશ બસમાંથી ઊતરી જાવ.’

‘...તારી તો !’ કહેતાં જેકબે રોમિતની બોચી પકડીને એને પાછળની તરફ ધકેલ્યો. રોમિતની પીઠમાં સીટ વાગી. ‘કોઈ બસની નીચે નહિ ઉતરે !’ જેકબ એ જ રીતના રોમિતની બોચી પકડેલી રાખતાં બોલ્યો : ‘એ પ્રેતે તને પણ જોયો છે, રોમિત ! તુંય એના ખૂની પંજાથી નહિ બચી શકે. એ હસી રહ્યો હતો. એ તને જોઈને હસી રહ્યો હતો. શું તું એનાથી બચી શકીશ ? !’

રોમિત ફફડતા જીવે જેકબ તરફ જોઈ રહ્યો.

જેકબે પોતાનો મનનો ધુંધવાટ ઠાલવ્યો : ‘રોમિત ! દરેકને પોતાની જિંદગી એટલી જ પ્યારી છે, જેટલી તને છે. પોતાની ભૂખ મિટાવવા એ આદમખોર પ્રેત કોઈને પણ ખાશે. હું ઈચ્છું છું કે, એ આદમખોર પ્રેત સહુ પહેલાં તને અહીંથી

લઈ જાય.’ અને જેકબે રોમિતની બોચી છોડી દીધી. કોલર સરખો કરતાં રોમિત સીધો થયો.

‘ઈરફાન !’ જેકબે ઈરફાન સામે જોયું : ‘પહેલાં હું બસની નીચે ઊતરું છું અને સામે ફાર્મ હાઉસ પર જાઉં છું.’

‘હું તારી સાથે જ આવું છું.’ ઈરફાન બોલી ઊઠયો.

‘હું પણ તો તારી સાથે જ આવું છું.’ સ્મિતા પણ જેકબનો હાથ પકડતાં બોલી. ‘હું પણ તો તારી સાથે જ રહીશ, જેકબ !’ રોમિત તરફ તુચ્છકારભરી નજર નાંખતાં નેહાએ કહ્યું.

‘રોમિત !’ જેકબે રોમિત તરફ જોતાં કહ્યું : ‘તારે આ બસમાં રહેવું છે, તો તું ખુશીથી બસમાં રહે. એ પ્રેતે જેને લઈ જવો હશે એને લઈ જશે.’ અને જેકબ દરવાજા પાસેના પગથિયા ઊતર્યો.

‘સૉરી, જેકબ !’ રોમિત બોલી ઊઠયો : ‘મને માફ કરી દે.’

‘હવે એ પ્રેત પાસે જ માફી માંગજે.’ જેકબની પાછળ બસની નીચે ઉતરી ચુકેલી સ્મિતા પાછળ ઊતરતાં ઈરફાને કહ્યું.

‘આ..આ તમે શું કરી રહ્યા છો, દોસ્તો !’ યશ બોલી ઊઠયો, ‘તમે કેમ બધાં એકબીજાથી અલગ થઈ રહ્યા છો ?! પોલીસ આપણી મદદ માટે આવી તો રહી છે..., આપણે બચી જઈશું. પોલીસ આપણને બચાવી લેશે. તમે આમ એકબીજાથી છૂટા ન પડો !’

‘આ બસ મોતનો કૂવો છે, યશ ! તું જરાક દિમાગથી કામ લે !’ નેહાની પાછળ-પાછળ બસ બહાર નીકળી રહેલા કરણે કહ્યું.

પળવારના વિચાર પછી યશ પણ ડરતો-ગભરાતો બસની નીચે ઊતરી ગયો. યશની પાછળ મિલિન્દ, તેજસ અને શિલ્પા પણ ઉતર્યા, અને લવલી પણ એમની પાછળ-પાછળ બસની બહાર નીકળવા ગઈ, એટલે રોમિતે પૂછયું : ‘તું પણ જાય છે, લવલી ? !’

‘તારે...તારે એમને બસની નીચે ઉતરી જતાં રોકવા જોઈતા હતાં.’ લવલી બોલી : ‘આપણે નથી જાણતા કે, એ પ્રેત કોને લઈ જશે. આમ તો એણે આપણને બધાંયને જોયા છે !’ અને લવલી દરવાજા તરફ આગળ વધી જવા ગઈ, ત્યાં જ રોમિતે એનો હાથ પકડી લીધો.

‘રોમિત મને જવા દે !’ લવલી ગુસ્સાભેર બોલી. ‘હું તને નહિ જવા દઉં !’ રોમિત બોલી ઊઠયો.

‘..હું જઈશ !’ અને લવલીએ એક ઝાટકા સાથે રોમિતની પકડમાંથી પોતાનો હાથ છોડાવ્યો અને બસની નીચે ઊતરી ગઈ.

રોમિત પણ લવલીની પાછળ-પાછળ બસની નીચે ઊતર્યો.

તે બસની આગળ પથરાયેલી સડક પર ચાલી જઈ રહેલા બીજા સાથીઓ પાછળ ચાલવા માંડેલી લવલી પાછળ દોડયો.

ત્યારે થોડાંક મીટર ઉપર, અંધારા આકાશમાં પેલું પ્રેત ગોળ-ગોળ ચકરાવા લઈ રહ્યું હતું ! એને બસ અને બસની બહાર નીકળી ગયેલા આ યુવાન અને યુવતીઓ દેખાઈ રહ્યાં હતાં, અને લવલી પાછળ આગળ વધી રહેલા રોમિતનો અવાજ પણ સંંભળાઈ રહ્યો હતો : ‘લવલી ! તું મને છોડીને જાય છે, લવલી ?!’ ઝુઉઉઉઉ ! કરતાં પ્રેતે જાણે હવામાં ડૂૂબકી મારી અને પલકવારમાં એ બાર-પંદર મીટર નીચે ઉતર્યું અને પાછું ગોળ-ગોળ ઘુમરાવા માંડયું.

‘તને..તને કોઈની ચિંતા નથી. તું સ્વાર્થી છે.’ લવલી પોતાના સાથીઓ પાછળ આગળ વધતાં, તેની સાથે ચાલી રહેલા રોમિત પર ગુસ્સો ઠાલવી રહી હતી : ‘તું ફકત તારી જાત માટે જ વિચારે છે !’

ઝુુઉઉઉઉ ! પોતાની મોટી પાંખો વિંઝતા પ્રેતે હવામાં બીજા દસ-બાર મીટરની ડૂબકી લગાવી અને લવલી તેમજ તેના સાથીઓની વધુ નજીક આવ્યું.

‘...આજે તારી અસલિયત સામે આવી ગઈ, રોમિત ! તું તારા સ્વાર્થ માટે કોઈની પણ જિંદગી દાવ પર લગાવી શકે છે.’ લવલીએ રોમિતને પોતાની નજીકથી દૂર કરવા માટે ધકકો માર્યો : ‘એ હૈવાન વારંવાર અહીં આવે છે. કારણ કે, આપણે.... આપણે એનાથી ડરીએ છીએ.’

ઝુઉઉઉઉ...!

પ્રેત બીજા દસ-બાર મીટર નીચે ઉતર્યું અને આ વખતે, સડક પર બધાંની સાથે ચાલી રહેલા તેજસને આ અવાજ સંભળાઈ ગયો. તેણે ઊભા રહી જતાં આકાશમાં જોયું અને તેનો જીવ ગળે આવી ગયો : ‘એેય..., જુઓ...!’ તે આકાશ તરફ આંગળી ચિંધતાં બોલી ઊઠયો : ‘જ..જ..જુઓ !’

બધાંએ એકદમથી જ ઊભા રહી જતાં, આકાશમાં જે તરફ તેજસ આંગળી ચિંધીને જોઈ રહ્યો હતો એ તરફ ચહેરો ઊઠાવીને જોયું !

-આકાશમાં ચંદ્ર દેખાતો હતો ! એ ચંદ્રની આગળ એ પ્રેત દેખાતું હતું ! !

-અત્યારે એ પ્રેત રાક્ષસી ચામાચીડિયાની જેમ પોતાની વિશાળ પાંખો વિંઝતું, ઝડપભેર તેમની તરફ જ ઊતરી આવી રહ્યું હતું !

(ક્રમશઃ)