( પ્રકરણ : ત્રણ )
યશને પોતાની પીઠ પાછળથી ફડ-ફડ-ફડનો અવાજ સંભળાયો, એ સાથે જ તેના મોઢેથી ચીસ નીકળી ગઈ અને તેણે પાછળ વળીને જોયું, તો ફડ-ફડ-ફડની પાંખોના અવાજ સાથે અને ક્રાં-ક્રાં-ક્રાં...ની બૂમાબૂમ સાથે કાગડાંનું ટોળું હવામાં ઊડયું.
યશ ચહેરો અધ્ધર કરીને આકાશમાં ઊડી જઈ રહેલા કાગડાંના ટોળાંને જોઈ રહ્યો, ત્યાં જ ઈમરાન, અખિલ અને કરણ તેની નજીક આવી પહોંચ્યા.
‘...તેં ચીસ કેમ પાડી ?’ કરણે પૂછયું,
તો ઈમરાન હસીને બોલ્યો : ‘...કાગડાંના ટોળાથી ડરી ગયો ને, યશ ?’
યશે આકાશ પરથી નજર પાછી વાળીને ઈમરાન તરફ જોયું પણ કંઈ જવાબ આપ્યો નહિ. ત્યાં જ બસ પાસેથી આલ્બર્ટ સરનો અવાજ સંભળાયો : ‘..શું થયું ?’
‘કંઈ નહિ, સર !’ અખિલે હસી પડતાં જવાબ આપ્યો : ‘યશ કાગડાંના ટોળાંથી ડરી ગયો.’
તેના આ જવાબથી બસમાં બેઠેલાંઓના અધ્ધર થયેલાં જીવ હેઠાં બેઠાં. ‘ચાલો, જલ્દી આવો, હવે બસ ઊપાડીએ છીએ.’ આલ્બર્ટ સરનો અવાજ સંભળાયો, એટલે યશ ઝડપી પગલે કરણ, ઈમરાન અને અખિલ સાથે બસ તરફ આગળ વધ્યો, અને ત્યારે યશના મગજમાં વિચાર ચાલી રહ્યો હતો : ‘ફડ-ફડ- ફડનો અવાજ તો કાગડાંના ટોળાંનો હતો, પણ તેના માથા ઉપરથી જાણે કોઈ પસાર થઈ ગયું હોય એવો બે વખત ઝુઉઉઉનો જે અવાજ સંભળાયો હતો, એ શાનો હતો ? !’
‘...તેં તો અમને બધાંને ગભરાવી જ નાંખ્યા.’ વિચારોમાં જ યશ બસમાં ચઢયો, એટલે તેના કાને નેહાનો અવાજ પડયો.
તે ચુપચાપ નેહાની બાજુની સીટ પર ગોઠવાયો, એટલે પાછલી સીટ પર બેઠેલા અનૂજે તેની ખિલ્લી ઊડાવી : ‘આમ તો યશરાજા સુપરમેન થઈને ફરે છે, અને અત્યારે ભાઈએ ડરીને એવી ચીસચીસ કરી મૂકી જાણે કાગડાંનું ટોળું નહિ, પણ ભૂતાવળ ન જોઈ હોય !’
સાંભળીને બધાં હસી પડયાં. યશે ચુપકીદી જાળવી રાખી.
રહેમાને બસ ચાલુ કરી. પાંચ ટાયર પર બસ ધીરે-ધીરે મુંબઈ તરફના મેઈન હાઈવે પર પહોંચવા માટે આગળ વધી, ત્યારે સાંજના સવા છ વાગ્યા હતા.
૦ ૦ ૦
ઓમકારના ખેતરમાં અત્યારે એમનો પાળેલો કૂતરો કાળિયો આમથી તેમ આંટા મારી રહ્યો હતો. ઘરની બહાર ચંદર ટાટા મોબાઈલ રિપેર કરી રહ્યો હતો. જ્યારે ઓમકાર નજીકમાં જ ભઠ્ઠી પર લોખંડનો સળિયો તપાવી રહ્યો હતો,
અને હથોડો ફટકારીને એને ઘાટ આપી રહ્યો હતો.
તે લાંબા સળિયાની આગળ ત્રિશૂલ બનાવી રહ્યો હતો !
તેના ચહેરા પર નંદુને ચાડિયો પોતાની સાથે ઉડાવીને લઈ ગયો એનું દુઃખ તરવરતું હતું, તો સાથે જ તેના ચહેરા પર અફસોસ પણ વર્તાતો હતો. તેને ખબર હતી કે, તેના નંદુને આ રીતના કોણ અને શા માટે ઊડાવી ગયું હતું ! અત્યારે તે એનો સામનો કરવા માટે જ લાંબા સળિયાવાળા ત્રિશૂલ તૈયાર કરી રહ્યો હતો !
એક ત્રિશૂલ તૈયાર થઈ ગયું એટલે તેણે બીજું લાંબા સળિયાવાળું ત્રિશૂલ બનાવવાની શરૂઆત કરી,
ત્યારે ઘરની અંદર, પેલું ચંદરને ખેતરમાંથી મળી આવેલું, ખોપરી અને લાશો કોતરાયેલા હાથાવાળું ચપ્પુ એ જ રીતના રૂમની દીવાલ પર ચોંટેલું જ હતું.
થોડીક વાર પહેલાં ઓમકાર એ ચપ્પુ જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ એ ચપ્પુ તેના હાથમાંથી છુટીને સામેની એ દીવાલ પર ખૂંપી ગયું હતું.
ઓમકાર અને ચંદર આ ઘટનાથી ડઘાઈ ગયાં હતાં. ચંદરની એ ચપ્પુને ફરીવાર હાથ લગાવવાની હિંમત નહોતી, તો ઓમકારે એ ચપ્પુને ફરીવાર હાથ લગાવવાનું ટાળ્યું હતું.
અને એટલે એ ચપ્પુ એ જ રીતના દીવાલ પર ખૂંપેલું જ હતું.
અત્યારે અચાનક અંધારામાંથી એક હાથ આગળ આવ્યો અને એ હાથે દીવાલ પરનું એ ચપ્પુ ખેંચી કાઢયું !
૦ ૦ ૦
સાંજ ઢળી ચૂકી હતી. રાતનું અંધારું ચારે બાજુ ઊતરી રહ્યું હતું.
પાછળના એક ટાયરમાં પંકચર પડયું હોવાને કારણે, ‘વિલ્સન કૉલેજ’ની બસ પાંચ ટાયર પર ખૂબ જ ધીમી ઝડપે રસ્તો કાપી રહી હતી. હજુ મેઈન હાઈવે આઠ કિલોમીટર દૂર હતો. બસની હેડલાઈટના અજવાળામાં દેખાઈ રહેલો રસ્તો સન્નાટાને કારણે ભયાનક ભાસતો હતો.
‘ઝપ્’ના અવાજ સાથે અચાનક જ હેડલાઈટ બંધ થઈ ગઈ. સામે રસ્તા પર અંધારું છવાઈ ગયું !
‘શું થયું ?’ આગળની સીટ પર બાજુ-બાજુમાં બેઠેલા આલ્બર્ટ સર અને બેલા ટીચરે એકસાથે જ પૂછયું.
‘હેડ લાઈટનો બલ્બ ઊડી ગયો લાગે છે !’ સ્વિચને બે-ત્રણ વખત ચાલુ બંધ કરવા છતાં હેડ લાઈટ ચાલુ ન થઈ, એટલે ડ્રાઈવર રહેમાને કહ્યું : ‘બહાર ચંદ્રનુ અજવાળું છે, પણ મને રસ્તો બરાબર દેખાતો નથી. આવામાં બસ ચલાવવામાં જોખમ છે.’ કહેતાં રહેમાન બસ ઊભી રાખવા ગયો, ત્યાં જ ઈરફાન હાથમાં ટોર્ચ સાથે આગળ આવ્યો : ‘બસ ઊભી ન રાખ. ટોર્ચના અજવાળામાં આગળ વધવા દે.’ અને તેણે પોતાની પાસેની ટોર્ચનું અજવાળું આગળ સડક પર રેલાવ્યું. તેજસ પણ પોતાની પાસેની ટોર્ચ સાથે આગળ આવ્યો અને ટોર્ચનું અજવાળું રસ્તા પર ફેંકયું.
‘હં, હવે વાંધો નહિ આવે !’ કહેતાં રહેમાને ટોર્ચના અજવાળામાં બસ આગળ ચલાવે રાખી.
બસના એન્જિનના અવાજ સિવાય અત્યારે બધાં વચ્ચે ખામોશી છવાયેલી હતી. અત્યાર સુધી તેમને રસ્તા પર એક પણ વાહન આવતું-જતું દેખાયું નહોતું. જમણી બાજુની વચ્ચેની, રોમિતની બાજુની, બારી પાસેની સીટ પર લવલી બંધ આંખે બેઠી હતી. અત્યારે તે ઊંઘમાં સરી અને એ સાથે જ તેની બંધ આંખો સામે સાંજનું દૃશ્ય તરવરી ઊઠયું.
તે બસની બારી પાસેની સીટ પર બેઠી હતી. બસ આગળ વધી રહી હતી. તે બસ બહારના ખેતરોને જોઈ રહી હતી. બસ સહેજ આગળ વધી, ત્યાં જ તેને ખેતરના પાક પાસે એક વીસેક વરસનો પીળું ટી-શર્ટ પહેરેલો યુવાન ઊભેલો દેખાયો. એ યુવાનના કપાળમાં ઘા હતો. એનો ડાબો હાથ કપાયેલો હતો અને એમાંથી લોહી નીકળી રહ્યું હતું. એ યુવાન તેની તરફ જ જોઈ રહ્યો હતો, અને તેને ખેતરની અંદરની તરફ આંગળી ચિંધીને કંઈક કહી રહ્યો હતો. પણ એ શું કહી રહ્યો હતો એ તેને સંભળાયું નહિ.
બસ એ યુવાન પાસેથી પસાર થઈને આગળ વધી ગઈ. એ યુવાન દેખાતો બંધ થયો અને તુરત જ આગળનું બીજું ખેતર દેખાયું. એ ખેતર પાસે પણ, હજુ હમણાં જ પાછળની બાજુએ પસાર થઈ ગયેલા ખેતર પાસે દેખાયેલો પેલો જ પીળા ટી-શર્ટવાળો યુવાન ઊભેલો દેખાયો. લવલી ચોંકી. પાછળના ખેતર પાસે રહી ગયેલો આ યુવાન ફરી આગળ કેવી રીતના દેખાયો ? અને ફરીવાર દેખાયેલો એ યુવાન અત્યારે મોઢું ફાડી-ફાડીને તેને કંઈક કહી રહ્યો હતો, અને સાથોસાથ આંગળી ચિંધીને ખેતરમાં તેને કંઈક બતાવી પણ રહ્યો હતો. પણ આ વખતેય એ શું કહી રહ્યો હતો, એ તેને સંભળાયું-સમજાયું નહિ.
લવલીએ એ યુવાન જે તરફ આંગળી ચિંધી રહ્યો હતો, એ તરફ જોયું, પણ ખેતરમાંના ઊંચા-ઊંચા પાક સિવાય તેને કંઈ દેખાયું નહિ.
તેણે ફરી એ યુવાન તરફ જોયું અને આ વખતે તેનું ધ્યાન એ યુવાનના પેટ તરફ ગયું. એ યુવાનના પેટમાં મોટો ઘા હતો અને એમાંથી લોહી નીકળી રહ્યું હતું. એ યુવાન પાસેથી બસ પસાર થઈ ગઈ અને આગળ વધી ગઈ.
લવલી એ યુવાન વિશે કંઈક વિચારે, ત્યાં જ તુરત જ બીજું ખેતર દેખાયું અને એ ખેતર પાસે એક બારેક વરસનો લોહી-લુહાણ હાલતવાળો છોકરો ઊભેલો દેખાયો.
-એ નંદુ હતો ! ઓમકારનો દીકરો નંદુ જેને પેલો ભયાનક ચાડિયો હવામાં ઊડાવી ગયો હતો !
લોહીથી લથબથ નંદુ મોટા અવાજે કંઈક કહી રહ્યો હતો, પણ લવલીને કંઈ સંભળાતું નહોતું. નંદુ પણ ખેતર તરફ આંગળી ચિંધી રહ્યો હતો.
નંદુએ આંગળી ચિંધી હતી એ તરફ લવલીએ જોયું અને આ વખતે તેને થોડેક દૂર કંઈક દેખાયું. તેણે ધ્યાનથી જોયું તો ખેતરના પાક વચ્ચેથી માથે મોટી કાળી કૅપ પહેરેલો, કોઈ ભયાનક ચહેરાવાળો માણસ આ સડક તરફ દોડતો આવી રહ્યો હતો. એ ભયાનક માણસે દોડતાં-દોડતાં જ પોતાના હાથમાંની કોઈ વસ્તુ બસ તરફ ફેંકી. એ વસ્તુ સીધી જ બસના ટાયરમાં આવીને ઘૂસી અને એ જ વખતે જોરદાર ધડાકો થયો.
ભડામ્ !
અને એ સાથે જ લવલીની આંખો ખૂલી ગઈ અને તેણે જોયું તો બસમાં ચીસ- ાચીસ થઈ રહી હતી અને બસ કાબૂ ગુમાવી રહી હતી.
‘...ફરી શું થયું ?’ પહેલી સીટ પર બેઠેલી બેલા ટીચરના મોઢેથી વાકય સરી પડયું.
‘...રહેમાન બ્રેક માર !’ બેલા ટીચરની બાજુમાં બેઠેલા આલ્બર્ટ સરે બૂમ પાડી. રહેમાને બસને સમજદારીપૂવર્ક કન્ટ્રોલ કરીને ઊભી રાખી દીધી, નહિંતર બસ બાજુના કાચા રસ્તા પર ગબડી ગયા વગર રહેત નહિ.
‘કમાલ છે !’ ડ્રાઈવર રહેમાન બોલ્યો : ‘બીજા ટાયરનું પંકચર પડયું લાગે લવલીને આ સાંભળીને નવાઈ લાગી. તેને સપનું આવ્યું હતું. એ સપનામાં તેને એક કાળી કેપવાળો ભયાનક માણસ દેખાયો હતો. એ માણસે કોઈક વસ્તુ બસના ટાયર તરફ ફેંકી હતી. એ વસ્તુથી ટાયર ફાટયું હતું ને મોટો અવાજ સંભળાયો હતો, અને એ જ પળે તે સપનામાંથી બહાર ખેંચાઈ આવી હતી, તો હકીકતમાં જ અત્યારે બસમાં પંકચર પડયું હતું ! આ..આ કેટલી વિચિત્ર વાત હતી ? !
‘આ બધું શું બની રહ્યું છે, એ કંઈ સમજાતું નથી.’ બસમાં આગળ હાથમાં ટોર્ચ સાથે ઊભેલા ઈમરાને હાથમાંની ટોર્ચ બંધ કરતાં કહ્યું.
‘હા, યાર !’ તેની બાજુમા ટોર્ચ સાથે ઊભેલા તેજસે પણ ટોર્ચ ઑફ કરતાં તેનો સાથ પુરાવ્યો.
ત્યાં જ બધાં પોત-પોતાની સીટ પરથી ઊભાં થવા માંડયા. ‘કોઈપણ પોતાની જગ્યાએથી ઊભું ન થાય !’ બેલા ટીચરે કહ્યું. બધાં પાછા બેસી ગયાં.
આલ્બર્ટ સરે સીટ નીચેથી પતરાની પેટી બહાર કાઢી અને એને ખોલી, એમાંથી તેમણે દરિયામાં બીજાનું ધ્યાન ખેંચવા માટે સળગાવવામાં આવતા છ ફટાકડા કાઢયા. ‘તમે દરિયાઈ ફટાકડા લાવ્યા છો !’ બેલા ટીચરે કહ્યું : ‘શું તમને એમ લાગે છે કે, આપણે દરિયામાં સફર કરી રહ્યા છીએ ? !’
‘તમે મારી મજાક ઉડાવી રહ્યાં છો, પણ..,’ આલ્બર્ટ સરે કહ્યું : ‘..મને આ બધી વસ્તુઓ અગાઉની પિકનિકોમાં, આવા સંજોગોમાં ઘણી ઉપયોગી થઈ પડી છે !’
‘...પણ, સર !’ નજીકમાં જ જેકબની બાજુમાં બેઠેલી સ્મિતા બોલી : ‘બહાર આ ફટાકડા સળગાવીને શું ફાયદો ? !’
‘બહાર અંધારું છે !’ આલ્બર્ટ સરે કહ્યું : ‘આ ફટાકડા સળગાવીશું એટલે આ- સપાસમાં અજવાળું રહેશે અને આના કારણે ભૂલેચૂકેય જંગલી પ્રાણી પણ નજીક નહિ ફરકે !’ અને આટલું કહેતાં જ આલ્બર્ટ સરે બાજુની સીટ પર બેઠેલા યશને કહ્યું : ‘યશ ! તું મદદ માટે હાઈવે પોલીસને મોબાઈલ લગાવી જો.’
યશ મોબાઈલ લગાવવા લાગ્યો, તો બેલા ટીચર પણ નીચે ઊતરી.
આલ્બર્ટ સર બસની આગળ પથરાયેલી લાંબી-કાળી સડક પર ફટાકડા સળગાવીને મૂકવા માટે આગળ વધી ગયા.
બેલા ટીચર પાછળના ટાયર તરફ આગળ વધી, તો ઈરફાન અને તેજસની પાછળ-પાછળ બીજા બધાં પણ નીચે ઉતરવા માંડયાં.
લવલી પણ બધાંની સાથે મનમાં મૂંઝવણ અનુભવતી નીચે ઉતરી.
‘બધાં અહીં સડકની બાજુમાં જ અને એકસાથે જ ઊભા રહેજો.’ કહેતાં ડ્રાઈવર રહેમાન પાછળના ટાયર પાસે બેઠેલી બેલા ટીચર પાસે પહોંચ્યો.
બેલા ટીચરે સાચવીને એ બીજા ટાયરમાં ખુંપેલી વસ્તુને ખેંચી કાઢી. એ વસ્તુને જોતાં જ રહેમાને આંચકો અનુભવ્યો.
ત્યાં જ નજીકમાં જ ઊભેલી લવલી સાથે રોમિત તેમ જ બીજાં વિદ્યાર્થીઓ પણ નજીક આવવા માંડયા, તો બેલા ટીચરે એમને કડક અવાજમાં કહ્યું : ‘તમે બધાં દૂર જ ઊભા રહો, જાવ !’
બધાં પોતાની જગ્યા પર જ ઊભાં રહી ગયાં.
બેલા ટીચરે મૂંઝવણ અને ગભરાટભર્યા ચહેરે પાછું પોતાની નજીકમાં જ ઊભેલા રહેમાન સામે જોયું અને તેણે ટાયરમાંથી ખેંચી કાઢેલી વસ્તુ રહેમાનના હાથમાં આપી.
રહેમાન એ વસ્તુને જોઈ રહ્યો.
અડધો-પોણો કલાક પહેલાં જેવી વસ્તુથી પહેલા ટાયરને પંકચર પડયું હતું, એવી જ એ વસ્તુ હતી.
પેલી પહેલી એ વસ્તુની જેમ જ આ વસ્તુ પણ લોખંડની બનેલી હતી અને એના જેટલા જ પાંચેક ઈંચ મોટા લોખંડના ચોરસ ટુકડા પર માણસની એક લાશ કોતરાયેલી હતી. આ લોખંડના ટુકડાની ચારે બાજુના ખૂણામાં પણ જાણે કોઈ ભયાનક પ્રાણીના પાંચ-પાંચ ઈંચ લાંબા, અણીદાર-ધારદાર દાંત ફીટ થયેલા હતા.
રહેમાને આ વસ્તુને પાછળની તરફ ફેરવી, તો પેલી પહેલી વસ્તુની જેમ જ આમાં પણ વચ્ચેના ભાગમાં કોઈ માણસની ખોપરી કોતરેલી હોય એવું લાગતું હતું. ‘આ તો, પહેલું ટાયર જેવી વસ્તુથી ફાટયું હતું, અદ્દલો અદ્દલ એવી જ વસ્તુ છે.’ રહેમાને કહ્યું.
‘હા, અને...,’ બેલા ટીચરે રહેમાન સામે તાકી રહેતાં સહેજ ગભરાટભર્યા અવાજમાં કહ્યું : ‘...અને એટલે જ આ ઘટના વધુ ખતરનાક બની જાય છે !’
ત્યાં જ બેલા ટીચરની નજર લવલી પર પડી. લવલી તેમની નજીક આવી રહી હતી, બેલા ટીચરે તેને ગુસ્સાભર્યા અવાજમાં રોકી-ટોકી : ‘મેં તને કહ્યું ને, તું દૂર જ રહે !’
લવલી દૂરથી જ, રહેમાનના હાથમાં શું છે ? એ જોવાનો પ્રયત્ન કરી રહી. તો લવલીની પાછળ બધાં ટોળે વળીને ગુસપુસ કરી રહ્યાં હતાં.
આલ્બર્ટ સર બસની આગળ પથરાયેલી લાંબી સડક પર, બીજો ફટાકડો સળગાવીને મૂકી રહ્યા હતા : ‘અહીં સડક પર ફટાકડાની નજીક કોઈ આવશો નહિ.’ કહેતાં આલ્બર્ટ સર ત્રીજો ફટાકડો સળગાવતાં સડક પર આગળ ચાલ્યા,
ત્યારે બસના પાછલા ટાયરની નજીક ઊભેલી બેલા ટીચરે પોતાની સામે ઊભેલા રહેમાનને કહ્યું : ‘બધાંને જલ્દીથી બસમાં બેસાડી દે.’
રહેમાન પોતાના હાથમાંની વસ્તુને જોઈ રહ્યો.
‘...જલદી કર, રહેમાન !’ બેલા ટીચરે કહ્યું : ‘. કયાંક કોઈક અજુગતી ઘટના બને એ પહેલાં જ બધાંને બસમાં...’ અને બેલા ટીચરનું આ વાકય પૂરું થાય એ પહેલાં જ, બસની આગળ સડક પર ત્રીજો ફટાકડો મૂકવા જઈ રહેલા આલ્બર્ટ સરને કોઈક અચાનક જ-પલકવારમાં જ અંધારા આકાશમાં ખેંચી ગયું !
‘ઓ મા ’ આલ્બર્ટ સરની ચીસ વાતાવરણમાં ગુંજી જવાની સાથોસાથ જ જાણે કોઈ જંગલી પ્રાણીનો અવાજ પણ સંભળાયો, ઊંઊંઊંઊંઊં. !
બેલા ટીચર, રહેમાન અને લવલી, રોનિત, ઈરફાન ને અનૂજ તેમ જ બાકીના બધાં વિદ્યાર્થીઓએ ઝડપભેર ફરીને સડક તરફ જોયું. સામે સડક પર બે ફટાકડા સળગી રહ્યા હતાં ને અજવાળું પાથરી રહ્યાં હતાં ! પણ આ બન્ને ફટાકડાં સળગાવનાર આલ્બર્ટ સર અત્યારે સડક પર નહોતા ! સડક ખાલી હતી !
બધાં સડક તરફ જોઈ રહ્યા ! હજુ ઘડી-બે ઘડી પહેલાં ફટાકડાં સળગાવી રહેલાં આલ્બર્ટ સર એકદમથી જ ચીસ પાડતાં કયાં ગૂમ થઈ ગયાં !
ઠપ્...!
..ત્યાં જ અંધારા આકાશમાંથી, આલ્બર્ટ સર જે ત્રીજો ફટાકડો સળગાવી રહ્યા હતા એ સળગતો ફટાકડો સડક પર આવીને પડયો !
(ક્રમશઃ)