A mattress is a mattress.. in Gujarati Comedy stories by SUNIL ANJARIA books and stories PDF | ગાદલું એટલે ગાદલું..

Featured Books
Categories
Share

ગાદલું એટલે ગાદલું..

આપણે બાળગીત ગાતાં,બેસવા ને પાટલો, સુવાને ખાટલો..
આપણે આ ગીત બાલમંદિરમાં ગાતાં હતાં. પેલું ચક્કીબેન.. વાળું.
સુવા તો શું જોઈએ? એ વખત મુજબ એક ખાટલો. મોટે ભાગે જમીન પર એક પથારી એટલે ગાદલું. એક ગાદલું જ. ઓછાડ પણ ન હોય તો ચાલે.
ગાદલું એટલે ગાદલું. આમ તો આઠ, દસ કે બાર કિલોનું રૂ હોય. પટ્ટાવાળું કવર હોય. સુવા માટેની ચીજ. એમાં વળી કાઈં નવું હોય ?
અમુક લોકો તો ગોદડા પર જ સૂઈ જાય છે.
પહેલાં તો એકલી શેતરંજી પર સૂવાના ફાયદાઓ એ વખતના યોગ વાળાઓ પોકાર્યા કરતાં. ઉનાળામાં તો હું 2023માં પણ, એક શેતરંજી ઉપર ગોદડું પાથરી અગાશીમાં સૂતો છું. ખેતરમાં ખેડૂત બપોર પડ્યે કંતાન નો કે શણ નો કોથળો, ઉપર પછેડી પાથરી ઘડઘસાટ ઊંઘ લે છે. એને પોચાં ગાદલાં ની જરૂર પડતી નથી.
પણ હવે સાદું , કદાચ 15 કે 18 રૂ. નું કિલો રૂ ભરેલું ગાદલું ખપતું નથી. રૂ પણ સુપરફાઈન ક્વોલિટી, 45 કે 50 નું કિલો. રેક્રોન રૂ પણ વધુ ચાલે છે. રૂ પણ 100 રૂ. કિલો સુધીનું. ઉપરનું કપડું પણ ડ્રોઈંગ રૂમના પડદા કરતાં મોંઘું.
બાકી હતું તે હવે નારિયેળ નાં છોતાં ભરેલ, એની ઉપર સૂતાં જ અંદર આખું શરીર ઘુંસી જાય એવી પોચી મઝાની કે પત્થરની જમીન ઉપર સુતા હો એવાં કડક કે ઉપરથી પોચાં નીચેથી કડક મેટ્રેસો, એમાં પાછું ઑર્થો વગેરે, બસ, આઠ કલાક સુવા માટે. ક્યાંક હવે લુપ્ત થવા માંડયાં છે પણ અંદર જૂના સોફાઓ જેવી સ્પ્રિંગો વાળાં પણ ગાદલાં આવતાં.
હું તો નોકરીએ ગયો ત્યારે જૂના ખાખી બિસ્તરા આવતા તેમાં સાવ બે સાડી નું બનેલું ગોદડું લઈને ગયેલો. એક નાનું ગાદલું 6 બાય અઢી નું બે ત્રણ મહિને કરાવ્યું. પલંગ લીધો એટલે વળી કોઈ કહે આઠ કોઈ દસ તો દસ કિલોનું ગાદલું કરાવ્યું. લગ્ન પછી ડબલ બેડ લીધો તે પર ખાદી નું કવર ને ખાદી ભંડાર નું રૂ, 40 કિલોની તળાઈ. એ ચાલી હશે પાંચ છ ટ્રાન્સફર, અઢારેક વર્ષ. પછી એ વજનદાર હોઈ તડકે બડકે મૂકવા કામવાળી તૈયાર ન થાય એટલે ભાંગી ને બે કરાવ્યાં. આખરે એનો નશ્વર દેહ એક ભાડૂતે પોતે બહુ ગરીબ છે એવાં ગાણા ગાયાં એટલે એને આપી દીધો જે ફ્લેટ રી ડેવલપમેન્ટ માં જતાં ત્યાંથી ફેંકાઈ ગયું હશે.
હવે એક દસેક વર્ષ જૂનું એવું જ 30 કિલોનું ગાદલું, એમ થયું કે પિંજવા આપીએ. પીંજવા વાળા તો કહે 1100 માં પિંજી આપીએ પણ તમારા જૂની પેઢી સિવાય કોઈ આવાં ગાદલાં વાપરતું નથી. લ્યો, આ કુરલોન નો બાપ, માત્ર 8500 માં. મોટી જાડી ફોમ ની શીટ હતી. ઉપર મઝાનું લાલ ચટક , સોનેરી ડિઝાઇન વાળું કવર. પણ ફોમ સ્ટાન્ડર્ડ ન લાગ્યું.
મને થયું આ કદાચ છેલ્લું ગાદલું હોય તો 'બધા એવું જ વાપરે ' કહે છે તો એવું લઈ લઈએ. અમે દુકાનોમાં જોવા ગયાં.
અરે દુકાનોમાં ગાદલાંમાં પણ કાઈં વૈવિધ્ય? એવાં જ 4 ઇંચ, 6 ઇંચ, આઠ ઇંચ જાડાં, વોશેબલ, ઉપાડવાની તાકાત હોય તો સાઈડ ચેંજેબલ, ઓર્થો , મેમરી વાળાં - એમ એક જુઓ ને બીજું ભૂલો.
એક દુકાનમાં અમને બે ને એક સાથે બેસાડી પૂછે ' સાહેબ, મેડમ, કેવુંક સોફ્ટ લાગે છે? વધુ હાર્ડ જોઈએ?
(બેય સાથે નજીક નજીક ત્યાં બેઠાં ત્યારે ગુ. સ. માં સહિયર પૂર્તિ માં આવતાં શૃંગાર ચિત્રો કે ગાંધીરોડ પર પીળા કાગળમાં મળતી બુક 'મધુર મિલન ની પહેલી રાત...' યાદ આવી!)
બેય ના મત ઘડીક ફરે, ઘડીક એક થાય. છોકરા માટે કન્યા જોયા પછી ઘેર આવી મસલત કરતાં એમ સુવાનાં ગાદલાં માટે carefully (?) મસલત કરી આખરે સ્ટાન્ડર્ડ, કુર્લોન ના શો રૂમમાં જવું પસંદ કર્યું.
અરે કુર્લોન ના શો રૂમમાં પણ અગણિત જાતો ને ક્વોલિટી બતાવી. 9000 થી શરૂ તે 40કે 45000 સુધી.
આખરે એક પસંદ કર્યું.
ત્યાં સુધી અનેક જાતો જોઈ મગજ ચકરાવે ચડી જતું હતું.

ક્યારેક દ્વારકા થી સામાન ટ્રાન્સફર કરી પછી મકાનમાલિક ને ચાવી સોંપવા ગયેલો ત્યારે ભર શિયાળે ખાલી ઘરમાં કાર્ડબોર્ડના પૂંઠા પર સૂઈને રાત કાઢેલી.
બાઈ બે થી આઠ દસ સાડી નું ગોદડું બનાવતી (ક્યારેક શ્રીમતીએ સાવ નાનાં મારાં બાળકો માટે કે અમારે માટે જાતે પણ બનાવી છે. જાહેરમાં શાબાશ.), એવાં ગોદડા અને સાવ પાતળી રજાઈ કે એવા પર સૂઈ, એ કોટન દર બે ત્રણ વર્ષે પિંજારો ટરર.. ટરર.. કરતો રૂ પિંજે એ દર ત્રીજા શ્રાદ્ધ પક્ષમાં પિંજાવી વાપરેલા ગાદલાં ને બદલે હવે 'એવાં પર કોઈ સુતું નથી' એ મેણું ભાંગવા જ તો, નવરાત્રિએ નવું ગાદલું, ના. ગાદલું કહીએ ને રખે એને અપમાન લાગે! મેટ્રેસ. છ ઇંચની લાવી બેડ પર પાથરી અને એ ખાખી બેડિંગ કે શેતરંજી અને એક ગોદડું યાદ કરતા સૂઈ જશું.
લોકોની જરૂરિયાતો કેવી ફરી ગઈ છે અને ટેસ્ટ પણ! એને જ જીવન ધોરણ કહે છે ને!
તો , 'ખાટલા ગોદડાં ગાદલાં પાથરીને સુવો ' આપણે હડેટ હોમ નામની રમતમાં બોલતાં એમ હવે ખાટલા પર ગોદડાં સાથે ગાદલું પાથરવાને બદલે તૈયાર કિંગ કે ક્વીન સાઈઝ ડબલ બેડ પર છ કે આઠ ઇંચની મેટ્રેસ પાથરીને સુવો..
હું સૂવું.
કોઈને કાયમ માટે સૂઈ જવું ગમે નહીં પણ બને કે આ ગાદલું એટલું ચાલે કે એમાં જ સૂતાં..
ના. મને ખાતરી છે હું હજી ઘણું જીવીશ અને આવી નવી નવી શોધોથી ' જીવન ધોરણ ઊંચું ' કરતો રહીશ.