Interview in Gujarati Drama by Bharat(ભારત) Molker books and stories PDF | ઇન્ટરવ્યુ

Featured Books
Categories
Share

ઇન્ટરવ્યુ

 

ઈન્ટરવ્યુ

ભારત મોળકર

 

INTERVIEW

Bharat Molker

 

 


મંચ પર પ્રકાશ થાય છે. એક માણસ, ૩૫-૪૦વર્ષ ઉમર,પેન્ટ-શર્ટ-tie પેહરી છે. ખભે ઓફીસબેગ લટકાવેલું છે. મોબાઈલ પર થી call લગાવી રહ્યો છે, પણ call લાગી રહ્યો નથી. Network problem છે. (એવી sound effect)

માણસ: એક તો અહીં network ના લોચા છે. કેવી જગ્યા છે કઈ ખબર પડતી નથી. આ whatsapp ના લીધે લોકો address લખીને મોકલવા ને બદલે સીધું location જ મોકલી દે છે! આળસુઓ! નેવિગેશન લઇ આવ્યું છે આ જગ્યા પર. જો લખાવેલું  એડ્રેસ હોય તો કોઈ ને પૂછી તો શકાય..લોકેશન પર થી કોને પૂછવું? લોકેશન પણ નામ-ઠામ કઈ જ બતાવતું નથી...ગુગલ નો પણ ત્રાસ છે...જોકે એડ્રેસ પણ આવતું જ હોય છે ને લોકેશન માં? ને આ જગ્યા પણ કેવી? સાલું અહીં ઈંટરનેટ ચાલી રહ્યું છે, ને મોબાઈલ નું નેટવર્ક પકડતું નથી? યાર, કોઈ દેખાતું પણ નથી. કોને પુછુ? હાં! whatsapp calling! નેટ તો પકડાય છે ને...(કોલકરે છે, પણ કોઈ ફોન ઉપાડતું જ નથી) લો! આમાં પણ કોઈ જવાબ નહિ....ટાઇમ પર બોલવા માં આવે છે...ફોન ઉપાડતા નથી....ના પહોચી શકાય તો કેહશે “કે તમે late છો!”.....મેસેજ મોકલું! (મેસેજ ટાઈપ કરે છે) I m here! (થોડી વાર ફોન માં જોએ રાખે છે) blue tick થા.....blue tick થા! blue tick થા જલ્દી! અરે યાર આ શું છે? મેસેજ ડીલીવર થયો છે પણ કોઈ એ વાંચ્યો કેમ નથી? (આસ પાસ જોવે છે) અહીં બધે દિશા સૂચક ચિન્હો છે. કશું સૂચવતા નથી. તો લગાયા છે જ કેમ? (માણસ પેલા દિશા સૂચક ચિન્હો ને અનુસરતો એક વિંગ માં થી પ્રવેશ કરે છે ને બીજી વિંગ માં થી આવી ત્યાં જ ઉભો રેહે છે જ્યાં પેહલા ઉભો હતો) આ તો હું ફરી ફરી ને ત્યાં જ પાછો આવી ઉભો રહ્યો! નથી જવું.....ચાલો પાછા! ખોટો ટાઈમ બગાડવો...ને આ લોકો ને તો કદર જ નથી! (જવા નીકળે છે, ત્યારે એક સ્વીપર મોપીંગ કરતો પ્રવેશે છે. એણે headphones લગાવેલા છે. મોપીંગ કરતા કરતા કોઈ ગીત પણ મોટે થી ગાઈ રહ્યો છે. પેલો માણસ નું ધ્યાન એની તરફ જાય છે. માણસ સ્વીપર ને અવાજ લગાવે છે.) એ ભાઈ!.....એ ભાઈ!.....(માણસ સ્વીપર ની પાસે જાય છે, એને બોલાવે છે પણ એ ધ્યાન આપતો નથી. છેવટે માણસ એના headphones ખેચી લે છે. ત્યારે સ્વીપર સેજ અકળાઈ ને એની સામે જોવે છે) ક્યાર નો તને બોલવું છુ! ધ્યાન જ આપતો નથી?

સ્વીપર: ખોટી અપેક્ષાઓ કેમ રાખો છો સાહેબ?

માણસ: એક કામ છે, અટલે ...

સ્વીપર: કામ હોય ત્યારે તો માણસ બીજા માણસ ને બોલાવે છે.

માણસ: હું ક્યારનો અહી હેરાન થઇ રહ્યો છુ ને તું પાછો મેણા મારે છે?

સ્વીપર: મારી વાત જો મેણા જેવી લાગતી હોય, તો કોઈ વાત ના કરો! જબરદસ્તી થોડી છે?

માણસ: એ ભાઈ! આટલો ભાવ શેનો ખાય છે?

સ્વીપર: તમારા માં ભાવ નો અભાવ છે તો સામે પણ એવું જ મળે ને!

માણસ: જો ભાઈ.. મારી સાથે તારી શું દુશ્મની છે, મને ખબર નથી. પણ હમણાં તારો attitude છોડી ને મને જ્યાં જવું છે ત્યાં પહોચવા માં તું મદદ કરે શકે?

સ્વીપર: માણસ એ જાતે જ પોતાની મદદ કરવી....દીવાલ પર લખેલું ક્યાંક વાચ્યું છે ખરું.....ક્યાં વાંચ્યું છે??

માણસ: તારો દિવસ જો ખરાબ શરુ થયો હોય ને, તો મારી સામે આવું વર્તન કરીને એનો હિસાબ ના વાળીશ. જેનો વાંક હોય એની સામે કર..(નીકળતા) બેકાર લોકો છે!

સ્વીપર: તમારી બેકારી તમને અહીં ખેચી લાવી છે. (માણસ જતા અટકી જાય છે)

માણસ: પણ તને કેવી રીતે ખબર?

સ્વીપર: અહીં બધા બેકાર જ તો આવે છે. (માણસ એની સામે જોવે છે. પછી પાકીટ માં થી એક સો રુપયા ની નોટ કાઢે છે)

માણસ: આ લે...પણ મેહરબાની કરીને કેહ કે અહીં ઈન્ટરવ્યું ક્યાં થઇ રહ્યો છે.

સ્વીપર: અહીં રિશ્વત ચાલતી નથી ને હું લેતો પણ નથી! હમમમ.....તો તમે છો આજ ના candidate!

માણસ: હાં! પણ આ ઈન્ટરવ્યું ની તને કેવી રીતે ખબર? ને આ કેવું? બીજું કોઈ દેખાતું જ નથી?

સ્વીપર: લાગે છે આજે તમારા એકલાની જ અપોઈન્ટમેન્ટ/appointment ફિક્ષ થઇ છે. ને અમને તો બધી જ ખબર હોય છે. ઉપર નું દબાણ છે નીચે સુધી આવે. બરાબર ને?

માણસ: તો તું આ જ કંપની માં કામ કરે છે? ક્યાર નો હું હેરાન થાવ છુ ને તું જોયા કરે છે? એક તો સરખું એડ્રેસ આપ્યું નથી. ફોન કોઈ ઉપાડતું નથી...

સ્વીપર: તમારા મોબાઈલ માં નેટવર્ક છે ખરું!

માણસ: તને કેવી રીતે ખબર?

સ્વીપર: અમને બધી જ ખબર હોય છે!

માણસ: અમને અટલે? કેટલા છો તમે આવા ને આવા?

સ્વીપર: એ તો તમને આગળ જતા ખબર પડશે.

માણસ: ખબર પડે કે મારે ક્યાં જવાનું છે, તો હું આગળ વધુ ને!

સ્વીપર: તો તમારે ખરેખર જવું છે આગળ?

માણસ: હાસ તો! અહીં સુધી આવ્યો છુ તો આગળ તો જઈશ જ ને!

સ્વીપર: સાચે?

માણસ: હાં!

સ્વીપર: એક વાર ફરી વિચાર કરીલો!

માણસ: વિચાર કરેલો જ છે!

સ્વીપર: sure?

માણસ: તું બચ્ચન ની જેમ sure, ને lock કર દિયા જાયે...એવું બધું છોડ ને!

સ્વીપર: ટોપ ફ્લોર! ટોપ ફ્લોર પર તમારી અપોઈન્ટમેન્ટ ફિક્ષ થઇ છે.

માણસ: હાશ! ચાલો, ખબર તો પડી કે ક્યાં જવાનું છે. સારું ત્યારે! (જવા નીકળે છે) એ...પણ જવાનું ક્યાંથી? કઈ જ ખબર નથી પડી રહી. કેવું બિલ્ડીંગ બનાવ્યું છે આ?

સ્વીપર: પેલી બાજુ લીફ્ટ છે. પહોચી જશો!

માણસ: ખુબ ખુબ આભાર! (જવા આગળ નીકળે છે, પાછો વળે છે) અરે....ભાઈ....આ company માં કામ શું કરવું પડે છે?

સ્વીપર: ઈન્ટરવ્યું માટે આવ્યા છો, તો તમે કંપની પ્રોફાઈલ/company profile ચેક નથી કરી? એના વગર કેવી રીતે આવી ગયા તમે મો ઉઠાવી ને?

માણસ: એ....તું તારું કામ કર! મને શીખવાડીશ નહી હાં...જાણે આ મારો ઈન્ટરવ્યું લેવાનો હોય એવી વાતો કરે છે... ક્યાંય પણ જાવને, સાલું ચા કરતા કીટલી જ ગરમ હોય છે! રસ્તો બતાવ માટે ફરી થી આભાર! હું મારી માણસાઈ ભૂલ્યો નથી! હ.અં....(જવા લાગે છે)

સ્વીપર: ઓં સાહેબ! (પેલા માણસ ને અવાજ લગાવે છે. માણસ ઉભો રેહ છે. એની પાસે જઈ ને) તમારી પાસે બીડી છે?

માણસ: બીડી? હમણાં તો કેહતો હતો કે અહીં રિશ્વત ચાલતી નથી ને હું લેતો નથી, ને હવે બીડી માંગે છે. શરમ નથી આવતી?

સ્વીપર: ના!

માણસ: પાછો નાં પાડે છે?

સ્વીપર: જે જોઈતું હોય એ માંગતા શરમ શેની? અને જે માંગવા-લેવા જેવું નથી એની તો શરમ રાખવી જ પડે ને!

માણસ: બહુ ડાહ્યો! પણ મારી પાસે બીડી નથી. હું જાઉં છુ..મોડું થાય છે.

સ્વીપર: સારું મોડું થાય તો. ફાયદા માં રેહશો.

માણસ: કઈ દુનિયા નો માણસ છે તું? મોડું થવા થી કોઈ નો ફાયદો થયો છે ખરો? હવે પહોચવું પડશે...

સ્વીપર: તમને ખબર છે હું બીડી કેમ પીવું છુ?

માણસ: મારે શું લેવા દેવા? તું બીડી પીતો હોય કે સિગરેટ/cigarette. મારે પહોચવું છે ટાઈમ પર.

સ્વીપર: લેવા દેવા છે!

માણસ: શું લેવા દેવા છે?

સ્વીપર: કારણ તમે નથી પીતા!

માણસ: તું ગાંડો છે? તને ખબર છે હું બીડી પીતો નથી, પછી ટાઈમ પાસ કેમ કરે છે?

સ્વીપર: મારે તમને જાણવું છે.

માણસ: શું?

સ્વીપર: મારું બીડી પીવાનું કારણ. (માણસ ગુસ્સે ભરાઈ ને ત્યાં થી જવા નીકળે છે) પેલી બાજુ લીફ્ટ છે નહી, જશો ક્યાં?

માણસ: અટલે તું જુઠું બોલ્યો’તો?

સ્વીપર: “પેલી બાજુ” એવું બોલ્યો’તો. ઉતાવળ માં તમે જાતે જ પોતાની દિશા નક્કી કરી લીધી.

માણસ: (ગળગળો થઇ ને) એ ભાઈ.....આવું ના કર ને! કેમ પજવે છે? સીધે સીધું બોલ ને કઈ બાજુ છે લીફ્ટ. છેક ટોપ ફ્લોર પર જવાનું છે.

સ્વીપર: એની માટે પેહલા હું જે કહું છુ એ સાંભળો.

માણસ: સારું બોલો.....હાં પણ વચન આપ કે પછી લીફ્ટ ક્યાં છે અ બતાવીશ.

સ્વીપર: હું લીફ્ટ પાસે લઇ જઈશ તમને પ્રોમિસ/promise!

માણસ: હવે ઝઠ કેહ્શો પ્રભુ!

સ્વીપર: મારું બીડી પીવાનું કારણ કે મને એનું વ્યસન છે(માણસ અકળાય છે, તે છતાં બોલવાનું ચાલુ રાખવા હાથ થી ઈશારો કરે છે) કોઈ એક પ્રકાર નું વ્યસન માણસ ને હોવું જ જોઈએ, એવું મારી માં એ મને કહેલું.

માણસ: તારી માં એ તને બીડી પીવા માટે પ્રોત્સાહન આપ્યું છે! હેં? કઈ ઉમરે એમણે તને આવું જ્ઞાન આપ્યું?

સ્વીપર: હમણાં જ, થોડાક વર્ષો પેહલા ની વાત છે. એણે તો અટેલું કહેલું કે કોઈ પ્રકાર નું વ્યસન હોવું જોઈએ. બીડી પિતા તો હું જાતે શીખ્યો છુ. વ્યસન તો કોઈ પણ પ્રકાર નું હોય શકે. વ્યસન થી શું થઇ ખબર છે?

માણસ: શું?

સ્વીપર: એના થી થોડીક વાર માટે મોકળાશ અનુભવી શકાય. હું ગીતો સાંભળું છુ એ પણ એક પ્રકાર નું વ્યસન જ તો છે. હું આ કામ કરું છુ એ કોઈનું પણ ગમતું કામ નથી. આ અણગમતા કામ સાથે મેં મારું ગમતું કામ જોડી દીધું છે. જે થી હું કામ કરી શકું.

માણસ: પણ તું આ બધું મને કેમ કહી રહ્યો છે?

સ્વીપર: કારણ કે તમને કોઈ વ્યસન નથી.

માણસ: એની તને કેવી રીતે ખબર?

સ્વીપર: તમારા કપાળ પર બાર વાગ્યા છે ને એના પર થી. બાકી, અમને તો બધી જ ખબર હોય છે. તમને જીવન માં કોઈ વ્યસન ની જરૂર છે.

માણસ: તું મને વ્યસન કરવાની શિખામણ આપે છે! કેવો નાલાયક છે તું!

સ્વીપર: મેં તમને એવું ક્યાં કહ્યું છે કે તમે દારૂ, cigarette, બીડી કે પછી ગુટખા નું વ્યસન કરો. ગીતો સાંભળવાનું વ્યસન કરો, પુસ્તકો વાંચવા નું વ્યસન કરો. કોઈ musical instrument વગાડવાનું વ્યસન કરો, કે પછી કોઈ રમત નું...

માણસ: આ બધા તો શોખ કેહવાય. જે સમય મળે કરવાના હોય. વ્યસન નો અર્થ તો ખબર છે ને?

સ્વીપર: માણસ જેને વળગી રેહ એ વ્યસન. ને એમ જોવો તો શોખ સમય મળે પુરા થતા હોય છે. પણ વ્યસન માટે તો ચહી ને સમય કાઢવા માં આવે છે.

માણસ: વ્યસન પાછળ માણસ કંગાળ થતો જાય છે.

સ્વીપર: રુપયા વધારે કિમતી કે સમય?

માણસ: of course રુપયા!

સ્વીપર: કેવી રીતે?

માણસ: રુપયા આવે છે ને જતા રેહ છે. સમય તો યાર માંડ માંડ પસાર કરવો પડે છે. સવારે ૧૦ થી સાંજ ના ૬ નો જે સમય છે ને એ તો રીતસર નો વિતાડે છે. એમાં પણ પાછો સોમવાર નો ૧૦-૬ નો ગાળો! બાપ રે! ગાળો આપવાનું મન થાય. અરે, મન શું થાય, એ દિવસે તો મોઢા માં થી ગાળો જ નીકળતી હોય. રુપયા મહિના માં એક જ વાર દર્શન આપે છે પેહલી તારીખે. કિમતી વસ્તુ રોજ રોજ હાથ નથી લગતી.

સ્વીપર: તમારા જીવન ની વીતેલી ક્ષણો દર મહીને પગાર ની જેમ પાછી આવે છે?

માણસ: ના.

સ્વીપર: તો પછી?

માણસ: પણ યાર તું મને આ બધી શિખામણ કેમ આપી રહ્યો છે?

સ્વીપર: તમને જીવન માં મોકળાશ મળશે. તમને બહુ જ જરૂર છે. છેલ્લે તમે ક્યારેય મોકળાશ અનુભવી છે, યાદ છે ખરૂ?(માણસ વિચાર માં પડી જાય છે)

માણસ: હાં.....હું તો ૨૪ કલાક બસ રીબાઉં જ છુ! (પછી અચાનક) સારું મન કેહ, હમણાં થોડી વાર પેહલા હું તને બોલાવતો હતો, તો તું મને સરખો જવાબ આપતો નહોતો, મને ગણકારતો નહોતો. ને હવે મારી સાથે કેમ વાતો એ ચઢો છે?

સ્વીપર: મેં મારા કામ માં થોડો break લીધો છે. ક્ષણ ભર ની મોકળાશ નો અનુભવ કરવા.

માણસ: બહુ જબરો છે તું! પોતાનું અમુક કામ પતાવી મને રોકી રાખ્યો છે. જો, મેં તારી વાત સાંભળી ને, હવે તો મને કેહ, લીફ્ટ ક્યાં છે?

સ્વીપર: આ આપણી સામે જ તો છે લીફ્ટ.

માણસ: હેં! સામે જ હતી પણ ખબર નાં પડી.

સ્વીપર: એવું તો થતું હોય છે આપણા થી. સામે હોય છે એને જ ઓળખી નથી શકતા.

માણસ: બસ ભાઈ...હવે કંટાળ્યો તારા સતસંગ થી.

સ્વીપર: Congratulations! ઈન્ટરવ્યું નું પેહલું પગથીયું તમે પાર કરી લીધું છે. (black out)

(lights. માણસ લીફ્ટ ની અંદર છે.)

માણસ: સાલા એ મગજ નો અઠ્ઠો, નવ્વો, દસ્સો....બધું જ કરી દીધું. આવા માણસો ને કેમ રાખતા હશે નોકરીએ ખબર નહી. સાલનું ક્યારેય પ્રમોશન નહી થાય. આખી જીન્દગી ગ્રાઉન્ડફ્લોર પર પોતું જ મારતો રેહશે. આ લીફ્ટ કેમ ધીરે ધીરે ચાલી રહી છે? આ જગ્યા હવે મને doubful લાગે છે. કેવી ભૂતયા જગા છે. કોઈ દેખાતું નથી. ને જે મળે છે એમાં કોઈ ભલીવાર નથી. એવું નથી ને કે આ સુમસામ જગ્યા માં vampires રેહતા હોય, ને ટોપ floor પર બોસ હોય, એ ઈન્ટરવ્યું ના બહાને બધા ને બોલાવી ને એમનું લોહી પી જતો હોય. લોહી.....લોહી! લોહી.....(માણસ “લોહી” બોલતા બોલતા દૌરો પડ્યો હોય એમ અસ્વસ્થ થાય છે. લીફ્ટ માં નીચે બેસી જાય છે ને ઊંડો શ્વાસ લે છે. એટલા માં અવાજ સંભળાય છે, 5th floor...5th floor...) આ લીફ્ટ કોના માટે ઉભી રહી? (હાંફતો હોય એમ બોલે છે. લીફ્ટ નો દરવાજો ખુલે છે. અંદર એક office executive પ્રવેશે છે. એની નજર પેલા માણસ પર પડે છે)

Office ex: અરે શું થયું તમને? are you alright?

માણસ: કઈ નહી બધું બરાબર છે. (હાંફતો, ઉભો થવા જાય છે. office ex ઉઠાવા માટે હાથ આગળ કરે છે. માણસ એનો હાથ પકડી ઉભો થાય છે. એની સામે જોવે છે, તો એ પેલો સ્વીપર જેવો જ છે દેખાવ માં) તું? આટલી વાર માં અહિયાં પહોચી ગયો? તારું promotion થયું છે કે શું? એ પણ આટલું જલ્દી? હેં? બોલને હવે.... નીચે તો બહુ બક બક કરતો’તો.

Office ex: sorry but, હું તો તમને પેહલી વાર મળી રહ્યો છુ.

માણસ: અરે હમણાં તો તું મળ્યો તો મને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર. પોતું કરતો હતો. moping....moping!

Office ex: એ હું નહોતો.

માણસ: મને ખબર છે કે હવે તું શું કહીશ. એ મારો જોડિયો ભાઈ છે! હેં ને? હેં ને?

Office ex: અં...સારું ચાલો એવું રાખો ત્યારે. as you wish.

માણસ: હમ્મ્મ....ફરક તો છેજ તમારા બન્ને માં. 

Office ex: હાં...તો તમે છો આજ ના કેન્ડીડેટ.

માણસ: તમને ખબર છે?

Office ex: હાસ તો! બાકી અહી બહુ ભીડ હોય છે. લાંબી લાઈન લાગે છે.

માણસ: એમ? પણ મને એ નથી ખબર કે અહીં કામ શું કરવું પડે છે. જણાવશો જરા?

Office ex: એ તો તમને બોસ  જ કેહ્શે.

માણસ: તો આ તમારા બોસ કેવા માણસ છે?

Office ex: બહુ જ strict છે એવું સાંભળ્યું છે.

માણસ: સાંભળ્યું છે? કેમ એમને મળ્યા નથી?

Office ex: એવો મૌકો જ નથી આવ્યો કે એમને મળવા જવું પડે.

માણસ: એવું કેમ?

Office ex: કેમ કે ત્યાં એ જ જઈ શકે છે જેને ત્યાં બોલાવામાં આવ્યો હોય.

માણસ: અચ્છા...એટલે જેનો ઈન્ટરવ્યું હોય એને જ. એ....પણ એવું કેવું? કે તમે એક વાર પણ ટોપ ફ્લોર પર નાં ગયા હોવ. તમે જોબ માટે ઈન્ટરવ્યું આપવા અહીં આયા હશો, સૌથી પેહલીવાર, ત્યારે તો તમે ટોપ ફ્લોર પર ગયા જ હશો ને.

Office ex: ના. મેં કહ્યું ને, ત્યાં એ જ જઈ શકે છે જેને ત્યાં બોલાવામાં આવ્યો હોય.

માણસ: તો તમે અહીં જોબ માટે સિલેક્ટ કેવી રીતે થયા?

Office ex: અમને એમ જ જોબ પર રાખી લીધા હતા.

માણસ: અચ્છા, સમજ્યો! contract system!

Office ex: હાં...ચાલો એવું રાખો ત્યારે. as you wish.

માણસ: આ કંપની માં contract system છે તો પછી મને કેમ બોલાવ્યો? ને રોજ ઈન્ટરવ્યું આપનાર ની ભીડ હોય છે? અઘરી છે આ company. પણ ભાઈ! આ contract system એ તો નોકરીયાતો ની પત્તર ફાડી નાખી છે. લટકતી તલવાર. ઉપર થી ફિક્ષ પગાર. પૂરું કેમ નું કરવું? મારો એક દોસ્ત યુનિવર્સીટી માં lecturer છે. પગાર કેટલો ખબર છે? ૭૦૦૦ રુપયા. ને ૧૧ મહિના પુરા થાય તો બીજી ટર્મ માટે બોલાવે કે ના બોલાવે એ નક્કી નહી. બોલો શું કરવું? પાછો ઢંઢેરો પીટવા માં આવે છે કે દેશ એ વિકાસ કર્યો છે! કંકોડો! તમારે અહીં કેવું છે? પગાર વ્યવસ્થિત મળે છે?

Office ex: અમને પગાર નથી મળતો.

માણસ: હેં! નાં હોય! તો ઘર કેવી રીતે ચાલે છે? એટલે દર માહને ઘરે કઈ જ આપવાનું નહી?( office ex માથું હલાવી હા પડે છે) આય હાય...તો તો કેવું? તમારી બૈરી કઈ કેહતી નથી? મારી તો છાતી પર ચઢી બેસે જો એક મહિના નો પગાર ના આયો હોય તો.

Office ex: હું અપરણિત છુ.

માણસ: અં...હં...તો પછી ઘરે માં-બાપ કઈ જ કેહતા નથી? તમને ભણાયો-ગણાયો, મોટો કર્યો. એમની કઈ અપેક્ષા તો હોય ને.

Office ex: હું એકલો જ છુ આ દુનિયા માં.

માણસ: તમારું કોઈ જ નથી?

Office ex: હાં. મારું કોઈ છે નહી અને હું કોઈ નો થયો નથી, ને થઈશ પણ નહી ક્યારેય...

માણસ:એવું કેમ?

Office ex: આ જ નિયમ છે.

માણસ: આ નિયમ બનાવ્યો છે કોણે?

Office ex: અમે જ બનાવ્યા છે.

માણસ: હું તો married છુ. તો પછી મને કેમ બોલાવ્યો છે?

Office ex: એ તો બોસ જ તમને કહી શકે. (બન્ને જણ ચુપ છે. માણસ office ex ની સામે જોતો હોય છે. એ ચૂપચાપ ઉભો હોય છે)

માણસ: નીચે મળ્યો હતો એ આ માણસ નથી, ૧૦૦ ટકા. એ તો કેટલો લપલપીયો હતો. આને કઈ પણ પૂછો તો એક લીટી માં જ જવાબ આપી દે છે. મને ignore કરતો હોય એવું તો નથી ને? એવું તો મેં શું કર્યું છે કે મને ignore કરે છે? egoistic લાગે છે. લીફ્ટ બહુ ધીમેં ચાલી રહી હોય આવું નથી લાગતું.

Office ex: બરાબર ચાલી રહી છે.

માણસ: તમને સ્કુલ ની પરીક્ષા માં objective que-ans/mcq બહુ ગમતા?

Office ex: કેમ આવો સવાલ કર્યો?

માણસ: કારણ કે તમે કોઈ પણ વાત નો જવાબ હાં, ના અથવા એક જ લીટી માં આપો દો છો.

Office ex: વાંક તમારો છે.

માણસ: મારો વાંક કેવી રીતે?

office ex: તમે expectations થી ભરેલા છો.

માણસ: હું? હું expectations થી ભરેલો છું?

Office ex: હાસ તો! ને જે તમારા expectations પર ખરા ના ઉતરે, તો એમની અંદર દોષ જોતા થઇ જાવ છો. egoistic તમે છો!

માણસ: કમાલ છે! અહિયાં બધા જ ફિલોસોફી ઝાડે છે. સ્વીપર થી લઈને office ex. આ expectations નું લેબલ તમે મારા માથે ચોટાડો છો પણ egoistic તમે છો. જેટલું ઊંચું designation એટલો ઉંચો ego! સમજાય છે મને બધું. તમને સવાલ પૂછી રહ્યો છુ કારણ કે આ જગ્યા થી હું અજાણ છુ. મારા સીધા સરળ સવાલો ના જવાબ આપવા માં તમારું જાય છે કઈ?

Office ex: વાત મારા મરજી ની છે.

માણસ: આપણને જે કોઈ પણ મળે છે એ coincidence નહી આપણી destiny હોય છે. અટલે દરેક સાથે સારી રીતે મળવું જોઈએ. એની ખબર છે તમને?

Office ex: (મોટે થી હસે છે) તમે નીચે પેલા સ્વીપર ને મળ્યા એ coincidence હોતો એમ? (હસે છે) શું કરવા ખોટો દંભ રાખો છો?

માણસ: સારું સારું....હવે કઈ નહી પુછુ.

Office ex: સારું! ત્યારે, એવું જ રાખો. as “you” wish! એ જ સારું રેહશે. ને તમને જે પૂછવું હશે એનો મૌકો તમને મળશે. કારણ વગર અધીરા થશો નહી. chill! (થોડી વાર બંને કઈ જ બોલતા નથી. માણસ લીફ્ટ માં એક છેડે થી બીજે છેડે આંટા મારે છે. એકલો બબડે છે)

માણસ: ટોપ ફ્લોર આવતા આટલી બધી વાર. આ લીફ્ટ છે ગોકળગાય. આ building કેટલા માળ નું છે? (લીફ્ટ ના દરવાજા પાસે જઈ ને) એક પણ ફ્લોર નું બટન જ નથી. ખાલી ઉપર અને નીચે. (હેરાન થતા) આજ નો દિવસ કેવો નીકળ્યો છે.  હે પ્રભુ! હેરાન થવાનો જ વારો આવે છે.

Office ex: સવાર ના પહોર માં કોનું મોઢું જોયું હતું?

માણસ: હું તમારી સાથે વાત નથી કરી રહ્યો સમજ્યા!

Office ex: તો કોને સાથે?

માણસ: પોતાની સાથે!

Office ex: સરસ! માણસનું સ્વ સાથે નું જોડાણ બહુ જ જરૂરી છે. અને માણસ બીજા કરતા પોતાને જ સવાલો કરીને જો જવાબ મેળવે, એ તો સૌથી સારું. શંકા માટે કોઈ જગ્યા જ નહી. ( માણસ કઈ જવાબ નથી આપતો. office ex નું ધ્યાન એના પર થી હટે છે ત્યારે માણસ એના ચાળા પડે છે. લીફ્ટ ની ચોથી બાજુ, જે audience તરફ છે, એટલો ભાગ ખુલ્લો છે. એવી ગણતરી કે ત્યાં કાંચ છે. ને લીફ્ટ માં જે ભજવાય રહ્યું છે એ દેખાય માટે એટલો ભાગ ખુલ્લો છે. માણસ કાંચ ની સામે આવી ને પોતનો ચેહરો જોવે છે. ક્યારેક માથા ના વાળ સરખા કરે છે. ક્યારેક tie. પછી એક ધારું કાંચ માં જોવે છે)

માણસ: હાં યાર આજે સવાર સવાર માં કોનું મોઢું જોયું’તું? (પછી દાંતની વચ્ચે જીભ ચાવી ને) આજે સવારે તો સૌથી પેહલા પોતાનું મોઢું જોયું’તું બ્રશ કરતી વખતે. એનો અર્થ એવો કે હું અપશુકનિયાળ છુ? (વિચારે છે) ના...ના એનો અર્થ એવો કે જે દિવસે સૌથી પેહલા પોતાનું મોઢું જોવો એટલે દિવસ ખરાબ જવાની શક્યતા ખરી. માંડ માંડ અહી પહોચ્યો છુ. હવે એક વાર આ પતી જાય એટલે છુટ્યા. ક્યારેય પગ નહી મુકું અહીં. નીચે પેલો મને કેહ કે મને વ્યસન ની જરુર છે. ને એ કેટલો તોછડો હતો. આ પાછળ ઉભેલી વિભૂતિ ડાહી ડાહી વાતો કરે છે, પણ સાલા ના શબ્દો કેટલા તિક્ષણ છે. માણસ ના મન ને રીતસર ના કાપી જ નાખે છે. હું expectations થી ભરેલો છું! દંભી છુ! બીજા માં દોષ જોવાની દ્રષ્ટિ છે મારી....egoistic છુ! (ધ્યાન થી અરીસા માં જોતો હોય એમ)  હું egoistic....(બોલતા લીફ્ટ ની બહાર નીકળી આવે છે. light effect-આસ પાસ તારાઓ છે) આ માણસ ના શબ્દો મારા મન ને કાપે છે કે પછી મારી અંદર ના ego ને? અસર મારા મન પર થઇ રહી છે કે મારા ego પર? જો હું egoistic ના હોઉં તો મારા મન પર કોઈ પ્રહાર જ ના થાય. હમમ... expectations તો કોના માં નથી? માણસ ના ગળે બિલાડી ના ઘંટ જેવું expectation તો લટકેલું જ હોય છે. જન્મતા જ બીજાના expectation જોડાઈ ગયા હોય છે, પાછા પોતાના અલગ. ને છેલ્લે જયારે શરીર સાથ ના આપે ત્યારે મારવા માટે નું expectation! (આટલું બોલતા જ એનું ધ્યાન જાય છે કે એ કોઈ અલગ દુનિયા માં આવી ગયો છે) આ હું ક્યાં આવી ગયો? (થોડો ગભરાય છે. આમ તેમ જોવે છે, ત્યારે એના ખંભા પર tie નો છેડો પડે છે. office ex લીફ્ટ ની અંદર થી બોલે છે)

Office ex: આ tie નો છેડો પકડી રાખજો! હું ખેચું, અટલે ધીમે ધીમે પાછલા પગે અંદર આવતા રેહજો!( office ex ટાય/tie થી માણસ ને અંદર ખેછે છે. માણસ રીવેર્સ માં ચાલતો લીફ્ટ ની અંદર જતો રેહ છે)

માણસ: (ગભરાઈ ને) લીફ્ટ ની બહાર તો તારા છે. હું લીફ્ટ ની બહાર કેવી રીતે જતો રહ્યો?

Office ex: વિચારો થી! તમારા વિચાર તમને ત્યાં ખેચી ગયા.

માણસ: (ગળગળો થઇ ને) જો ભાઈ, મારા થી આમ તેમ બોલાય ગયું હોય તો એની હું માફી માંગું છુ. please મને કહીશ કે હું ક્યાં છુ?

Office ex: બ્રહ્માંડ માં.

માણસ: હું બ્રહ્માંડ માં શું કરી રહ્યો છુ? please ભાઈ અહીં થી બહાર કાઢ please!

Office ex: ક્યાં જશો? બધું બ્રહ્માંડ જ તો છે. તમે પોતે પણ બ્રહ્માંડ નો જ એક હિસ્સો છો ને.સતત બ્રહ્માંડ સાથે તમે જોડાએલા જ છો. તમારા વિચારો માં એટલી શક્તિ છે. ને તમારું પોતાનું પણ એક અલગ બ્રહ્માંડ છે અટલે જ કહો છો ને “અહમ બ્રહ્માંસ્મી”

માણસ: ભાઈ તું sacred games નો fan હોઈશ, મને એમાં કોઈ જ વાંધો નથી. પણ please અહીં થી કોઈ સફે જગ્યા એ લઇ જા.તને હાથ જોડું છુ.(અવાજ સંભળાય છે- 17th floor)

Office ex: મારું તો આવી ગયું. સારું, આવજો (લીફ્ટ નો દરવાજો ખુલે છે office ex દરવાજા ની બહાર નીકળે છે, ફરી પાછુ light effect-તારાઓ વાળું. માણસ બુમો પડે છે)

માણસ: ભાઈ મને લેતો જા અહીં થી! મને બહુ બીક લાગી રહી છે. (દરવાજા ની બહાર નીકળવા જાય છે. બહાર નીકળવા જાયે છે)

Office ex: ક્યાં જશો? બહાર તો બ્રહ્માંડ છે! (માણસ ઉભો રહી જાયે છે. બીક ના લીધે હાંફી રહ્યો છે) હવે થોડી જ વાર માં તમે પહોચી જશો ઉપર. આવજો ત્યારે! congratulations! તમે ઈન્ટરવ્યું નું બીજું પગથીયું પાર કરી લીધું છે. (લીફ્ટ ના દરવાજા બંધ થઇ જાય. માણસ બુમો પડે છે)

માણસ: અરે ભાઈ કોઈ છે અહીં! કોઈ છે! મને અહીં થી બહાર કાઢો please! મને બહાર કાઢો! (લીફ્ટ ના દરવાજા પર હાથ પછાડે છે. લીફ્ટ ના બધા બટન દબાવે છે. એના લીધે લીફ્ટ વધરે સ્પીડ માં ચાલે છે.*એવું sound effect, light effect થી બતાવું. effect પુરા થતા સંભળાય છે ટોપ floor...ટોપ floor...) (black out).

ટોપ floor...ટોપ floor...એવું સંભળાય છે. lights. centre માં table અને ૨ ખુરશી છે. table ના પાછળ ની ખુરશી ને અડીને કોઈ ઉભું છે જેણે કાળો coat પેહર્યો છે, હુક્કો પી રહ્યો છે. માણસ પ્રવેશે છે. ગભરાયલો છે. આમ તેમ જોવે છે)

Boss: આવી પહોચ્યા.....

માણસ: હાં..

Boss: તમે late છો...

માણસ: લીફ્ટ ધીમી ચાલે એમાં હું શું કરું? અહીં લીફ્ટ ની બહાર..

Boss: બ્રહ્માંડ છે. બધું બ્રહ્માંડ જ તો છે. અમારા executive એ સમજાવ્યું’તું ને તમને. હું ફરી ફરી એ બધું repeat નહી કરું.

માણસ: મને બીક લાગી રહી છે.

Boss: તમારા બહાના નહી ચાલે. કે પછી મોડું કરશો તો ફાયદા રેહશો, એવું ગણતરી છે?

માણસ: ના..ના...મારા મન માં તો એવું જરા પણ નથી. એ તો નીચે પેલો સ્વીપર હતો ને, અણે કહ્યું હતું.

Boss: એમ? બીજું શું કહ્યું એણે?

માણસ: એ તો બહુ જ લપ કરતો હતો. જવા દો ને એની વાત. અરે હાં...એણે મને કહ્યું કે congratulations તમે ઈન્ટરવ્યું નું પેહલું પગથીયું પાર કરી લીધું છે ને પેલા office વાળા એ પણ એવું કહ્યું, congratulations તમે ઈન્ટરવ્યું નું બીજું પગથીયું પાર કરી લીધું છે. આ ત્રીજું પગથીયું છે?

Boss: ત્રીજું ને છેલ્લું..

માણસ: કેમ ત્રણ જ સ્ટેપ?

Boss: કારણ ત્રણ સ્ટેપ માં આખી દુનિયા પતી જાય છે.

માણસ: હે? તો આ પાર કરી લીધા પછી.....

Boss: તમે દુનિયા પાર કરી લેશો!

માણસ: આવું ના બોલો. મને બહુ જ બીક લાગી રહી છે. હું જાઉં છુ.....

Boss: ઈન્ટરવ્યું આપ્યા વગર જવું અશક્ય છે.

માણસ: હાં તો જલ્દી થી પતાવો...ને છુટ્ટો કરો.

Boss:તમને મુક્તિ મળશે એની માટે જ તો અમે બેઠા છીએ. ઉતાવળ ક્યારેય કરવી નહી. ઉતાવળ નું કામ શયતાન નું હોય છે. હું શયતાન નથી. હું ઈન્ટરવ્યું માં બોલાવી લોહી પી જતો dracula પણ નથી...

માણસ: હેં! તમને કેવી રીતે ખબર?

Boss: તમે મોટે થી બોલો તો સંભળાય જ ને..(boss માણસ ને પોતાનો ચેહરો બતાવે છે. boss પણ એજ છે જે સ્વીપર અને office ex બન્યો હતો)

માણસ: (હસે છે) મને હતું જ! કે આવું કૈક હશે. boss પણ એવો જ દેખાતો હશે, સ્વીપર ને office વાળા જેવો. હવે આમાં મારા માટે કોઈ જ નવાઈ નથી. Boss! ટોપ floor વાળા Boss..હેલ્લો! (હાથ મળાવા આગળ વધે છે)

Boss: અહીં હાથ મળવાય છે ઈન્ટરવ્યું માં પાસ થયા પછી. જે હજી તમે થયા નથી. અટલે બેસી જાવ. હાથ મળાવો કે નહી એ ખબર પડશે જ. બેસો (માણસ બેસે છે)

માણસ: કેટલો rude છે. બોલાવે છે જ કેમ?

Boss: મારા એમ્પ્લોઇઝ પણ મને rude જ કેહ છે.

માણસ: તમને સંભળાય ગયું?

Boss: મોટે થી બોલો તો સંભળાય જ ને! ના....હું alien નથી ને અમે રોબોટ પણ નથી.

માણસ: આ તો હું...

Boss: હમણાં જ મન માં બોલ્યા...

માણસ: આ કેવી રીતે સાંભળ્યું?

Boss: તમે મન માં પણ મોટે મોટે થી બુમો પડતા હોવ તો એમાં હું શું કરું?

માણસ: Boss, હવે હું કંટાળ્યો છુ આવું બધું સાંભળી સાંભળી ને. ખતમ કરો જે કઈ પણ આ રમત તમે રમી રહ્યો છો. ને તમારા એમ્પ્લોઇઝ છે ખરા? બધે એક જ જણ છે.

Boss: સાચે બધે એક જ જણ છે?

માણસ: તમે ત્રણે ભાઈઓ હોય શકો. ચેહરા એક સરખા જ છે. કોઈ ફરક નહિ. પણ વર્તન માં ઘણો ફરક છે

Boss: હમમ....(boss table ના drawer માં headphones કાઢી ને table પર મુકે છે. પછી tie ને પછી હાથ માં થી હુક્કો)

માણસ: તો પેલા બન્ને પણ તમે જ હતા.

Boss: તમને શું લાગે છે?

માણસ: ચેહરો એક જેવો પણ વર્તન નહી. એક વાર કહ્યું છે ફરી ફરી repeat નહી કરું...

Boss: અનેકતા માં એકતા હોય છે એકતા માં અનેકતા?

માણસ: આડા સવાલો ના જવાબ આપીને મારા હોઠ સુકા થઇ ગયા છે. મને તરસ લાગી છે.

Boss: ઓહ તમને તરસ લાગી છે, પણ પાણી તો અહીં છે જ નહી. આ લો હુક્કો પીવો!

માણસ: શું? પાણી ના બદલે હુક્કો?

Boss: main શું છે? “પીવું”, પછી પાણી હોય કે હુક્કો. લો પીવો!

માણસ: બસ! તમારી nonsense માટે કોઈ બીજા ને શોધો. (જવા માટે ઉભો થાય છે)

Boss: આજે ફક્ત તમારો જ વારો છે.

માણસ: મને કઈ યાદ નથી આવતું તમે મને અહીં બોલાવ્યો કેવી રીતે? કેવી રીતે બોલાવ્યો મને?

Boss: અમારી પાસે બધા ના data છે. અમને જેની જરૂર પડે છે, એને બોલાવી લેવા માં આવે છે.

માણસ: ને કામ શું કરવાનું હોય છે?

Boss: જે જોબ મેળવી લે છે એને એક લાંબા સફર પર મોકલવા માં આવે છે.

માણસ: પછી?

Boss: પછી સફર પૂરો થાય છે.

માણસ: તો સફર પર પોતે કેમ નથી જતા.

Boss: મોકલવું અમારું કામ છે જવું નહી.

માણસ: આવો નિયમો કોણે બનાવ્યા છે?

Boss:અમે જ!

માણસ: અમે...અમે...કોણ છો તમે? નીચે પણ પેલો આવુજ બોલતો હતો, અમને બધી ખબર હોય છે... અમને બધી ખબર હોય છે...તો તમે કોણ છો? ભગવાન છો?

Boss: ભગવાન નથી ને ભગવાન થી કમ પણ નથી

માણસ: whatsapp પર બહુ ફરે છે, “પૈસા ખુદા નહી પર ખુદા સે કમ ભી નહી”. તો તમે પૈસો છો? હેં? મને કેટલા આપશો? મારો time બગડ્યો એના?

Boss: અહિયાં આવીને પણ પૈસા નો મોહ છૂટતો નથી.

માણસ: શું છે અહીં એવું? મોહ છોડવા જેવું? કહો ને! કેહતા કેમ નથી?.....ને તમે કોણ છો?

Boss: પરમ સત્ય! the ultimate truth!

માણસ: કેવું પરમ સત્ય? કોનું પરમ સત્ય?

Boss: દરેક જીવોનું પરમ સત્ય! (boss ના મોબાઈલ પર call આવે છે. એ call recieve કરી વાત કરે છે.)

માણસ: તમારા મોબાઈલ નું નેટવર્કપકડાય છે? મારા મોબાઈલ માં કેમ નથી પકડતું? (પોતાનો મોબાઈલ કાઢવા જાય છે પણ મોબાઈલ એની પાસે હોતો નથી) મારો મોબાઈલ! મારો મોબાઈલ ક્યાં ગયો! (માણસ ઉભો થઇ ને પોતાના ખીસા માં, બેગ માં mobile શોધતો હોય ત્યારે એને પરછાઈ દેખાય છે, જેને જોતા જ અ ચોંકી ઉઠે છે. boss ની ફોને પર વાત ચાલુ જ છે) મારી પત્ની અને છોકરો અહીં શું કરી રહ્યા છે? હે....(પરછાઈ તરફ અવાજ લગાવે છે, પણ એનો અવાજ નીકળતો નથી. boss ની ફોન પર વાત પતી ગઈ છે) હે......મારો અવાજ કેમ નીકળતો નથી? હે.....(પરછાઈ દેખાતી બંધ થાય છે) મારા અવાજ ને શું થયુ? હું કેમ બુમ પડી શકતો નથી? આ બધું શું થઇ રહ્યું છે?.....ટોપ floor ની સામે road કેવી રીતે દેખાઈ છે? એ પણ આટલો નજીક?

Boss: તમે જઈ શકો છો...તમને ઈન્ટરવ્યું માં fail કરવા માં આવ્યા છે. તમારી બદલે કોઈ બીજા ને select કરી લીધો છે આ જોબ માટે. તમે જાવ.

માણસ: આ બિલ્ડીંગ કેવું છે? ટોપફ્લોર ની સામે રોડ કેવી રીતે દેખાય?

Boss: તમે બિલ્ડીંગ ને બહાર થી જોયું છે ખરું?

માણસ: ના....ને હું......અહીં કેમ આવ્યો છુ?

Boss: જાવ! જલ્દી જાવ! દર વખતે મોડું કરવું ફાયદાકારક નથી.

માણસ: હું કેમ આવ્યો છુ ઈન્ટરવ્યું માટે? હું તો already જોબ કરું છુ! હું તો already જોબ કરું છુ!

Boss: જાવ લીફ્ટ તમારી રહ જોવે છે(હું તો already જોબ કરું છુ! આવું બબડતો માણસ જવા લાગે છે) અમને તમારી જરૂર હશે ત્યારે ફરી થી બોલાવીશું!

માણસ: હું તો already જોબ કરું છુ! હું તો already જોબ કરું છુ! (બબડતો exit કરે છે. boss ત્યાં જ ઉભો છે. black out)

light & sound effect. પેહલા બે વાહનો ના ટક્કર નો અવાજ. પછી લોકો નો કોલાહલ. ambulance ના siren નો અવાજ. હોસ્પિટલ માં કાર્ડીઓગ્રામ નો અવાજ. heartbeats. lights. હોસ્પિટલ માં વપરાતો પલંગ centre માં લવાય છે. બેડ પર થી માણસ નો અવાજ સંભળાય છે, “હું તો already જોબ કરું છુ!” બેસુદ અવસ્થા માં બબડે એમ. એક વોર્ડબોય જોઇને તરત પાછો જાય છે, ને ડો ની સાથે પ્રવેશ કરે છે. ડો પણ એ જ છે જે સ્વીપર, office ex. ને boss બન્યો હતો. માણસ બબડતો હોય છે. ડો એને ચેક કરે છે)

Doc: હોશ આવી ગયો તમને, હવે ચિંતા નહી. તમારી wife ને આ good news આપી આવું. (માણસ bed પર થી ઉઠવા જાય છે) અરે...જાતે બેઠા થશો નહી...હું ગોઠવણ કરી આપું, (bed નું liver ઊંચું કરે છે. માણસ bed પર બેઠેલો દેખાય છે. માણસ doc ને એક ટસે જોતો હોય છે. ને doc તરફ અન્ગલી ચીંધે છે) બે દિવસ પેહલા તમારું accident થયું હતું. લોહી ખાસું વહી ગયું હતું ને તમારી હાલત બહુ જ serious હતી. તમે મૌત ના મો માં થી બહાર આવ્યા છો. (માણસ હજી પણ doc ને ધારી ધારી ને જોઈ રહ્યો છે) શું થયું?

માણસ: (બોલવાની ગતિ ધીમી) મેં....તમને જોયા છે....સપનામાં....હમણાં આંખ ખુલી એની પેહલા સપના માં તમને જોયા....તમે મારો ઈન્ટરવ્યું લઇ રહ્યા હતા.

Doc: તમને જયારે હોસ્પિટલ માં લાવા માં આવ્યા હતા ત્યારે સાવ બેહોશી ની હાલતનહોતી, જોકે તમારું લોહી ખુબ વહી રહ્યું હતું, may be anesthesia આપતી વખતે તમે મારો ચેહરો જોયો હોય. anesthesia ની અસર પૂરી થાય ને માણસ ભાન માં આવે, ત્યારે જાણે સપના માં થી બહાર આવતો હોય એવું લાગે. એટલે તમે જે કોહ છો એવું બની શકે.

માણસ: હ્હ્હ....(એની નજર એક બોર્ડ પર પડે છે. માણસ એ તરફ આંગળી ચીંધે છે)

Doc: Life is Truth! patients ને positive vibrations મળે માટે લગાવ્યું છે. અધૂરું વાક્ય છે, life is truth, death is the ultimate truth, અસલ માં એવું છે. patient વોર્ડ માં death લખવું બરાબર નથી, અટલે આ અધૂરું વાક્ય જ લખી રાખ્યું છે.

માણસ: (doc ની સામે ધારી ધારી ને જોવે છે) death is the ultimate truth! ultimate truth! પરમ સત્ય!..... death is the ultimate truth! ultimate truth! પરમ સત્ય!.....

Doc: અરે શું થયું તમને? (માણસ બોલતો અટકી જાય છે) બહુ બોલશો નહી તમને આરામ ની જરૂર છે. (bed સરખો કરે છે) આરામ કરો. હું તમારી wife ને મોકલું છુ.(doc exit. bed પર માણસ ધીમે ધીમે બબડે છે death is the ultimate truth! ultimate truth! પરમ સત્ય!.....black out)

lights. માણસ stage centre માં ખુરશી પર બેઠો, છાપુ વાંચી રહ્યો છે. ચેહરો છાપા માં ઢંકાઈલો છે.

માણસ: રાજા જનક ને એક સપનું આવ્યું. સપના માં પોતે જંગલ માં શિકાર કરવા ગયા હોય છે ને ભૂલા પડી જાયે છે. કોઈ જ સાથે નહી. ના સૈનિકો ના સેવક. જંગલ માં ભટકતા થાકી ગયા છે. ભૂખ અને તરસ થી બેહાલ છે. આગળ વધતા એક ઝુપડી દેખાય છે. ત્યાં જાય છે, એ ઝુંપડીમાં એક ડોસી રેહતી હોય છે. ડોસી રાજા ને કહે છે કે એની પાસે રાંધેલું કશું છે નહી, એ રાંધી શકે એવી એની હાલત નથી. આ થોડા ચોખા છે, તો જાતે રાંધી લે. રાજા જનક જેમ તેમ ચૂલો સળગાવી, માટલી માં ચોખા રાંધે છે. ભાત તૈયાર છે, રાજા કેળાનું એક પાન તોડે છે ને એની પર ભાત પીરસી લે છે. નીચે બેસીને જેવો ભાત ખાવા જતો હોય છે કે બે સાંઢ લડતા લડતા ત્યાં આવે છે ને ભાત માં ધૂળ-ધૂળ કરી નાખે છે. રાજા રડવા લાગે છે. ત્યારે એની આંખ ખુલે છે, આસપાસ જોવે છે તો પોતે રાજમહલ માં આરામ થી સુતો હતો. આ સપના નું રહસ્ય શું છે? સત્ય શું છે? એ જાણવા રાજા મથામણ કરે છે. એના રાજ્ય નો કોઈ પણ વિદ્વાન સત્ય શું છે એ કહી શકતો નથી. જવાબ આપનાર ને રાજા પોતાનું સમગ્ર રાજ્ય આપશે. ને જો કોઈ જવાબ નહી આપી શકે તો એને ફાંસી મળશે, ઘોષણા માં એવી શરત હોય છે. એક દિવસ રાજ દરબાર માં અષ્ટાવક્ર નામનો ૧૨ વર્ષ નો વિકલાંગ છોકરો આવે છે. દરેક સવાલ નો જવાબ આપવાની અષ્ટાવક્ર તૈયારી બતાવે છે. રાજા જનક અષ્ટાવક્ર ને પોતાના સ્વપ્ન ની વાત કરે છે. ને પૂછે છે કે સત્ય શું છે? એ સ્વપ્ન માં દેખાઈલી પોતાની દીનતા, લાચારી, એ સત્ય છે કે પછી પોતે ચક્રવર્તી રાજા નું જીવન જીવી રહ્યો છે એ સત્ય છે. અષ્ટાવક્ર એ જવાબ આપ્યો કે રાજન, ના એ સત્ય હતું ના આ સત્ય છે. તને આવુલું સપનું થોડા ક્ષણો નું હતું. આ સપનું ૧૦૦ વર્ષનું હશે. જે દિવસે તું મરીશ આ સપનું પણ તૂટી જશે. (છાપું હટાવી ને) આ પણ સપનું ને પેલું પણ સપનું. આ પણ સત્ય નથી ને પેલું પણ સત્ય નથી. તો સત્ય છે શું? (boss પ્રવેશે છે, બોલતા બોલતા માણસ ની પાછળ આવી ને ઉભો રેહ છે બરોબર એના માથા ની પાછળ)

Boss: હું છું પરમ સત્ય! The ultimate truth!. તમારો ઈન્ટરવ્યું ફરી ગમે ત્યારે ગોઠવાય શકે છે એટલે ચેતતા રેહજો... કદાચ બીજી વાર માં તમે select થઇ જાઓ પણ ખરા! (માણસ ગંભીરતા થી audience ની તરફ જોવે છે. Boss પણ સામે ની તરફ જોઈ રહ્યો છે, હુક્કો પીતા ધુમાડો કાઢી રહ્યો છે. હસી રહ્યો) (fade out)

THE END