ફિલ્મનું નામ : ફર્ઝ
ભાષા : હિન્દી
પ્રોડ્યુસર : સુંદરલાલ નાહટા, પોઠીના દુન્દેશ્વર રાવ
ડાયરેકટર : રવિકાંત નગાઈચ
કલાકાર : જીતેન્દ્ર, બબીતા, સજ્જન, આગા, રાજનલા, મોહન ચોટી, મુકરી, કાંચના અને અરુણા ઈરાની
રીલીઝ ડેટ : ૬ ઓક્ટોબર ૧૯૬૭
જીતેન્દ્ર હજી તે સમયે નવો જ હતો. તેની ફક્ત બે જ ફિલ્મો રીલીઝ થયેલી હતી. તે સમયે રવિકાંત નગાઈચ તેને મળ્યા અને આ ફિલ્મમાં રોલ કરવા વિષે પૂછ્યું. ફિલ્મનો વિષય જેમ્સ બોન્ડ પ્રકારનો હતો. ૧૯૬૬માં એક તેલુગુ ફિલ્મ આવી હતી ‘ગુડાચારી ૧૧૬’ જે સુપરહીટ સાબિત થઇ હતી, જેના સીનેમેટોગ્રાફર ખુદ રવિકાંત હતા. રવિકાંત આ ફિલ્મને હિન્દીમાં બનાવવા માગતા હતા.
આ ફિલ્મ દ્વારા તે પોતે દિગ્દર્શક બનવાના હતા. વિષય જબરદસ્ત હતો, પણ આ ફિલ્મના હિરોના રોલ માટે આ પહેલાં મનોજ કુમાર અને શશી કપૂર ના પાડી ચૂક્યા હતા. ફિરોઝ ખાન સાથેની વાત છેલ્લી ઘડીએ પંડી ભાંગી હતી. અંતે હિરોના રોલ માટે જીતેન્દ્ર ફાઈનલ થયો અને નિર્માતાની શોધ ચલાવી જે સુંદરલાલ નાહટા (શ્રીકાંત નાહટાના પિતા અને જયા પ્રદાના સસરા) ઉપર આવીને પુરી થઇ.
ફિલ્મ થિયેટરમાં આવી, પણ દર્શકો ન આવ્યા. બારમા અઠવાડિયા સુધી તો થિયેટર માલિકોએ ખેંચી, પણ હવે વધુ ખેંચી શકાય તેમ નહોતું. રવિકાંત પોતાના પ્રથમ સાહસને નિષ્ફળ થતું જોઇને નિરાશ હતા. તે સમયે જીતેન્દ્રએ ચાલાકી કરી. તેણે પાંચ હજાર જેટલી રકમ ખર્ચીને ફર્ઝ્ની ટીકીટો ખરીદી, જેથી તેના માલિકો ફિલ્મને થિયેટરમાંથી ઉતારી ન લે. તેનું માનવું હતું કે જો ફિલ્મ પંદર અઠવાડિયાં સુધી ટકી જશે તો ફિલ્મ ચાલી નીકળશે. તેનું અનુમાન સાચું પડ્યું અને પંદરમા અઠવાડિયા પછી તો ફિલ્મ એવી ચાલી નીકળી કે બ્લોક બસ્ટર સાબિત થઇ અને ૧૯૬૭ ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ત્રીજે નંબરે રહી. ફર્ઝ્થી વધુ કમાણી બે ફિલ્મોએ જ કરી હતી. મનોજ કુમારની ‘ઉપકાર’ અને દિલીપ કુમારની ‘રામ ઔર શ્યામ’. ઓક્ટોબરમાં જ રીલીઝ થયેલી ‘જ્વેલ થીફ’ પાછળ રહી ગઈ હતી.
૧૯૬૬માં ધર્મેન્દ્ર નામના સિતારાનો ઉદય થયો હતો અને ૧૯૬૭માં જન્મ થયો જીતેન્દ્રનો. ઊછળકૂદ પ્રકારના નૃત્યની આવડતને લીધે તેને ‘જમ્પિંગ જેક’ નું બિરુદ આ ફિલ્મ દ્વારા મળ્યું. જીતેન્દ્ર કોઈ પારંગત ડાન્સર નહોતો, પણ તેના નૃત્યમાં નવીનતા હતી એટલે લોકોને તે ગમી ગયું.
મૂળ ફિલ્મમાં એજન્ટ ૧૧૬નો રોલ દક્ષિણના ઉભરી રહેલ સિતારા ક્રિશ્ના (અત્યારના સુપરસ્ટાર મહેશબાબુના પિતા) એ કર્યો હતો અને હિરોઈન તમિલનાડુના પૂર્વમુખ્યમંત્રી સ્વર્ગીય જયલલિતાએ કર્યો હતો. ઓરીજીનલ અને રીમેકમાં ફક્ત એક જ કલાકાર કોમન રહ્યા. તે હતા ફિલ્મના મુખ્ય વિલન રાજનલા. તેમણે દક્ષિણની અનેક ફિલ્મોમાં એન. ટી. રામારાવ અને એમ. જી. રામચંદ્રન સામે વિલનની ભૂમિકાઓ ભજવી છે.
ફિલ્મની શરૂઆત થાય છે એક ષડ્યંત્રથી. દેશના દુશ્મનોએ પૂલ ઉડાડવાનો પ્લાન કર્યો છે. તે સમયે એજન્ટ ૩૦૩ તે નાકામ કરે છે અને ભાગી રહેલ દેશદ્રોહીઓના ફોટા પાડી લે છે, જેમાં એક ગાડીની નંબર પ્લેટનો પણ ફોટો છે.
તે દેશદ્રોહીઓનો લોકલ બોસ દામોદર (સજ્જન) છે. દામોદર એજન્ટ ૩૦૩ ના ખાત્માનું કામ એમને સોંપે છે અને તેઓ સફળતાપૂર્વક એજન્ટ ૩૦૩ ને મારી નાખે છે. જો કે તેની પાસેથી તેમને કોઈ સબૂત નથી મળતા. એજન્ટ ૩૦૩ ના મૃત્યુની તપાસ માટે સિક્રેટ સર્વિસના ચીફ (ડેવિડ, સિક્રેટ સર્વિસના ચીફના રોલ માટે કોઈ ના મળ્યું!) એજન્ટ ૧૧૬ ને મોકલે છે, જે જેમ્સ બોન્ડની તર્જ ઉપર હસીના સાથે મોજ માણી રહ્યો હતો. છોકરીઓને પટાવવામાં માહિર એજન્ટ ૧૧૬ એટલે કે ગોપાલ કિશન પાંડે (જીતેન્દ્ર) મિશન પૂરું કરવા માટે ફ્લાઈટ પકડે છે. ફ્લાઈટમાં તેનો ભેટો સુનીતા (બબીતા) સાથે થાય છે. ગોપાલની સ્ટાઈલ સુનીતાને ગમી જાય છે.
ગોપાલ શહેરમાં આવે છે અને તેના દુશ્મનો તેની ઉપર હુમલો કરે છે, પણ બચાવમાં માહિર ગોપાલ તેમનો સામનો કરે છે અને બચી જાય છે. શહેરમાં ગોપાલને મદદ કરનારા સાથીદારો પણ છે. શાંતારામ (આગા) અને તેનો દીકરો હરહુન્નરી રાજુ (મુકરી) અને ચશ્મીશ ભાણીઓ નીક્કું (મોહન ચોટી). એજન્ટ ૩૦૩ની એક બહેન છે કમલા (કાંચના). ગોપાલ તેને મળે તે પહેલાં દામોદર તેને મળીને એવું જણાવે છે કે તે પોતે સી. આઈ. ડી. ઇન્સ્પેક્ટર છે અને કદાચ તેના ભાઈના હત્યારાઓ તેને મળવા આવે. ગોપાલ જયારે તેને મળવા જાય છે ત્યારે કમલા ગોપાલને તેના ભાઈનો ખૂની સમજી બેસે છે. જો કે ગોપાલ એજન્ટ ૩૦૩ એ પાડેલ ફોટા મેળવવામાં સફળ થાય છે. તે દરમ્યાન ગોપાલની મુલાકાતો સુનીતા સાથે થાય છે અને બંને એકબીજાના પ્રેમમાં પડે છે. સુનીતા દામોદરની દીકરી છે.
ફોટો અને અન્ય સબૂતો આંગળી ચીંધે છે કે દેશદ્રોહીઓનો લોકલ બોસ દામોદર છે. જો કે તેના માટે એ જાણવું મહત્વનું હોય છે કે આ બધા પાછળ અસલમાં કોણ છે. શું તે ષડ્યંત્રને તોડવામાં સફળ થાય છે? ગોપાલને પોતાના ભાઈનો ખૂની સમજતી કમલા શું કરે છે? એના જવાબ મેળવવા માટે ફિલ્મ જોવી રહી.
આ ફિલ્મ મનોરંજક ખરી, પણ ફિલ્મનું સૌથી નબળું પાંસુ તેની સીનેમેટોગ્રાફી અને તેની કોમેડી છે. કેટલાક સીન વખતે ખ્યાલ નથી આવતો કે દિવસનો સીન છે કે રાતનો. આમ તો આગા અને મુકરીની કોમેડી જોવી ગમે, પણ આ ફિલ્મમાં ન જાણે કેમ કોમેડી ઉપરથી ભભરાવી હોય એવી ઉભડક લાગે છે અને હવે આ ક્યારે પૂરું થાય એવો વિચાર આવે. રીમેક વખતે દિગ્દર્શકો ભૂલી જાય છે કે દક્ષિણની ફિલ્મો મેજિક ઉપર ચાલે છે અને હિન્દી ફિલ્મો લોજીક ઉપર. પાર્ટી પૂર્ણ થયા પછી કેકની ફેંકાફેંકી અને મારામારી જોઇને માથું ફૂટવાનું મન થઇ જાય..શરૂઆતમાં એજન્ટ ૩૦૩ વાળો ભાગ વગરકારણે લાંબો ખેંચ્યો હોય એવું લાગે છે.
રવિકાંતની ડાયરેકટર તરીકે પહેલી ફિલ્મ હતી અને ફિલ્મ જોતાં એવું લાગે કે કોઈ વધુ સારો ડાયરેકટર હોત તો ફિલ્મ વધુ સારી બની હોત. જો કે આ બધી નબળાઈઓ ઉપર તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને ગીતો પડદો પાડી દે છે. સ્પાય થ્રીલરની ફિલ આપતું બેકગ્રાઉન્ડ મ્યુઝીક દરેક સીનને રોચક બનાવે છે.
અગાઉ જણાવ્યું તેમ આ ફિલ્મમાં જીતેન્દ્રએ પોતાની આગવી શૈલીનો ડાન્સ કરીને જપીંગ જેકનું બિરુદ મેળવ્યું અને સાથે જ સ્ટારડમ પણ મેળવ્યું. તે પછી તેણે પાછળ વળીને જોયું નથી. સંધ્યાના બોડીડબલનો રોલ કરીને કારકિર્દીની શરૂઆત કરનાર જીતેન્દ્રએ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું. દક્ષિણની સૌથી વધુ રીમેકમાં અભિનય કરવાનો રેકોર્ડ જીતેન્દ્રના નામે છે. કૂલ ૧૯૮ ફિલ્મોમાંથી ૭૫ થી વધુ ફિલ્મો રીમેક હતી. એટલે સુધી કે જીતેન્દ્ર મહિનાના પચીસ દિવસ મદ્રાસમાં રહીને શૂટિંગ કરતો.
આ મદ્રાસના આંટાફેરા સમયે ૧૯૭૬માં એવું બન્યું કે કરવા ચોથના દિવસે જીતેન્દ્ર મદ્રાસ જઈ રહ્યો હતો. ફ્લાઈટ મોડી પડી એટલે શોભાનું કરવા ચોથનું વ્રત તોડાવવા ઘરે પાછો આવ્યો. શોભા તેણે ચાળણીમાંથી જોઈ લે એટલે તે એરપોર્ટ પાછો જવાનો હતો, પણ શોભાએ ન જવા દીધો. જીતેન્દ્રએ મદ્રાસ જવાનું મુલતવી રાખ્યું અને થોડા સમયમાં તેમને સમાચાર મળ્યા કે તે જે ફ્લાઈટમાં જવાનો હતો તેનો એક્સીડેન્ટ થયો અને ૯૫ પ્રવાસીઓ મૃત્યુ પામ્યાં જેમાં દક્ષિણની રાની ચંદ્રા નામની અભિનેત્રી પણ સામેલ હતી. કરવા ચોથને લીધે જીતેન્દ્ર બચી ગયો.
કરિશ્મા અને કરીના કપૂરની મમ્મી બબીતા આ ફિલ્મમાં હિરોઈનના રોલમાં છે અને પોતાના રોલને સરસ રીતે નિભાવી જાય છે. કેટલાક સીનમાં તે કરિશ્મા કપૂર જેવી લાગે છે. મુખ્ય વિલન સુપ્રીમો (રાજનલા) ભાગે વધુ કંઈ કરવાનું આવ્યું નથી. ત્રુટક અંગ્રેજી શબ્દો બોલતા ચીની કમાન્ડરના રોલમાં ચહેરા કરતાં આંગળીના ઈશારા કરવાનું વધુ આવ્યું છે. તેના કરતાં વધુ સરસ રોલ કાશ્મીરી પંડિત સજ્જનના ભાગે આવ્યો છે. ૧૯૪૮ માં શરૂ થયેલી તેની કારકિર્દી ૧૯૯૬ સુધી લંબાઈ. છેલ્લે તે રામાનંદ સાગરની સીરીયલ ‘વિક્રમ વેતાલ’ માં અરુણ ગોવિલ સાથે વેતાલના રોલમાં દેખાયો હતો.
લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતનો જાદુ આ ફિલ્મમાં પણ જારી રહ્યો હતો. આ ફિલ્મનાં ગીતો જેટલાં કર્ણપ્રિય છે એટલાં જ દર્શનીય પણ છે અને તેની પાછળનું કારણ છે જીતેન્દ્રનો ડાન્સ. ‘મસ્ત બહારો કા મૈ આશિક’(રફી સાબ) નો અરુણા ઈરાની અને જીતેન્દ્રના ડાન્સની જુગલબંદી જોવાની મજા આવે છે. બબીતા અને જીતેન્દ્ર ઉપર ફિલ્માવેલ ‘તુમ સે ઓ હસીના કભી મહોબ્બત’ (રફી સાબ અને સુમન કલ્યાણપુર), ‘હમ તો તેરે આશિક હૈ સદીઓ પુરાને’ ( મુકેશ અને લતા દીદી) અને લગભગ દરેક જન્મદિવસે વાગતું ‘બાર બાર એ દિન આયે, બાર બાર દિલ એ ગાયે’ (રફીસાબ) ગીત પણ આ જ ફિલ્મનું છે. અન્ય બે ગીતો છે, પણ ઉલ્લેખનીય ન હોવાથી એ ટાળું છું.
એલ્વિસ પ્રેસ્લી જેવી હેર સ્ટાઈલ રાખતો, છોકરીઓ સાથે ફલર્ટ અને ડાન્સ કરતો ભારતીય બોન્ડ દર્શકોને તે સમયે બહુ ગમી ગયો હતો. આ ફિલ્મના એજન્ટ ૧૧૬ને હીરો લઈને ત્યારબાદ બે ફિલ્મો બની જેમાંથી એક હતી કીમત જેમાં ગોપાલ ઉર્ફ એજન્ટ ૧૧૬ બન્યો હતો ધર્મેન્દ્ર અને રક્ષામાં ફરી જીતેન્દ્રને લેવામાં આવ્યો હતો.
કેટલીક નાની ભૂલો સાથેની આ ફિલ્મ જોવા જેવી તો ખરી જ. .
સમાપ્ત.