Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - વિચારોની ગરબી

Featured Books
Categories
Share

ડાયરી - સીઝન ૨ - વિચારોની ગરબી

શીર્ષક : વિચારોની ગરબી
©લેખક : કમલેશ જોષી

એકવાર અમારા એક પ્રેક્ટિકલ મિત્રે પ્રશ્ન કર્યો “આપણો આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે કે નહિ એની ખબર કેવી રીતે પડે?” અમે સૌ એની સામે જોઈ રહ્યા. એ આગળ બોલ્યો "કોઈનો પગાર બાર હજારમાંથી અઢાર હજાર કે પચ્ચીસ હજાર થાય, કોઈ નવી ગાડી કે નવો બંગલો બનાવે એટલે એનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ તરત જ આપણને સમજાઈ જાય. બાળકની હાઈટ વધે, વજન વધે કે જુવાનીયાઓ સિક્સ પેક બનાવે કે કોઈ પાંચ કિલોમીટરની બદલે આઠ કિલોમીટર દોડી શકતું થઈ જાય તો એનો શારીરિક વિકાસ થઈ રહ્યો છે એ દેખાઈ આવે. કોઈનું રીઝલ્ટ સાંઠ ટકામાંથી વધીને સીત્તેર કે એંસી ટકા આવવા માંડે એટલે એનો માનસિક કે બૌધિક વિકાસ કે એની મેમરીનો વિકાસ થઈ રહ્યો છે એમ આપણે માની લઈએ, પણ કોઈ વ્યક્તિનો ધાર્મિક કે આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે એનું મેઝરમેન્ટ શું?”

હવે અમને એના પ્રશ્નની ગંભીરતા ધ્યાનમાં આવી. પાંચ વર્ષ પહેલા તમે આધ્યાત્મિક રીતે ક્યા લેવલે હતા અને અત્યારે ક્યા લેવલે છો એ કેમ ખબર પડે? શું તમે એકની બદલે ત્રણ ચાંદલા કરવા માંડો, એકને બદલે ત્રણ મંદિરે દર્શન કરતા થઈ જાઓ, ગીતાજીના પાંચ-પંદર શ્લોક પાકા કરી લો, વર્ષે એકને બદલે ત્રણ વખત સત્યનારાયણની કથા કરાવો કે ગળામાં એકને બદલે ત્રણ માળા પહેરી લો એટલે તમારો આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે એમ માની શકાય? તમે શું માનો છો?

એક વડીલે કહ્યું, "શારીરિક અને આર્થિક વિકાસ એ બહારથી જોઈ શકાતી બાબતો છે જયારે ધાર્મિક કે આધ્યાત્મિક વિકાસ એ બાહ્ય વિકાસ નથી, આંતરિક વિકાસ છે, ભીતરે, મનમાં, વિચારોમાં, સંસ્કારોમાં થતો ફેરફાર છે. એ ફૂટપટ્ટીથી કે વજન કાંટાથી કે ઓન પેપર આપેલા જવાબોથી કે જાહેરમાં કરેલા વર્તનોથી માપી શકાતો નથી. એ એકદમ ખાનગી, અંગત અને સૂક્ષ્મ ડેવલપમેન્ટ છે.” એમની વાત અમને સૌને થોડી અઘરી લાગી. અમારા પ્રેક્ટિકલ મિત્રે પ્રશ્નને વધુ સૂક્ષ્મ બનાવતા પૂછ્યું, "શારીરિક વિકાસ માટે જેમ થોડી કસરત, યોગ અને પૌષ્ટિક ભોજન જેવા પ્રયોગો છે, આર્થિક વિકાસ માટે જેમ મેઈન જોબની સાથે પાર્ટ ટાઈમ જોબ, થોડું ક્લેવર ઇન્વેસ્ટમેન્ટ, થોડી બચત, થોડી વધુ રિસ્પોન્સીબીલીટી વાળી જોબ વગેરે નરી આંખે દેખાય એવા સાફ સાફ રસ્તાઓ છે એમ આધ્યાત્મિક વિકાસ માટેની કસરતો કે સ્ટેપ્સ ક્યા?”

“નવરાત્રી” અચાનક જ અમારા ટીખળી મિત્રે તાળી પાડતા જાણે રહસ્ય ખોલી નાખ્યું હોય એમ જવાબ આપ્યો. અમે સૌ એની સામે જોઈ રહ્યા. અમારી આંખોમાં રમતી નવાઈ જોઈ, એ પણ સહેજ મુંઝાઈ ગયો. "કેમ શું થયું?" પૂછતાં એણે કહ્યું, "નવરાત્રીમાં નવ નવ દિવસ સુધી મા જગદંબાની આરાધના આપણે કરીએ છીએ એ શું આપણી ભીતરે કંઈ ફેરફાર નથી કરતી?" પૂછી જાણે કૈંક યાદ આવ્યું હોય એમ એ બોલ્યો, "તમે ભૂલી ગયા નવરાત્રીની કથા? મહિષાસુર નામનો રાક્ષસ હતો, તપ કરી વરદાન મેળવ્યું, એ પછી દેવલોક જીતવા આક્રમણ કર્યું. દેવતાઓએ શિવજીની મદદ માંગી. એમણે દેવી શક્તિની આરાધના કરવાનું કહ્યું. દેવીએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને દસમા દિવસે એનો વધ કર્યો. રામે રાવણ સાથે યુદ્ધ કરી દશેરાને દિવસે એનો વધ કર્યો એમ આપણે પણ જો નવરાત્રીમાં સાચી આરાધના કરીએ તો આપણા ભીતરી મહિષાસુર કે રાવણનો વધ ખુદ દૈવી શક્તિ ના કરે?" એ આટલું બોલી અટક્યો અને અમારી સૌની સામે વારાફરતી જોવા લાગ્યો.

“આરાધના?” પેલા પ્રેક્ટિકલ મિત્રે ટીખળી સામે વેધક નજરે જોતા પૂછ્યું. “તને શું લાગે છે, મોટા મોટા પાર્ટી પ્લોટોમાં ડી.જે. પર જે કાન ફાડી નાખતા સાઉન્ડ વગાડીને આપણે મોજ, મસ્તી અને જલસો માણીએ છીએ એ આરાધના છે?” ઓહ, પ્રેક્ટિકલનો પ્રશ્ન અઘરો હતો. થોડા સમય પહેલા જ જૈન સમાજમાં ઉપવાસની જબરી સાધના-આરાધનાનું પર્યુષણ પર્વ ગયું. આઠ, અગિયાર, એકવીસ દિવસ કે એક મહિનો કશું જ ફૂડ ખાધા વિના કાઢવો એ અઘરી નહિ ખતરનાક બાબત હતી. ફરાળી કચોરી, વેફર, સુકીભાજી જેવા વિવિધ વ્યંજનો સાથે માંડ માંડ અઠવાડિયે એકાદ દિવસનું એકટાણું કરતા અમારા જેવા જુવાનીયાઓ માટે ભૂખ કે ભોજન પર આટલી હદ સુધીનો કાબૂ મેળવવો એ નીયરલી ઇકવલ ટુ ઈમ્પોસીબલ વાત હતી. મિત્રો જો આ વાક્ય વધુ પડતું લાગતું હોય તો ત્રણ દિવસ અન્નનો એક પણ દાણો મોંમાં નાખ્યા વિના રહી જોવાની ફ્રેન્કલી અને ફ્રેન્ડલી કોશિશ કરી જોજો. આપણા પ્રાચીન કાળનો યંગસ્ટર નચિકેતા યમરાજના દ્વાર પર ત્રણ દિવસ ભૂખ્યો બેસી રહ્યો હતો. મૃત્યુને ફેસ ટુ ફેસ મળવા ગયેલા નચિકેતાની ભીતરી ઉર્જા ક્યા લેવલે પહોંચી હશે કે સ્વામી વિવેકાનંદે કહેવું પડ્યું કે ‘ગીવ મિ વન હન્ડ્રેડ નચિકેતાસ એન્ડ આઈ વિલ ચેન્જ ધી વર્લ્ડ’. આ વાક્ય સ્વામી વિવેકાનંદનું હોવાથી એની સીરીયસનેસ ખૂબ વધી જાય. માત્ર સો વ્યક્તિ, જેનો ભીતરી વિકાસ, સૂક્ષ્મ સ્તરે વિકસેલી મક્કમતા, સાતમા પડદે ચાલતા વિચારોની તેજસ્વિતા જો નચિકેતા જેવા હોય તો આખી દુનિયા, ખાલી જામનગર, રાજકોટ, અમદાવાદ, કલકતા, મુંબઈ જ નહિ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, જર્મનીમાં પણ પોઝીટીવ ચેન્જીસ કરી આપવાની સ્વામી વિવેકાનંદે ગેરેંટી આપી હતી.

મિત્રો, હું અને તમે ક્યાં છીએ? આપણે કેટલી નવરાત્રીઓ માણી? કેટલી બધી વખત મા જગદંબા આપણી શેરી-સોસાયટીમાં નવ-નવ દિવસ રમવા, આપણી ભીતરે વિકસી રહેલા મહિષાસુર ટાઈપ, રાવણ ટાઈપના, કામ-ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરથી ભરેલા વિચારો સાથે ડીબેટ કરવા, એને હરાવવા અને આપણો ભીતરી વિકાસ-અધ્યાત્મિક વિકાસ કરવા આવી અને જતી રહી. શું આપણે પૂરી ઈમાનદારીથી કહી શકીશું કે ગયા નોરતા અને આ નોરતા દરમિયાન આપણે આપણો ઈગો થોડો ઓછો કર્યો છે કે લોભ થોડો ઘટાડ્યો છે? જેમ હજારો બાળકોમાં પણ મમ્મીનું ધ્યાન પોતાના બાળક પર હોય એમ, નવરાત્રી દરમિયાન મા જગદંબા મોટા-મોટા સ્ટેજ કે હેલોજન લાઈટ કે સાઉન્ડ સિસ્ટમને નહિ પણ તમને જોવાની છે, તમારા મગજમાં, મનમાં જે વિચારોની ગરબી આ નવ દિવસ થવાની છે એ ગરબી પર માવડીનું ધ્યાન રહેવાનું છે. શું આ નવ દિવસ આપણે વૈચારિક ઉપવાસ ન કરી શકીએ? શું આ નવ દિવસ આપણે તીખા તમતમતા, તામસી વિચારોને બદલે મીઠા, મધુરા સાત્વિક વિચારો ન કરી શકીએ? શું આ નવ દિવસ આપણે આપણી ભીતરે અડીંગો જમાવી બેસી ગયેલા મહિષાસુર, રાવણ કે દુર્યોધન ટાઈપ થીંકીંગ પર બ્રેક મારી આદ્યશક્તિ મા જગદંબા, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને મુરલી મનોહર કાનુડાને ગમી જાય એવા જીવન તરફ એટલીસ્ટ નવ દિવસ જીવવાની પ્રેક્ટીસ ન કરી શકીએ? મિત્રો, નારી શક્તિના પ્રતિક સમી મા જગદંબા નાની બાળાઓ સ્વરૂપે તમારા ભરોસે તમારી શેરી-સોસાયટીમાં આવવાની છે, જો એનું માન સન્માન જળવાઈ ગયું તો આ વર્ષ જ નહિ, આ જીવન જ નહિ, જન્મો જનમની આપણી યાત્રા સફળ થઈ જશે એવું મારું તો માનવું છે. તમે શું માનો છો?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)